લોકસભા ચૂંટણી 2019 : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન આખરે દોડશે ક્યારે?

બુલેટ ટ્રેન Image copyright Getty Images

દાવો : સરકારનો દાવો છે કે વર્ષ 2022 સુધી બુલેટ ટ્રેન સેવા શરૂ થઈ જશે.

નિષ્કર્ષ : વર્ષ 2022 કે 2023 સુધી બુલેટ ટ્રેન સેવા શરૂ કરવી મુશ્કેલ

વર્ષ 2015માં અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ભારતે આ અંગે જાપાન સાથે કરાર પણ કર્યા. જાપાન આ પરિયોજનામાં રોકાણ કરી રહ્યું છે. વર્ષ 2017માં આ પરિયોજનાનું મોટાભાગનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ પરિયોજનાનો પ્રારંભ એક સમારોહમાં થયો, જેમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ભાગ લીધો.

એ જ વર્ષે ભારતીય રેલવેએ કહ્યું, "15 ઑગસ્ટ 2022 સુધી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલનું કામ પૂરૂં કરવાના તમામ પ્રયાસો હાથ ધરાશે."

બીજી તરફ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેમનું લક્ષ્ય વર્ષ 2022 સુધી ટ્રૅકના એક ભાગને પૂરો કરવાનું છે. જેથી વધેલું કામ આગામી વર્ષ સુધીમાં પૂરું કરી શકાય.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુલેટને એક એવી 'જાદુઈ ટ્રેન' ગણાવી છે, જેનું કામ ક્યારેય પૂરું નહીં થાય.


ટ્રેનની જરૂરિયાત

Image copyright Getty Images

કેટલાય ભારતીયો માટે ટ્રેનમાં મુસાફરી કરવી સસ્તો અને સુવિધાનજક વિકલ્પ છે.

દરરોજ ભારતમાં લગભગ 9 હજાર ટ્રેનમાં બે કરોડથી વધુ લોકો સફર કરે છે.

જોકે, વર્ષોથી રેલવેના મુસાફરો સારી સુવિધા અને મુસાફરીનો સારો અનુભવ માગી રહ્યા છે.

'વંદે ભારત એક્સપ્રેસ' ભારતની સૌથી ઝડપી ટ્રેન છે. જેની ગતિ ટ્રાયલ રન દરમિયાન 180 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી.

બીજી બાજુ, જાપાનની બુલેટ ટ્રેનની સ્પીડ 320 કિલોમિટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય છે.

કામગીરી પૂરી થયા બાદ 15 અબજ ડૉલરના ખર્ચે આ પરિયોજના મુંબઈને સુરત અને અમદાવાદ સાથે જોડશે.

જાણકારો અનુસાર જે 500 કિલોમિટરનું અંતર કાપતાં હાલમાં આઠ કલાક લાગે છે, આ ટ્રેન એ જ અંતરને ત્રણ કલાકમાં પૂરું કરી લેશે.

અને જ્યારે આ ટ્રેન સંપૂર્ણ ગતિએ ચાલશે ત્યારે આ અંતર સવા બે કલાકની અંદર પૂરું થઈ જશે.

હાલમાં વર્ષ 2022ની ડૅડલાઈનને એક વર્ષ માટે વધારી દેવાઈ છે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકો હવે 2022ને બદલે 2023માં બુલેટ ટ્રેનના દોડવાની વાત કરી રહ્યા છે.

જોકે, કેટલાક જાણકારોના જણાવ્યા અનુસાર વર્ષ 2023માં પણ જો આ ટ્રેન શરૂ થઈ જાય તો એ સારી વાત ગણાશે.

'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ અર્બન અફૅર્સ'નાં ડેબોલિના કુંડુએ બીબીસીને જણાવ્યું, "પ્રોજેક્ટ પર જે ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે એ જોતાં મને શંકા છે. આ ઉપરાંત પરિયોજનામાં નોકરશાહીને લઈને પણ અવરોધો સર્જાયા છે."

આ પરિયોજનાને પૂર્ણ કરવાની જેની જવાબદારી છે એ 'નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશન'ના પ્રમુખ અચલ ખરેએ બીબીસી સાથેની વાતચીતમાં ડેડલાઈનને 'મુશ્કેલ' ગણાવી.

જોકે, એમ છતાં તેઆ આશાવાદી છે.

એનએચઆસઆરસી અનુસાર વર્ષ 2022 સુધી સુરત અને બીલીમોરા વચ્ચેના 48 કિલોમિટરનો ટ્રેક તૈયાર થઈ શકે છે.

એનએચએસઆરસીએ બીબીસી સાથેની વાતચીતમાં સંપૂર્ણ પ્રોજેક્ટની ડેડલાઈન ડિસેમ્બર 2023 ગણાવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પડકાર

Image copyright Getty Images

આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં સૌથી મોટો પડકાર જમીન હાંસલ કરવાનો છે.

આ પ્રોજેક્ટ માટે 1,400 એકર જમીનની જરૂર છે. જેમાંથી મોટાભાગની જમીન ખાનગી છે.

એનએચએસઆરસીનું લક્ષ્ય હતું કે વર્ષ 2018ના અંત સુધીમાં જમીન અધિગ્રહણને પૂરું કરી લેવાશે.

જોકે, હવે આ કાર્ય વર્ષ 2019ના મધ્ય સુધીમાં પૂરું કરવાનું કહેવાઈ રહ્યું છે.

આ માટે લગભગ 6 હજાર જમીનમાલિકો પાસેથી જમીન ખરીદવાની છે પણ હજુ સુધી માત્ર 1 હજાર જમીનમાલિકો સાથે જ સમજૂતી પર હસ્તાક્ષર કરાવી શકાયા છે.

અહેવાલો અનુસાર લગભગ કેટલાક જમીનમાલિક વળતરની રકમને લઈને સંતુષ્ટ નથી અને તેઓ જમીન અધિગ્રહણનો વિરોધ કરી રહ્યા છે.

ખરે આ અંગે વાત કરતા કહે છે, "કાયદા અનુસાર જમીનના માલિકોને જેટલું વળતર મળવું જોઈએ, એના કરતાં 25 ટકા વધુ વળતર અપાઈ રહ્યું છે."

આમ છતાં કેટલાક વિસ્તારોમાં જમીન અધિગ્રહણને લઈને પ્રદર્શન થયાં છે અને કોર્ટમાં આ અંગે અરજીઓ પણ દાખલ કરાઈ છે.

કોર્ટમાં અરજીઓનો અર્થ છે કે મામલો વર્ષો સુધી લંબાઈ શકે છે.

જાણકારોના મતે ટ્રેન જંગલી અને કાંઠાળ વિસ્તારમાંથી પણ પસાર થશે.

એટલે વિવિધ સરકારી ક્લિયરન્સ મળવામાં પણ વાર લાગી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ