વડા પ્રધાન મોદીએ શૅર કરેલી વૃક્ષ પર ચડેલા ગીરના સિંહની તસવીર પાછળની કહાણી

કેસૂડાના વૃક્ષ પર ચડેલો સિંહ Image copyright dipak vadher
ફોટો લાઈન કેસૂડાના વૃક્ષ પર ચડેલો સિંહ

ગુજરાતમાં ગીરના જંગલના સિંહની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.

ફેસબુક અને ટ્વિટર પર અનેક લોકોએ આ તસવીરને શૅર કરી છે.

વાઇરલ થયેલી આ તસવીરને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિટ્વીટ કરી છે.

તેમણે ટ્વીટમાં લખ્યું છે કે ગીરનો ભવ્ય સિંહ, ખૂબ સુંદર તસવીર.

ગીરના જંગલમાં આ સિંહ કેસૂડાના ઝાડ પર ચડ્યો છે અને દૂર સુધી નજર નાખી રહ્યો છે.

વૃક્ષ પર ઊભેલા આ સિંહની તસવીર બીટ ગાર્ડ દીપક વાઢેરે લીધી છે.


બીટ ગાર્ડે ખેંચી હતી આ તસવીર

Image copyright dipak vadher
ફોટો લાઈન કેસૂડાના વૃક્ષ પર ઊભેલો સિંહ

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ડેપ્યુટી કન્ઝર્વેશન ઑફ ફોરેસ્ટ (ડીસીએફ) ડૉ. સુનીલ બેરવાલે કહ્યું કે આ તસવીર ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્કચ્યુરીની છે.

તેમણે કહ્યું, "આ તસવીર અમારા બીટ ગાર્ડ દીપક વાઢેરે રાબેતા મુજબના પેટ્રોલિંગ પર જઈ રહ્યા હતા ત્યારે ખેંચી હતી."

"દીપક વાઢેર જંગલમાં પેટ્રોલિંગ કરવાનું કામ કરે છે."

"નોકરીની ફરજના ભાગરૂપે તેઓ આ કામ કરે છે અને જંગલનાં અન્ય પ્રાણીઓની તસવીરો પણ લે છે."

આ તસવીર વિશે વાત કરતા તેમણે કહ્યું, "સિંહ જે વૃક્ષ પર ચડ્યો છે તે વૃક્ષ બહુ મોટું ન હતું, પરંતુ તસવીર એવા ઍંગલથી લેવામાં આવી છે કે તે વધારે ઊંચું દેખાય છે."

આ તસવીર જ્યાં લેવામાં આવી છે તે ગિરનાર વાઇલ્ડ લાઇફ સૅન્કચ્યુરી છે જે કુલ 100 કિલોમિટરથી પણ વધારે વિસ્તારમાં ફેલાયેલી છે.

સુનીલ બેરવાલના જણાવ્યા મુજબ વર્ષ 2015ની ગણતરી પ્રમાણે આ સૅન્કચ્યુરીમાં કુલ 33 સિંહ હતા.

જંગલમાં તસવીરો ખેંચવી એ મારો શોખ છે'

Image copyright Getty Images

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા બીટ ગાર્ડ દીપક વાઢેરે જણાવ્યું કે તેઓ જ્યારે જંગલમાં પેટ્રોલિંગ માટે જઈ રહ્યા હતા ત્યારે આ તસવીર ખેંચવાની તેમને તક મળી હતી.

"ગિરનાર વાઇલ્ડ લાઈફ સૅન્કચ્યુરીમાં હું નોકરી કરું છું. રાબેતા મુજબની નોકરીમાં હું પેટ્રોલિંગમાં જતો હતો, ત્યારે આ સિંહ ત્યાં હતો."

"જોતજોતામાં સિંહ વૃક્ષ પર ચડી ગયો. સિંહ પણ જાણે ફોટો પડાવવા માટે તૈયાર હોય તેવી રીતે પોઝ આપ્યો હતો. ત્યારે મેં મારા મોબાઇલમાં તસવીર ક્લિક કરી લીધી હતી. આ તસવીર થોડા દિવસ પહેલાં ખેંચી હતી."

"બીટ ગાર્ડનું કામ ફોરેસ્ટ પ્રૉટેક્શન અને વાઇલ્ડ લાઇફ પ્રૉટેક્શનનું હોય છે. જેમાં સિંહની હિલચાલ પર ધ્યાન રાખવું, કોઈ ગેરકાયદે અભયારણ્યમાં પ્રવેશ ન કરે, એમાં કોઈ ગુનો ન બને તે જોવાનું કામ હોય છે."

"જંગલખાતામાં છું એટલે મને આવી તસવીરો લેવાનું વધારે મન થાય છે. મેં અન્ય પ્રાણીઓની તસવીરો પણ લીધી છે."


ગત વર્ષે મોતનાં કારણે ચર્ચામાં આવ્યા હતા સિંહ

Image copyright Getty Images

વર્ષ 2018માં સપ્ટેબર મહિનામાં ગીરના સિંહો મોતનાં કારણે ચર્ચામાં આવ્યા હતા.

એ સમયે 20 દિવસના ગાળામાં 21થી વધારે સિંહોનાં મૃત્યુ થયાં હતાં.

જે મામલે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પાસે સિંહનાં મોત અંગે જવાબ માગ્યો હતો.

ગુજરાત સરકારના આંકડા પ્રમાણે, વર્ષ 2016 અને 2017માં કુલ 184 સિંહ મૃત્યુ પામ્યાં, તેમાંથી 30 જેટલાં તો આકસ્મિક રીતે મોતને ભેટ્યાં હતાં.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ, સિંહોનાં મૃત્યુનાં કારણો આંતરિક લડાઈ, રેસપીરેટરી અને હિપેટિક ફેલ્યૉર હતાં.

વર્ષ મુજબ સિંહોની વસતી?

Image copyright Getty Images

ગુજરાતમાં સિંહોની વસતી અંગે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા પર નજર કરીએ.

વર્ષ સિંહની વસતી
1920 50
1968 177
1979 205
1985 239
1990 284
1995 304
2000 327
2005 359
2010 411
2015 523

'નવાબને કારણે બચ્યા સિંહ'

'ગીર ફોરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન' નામના પુસ્તકમાં સુદીપ્તા મિત્રાએ ઉલ્લેખ કર્યો છે કે ગીરમાં એશિયાઈ સિંહોને સુરક્ષિત રાખવાનો શ્રેય જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે.

મુઘલો અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા, જેને કારણે જૂનાગઢમાં એશિયાઈ સિંહોની સંખ્યા ઘટવા લાગી હતી.

સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતા તત્કાલીન જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવા પગલાં લેવાંનું શરૂ કરી દીધું.

1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા. તેમણે સિંહને 'રાજ્યાશ્રય' આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.

એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો. ત્યારબાદ એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા. પછી ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી.

1950 આવતા સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ