લોકસભા ચૂંટણી 2019 : ગડકરીએ કહ્યું, 'હું વડા પ્રધાનપદની રેસમાં નથી અને સંઘની આવી કોઈ ઇચ્છા પણ નથી '

અમિત શાહ તથા ગડકરીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન કપરા સમયમાં ગડકરી શાહને રાહ જોવડાવતા

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ રવિવારે વધુ એક વખત કહ્યું કે તેઓ વડા પ્રધાન બનવા નથી માગતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આવી કોઈ ઇચ્છા પણ નથી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇંડિયા)ને આપેલા ઇન્ટરવ્યૂમાં ગડકરીએ કહ્યું કે તેઓ અને પક્ષ 'દૃઢપણે મોદીની પાછળ ઊભા છે.'

નીતિન ગડકરીને 'સંઘપ્રિય' તથા 'ક્લબ 160'ના સભ્ય માનવામાં આવે છે.

છેલ્લા કેટલાક સમય દરમિયાન તેમણે સરકાર વિરુદ્ધ કરેલા નિવેદનોનો ઉપયોગ વિપક્ષે ભાજપ વિરુદ્ધ કર્યો હતો.


શું છે ક્લબ 160 ?

Image copyright Getty/BBC

જો ભાજપને પૂર્ણ બહુમત ન મળે અને ગઠબંધન માટે સાથી પક્ષોની જરૂર પડે, ત્યારે જે નેતાઓના નામની ચર્ચા થાય, તેને 'ક્લબ 160' તરીકે ઓળખવામાં આવે છે.

આ ચહેરા પરંપરાગત રીતે ભાજપ પ્રત્યે અણગમો ધરાવતા પક્ષો માટે પણ સ્વીકાર્ય બની શકે છે.

ભાજપનો એક વર્ગ અધ્યક્ષ અમિત શાહ તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી નારાજ છે, તેઓ ગડકરીનું સમર્થન કરી શકે છે.

ગડકરીનું 'બિઝનેસમૅન ફ્રેન્ડલી' વલણ તેમને ઉદ્યોગગૃહોના ફૅવરિટ ઉમેદવાર બનાવી શકે છે.

આ સિવાય 'મરાઠી અસ્મિતા'ના નામે શિવસેના તેમનું સમર્થન કરી શકે છે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપ પછી તે બીજો સૌથી મોટો પક્ષ હતો

ગડકરીને સંઘની નજીક માનવામાં આવે છે, તેઓ લોકસભામાં નાગપુરની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને ત્યાં જ સંઘનું મુખ્યાલય આવેલું છે.

ગડકરીનું કહેવું છે કે આગામી લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ગત વખત કરતાં પણ વધારે બેઠકો મેળવશે.

લોકસભા 2019ની ચૂંટણીમાં ગડકરીની શું ભૂમિકામાં હશે એ અંગેનો ચિતાર બીબીસી ગુજરાતીએ મેળવ્યો હતો.

આપને આ પણ વાચવું ગમશે

ગડકરીની રાજકીય સફર

Image copyright Getty Images
ફોટો લાઈન ફડણવીસના પિતાના સ્થાને ગડકરી ચૂંટાયા હતા

ગડકરીની રાજકીય સફર એક સામાન્ય કાર્યકર્તાથી લઈને મહત્ત્વના મંત્રી સુધીની છે.

ગડકરીની સફર અંગે વરિષ્ઠ પત્રકાર યદુ જોશીએ જણાવ્યું: "એમણે એમની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી કરી હતી."

"એમના માર્ગદર્શનમાં નાગપુર યુનિવર્સિટીની અનેક ચૂંટણી યોજાઈ હતી. એમની નેતૃત્વક્ષમતાને જોઈને તેમને પક્ષમાં મોકલવામાં આવ્યા."

"વિધાનસભામાં એકવાર તેમની હાર થઈ હતી, જોકે ત્યારબાદ તેઓ વિધાનપરિષદમાં ચૂંટાયા હતા."

"મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પિતા ગંગાધર ફડણવીસ વિધાનપરિષદમાં ધારાસભ્ય હતા. એમના નિધન બાદ એમના સ્થાને ગડકરી ઊભા રહ્યા."

"ત્યારબાદ તેઓ વર્ષો સુધી વિધાનપરિષદમાં ચૂંટાતા ગયા અને પછી યુતિના કાળમાં તેઓ મંત્રી બન્યા હતા."

વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહના કહેવા પ્રમાણે, "2009માં નીતિન ગડકરી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. બીજીવાર પણ અધ્યક્ષપદની માળા ગડકરીના ગળામાં જ પડવાની હતી, પણ પૂર્તિ ગોટાળાને પગલે એ શક્ય ન બન્યું."


ગડકરીનું સંગઠન-કૌશલ્ય

Image copyright Getty Images

બહુજન સમાજ અને બ્રાહ્મણોત્તર સમાજને ભાજપ સાથે જોડવામાં ગડકરીનો સૌથી મોટો ફાળો છે. બહુજન સમાજના કાર્યકર્તાઓને એમણે સાથે લીધા. તેમણે વિદર્ભમાં અનેક નેતા તૈયાર કર્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે તેઓ કુશળ સંગઠનકર્તા છે.

યદુ જોષીના મતે ગડકરી વિકાસપુરુષ અને વિકાસને મહત્ત્વ આપનારા નેતા તરીકે ઓળખાય છે. મોદી સરકારના મંત્રીમંડળના સૌથી સફળ મંત્રી તરીકે તેમનો ઉલ્લેખ થાય છે.

એમની આ છબિનો ફાયદો ભાજપને થઈ શકે છે. ભાજપની પ્રચારસભા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ સૌથી લોકપ્રિય નેતાઓમાં ગડકરી પ્રથમ સ્થાને હોઈ શકે છે એમ યદુ જોષીને લાગે છે.

નીતિન ગડકરીની કામગીરીની પ્રશંસા લોકસભામાં પણ થઈ છે. કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પણ ગડકરીની કામગીરીની પ્રશંસા કરી છે.

પણ મંત્રી તરીકેની તેમની કામગીરી મિશ્ર સ્વરૂપની છે એમ પી. ચિદમ્બરમે ઇન્ડયિન એક્સપ્રેસ માટે લખેલા એક લેખમાં જણાવ્યું છે.

ચિદમ્બરમે લખ્યું હતું, "રાજ્ય માર્ગના નિર્માણમાં તેમની કામગીરી ઉત્તમ છે, પણ ગંગા શુદ્ધીકરણના નામથી તેઓ માત્ર પ્રચાર કરે છે."

"જળસંગ્રહના ક્ષેત્રમાં અપેક્ષાથી ઓછી અને સિંચન ક્ષેત્રે એમની કામગીરી નિરાશાજનક રહી છે."


ગડકરી-મોદીનો પર્યાય હોઈ શકે?

Image copyright Getty Images
ફોટો લાઈન મોદીનો પર્યાય હોય શકે ગડકરી

નીતિન ગડકરી મોદીનો પર્યાય હોઈ શકે કે કેમ એવી ચર્ચા આપણે કાયમ સાંભળીએ છીએ. જો ત્રિશંકુ સ્થિતિનું નિર્માણ થશે તો ગડકરીનું નામ આગળ આવશે એમ વિશ્લેષકોનું માનવું છે.

રાજકીય વિશ્લેષક સબા નક્વીના કહેવા પ્રમાણે, "ચૂંટણી નજીક હોવાથી આવા પ્રકારના પર્યાયની ચર્ચાઓ એ એક ''ગેમપ્લાન'નો ભાગ હોઈ શકે છે. જો કદાચ મોદી હારી જાય તો વડા પ્રધાનપદ માટે નીતિન ગડકરીનું નામ આગળ આવી શકે છે."

"ગડકરી સંઘની નજીકના ગણાય છે. ઉપરાંત એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે તથા મંત્રી તરીકે તેમની કુશળ પ્રશાસકની છાપ ઊભી થઈ છે. તમામ પક્ષના નેતાઓ સાથે તેમને સારા સંબંધો છે."

ઇન્ડિયા ટુડેના કૉન્ક્લેવમાં નીતિન ગડકરીને આ જ સવાલ પૂછવામાં આવ્યો હતો.

ત્યારે પણ તેમણે સ્પષ્ટતા કરી કે 'ન તો મને વડા પ્રધાનપદની અપેક્ષા છે, ન તો મારી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા છે.'

રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું હતું કે ગડકરીમાં હિંમત છે. એમને જવાબ આપતાં ગડકરીએ કહ્યું હતું કે 'મને તમારા સર્ટિફિકેટની જરૂર નથી.'

વધુમાં તેમણે જણાવ્યું હતું, "અમારા અને કૉંગ્રેસના DNAમાં આ જ ફરક છે કે અમારો લોકશાહી પર વિશ્વાસ છે. તમારા દાવ-પેચ હવે ચાલશે નહીં."

"મોદીજી ફરી એકવાર વડા પ્રધાન બનશે અને અમે ફરી એકવાર પૂર્ણ તાકત સાથે દેશને આગળ લાવીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ