મૂડીવાદ પર તોળાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો - રઘુરામ રાજન

રઘુરામ રાજન Image copyright AFP

ભારતીય રિઝર્વ બૅંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપી કે મૂડીવાદનો લાભ સામાન્ય લોકોને મળવાનું બંધ થઈ રહ્યું છે, જેના લીધે મૂડીવાદ અત્યાર સુધીના સૌથી ગંભીર 'સંકટ'માં છે.

બીબીબી રેડિયો ફોરના મંગળવારના કાર્યક્રમમાં રાજને કહ્યું, "જ્યારે પણ આવું થાય છે ત્યારે લોકો મૂડીવાદના વિરોધમાં ક્રાંતિ કરે છે."

તેમનું કહેવું હતું કે દેશની અર્થવ્યવસ્થા વિશે વિચાર કરતી વખતે સરકાર સમાજમાં રહેલી અસમાનતાને નજરઅંદાજ ન કરી શકે.

રઘુરામ રાજન ભારતીય રિઝર્વ બૅંકના ગવર્નર અને આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં મુખ્ય અર્થશાસ્ત્રી રહી ચૂક્યા છે.

કેટલાક લોકોનું માનવું હતું કે તેઓ બૅંક ઑફ ઇંગ્લૅન્ડના ગવર્નર માર્ક કાર્ને બાદ ગવર્નરનો પદભાર સંભાળી શકે છે.

હાલમાં તેઓ શિકાગો વિશ્વવિદ્યાલયમાં પ્રૉફેસર તરીકે ફરજ બજાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'કપરી સ્થિતિમાં લોકોનો વિદ્રોહ'

રઘુરામ રાજને બીબીસીને કહ્યું, "મારું માનવું છે કે મૂડીવાદ ખતરામાં છે, કેમ કે સામાન્ય લોકોને તેનો લાભ નથી મળતો. જ્યારે આવું થાય ત્યારે લોકો વિદ્રોહ કરે છે."

રાજને કહ્યું કે 'સામાન્ય શિક્ષણ' મેળવેલા કોઈ પણ મધ્યમવર્ગીય યુવા માટે પહેલાં નોકરી મેળવવી સરળ હતું. પરંતુ 2008ના વૈશ્વિક આર્થિક સંકટ બાદ પરિસ્થિતિ બદલાઈ છે અને હવે એવું થવું લગભગ અશક્ય છે.

તેમણે કહ્યું, "હવે તમે જો સફળ થવા માગતા હોવ તો તમારે ખરેખર ઉત્તમ શિક્ષણ મેળવવું જોઈએ."

"એ કમનસીબી છે કે વૈશ્વિક વેપાર-વ્યવસ્થા અને વૈશ્વિક સૂચના વ્યવસ્થાની અસર જે સમુદાય પર થઈ એ જ સમુદાયમાં શિક્ષણ-વ્યવસ્થા કથળતી ગઈ, તેમાં ગુનાઓ વધતા ગયા અને સામાજિક બીમારીઓ વધતી ગઈ. આ સમુદાય પોતાના લોકોને આવનારી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે તૈયાર ન કરી શક્યો."

એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સના એક રિપોર્ટ અનુસાર વૈશ્વિક આર્થિક સંકટ બાદ દુનિયાભરમાં દેવું 50 ટકા વધ્યું છે અને એ સાથે વૈશ્વિક રીતે ઉધાર લેવાની વ્યવસ્થામાં ઘટાડાની આશંકા છે.

આ રિપોર્ટ અનુસાર 2008 પછી દેશની સરકારો પર દેવું 77 ટકા વધ્યું છે, જ્યારે કંપનીઓ પર 51 ટકા સુધીનું દેવું વધ્યું છે.

જોકે વિશ્લેષકોનું માનવું છે કે આવનાર વૈશ્વિક આર્થક સંકટ વર્ષ 2008ની તુલનામાં ઓછું ગંભીર હશે.


સંતુલન કેવી રીતે જાળવવું?

Image copyright EPA

રઘુરામ રાજનનું માનવું છે કે મૂડીવાદ હાલકડોલક છે, કેમ કે એ દરેકને સમાન તક આપવામાં નિષ્ફળ રહ્યો છે.

તેમણે કહ્યું, "મૂડીવાદે દરેકને સમાન તક આપી નથી અને જે લોકો આ અસમાનતાનું નુકસાન વેઠી રહ્યા છે તેમની સ્થિતિ બહુ ખરાબ છે."

તેમણે કહ્યું, "જ્યારે ઉત્પાદનનાં દરેક સાધનોનું સમાજીકરણ કરવામાં આવે તો અધિનાયકવાદનો ઉદય થાય છે.''

"તમને સંતુલન જોઈએ, જેમાં તમને પસંદગીનો મોકો મળે. તમને વધુ તક કેવી રીતે મળે એ વિચારવું પડશે.''

આપને આ પણ વાંચવું ગમશે

વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ વિશે વાત કરતાં રાજન વેપાર ઓછો કરવા માટે વસ્તુઓ પર લગાવેલા આયાતકરોની તરફ ઈશારો કરે છે.

તેઓ કહે છે કે તમે અન્યના વેપાર પર પ્રતિબંધ લગાવશો તો તેઓ તમારી વસ્તુઓ પર પ્રતિબંધ લગાવશે.

તેઓ ઉમેરે છે, "સવાલ એ છે કે તમે સરહદની પાર પોતાના વેપારને કેવી રીતે ચાલુ રાખવા માગો છો અને પોતાના ચીજવસ્તુઓ ત્યાં કેવી રીતે પહોંચાડવા માગો છો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો