મોદી સરકારમાં ખરેખર બેરોજગારી વધી છે?

ટ્રેનમાં મુસાફરી કરતાં લોકો Image copyright AFP

ભારતમાં જ્યારે વર્ષ 2014માં ભાજપની સરકાર બની ત્યારે નોકરીના અવસરની યોજના તેમની સૌથી મોટા લક્ષ્યમાંથી એક હતી.

ઔપચારિક આંકડાથી મળેલી માહિતી ખૂબ મર્યાદિત છે. પરંતુ ગુપ્ત રીતે બહાર આવેલા બેરોજગારીના આંકડાએ ભારતમાં નોકરીઓ પર સવાલ ઊભા કર્યા છે અને ચર્ચામાં ગરમાવો આવ્યો છે.

કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેમણે નોકરી આપવાનો વાયદો પૂર્ણ કર્યો નથી.

તો શું ભારતમાં બેરોજગારી વધી છે?

11 એપ્રિલથી ભારતમાં લોકસભા ચૂંટણીની શરુઆત થવા જઈ રહી છે ત્યારે બીબીસી રિયાલિટી ચેક મુખ્ય રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલા વાયદા અને દાવાઓનું પરીક્ષણ કરી રહ્યું છે.

બેરોજગારી પર ચર્ચા ત્યારે ગરમ થવા લાગી જ્યારે સ્થાનિક મીડિયાએ નેશનલ સેમ્પલ સર્વે ઑફિસનો રિપોર્ટ બહાર પાડ્યો અને બતાવ્યું કે ભારતમાં બેરોજગારીનો આંકડો 6.1 ટકા ઉપર પહોંચ્યો છે.

આ આંકડો ચાર દાયકામાં સૌથી ઊંચો હોવાનું પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

NSSO દેશની વસતી સાથે સંબંધિત સૌથી મોટો સર્વે કરે છે, જેમાં બેરોજગારીનો આંકડો પણ જાણવા મળે છે.

નેશનલ સ્ટેટિસ્ટિક કમિશન (NSC)ના કાર્યકારી ચૅરમૅને રાજીનામું આપીને કહ્યું કે તેમણે આ આંકડાઓ પર મંજૂરી આપી છે.

પરંતુ સરકારે આ રિપોર્ટને માત્ર ડ્રાફ્ટ ગણાવ્યો અને રોજગારીની બાબતમાં કટોકટીની વાત ફગાવી છે. આ માટે સરકારે દેશની આર્થિક વૃદ્ધિનો દર વધ્યો હોવાનો તર્ક આપ્યો હતો.

100 કરતાં વધારે અર્થશાસ્ત્રી અને સમાજ વિજ્ઞાનના પ્રોફેસર્સે એક ખુલ્લો પત્ર લખ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની આંકડાશાસ્ત્રની વ્યવસ્થા રાજકારણના પ્રભાવ અને નિયંત્રણ હેઠળ છે.

NSSOનો બેરોજગારીનો છેલ્લો સર્વે વર્ષ 2012માં જાહેર થયો હતો. એ સમયે બેરોજગારી 2.7% રહી હતી.


શું બે સર્વેની સરખામણી થઈ શકે છે?

Image copyright AFP

નવા ગુપ્ત રીતે બહાર પડેલા રિપોર્ટને જોયા વગર તેની 2012ના સર્વે સાથે સરખામણી કરવી અઘરી છે અને એટલે જ કહી શકાતું નથી કે બેરોજગારીનો આંકડો 40 વર્ષોમાં સૌથી ઉપર પહોંચ્યો છે.

જોકે, ધ હિંદુ ન્યૂઝપેપરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્ટેટિસ્ટિક કમિશનના પૂર્વ વડાએ કહ્યું હતું, "પદ્ધતિ એક જ છે એટલે તેમાં સરખામણીની કોઈ સમસ્યા નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

માહિતીના બીજા સ્રોત

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના આંકડા જણાવે છે કે ભારતમાં વર્ષ 2012થી 2014 વચ્ચે બેરોજગારી ઘટી છે પણ વર્ષ 2018માં થોડી વધીને 3.5% પર પહોંચી હતી.

જોકે, આ માત્ર NSSOના 2012ના સર્વેના આધારે એક ભવિષ્યવાણી જ છે.

વર્ષ 2010થી ઇન્ડિયન લેબર મિનિસ્ટ્રીએ પોતાની પદ્ધતિ અપનાવીને પોતાનો સર્વે કર્યો છે.

2015માં બેરોજગારીનો આંકડો 5% પર હતો અને છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમાં વધારો થયો છે.

તેમની માહિતી જણાવે છે કે શહેરી વિસ્તારમાં મહિલાઓ વધારે બેરોજગારીનો સામનો કરે છે. ઇન્ડિયન થિંક ટૅન્કનું કહેવું છે કે તેમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

ફેબ્રુઆરીમાં બેરોજગારીનો આંકડો 7.2% પર પહોંચ્યો હતો જે પહેલાં 5.9% પર હતો.

આ આંકડો મુબંઈ સ્થિત સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE) નામની થિંક ટૅન્ક દ્વારા જાહેર કરાયો છે.

આ સંસ્થા પોતાનો સર્વે જાહેર કરે છે, પણ NSSO કરતાં નાના પાયે.


શ્રમની ભાગીદારીનો નબળો આંક

Image copyright Getty Images

શ્રમની ભાગીદારીના આંકડાથી પણ નોકરીનું માર્કેટ માપી શકાય છે.

તેનો મતલબ છે 15 વર્ષથી વધું ઉંમર ધરાવતા લોકોનો આંકડો કે જેઓ નોકરી કરવા માગે છે.

CMIEના વડા મહેશ વ્યાસ જણાવે છે, "શ્રમની ભાગીદારીમાં ઘટાડો નોંધાયો છે અને આંકડો 43% પર પહોંચ્યો છે કે જે વર્ષ 2016માં 47-48% હતો. એનો અર્થ એવો થાય કે કાર્ય કરવા સક્ષમ વસતિમાંથી 5 ટકા શ્રમબળ હટી ગયું. "

તેમનું કહેવું છે કે આવું થવા પાછળ કારણ હોઈ શકે છે બેરોજગારી અને નોકરીથી નિરાશા.

કયાં પરિબળોની ભારતમાં નોકરી પર અસર થાય છે?

Image copyright AFP

વર્ષ 2016માં ભારતે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરી હતી. તેનું કારણ હતું ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર નાણાં પર અંકુશ મેળવવો. આ પૉલિસીને નોટબંધી તરીકે ઓળખવામાં આવી.

એક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે નોટબંધીની કદાચ 35 લાખ નોકરીઓ પર અસર પડી છે અને યુવાનોના નોકરી કરવા પર અસર પાડી છે.

જોકે, મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોગ્રામની મદદથી દેશ ચીન અને તાઇવાન જેવું મેન્યુફેક્ચરીંગ હબ બનાવવા માગે છે, જેનાથી દેશની ટેકનિકમાં પણ સુધારો આવશે અને લોકોને નોકરી આપી શકાશે.

પણ માળખાકીય અવરોધો, જટીલ લૅબર લૉ અને નોકરશાહીના કારણે પ્રગતિ મંદ ગતિએ થઈ રહી છે.

અર્થશાસ્ત્રીઓના મતે વધુ એક ઘટક છે કે જેના કારણે ભારતમાં નોકરીઓ પર અસર પડી છે.

અર્થશાસ્ત્રી વિવેક કૉલ કહે છે, "જો કોઈ કંપની ભારતમાં પોતાનો વિસ્તાર કરવા માગે છે, તો તે કર્મચારીઓની નિમણૂક કરતાં વધારે મશીન ખરીદવાનું પસંદ કરે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ