ન્યૂઝીલૅન્ડ હુમલામાં પાંચ ગુજરાતીઓનાં મૃત્યુ : 'આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો'

હુમલાખોરે એકલાએ હુમલો કર્યો હતો Image copyright Reuters
ફોટો લાઈન હુમલાખોરે હુમલો કરવા માટે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો

ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદો પર શુક્રવારે થયેલા હુમલામાં ઓછામાં ઓછા 50 લોકોનાં મૃત્યુ થયાં છે. ઉપરાંત અંદાજે 50 લોકો ઘાયલ હોવાના પણ સમાચાર છે.

આ મૃતકોમાં પાંચ ગુજરાતીઓ પણ છે. જેમાં એક અમદાવાદ, બે વડોદરા, એક ભરૂચ અને એક મૂળ નવસારીના અને હાલ ન્યૂઝીલૅન્ડના નાગરિકનો સમાવેશ થાય છે.

ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના રાજદૂતાવાસે ટ્વીટ કરીને આ હુમલામાં માર્યા ગયેલા પાંચ ભારતીય લોકોનાં નામ જાહેર કર્યાં છે. આ યાદીમાં ત્રણ ગુજરાતીઓનાં નામ સામેલ છે.

અમદાવાદના મહેબુબ ખોખર, વડોદરાના રમીઝ વ્હોરા અને આસિફ વ્હોરા માર્યાં ગયા છે.

જ્યારે ભરૂચના હાફિઝ મૂસા વલી સુલેનામ પટેલ અને મૂળ નવસારીના જુનૈદ કારા પણ આ હુમલામાં માર્યા ગયા હોવાનું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે.

ન્યૂઝીલૅન્ડ ખાતેનો ભારતીય રાજદૂતાવાસ હાલ આ હુમલામાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા પરિવાર માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યો છે.


પુત્રને મળવા ગયા અને મોત ભેટ્યું

Image copyright EPA, GETTY IMAGES, REUTERS

અમદાવાદના મહેબુબ ખોખર આ ગોળીબારમાં મૃત્યુ પામ્યા હોવાનું ભારતના રાજદૂતાવાસે ટ્વિટર પર જણાવ્યું છે.

મહેબુબ ખોખરના જમાઈ હાફિઝભાઈના જણાવ્યા અનુસાર મહેબુબભાઈ અને તેમનાં પત્ની અખ્તર બેગમ બે મહિના પહેલાં પોતાના પુત્રને મળવા માટે ન્યૂઝીલૅન્ડ ગયાં હતાં.

તેમના પુત્ર ઇમરાન પરિવાર સાથે ન્યૂઝીલૅન્ડમાં રહે છે. ઇમરાને પોતાના પિતાને મસ્જિદના દરવાજે ઊતારીને કાર પાર્ક કરવા ગયા જેથી તેઓ આ હુમલામાં બચી ગયા.

વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં હાફિઝભાઈએ જણાવ્યું, "મહેબુબભાઈને લઈને અમને હજુ સુધી કોઈ પુષ્ટી કરાઈ નથી. એમના પુત્ર પણ હૉસ્પિટલ બહાર જ ઊભા છે પણ એમણે પણ ખબર નથી કે મહેબુબભાઈ ક્યાં છે."

મહેબુબભાઈના બીજા પુત્ર અલ્તાફભાઈ સાથે બીબીસી ગુજરાતીએ આ આંગે વાત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર મહેબુબભાઈની હાલની સ્થિતિ અંગે તેમને કોઈ જાણકારી નથી.

મહેબુબભાઈનું મૃત્યુ થયું હોવાના ન્યૂઝીલૅન્ડ દુતાવાસના ટ્વીટ અંગે પણ તેમનું કહેવું છે કે તેમના ભાઈએ હજુ આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર મહેબુબ ખોખર મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને વર્ષો પહેલાં તેઓ અમદાવાદ સ્થાયી થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

મહેબુબ ખોખરના પડોશી આરીફભાઈ સાથે પણ બીબીસીએ આ અંગે વાતચીત કરી.

મહેબુબભાઈના પુત્રએ એમને ન્યૂઝીલૅન્ડ બોલાવ્યા હતા. તેઓ ન્યૂઝીલ‌ૅન્ડ ગયા એ પહેલાં એમની અને આરીફભાઈની મુલાકાત થઈ હતી.

મહેબુબભાઈ અંગે વાત કરતા આરીફભાઈ જણાવે છે, "તેઓ સજ્જન વ્યક્તિ હતા. નિવૃતિ બાદ તેમને ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. ઘરે હોય ત્યારે તેઓ અચૂક નમાઝ પઢવા માટે મસ્જિદ જતા હતા."

ગોળીબારની આ ઘટનામાં મહેબુબભાઈનું મૃત્યુ થયું હોવાની વાત એમનો પરિવાર હજુ સુધી ના સ્વીકારી હોવાનું આરીફભાઈ જણાવે છે.

આરીફભાઈ ઉમેરે છે, "ન્યૂઝીલૅન્ડ તો બહુ જ શાંત દેશ માનવામાં આવે છે. ત્યાં આ ઘટના ઘટી એ દર્શાવે છે કે દુનિયામાં ભાઈચારો ખતમ થઈ રહ્યો છે."

મસ્જિદ પર કરાયેલા હુમલાના આરોપીની હાલ ધરપકડ કરી લેવાઈ છે અને તેને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

હુમલાખોરે આ હુમલાને અંજામ આપવા માટે પાંચ બંદૂકોનો ઉપયોગ કર્યો હતો.


પિતા-પુત્રનાં મોત

Image copyright VhoraFamily

ક્રાઇસ્ટચર્ચની 'અલ નૂર મસ્જિદ' અને 'લિનવૂડ મસ્જિદ'માં થયેલા ગોળીબારમાં વડોદરાના આરીફભાઈ વ્હોરા અને તેમના પુત્ર રમીઝ વ્હોરાનાં મૃત્યુ થયાં છે.

બીબીસી સાથેની વાતચીતમાં આરીફભાઈના ભાઈ મોહસિનભાઈએ જણાવ્યું, "ગોળીબારની ઘટના બાદ મારા ભાઈ અને મારો ભત્રીજો બન્ને ગુમ છે."

"મારા મોટા ભત્રીજાનો ફોન આવ્યો હતો, જેમણે બન્નેનાં નામ મૃતકોની યાદીમાં હોવાનું જણાવ્યું છે."

મૂળ વડોદરાના અને છેલ્લાં સાત-આઠ વર્ષથી ન્યૂઝીલૅન્ડમાં સ્થાઈ થયેલા રમીઝભાઈ ક્રાઇસ્ટચર્ચની એક ફૅકટરીમાં કામ કરતા હતા.

જ્યારે આરીફભાઈ વડોદરામાં વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા.

મોહસિનભાઈ ઉમેરે છે, "મારા ભત્રીજાને ઘરે પુત્રીનો જન્મ થયો હોવાને કારણે આરીફભાઈ પત્ની સાથે 14મી ફેબ્રુઆરીએ ન્યૂઝીલૅન્ડ ગયા હતા."

"ગોળીબારની ઘટનાબાદ આરીફભાઈ અને રમીઝભાઈ બન્ને ગુમ હતા."

મોહસિનભાઈ જણાવે છે, "અમારા જે જવાના હતા એ જતા રહ્યા. હવે દોષિતને સરકાર ફાંસીએ લટકાવી દે તો પણ અમારા સ્વજન થોડાં પરત આવવાના!"

"એમણે કોઈનું શું બગાડ્યું હતું કે એમની સાથે આવું થયું? કોઈએ કોઈને પણ નુકસાન ના પહોંચાડવું જોઈએ. અમે તો બસ દુઆ કરીએ છીએ કે દુનિયામાં શાંતિ અને સુમેળ જવાઈ રહે"


પત્ની સાથે મસ્જિદ ગયા અને મળ્યું મોત

Image copyright Ayub Patel

આ હુમલામાં જીવ ગુમાવનારા અન્ય ગુજરાતી ભરૂચ જિલ્લાના લુવારા ગામના હાફિઝ મુસા પટેલ છે.

52 વર્ષીય મૂસા વલી હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

અહીં સારવાર બાદ તેમનું મૃત્યું થયું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે, તેની સ્વતંત્ર પુષ્ટી કરી શકાઈ નથી.

બીબીસી સાથેની વાતચીતમાં હાફિઝ મુસા પટેલના મોટા ભાઈ અયુબ પટેલે જણાવ્યું કે તેઓ ત્રણ દાયકા પહેલાં ફીઝીમાં સ્થાયી થયા હતા.

અયુબભાઈના જણાવ્યા અનુસાર હાફિઝભાઈને હજુ 20 દિવસ પહેલાં જ ન્યૂઝીલૅન્ડનું કાયમી નાગરિકત્વ મળ્યું હતું.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હાફિઝબાઈ લુસાકા શહેરમાં આવેલી મસ્જિદમાં મૌલવી હતા.

અયુબભાઈએ બીબીસીને જણાવ્યું, "એમના બે પુત્રો ઑસ્ટ્રેલિયામાં રહે છે, જ્યારે એમનાં પુત્રીઓનાં ન્યૂઝીલૅન્ડમાં જ લગ્ન થયાં છે."

હાફિઝભાઈ સાથે ઘટેલી ઘટના અંગે તેમના પુત્ર ઈકરામે જાણ કરી હોવાનું અયુબભાઈએ બીબીસીને જણાવ્યું હતું.

બન્ને ભાઈઓની ગત વર્ષે મુલાકાત થઈ હોવાનું પણ અયુબભાઈએ બીબીસીને જણાવ્યું.

અયુબભાઈએ ઉમેર્યું, "હાફિઝભાઈ દર વર્ષે ભારત આવતા હતા. દિનનો-ઇસ્લામનો પ્રચાર કરતા અને એ જ કામ કરતા હતા."

"મારા ભાઈ બહુ હસમુખા માણસ હતા. અમારું આખું ગામ શોકમાં છે."

પોતાની તબિયત નાદુરસ્ત હોવાને કારણે અયુબભાઈ ન્યૂઝીલૅન્ડ નથી જઈ રહ્યા પણ તેમના પુત્ર અને ભત્રિજો બન્ને ન્યૂઝીલૅન્ડ જઈ રહ્યા છે.

પટેલ અને તેમનાં પત્ની હુમલો થયો ત્યારે મસ્જિદમાં હતાં. જેમાં ગોળીઓ વાગતાં તેમનું મૃત્યું થયું છે. તેમના પત્નીનો આ હુમલામાં બચવા થયો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા હાફિઝ મૂસા પટેલના ભાઈ હાજી અલી પટેલે જણાવ્યું હતુ કે તેમના ભાઈ અને ભાભી બંને મસ્જિદમાં ગયાં હતાં.

તેમના કહેવા પ્રમાણે તેમના ભાઈને પીઠના ભાગમાં ગોળી વાગી હતી અને ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા.


'આતંકવાદનો કોઈ ધર્મ નથી'

Image copyright Getty Images

આ ઘટનામાં મૂળ નવસારી અને ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થયેલા જુનૈદ કારાનું પણ મૃત્યુ થયું છે.

જુનૈદભાઈના સંબંધી સુલેમાનભાઈ સાથે પણ બીબીસી ગુજરાતીએ ઘટના અંગે વાત કરી.

બીબીસી સાથેની વાતચીતમાં સુલેમાનભાઈએ જણાવ્યું, "જુનૈદભાઈ ન્યૂઝીલૅન્ડમાં દુકાન ચલાવતા હતા. એમનો જન્મ પણ ન્યૂઝીલૅન્ડમાં થયો હતો."

"જુનૈદભાઈએ લગ્ન સુરતમાં કર્યાં હતા અને તેઓ ભારતને બહુ પ્રેમ કરતા હતા. ન્યૂઝીલૅન્ડ ખાતેના એમના ઘરમાં એમણે બહુ મોટો તિરંગો લગાવ્યો છે."

સુલેમાનભાઈ જણાવે છે કે "આતંકવાદનો કોઈ ધર્મ નથી. આતંકવાદી ક્યારેય નથી જોતો કે મરનારી વ્યક્તિ હિંદુ છે કે મુસલમાન."

જૂનૈદભાઈના મૂળ નવસારી જિલ્લાના અળદા ગામમાં હતા. અળદા ગામના સરપંચ સાથે બીબીસી ગુજરાતીએ આ અંગે વાત કરી.

જુનૈદભાઈ અને તેમનો મોટાભાગનો પરિવાર વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો હોવાનું અળદા ગામના સરપંચ કિશોરભાઈએ બીબીસીને જણાવ્યું છે.

કિશોરભાઈએ ઉમેર્યું, "જુનૈદ બહુ સારી વ્યક્તિ હતા. અમારાં ગામમાં આવતાજતા હતાં. લગ્ન પણ અહીં જ કર્યાં. ગામમાં હોય ત્યારે નિયમિત નઝામ પઢતા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો