લોકસભા ચૂંટણી 2019 : બોલીવૂડ સ્ટાર્સને ટૅગ કરવા પાછળ આ હતી મોદીની ગણતરી

મોદી અને બોલીવૂડ સ્ટાર્સ Image copyright INSTAGRAM/ KARAN JOHAR
ફોટો લાઈન જાન્યુઆરીમાં બોલીવૂડ સ્ટાર્સ સાથેની આ સેલ્ફી ચર્ચિત બની હતી

નરેન્દ્ર મોદી સામાન્ય રીતે ટ્વિટર ઉપર સક્રિય હોય છે, પરંતુ બુધવારે સવારે વધુ પડતા સક્રિય હતા. લગભગ 75 મિનિટના ગાળામાં એક પછી એક 31 ટ્વીટ કર્યા હતા.

આ તમામ ટ્વીટ્સનો સંદેશ એક જ હતો: તમારા પ્રભાવનો ઉપયોગ કરીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરો.

બોલીવૂડ, સ્પોર્ટ્સ, આધ્યાત્મ અને રાજકારણના અલગ-અલગ 89 લોકો (અને સંગઠનોને) ટૅગ કર્યા હતા.

દરેક વ્યક્તિને ટૅગ કરતી વખતે ટ્વીટ્સને 'કસ્ટમાઇઝ' કર્યા હતા, જેમ કે ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ની ટૅગલાઇન 'ઇટ્સ ઑલ અબાઉટ લવિંગ યૉર ફૅમિલી.'

મોદીએ ફિલ્મના સ્ટાર્સ અમિતાભ બચ્ચન તથ શાહરુખ ખાનને ટ્વીટ કરતા લખ્યું, 'ઇટ્સ ઑલ અબાઉટ લવિંગ યૉર ડેમૉક્રસી.'


'કલાકારો ઉપર દબાણ'

રાજકીય લેખક આકાશ બેનર્જીના કહેવા પ્રમાણે, "આ એક જબરદસ્ત વ્યૂહરચના છે."

"મોદીએ લોકોને ટૅગ કર્યા, જેથી કરીને પ્રતિક્રિયા આપવી પડે. તમે એમની ઉપરના દબાણની કલ્પના કરી શકો છો?"

"જ્યારે દેશના વડા પ્રધાન તમને ટૅગ કરીને ડેમૉક્રસી વિશે ટ્વીટ કરે. હવે, તમે આ ટ્વીટની પ્રતિક્રિયા ન આપો, તો કેટલું ખરાબ લાગે?"

"હવે તમે ટ્વીટની ઉપર જવાબ આપો કે રીટ્વીટ કરો એટલે કેટલી મોટી શ્રૃંખલા બને, તેની કલ્પના કરો. લાખો લોકો સુધી પહોંચી શકો."

અને અપેક્ષા પ્રમાણે જ ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર, અક્ષય કુમાર અને આયુષ્માન ખુરાના સહિતના સ્ટાર્સે રિપ્લાય કર્યો હતો.


મિશન યુવામાં મદદ

Image copyright AFP
ફોટો લાઈન ટ્વીટ્સ પાછળ યુવાનો સુધી પહોંચવાની ગણતરી

મોદીએ કરેલાં ટ્વીટ્સમાં માત્ર લોકશાહીની ચિંતા ન હતી, તેમાં યુવા મતદાતાઓને આકર્ષવાની ગણતરી પણ હતી.

વર્ષ 2014માં મોદીએ ટ્વિટરનો અસરકારક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.

રાજનેતાઓએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, તેનો દાખલો મોદીએ બેસાડ્યો હતો.

આ વખતે તેઓ રૂપેરી પડદાની હસ્તીઓની શક્તિ ઉપર આધાર રાખી રહ્યા હોય તેમ જણાય છે, અને તેમાં સફળ પણ રહ્યા છે.

સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચા પણ થઈ હતી. દરેક ટ્વીટને હજારો રી-ટ્વીટ અને રિસ્પૉન્સ મળ્યા હતા.

ગત એક વર્ષમાં લગભગ એક કરોડ 40 લાખ મતદાતા ઉમેરાયા છે, જ્યારે તમારે આ યુવાનો સુધી પહોંચવું હોય, ત્યારે આ ટ્વીટ્સને વ્યૂહરચના જ ગણવી પડે.

આ વિશે વધુ વાંચો

મોદી, બોલીવૂડ અને સરકાર

Image copyright AFP
ફોટો લાઈન મોદીએ કુલ 31 ટ્વીટમાં વધુ મતદાનની અપીલ કરી

એવું નથી કે મોદીએ પ્રથમ વખત બોલીવૂડની ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હોય.

જાન્યુઆરી મહિનામાં તેમણે મુંબઈ ખાતે ફિલ્મ મ્યુઝિયમનુ ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારે ફિલ્મ જગતની હસ્તીઓ સાથેની સેલ્ફી લીધી હતી.

એ સેલ્ફીમાં રાજ કુમાર રાવ, આયુષ્માન ખુરાના, કરણ જોહર, રણવીરસિંહ અને વરુણ ધવન સહિત અનેક કલાકાર હતા.

બોલીવૂડ માત્ર 'ફોટો પડાવવા' સુધી જ નથી અટક્યું. ચૂંટણી વર્ષમાં સરકાર તરફી કેટલીક ફિલ્મો આવી છે.

આ સિવાય ગુજરાતી ફિલ્મ 'હું નરેન્દ્ર મોદી બનવા માગું છું' એ ચૂંટણી જાહેર થઈ, તેના બે દિવસ પહેલાં જ રિલીઝ થઈ હતી.

એપ્રિલ મહિનામાં નરેન્દ્ર મોદીના જીવન ઉપર આધારિત વેબ સિરીઝ 'મોદી' રિલીઝ થશે, જેના 10 ઍપિસોડ હશે.

જેનું દિગ્દર્શન ફિલ્મ 'ઓહ માય ગોડ'ના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ કર્યું છે.

આ સિવાય વડા પ્રધાન મોદીના જીવન ઉપર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'નું શૂટિંગ ચાલી રહ્યું છે, જેમાં વિવેક ઑબેરોય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. આ ફિલ્મનું નિર્માણ તેમના પિતા સુરેશ ઑબેરોય કરી રહ્યા છે.

બૉક્સર મેરી કોમના જીવન ઉપર આધારિત 'બાયોપિક'નું દિગ્દર્શન ઓમંગ કુમાર કરી રહ્યા છે.

આ પહેલાં યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના પ્રથમ કાર્યકાળ દરમિયાન તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક ઉપર આધારિત ફિલ્મ 'ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં અનુપમ ખેરે ડૉ. સિંઘની ભૂમિકા ભજવી હતી.

Livemint વેબસાઇટ ઉપર ફિલ્મના રિવ્યૂમાં 'સીધો રાજકીય હાથ' હોવાનું નોંધ્યું હતું.

તેમણે ઉમેર્યું કે 'ડૉ. સિંઘ ઉપરની ફિલ્મ દેખીતી રીતે ગાંધી પરિવાર ઉપર હુમલો કરવાનું માધ્યમ છે.'

આ સિવાય 'ઉરી - ધ ર્સજિકલ સ્ટ્રાઇક' એ વર્ષ 2016માં ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કરેલી કથિત આતંકવાદીઓના લૉન્ચપૅડની ઉપર કરેલી કાર્યવાહીની વાત હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે ફિલ્મનો ડાયલૉગ 'How is the josh?' ચૂંટણી રેલીઓમાં છવાયો હતો.


લગભગ અઢી મિનિટે એક ટ્વીટ

મતદાન સંદર્ભની ટ્વિટર શ્રૃંખલામાં વડા પ્રધાન મોદીએ બુધવારે સવારે 9.15 કલાકે પહેલું અને 10.30 કલાકે છેલ્લું ટ્વીટ કર્યું હતું. આ ગાળામાં તેમણે કુલ 31 ટ્વિટ કર્યાં હતાં અને 89 ટ્વિટર હૅન્ડલ્સને ટૅગ કર્યાં હતાં.

મોદીએ ટૅગ કરેલા લોકોમાંથી બોલીવુડ અભિનેતા શાહરુખ ખાન સૌથી વધુ ત્રણ કરોડ 76 લાખ ફૉલોઅર્સ ધરાવે.

જ્યારે સંજય ગુપ્તા સૌથી ઓછા 9238 ફૉલોઅર્સ ધરાવે છે, તેઓ હિંદી અખબાર દૈનિક જાગરણના ઍડિટર-ઇન-ચીફ છે.

મોદીએ ટ્વિટર પર નથી એવા કે. ચંદ્રશેખર રાવ (તેલંગણાના મુખ્ય પ્રધાન), શ્રી એમ (આધ્યાત્મિક ધર્મગુરુ), નેશનલ કૅડેટ કૉર્પ્સ (NCC), નેશનલ સર્વિસ સ્કીમ (NSS), નેહરુ યુવા કેન્દ્ર અને ઈનાડુ (તેલુગુ અખબાર અને ચેનલ)ને પણ ટૅગ કર્યા હતા.

'વડા પ્રધાન બદલો'

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે મોદીના ટ્વીટ ઉપર જવાબ આપતાં લખ્યું:

"વડા પ્રધાન મહાગઠબંધનને મહાપરિવર્તનની અપીલ કરી રહ્યા છે, તે જાણીને દિલ ખુશ થયું."

"હું પણ દેશના તમામ નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ જંગી મતદાન કરે અને નવા વડા પ્રધાન ચૂંટે."

મોદીએ અખિલેશને ટૅગ કર્યાં તેની ગણતરીની મિનિટો પહેલાં જ અખિલેશે એક ટ્વીટ લખ્યું હતું, જેમાં તેમણે સ્વચ્છ ભારત તથા ગંગા શુદ્ધીકરણ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

માયાવતીએ મોદીના ટ્વીટ ઉપર કોઈ જવાબ ન આપ્યો, પરંતુ તેમના ટ્વીટના અમુક કલાક બાદ લખ્યું કે 'દેશે હંમેશા સૈનિકોની શૂરવીરતા તથા તેમની શહીદીનું સન્માન કર્યું છે, પરંતુ ભાજપના કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં સૈનિકોની શહીદી કેમ? શું દેશ સલામત હાથોમાં છે.'

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગામી લોકસભા ચૂંટણી માટે એક સમયે તેમના કટ્ટર વિરોધી મનાતા માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે ગઠબંધન કર્યું.

(આ અહેવાલ માટે બીબીસી ઇન્ડિયા ઑનલાઇનના ઍડિટર આયેશા પરેરાના લેખનો આધાર લેવામાં આવ્યો છે, અંગ્રેજીમાં મૂળ લેખને વાચવા માટે અહીં ક્લિક કરો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો