'નેપાળ ના તો ચોકીદારોનું સપ્લાયર છે કે ના તો ભારતનું તાબેદાર'

અલકા લાંબા Image copyright ALKA LAMBA @TWITTER

'ચોકીદાર તો નેપાળથી પણ મંગાવી શકીએ છીએ' - આ વાક્યમાં રહેલો ઘમંડ ઊડીને આંખે વળગે છે.

આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અલકા લાંબાના ટ્વીટ 'મંગાવી શકીએ છીએ' પર થોડું ધ્યાન આપો તો, 'આપણે માલિક છીએ, આપણી પાસે પુષ્કળ પૈસા અને તાકત છે અને આપણે ક્યાંયથી પણ, કશું પણ મંગાવી શકીએ છીએ,' એવો સૂર સંભળાશે.

સાંજે આમલેટની લારીએ શરાબની બૉટલની રાહ જોતા દારૂડિયા પણ આવી જ વાત કરતા હોય છે -"અરે યાર, જેટલો જોઈશે, એટલો દારૂ મંગાવી લઈશું, આપણે કઈ વાતની તંગી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટિપ્પણી કરતી વખતે અલકા લાંબાને એ વાતનું ધ્યાન ન રહ્યું કે તેઓ નેપાળીઓ વિશે જે ટિપ્પણી કરી, તેનાથી વિવાદ સર્જાઈ શકે છે.

અલકા લાંબાએ ટ્વીટમાં લખ્યું - "પ્રિય ભારતવાસીઓ, કૃપા કરીને આ વખતે વડા પ્રધાન ચૂંટજો, ચોકીદાર તો આપણે નેપાળથી પણ મંગાવી શકીએ છીએ. નેપાળના ચોકીદાર ચોર નથી હોતા."

શું લાંબાને એવું લાગે છે કે આપણે, એટલે કે ભારત, ચોકીદારો સપ્લાયનો ઑર્ડર આપીશું એટલે નેપાળ દરવાજે ઊભેલા દરવાનની જેમ માથું નમાવશે અને બીજા જ દિવસે આપણે ત્યાં નેપાળી ચોકીદારોની લાઇન લાગી જશે?


નેપાળ એક સ્વતંત્ર રાષ્ટ્ર

Image copyright ALKA LAMBA @TWITTER

અલકા લાંબા ભૂલી ગયાં કે નેપાળ સ્વતંત્ર રાષ્ટ્ર છે - જે ભારતની જેમ ક્યારેય ગુલામ નથી બન્યું - નેપાળ, ભારત અને ચીનની વચ્ચે સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તે અલકા લાંબા માટે ચોકીદાર સપ્લાય નથી કરતું.

અલકા લાંબા ભણેલાં-ગણેલાં છે, દિલ્હી યુનિવર્સિટીનાં અધ્યક્ષપદે રહ્યાં છે. તેમણે સમજવું જોઈએ કે નેપાળમાં માત્ર ચોકીદાર જ નથી હોતા, ત્યાં પણ આઈટી (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) પ્રોફેસનલ, અર્થશાસ્ત્રી, વિજ્ઞાની, ઍક્ટર, બ્યૂટી ક્વીન અને સંગીતકાર પણ હોય છે.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક કે કેરળની જેમ જ નેપાળમાં પણ ચોકીદાર, સફાઈ કર્મચારી, મજૂર, ખેડૂત તથા અન્ય શ્રમિક વર્ગ પણ હોય છે.

અલકા લાંબાએ સમજવું જોઈએ કે જેવી રીતે ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને કેરળના લોકો અન્ય દેશોમાં ટૅક્સી ચલાવવા, સફાઈ કરવા કે કારખાનામાં કામ કરવા માટે ખાડીના દેશો, કૅનેડા, અમેરિકા, બ્રિટન, ઇટાલી કે ફ્રાન્સ જાય છે, એવી જ રીતે નેપાળના લોકો રોજગાર માટે ભારત આવે છે.

લાંબાનું નિવેદન એવું છે કે જાણે ટ્રમ્પ કહે - ન્યૂ યૉર્ક શહેરમાં ખૂબ ગંદકી થઈ ગઈ છે, ચાલો થોડા ઇન્ડિયન્સ મંગાવો.

અલકા લાંબાએ એ પણ જાણવું જોઈએ કે નેપાળના લોકો એવી રીતે જ બીજા દેશોમાં રોજગારી માટે જાય છે, જેવી રીતે ભારતમાંથી પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને કેરળ કે અન્ય રાજ્યોમાંથી લોકો ટૅક્સી ચલાવવા, સફાઈ કરવા અથવા કારખાનાંમાં કામ કરવા, આરબ દેશો, કૅનેડા, અમેરિકા, બ્રિટન અને ઇટાલી અથવા ફ્રાંસમાં જાય છે.

લાંબાનું આ નિવેદન એવું જ છે જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પ કહે-ચાલો જલદી કેટલાક ભારતીયોને બોલાવો, ન્યૂયૉર્ક શહેરમાં ખૂબ ગંદકી વધી ગઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નેપા ભારતનો ગરાસ નથી

નેપાળને પોતાનો ગરાસ સમજનારાં અલકા લાંબા એકલાં નથી. પોતાની ભૂલનો અહેસાસ થતાં તેમણે આ ટ્વીટ ચોક્કસથી હટાવી દીધું છે, પણ એનાથી એ માનસિક્તા નથી હટતી, જે નેપાળને ભારતનું તાબેદાર સમજે છે.

નેપાળના લોકોને પણ એ વાતનો અહેસાસ છે કે નેપાળને પોતાનો ગરાસ સમજનારાઓની સંખ્યા ઉત્તર ભારતમાં ઘણી વધારે છે.

ગત મહિને કાઠમાંડુથી દિલ્હી આવી રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં મારી સાથે બેઠેલા એક ભારતીય મુસાફરે જ્યારે બીયર માગી તો ફ્લાઇટ ઍટન્ડન્ટે એક પહોળું પ્લાસ્ટિક હાસ્ય રેલાવીને જવાબ આપ્યો, "સર, આ ડૉમેસ્ટિક ફ્લાઇટ છે, આમાં અમે બીયર સર્વ નથી કરતા."

એ ઍટન્ડન્ટને મારે પૂછવું હતું કે નેપાળ જનારી ફ્લાઇટ ક્યારથી ડૉમેસ્ટિક ફ્લાઇટ બની ગઈ? તમે નેપાળને ક્યારથી ભારતમાં સામેલ કરી લીધું, ડૂડ?"

નેપાળ એક સ્વતંત્ર દેશ છે, જ્યાં એક અલાયદું બંધારણ, અલાયદા વડા પ્રધાન, અલાયદી સંસદ અને અલાયદું સૈન્ય છે.

આવા એક સ્વંતંત્ર દેશમાંથી બીજા સ્વતંત્ર દેશમાં આવી રહેલી ફ્લાઇટને જેવી રીતે ફ્લાઇટ ઍટન્ડન્ટ ડૉમેસ્ટિક ફ્લાઇટ ગણાવી રહ્યો હતો, એવી જ રીતે આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય અલકા લાંબાને પણ લાગે છે કે, "ચોકીદાર તો અમે નેપાળથી પણ મંગાવી શકીએ છીએ."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
જીવના જોખમે મધ પાડવાનું કામ કરતા લોકોની કહાણી

મારા પર કટાક્ષ કરનારો નેપાળના ત્રિભૂવન ઍરપોર્ટ તહેનાત એ નેપાળી ઇમિગ્રેશન અધિકારી કદાચ કેટલાય ભારતીયોને મળતો હશે.

એણે મને કહ્યું હતું, "તપાઈં કો મુલુક, ઠુલો, ર તપાઈં કો જુંગપનિ ઠુલો" એટલે કે તમારો દેશ પણ બહુ મોટો છે અને તમારી મૂંછો એટલે કે અહમ(અહંકાર) પણ ઘણો મોટો છે.

ફ્લાઇટને કેટલાક કલાકની લાગી રહેલી વારને લઈને હું એ અધિકારીને ફરિયાદ કરવા માગતો હતો પણ ટાળી દીધું.

નેપાળીઓને ખરેખર લાગે છે કે ભારત બહુ મોટો દેશ અને એટલે ભારતીયોનો અહમ પણ બહુ મોટો છે.

કેટલીય વખત ભારતીયોને એ અહેસાસ જ નથી થતો કે નેપાળ અંગે તેઓ જે કંઈ પણ કહી રહ્યા છે, એ નેપાળના લોકોને પંસદ નથી આવતું.

આવા ભારતીયો પણ પાછા નિર્દોષ સવાલ કરી બેસે છે કે અમે તો નેપાળને પોતાનું માનીએ છીએ તો પછી સમસ્યા ક્યાં છે?

ભારતનો નેપાળ પ્રત્યે પ્રેમ

Image copyright EPA

કાઠમાંડુ પહોંચ્યા બાદ મેં પણ આવી જ ઉત્તર ભારતીય અણસમજમાં નેપાળી સાથીઓને કહ્યું, 'નેપાળ એકદમ ઘર જેવું જ લાગે છે' એટલે એક પણ ક્ષણ ગુમાવ્યા વિના એક નેપાળી સાથીએ કહ્યું, "હાં, તમારા વડા પ્રધાન મોદીજી પણ આવું જ કહે છે."

મને એ જ ઘડીએ સમજાઈ ગયું કે વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીના પ્રથમ પ્રવાસ દરમિયાન જે નેપાળીઓ 'મોદી-મોદી'ના નારા લગાવતા તેમના સ્વાગત માટે રસ્તા પર દોડી આવ્યા હતા એ જ આજે મોદીનો ઉલ્લેખ થતાં જ પ્રશ્નોની વર્ષા કેમ કરી દે છે.

આ પ્રકારની ઘટનાઓથી નેપાળીઓને લાગે છે કે ભારતીયો નેપાળના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર નથી કરતા પણ તેને પોતાની છત્રછાયામાં રાખવા ઇચ્છે છે.

સ્વતંત્ર સ્વભાવના નેપાળીઓને ભારતનો આવો પ્રેમ બિલકુલ પંસદ નથી આવતો. આમાં તેમને 'સાંસ્કૃતિક વિસ્તારવાદ'ની ગંધ આવે છે.

ત્રણ મહિના સુધી કાઠમાંડુમાં રહીને કામ કરી તેમજ નેપાળનાં કેટલાય શહેરો અને ગામડાં ફરીને મને એક વખત નહીં, કેટલીય વાર આવા સવાલોનો સામનો કરવો પડ્યો.

બસમાં, દુકાનોમાં, હોટલોમાં, રસ્તા પર વાતચીત કરતા લોકોએ મને વારંવાર એક જ સવાલ કર્યો, -મોદીજી અમને લોહીના આંસુએ રડાવ્યા પણ કેમ?

નેપાળના લોકો, ખાસ કરીને પહાડીઓ વર્ષ 2015ના એ દિવસોને ભૂલ્યા નથી જ્યારે નરેન્દ્ર મોદી સરકારે નેપાળની 'બિનજાહેર આર્થિક નાકાબંધી' કરી દીધી હતી અને લોકો પેટ્રોલ, ડીઝલ, ગૅસ જેવી વસ્તુના મોહતાજ બની ગયા હતા.

કેટલાય લોકો પોતાની ગાડીઓ અને મોટરસાઇકલને તાળું મારીને સાઇકલ ખરીદવા માટે મજબૂર થઈ ગયા હતા.

જોકે, નેપાળની નાકાબંધી પ્રથમ વખત નથી થઈ. રાજીવ ગાંધી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે પણ ભારતે નેપાળનો ઘેરો ઘાલ્યો હતો.

કાઠમાંડુથી થોડી દૂર આવેલા ચિતલાંગ ગામમાં પોખરામાંથી પોતાનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથે આવેલા એક અધ્યાપકે મને પછૂયું હતું, "નાકાબંધી કરીને શું મોદી જાણીજોઈને અમને ચીન તરફ નથી ધકેલી રહ્યા?"

હું શું જવાબ આપતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા