લોકસભા ચૂંટણી 2019: શું ભાજપના રાષ્ટ્રવાદને વિપક્ષ પડકાર ફેંકી શકશે?

પ્રતીકાત્મક તસવીર Image copyright EPA

ગુજરાતમાં મતદાનને માત્ર હવે થોડો જ સમય બાકી રહ્યો છે. સાત તબક્કાનું મતદાન 11 એપ્રિલના રોજ શરૂ થયું, જે 19 મે સુધી ચાલશે અને 23 મેના રોજ પરિણામ આવશે.

દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં ચૂંટણીનો માહોલ ચર્ચામાં છે.

આ વખતે ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનો મુકાબલો વિખરાયેલા વિપક્ષ સાથે થશે.

કૉંગ્રેસ પાર્ટીએ ઘણી જગ્યાએ ક્ષેત્રીય પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે, પરંતુ દેશવ્યાપી ગઠબંધન હજુ સુધી થઈ શક્યું નથી.

હાલની સ્થિતિમાં સત્તાધારી ભાજપ કેટલો મજબૂત છે અને તેની સામે વિપક્ષની શું સ્થિતિ છે?

વાંચો આ સવાલ પર વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષનનું વિશ્લેષણ :

Image copyright Getty Images

આજના માહોલમાં ભાજપના ચૂંટણી અભિયાનનું પલડું થોડું ભારે દેખાઈ રહ્યું છે.

એમાં કોઈ શંકાને સ્થાન નથી કે હાલના સમયમાં સૌથી પ્રભાવશાળી વક્તા નરેન્દ્ર મોદી છે. ભાજપનું ચૂંટણી અભિયાન આક્રમક રીતે પોતાના રસ્તે ચાલી રહ્યું છે.

વડા પ્રધાન મોદીએ ચૂંટણી અભિયાનમાં સંપૂર્ણ તાકાત લગાવી છે. તેઓ પોતાનાં ભાષણોમાં દરેક વખતે નવી-નવી વાતો લઈને આવે છે.

વિશ્લેષકો તેમના દાવાઓની સત્યતા પર તર્ક-વિતર્ક કરી શકે છે, પરંતુ તેનો ચોક્કસ રીતે લોકો પર પ્રભાવ પડી રહ્યો છે.

ઉદાહરણ લઈએ તો થોડા દિવસો પૂર્વે ગ્રેટર નોઈડામાં વિકાસની પરિયોજનાઓના ઉદ્ધાટન કરવા આવેલા નરેન્દ્ર મોદીએ પોતાનાં ભાષણમાં મોટાભાગે વીજળી, પાણી અને રોડ જેવા મુદ્દાઓ પર વાત કરી, પણ અંતે તેઓ રાષ્ટ્રવાદ પર આવ્યા અને પાકિસ્તાનમાં ઉગ્રવાદી કૅમ્પ ભારતીય વાયુસેનાએ કરેલા હુમલાનો ઉલ્લેખ કર્યો.

આ હવાઈ હુમલાઓ પર સવાલ ઉઠાવનાર વિપક્ષ પર મોદીએ પ્રકારો કર્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદીની રણનીતિ

Image copyright Getty Images

2014માં મોદીની જે રણનીતિ હતી આજે પણ એ જ છે. એવા મુદ્દાઓ જે લોકોની ભાવનાઓને ભડકાવે, લોકોમાં ધ્રુવીકરણ કરે.

મોદી તો આવા મુદ્દાઓ પર વધુ નહીં બોલે, પણ અન્ય બધા જ નેતાઓ જોરશોરથી એ જ મુદ્દાઓ પર વાત કરશે.

જોકે, તેના જવાબમાં વિપક્ષની હાલત બહુ સારી નથી. રાહુલ ગાંધી રોજ રફાલ ગોટાળાની વાત કરે છે.

કૉંગ્રેસના અન્ય નેતાઓ રોજગારીની વાત કરે છે, પરંતુ તેની ખાસ અસર થતી નથી.

ઉત્તર પ્રદેશમાં જાતિગત દૃષ્ટિકોણથી જોઈએ તો સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે મજબૂત ગઠબંધન થયું છે.

બસપા અધ્યક્ષ માયાવતીએ પુલવામા હુમલો અને પાકિસ્તાનમાં થયેલા હવાઈ હુમલા પર સવાલો ચોક્કસ પૂછ્યા છે, પરંતુ જેવી જોઈએ એવી આક્રમકતા, ગતિ વિપક્ષમાં દેખાતી નથી.

વિપક્ષનું ગઠબંધન હજુ પણ જામતું નથી. દિલ્હીનું જ ઉદાહરણ લો. ક્યારેક કહેવાય છે કે ગઠબંધન થશે ને ક્યારેક નહીં.

ફોટો લાઈન વિપક્ષના ચૂંટણીપ્રચાર અભિયાનમાં જોઈએ તેવી આક્રમકતા દેખાતી નથી

ભાજપનું ચૂંટણી અભિયાન કઈ દિશામાં જશે એ સ્પષ્ટ થઈ ગયું છે. શક્ય છે કે વધુ એક હવાઈ હુમલો થઈ જાય. ભાજપ રાષ્ટ્રવાદના મુદ્દા પર જ ચાલશે.

પણ વિપક્ષની રણનીતિ શું હશે એ હજુ સુધી સ્પષ્ટ થઈ રહ્યું નથી.

શું વિપક્ષ ફરી વાર ખેડૂતોની સમસ્યાને મુદ્દો બનાવી શકશે? નાના વેપારીઓ જે રીતે જીએસટી અને નોટબંધીથી પ્રભાવિત થયા છે એ મુદ્દો બની શકશે?

સત્ય એ છે કે છેલ્લા દોઢ મહિનામાં વાસ્તવિકતા બદલાઈ નથી.

ખેડૂતો અને નાના વેપારીઓ આજે પણ પરેશાન છે, જેવા છ-સાત મહિના પહેલાં હતા.

સવાલ એ છે કે શું વિપક્ષ વાસ્તવિક મુદ્દાઓને પોતાના ચૂંટણી અભિયાનમાં અસરકારક રીતે ઉઠાવી શકશે અને ભાજપના રાષ્ટ્રવાદના મુદ્દાને પડકાર ફેંકી શકશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ