TOP NEWS: RSS નેતા ઇંદ્રેશકુમારે કહ્યું, 'તો પાકિસ્તાન ભારતમાં ભળી જશે'

Image copyright INDRESH KUMAR/FACEBOOK

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના વરિષ્ઠ પ્રચારક ઇંદ્રેશકુમારે કહ્યું છે કે વર્ષ 2025 બાદ પાકિસ્તાન ભારતનો હિસ્સો બની જશે.

આ વાત તેમણે શનિવારે મુંબઈમાં કાશ્મીર મામલા પર આપેલા એક ભાષણમાં કહી હતી.

તેમણે કહ્યું, "તમે લખી લો, 5-7 વર્ષ બાદ તમે કરાચી, લાહોર, રાવલપીંડીં અને સિયાલકોટમાં મકાન ખરીદશો અને બિઝનેસ કરવાનો મોકો મળશે."

ઇંદ્રેશકુમારે કહ્યું, "47 પહેલાં પાકિસ્તાન ન હતું. લોકો કહે છે કે 45 પહેલાં તે ભારત હતું. 25 બાદ ફરી તે ભારત બની જવાનું છે."

તેમણે આશા વ્યક્ત કરી કે 'અખંડ ભારત'નું સપનું જલદી જ સાકાર થશે.

ઇંદ્રેશકુમારે કહ્યું, "ભારત સરકારે પહેલીવાર કાશ્મીર પર આકરું વલણ અપનાવ્યું છે. કેમ કે સેના રાજકીય ઇચ્છાશક્તિ પર કામ કરે છે."

"એટલે અમે એ સપનું લઈને બેઠા છીએ કે લાહોર જઈને બેસીશું અને કૈલાસ માનસરોવર જવા માટે મંજૂરી નહીં લેવી પડે."

"ઢાકામાં અમે આપણા હાથની સરકાર બનાવી છે એક યૂરોપીયન યૂનિયન જેવું ભારતીય યૂનિયન ઑફ અખંડ ભારત જન્મ લેવાના રસ્તા પર જઈ શકે છે."


ગોવામાં કૉંગ્રેસે સરકાર રચવાનો દાવો કર્યો

મનોહર પરિર્કર Image copyright TWITTER.COM/MANOHARPARRIKAR

ગોવા કૉંગ્રેસે રાજ્યના રાજ્યપાલ મૃદુલા સિંહાને પત્ર લખીને માગ કરી છે કે સત્તારૂઢ ભાજપની ગઠબંધન સરકારને ડિસમિસ કરવામાં આવે અને તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવે.

વિપક્ષના નેતા ચંદ્રકાંત કાવેલકરને ટાંકતા અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇંડિયા લખે છે કે 'પર્રિકર સરાકરે જનતાનો વિશ્વાસ ગુમાવી દીધો છે.'

કૉંગ્રેસનું કહેવું છે કે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 'હજુ પણ ઘટશે.'

આજે ભાજપના ધારાસભ્યની એક બેઠક મળી રહી છે, જેમાં સંભવિત સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે.


48 કલાક પહેલાં મૅનિફેસ્ટો નહીં

Image copyright Getty Images

કેન્દ્રીય ચૂંટણી પંચે શનિવારે જાહેર કર્યું હતું કે રાજકીય પક્ષો ચૂંટણી યોજાવાને 48 કલાકનો સમય બાકી હોય ત્યારે ઇલેકશન મૅનિફેસ્ટો જાહેર ન કરી શકે.

પંચના કહેવા પ્રમાણે, માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો સાથે પરામર્શ બાદ આદર્શ આચારસંહિતામાં આ નિષેધનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જો એક કરતાં વધુ તબક્કામાં ચૂંટણીઓ યોજાઈ રહી હોય અને જે તબક્કા માટે ચૂંટણી યોજાઈ રહી હોય ત્યારે જે તબક્કાની ચૂંટણી બાકી હોય તે તબક્કાના મતવિસ્તારને લગતી જાહેરાત ન થઈ શકે.

અખબાર ધ હિંદુ ઉમેરે છે કે કમિશને આગ્રહ કર્યો છે કે 48 કલાકના સાઇલન્સ પિરિયડ દરમિયાન સ્ટાર કૅમ્પેનર્સ તથા રાજનેતાઓએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધવાનું, ચૂંટણીલક્ષી બાબતો ઉપર ઇન્ટરવ્યૂ આપવાનું ટાળવું.

તમે આ વાંચ્યું કે નહીં?

નવ મિનિટમાં છ સંતાનોને જન્મ

Image copyright Facebook

અમેરિકાના હ્યુસ્ટનની એક હૉસ્પિટલમાં અનોખો રેકર્ડ બનાવ્યો હતો. મહિલાએ નવ મિનિટના ગાળામાં છ બાળકોને જન્મ આપ્યો હતો.

અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સ હૉસ્પિટલને ટાંકતા લખે છે કે 'મહિલા થૅલમિયા ચિયાકા ચાર પુત્રો અને બે પુત્રીઓનાં માતા બન્યાં છે. લગભગ 4.7 અબજમાં એક આવો કિસ્સો બનતો હોય છે.'

આ બાળકોના વજન એક કિલોગ્રામથી લઈને પોણા બે કિલોગ્રામની વચ્ચે છે. તમામની સ્થિતિ સ્થિર છે, છતાં તેમને અમુક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે.


દિલ્હી પોલીસના ત્રણ અધિકારી સામે તપાસ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ગત વર્ષે નવેમ્બર માસમાં આત્મહત્યા કરનારા દિલ્હી પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર પ્રેમ વલ્લભ (ઉં.વ.55)નાં મૃત્યુની તપાસ ક્રાઇમ બ્રન્ચને સોંપવામાં આવી છે.

અંગ્રેજી અખબાર ધ ઇંડિયન ઍક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, પોલીસ હેડ ક્વાર્ટર્સના નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

દિલ્હીના પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયકે એસીપી પ્રેમ વલ્લભની ચિઠ્ઠીમાં જે ત્રણ પોલીસ અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમની ભૂમિકાના તપાસના નિર્દેશ આપ્યા છે.

આ અધિકારીઓએ કથિત રીતે એસીપી પ્રેમ વલ્લભના વિશ્વાસનો ગેરલાભ લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો