કુંભ : વિશ્વના સૌથી મોટા મેળામાં સાથીની શોધ, 360° ફિલ્મ

72 વર્ષનાં મનોરમા દેવી અને 68 વર્ષનાં ગિરિજા દેવી અલગઅલગ ગામમાં એકલવાયું જીવન જીવી રહ્યાં છે. ગિરિજા દેવીનું કહેવું છે કે ક્યારેક-ક્યારેક તો દિવસો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત થતી નથી. પરંતુ કુંભમેળો તેમના એકલવાયાં જીવનમાં ખુશી લઈને આવે છે.

જુઓ તેમનાં જીવનની કહાણી બીબીસી ફિલ્મમાં 360 ડિગ્રીમાં.

ભારતમાં યોજાતો કુંભ મેળો એ એવો ધાર્મિક મેળાવડો છે, જેમાં દુનિયામાં સૌથી વધુ લોકો એકઠા થાય છે. અહીંનો નજારો પણ જોવા જેવો હોય છે.

આ મેળો ઉત્તર ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશના અલ્લાહાબાદ શહેર (હાલનું નામ પ્રયાગરાજ)માં ગંગા અને જમના નદીના સંગમસ્થળે સદીઓથી યોજાય છે. પરંતુ છેલ્લા બે દાયકાથી આ મેળાએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.

કુંભ મેળો દર 12 વર્ષે યોજાય છે, જ્યારે તેના નાના સ્વરૂપ તરીકે ઓળખાતો 'માઘ મેળો' દર વર્ષે યોજાય છે.

રાજ્ય સરકારના આંકડા મુજબ, આ વર્ષે અંદાજે બે કરોડ 20 લાખ શ્રદ્ધાળુઓએ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે આ મેળાની મુલાકાત લીધી હતી.

હિંદુ માન્યતા પ્રમાણે, ત્યાં સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિ અને મોક્ષ મળે છે.

આ મેળામાં સાધુઓ અને ત્યાગીઓ આકર્ષણનું કેન્દ્ર રહે છે.

તેઓ નદીમાં ડૂબકી લગાવતી વખતે 'હર હર ગંગે' તથા 'મા ગંગા' જેવા નારા લગાવે છે. સ્નાન બાદ તેઓ આખા શરીરે ભસ્મ લગાવે છે.

પરંતુ આ દૃશ્યની બીજી તરફ નદીકિનારે એક સમુદાય શાંતિથી રહે છે. તેઓ 'કલ્પવાસી' તરીકે ઓળખાય છે, જેઓ મહિનાઓ સુધી ત્યાં રહે છે અને મોક્ષ તથા આધ્યાત્મિક સિદ્ધિઓ હાંસિલ કરવામાં તલ્લીન રહે છે.

આ મેળો એકલવાયું જીવન જીવતા લોકો માટે આંશિક રાહત લઈને આવે છે.

Image copyright Ankit Srinivas
ફોટો લાઈન મનોરમા મિશ્રા અને ગિરિજા દેવી

બીબીસી વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મમાં એવી બે મહિલાઓના જીવનને પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જેઓ પ્રથમ વખત મેળામાં આવ્યાં અને મિત્ર બની ગયાં.

આ કહાણી છે 68 વર્ષનાં ગિરિજા દેવી અને 72 વર્ષનાં મનોરમા મિશ્રાની.

મનોરમા મિશ્રાએ કહે છે, "ભારતનાં ગામડાંમાં મોટી ઉંમર થતાં જ જીવન એકલવાયું બની જાય છે, જે મોટી સમસ્યા છે."

"યુવાનો રોજગારી તથા અભ્યાસ માટે શહેરો તરફ વળે છે અને પાછળ ઘરડાં લોકોને છોડી જાય છે."

"પરંતુ અમારી પાસે કોઈ વિકલ્પ નથી, કારણ કે તેમનું ભવિષ્ય પણ અગત્યનું છે."

"મારે ચાર પુત્રો અને ત્રણ દીકરીઓ છે, જેઓ મારાથી અલગ રહે છે."

"અહીં હું મારી ઉંમરના લોકોને મળું છું અને અત્યારે અમે એક પરિવાર બની ગયા છીએ. આ સ્થિતિ મારા માટે ખુશીનો અહેસાસ લઈને આવે છે."

Image copyright Ankit Srinivas
ફોટો લાઈન ગિરીજા દેવી

ગિરિજા દેવીની કહાણી પણ કંઈક આવી જ છે.

તેઓ કહે છે, "મારા લગ્નનાં બે વર્ષ બાદ જ મારા પતિ મને એવું કહીને છોડી ગયા કે હું બહુ ઠીંગણી છું."

"ત્યારબાદ હું મારા પિતા સાથે રહેવા લાગી, પરંતુ તેઓ પણ 15 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા. ત્યારથી હું મારા ગામમાં એકલવાયું જીવન જીવી રહી છું."

"ક્યારેક-ક્યારેક તો દિવસો સુધી કોઈ વ્યક્તિ સાથે વાત થતી નથી. કુંભ મને આ એકલતામાં થોડી રાહત આપે છે. હું જાણું છું કે આ ક્ષણિક છે, પરંતુ મને એ પસંદ છે."

360 ડિગ્રી વીડિયો જોવા માટે તમારા કૉમ્પ્યુટરમાં ક્રૉમનું લૅટેસ્ટ વર્ઝન, ઑપેરા, ફાયરફૉક્સ તથા ઇન્ટરનેટ એક્સપ્લોરરની જરૂર પડશે.

મોબાઇલ : ઍન્ડ્રૉઇડ અથવા iOSમાં યૂટ્યૂબના લૅટેસ્ટ વર્ઝનમાં વીડિયો જોઈ શકાશે.

પ્રોડક્શન :

ડિરેક્શન, સ્ક્રિપ્ટ, પ્રોડક્શન - વિકાસ પાંડે

ઍક્સિક્યુટિવ પ્રોડ્યુસર - ઝિલ્લાહ વૉટ્સન, ઍંગ્સ ફૉસ્ટર

BBC VR હબ પ્રોડ્યુસર - નિયાલ હિલ

આસિસ્ટન્ટ પ્રોડ્યુસર - સુનિલ કટારિયા

હાઇપર રિયાલિટી સ્ટુડિયો :

ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી - વિજ્યા ચૌધરી

ઍડિટીંગ અને સાઉન્ડ ડિઝાઇન - ચિંતન કાલરા

ક્રિએટીવ ડિરેક્ટર - અમરજ્યોત બેઇદવાન

ફિલ્ડ પ્રોડક્શન : અંકિત શ્રીનિવાસ, વિવેકસિંઘ યાદવ

ખાસ આભાર :

ઉત્તર પ્રદેશ સરકાર

રાહુલ શ્રીવાસ્તવ- અધિક પોલીસ અધીક્ષક

કુંભમેળા વહીવટીતંત્ર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો