નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે લંડનમાં ધરપકડ કરાઈ

કરોડો રૂપિયાના કથિત કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઈ છે. યુકેના હૉલબૉર્નમાં ભારતીય તંત્રના બદલે નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હોવાનું યુકેની 'મેટ્રોપૉલિટન પોલીસ સર્વિસ'ના ઇન્ફૉર્મેશન ઑફિસર સમંથા ચાર્લ્સ ડી'ક્રુઝે બીબીસીને જણાવ્યું છે.

બીબીસી સંવાદદાતા ગગન સબરવાલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે નીરવ મોદી બૅન્કમાં ખાતું ખોલાવવા માટે ગયા હતા એ વખતે મેટ્રૉપોલિટન પોલીસ દ્વારા તેમની ધરપકડ કરાઈ હતી.

તેમને વેસ્ટ મિનિસ્ટર્સ કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તેમણે જામીન માટે અરજી કરી હતી. જોકે, એને ફગાવી દેવાઈ હતી.

કોર્ટમાં મોદીએ કહ્યું કે તપાસમાં તેમણે પૂર્ણ સહકાર દર્શાવવા પ્રયાસ કર્યો હતો. તેમણે કર અને પ્રવાસન સંબંધિત દસ્તાવેજો પણ રજૂ કરાવ્યા હતા.

ગત ઑગસ્ટ મહિનામાં ભારતે નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટન સમક્ષ માગ હતી. ભારત દ્વારા કરાયેલી પ્રત્યાર્પણની માગને યુકેના ગૃહ સચિવ સાજિદ જાવિદે સ્વીકારી લીધી હતી, એવી અધિકારીઓએ પુષ્ટિ આપી છે.

મોદી 2 બિલનય ડૉલર (ભારતીય ચલણમાં રૂપિયા 1,37,66,70,00,00) પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડના આરોપી છે. ભારતીય બૅન્કિંગ ઇતિહાસનું આ સૌથી મોટું કૌભાંડ છે. વર્ષ 2018ની શરૂઆતમાં તેમણે ભારત છોડી દીધું હતું અને એ બાદ તેઓ ક્યારેય ભારત પરત નથી ફર્યા.


મોદી પર શો આરોપ?

પંજાબ નેશનલ બૅન્ક(પીએનબી) ભારતની બીજા નંબરની બૅન્ક છે. 2 બિલિયન અમેરિકન ડૉલરના કૌભાંડમાં સામેલગીરીનો નીરવ મોદી પર આરોપ છે.

જોકે, મોદીએ તમામ આરોપોને ફગાવી દીધા છે. મોદી લંડનમાં 1 કરોડ ડૉલર કરતાં વધારેની કિંતમના ફ્લૅટમાં રહેતા હોવાનું બ્રિટિશ અખબાર 'ધ ટેલિગ્રાફ'ના જણાવ્યા બાદ તેમનો કેસ ફરીથી ચર્ચાસ્પદ બન્યો હતો.

ઑક્સફૉર્ડ સ્ટ્રીટ ઍપાર્ટમૅન્ટની નજીક અખબારે તેમને ઓળખી કાઢ્યા હતા. ગત જૂન મહિનાથી મોદી લંડનમાં રહી રહ્યા હોવાનું મનાય છે. મોદીએ લંડન, ન્યૂ યોર્ક અને હૉંગકૉગમાં મોટાપાયે હીરાનો વેપાર જમાવ્યો હતો. ફૉર્બ્સના આંકડા અનુસાર તેમની કુલ મિલકત 1.75 બિલિયન ડૉલર આંકવામાં આવી હતી.

તો આ દરમિયાન કૉંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, "એમણે(ભાજપ) જ તેમને દેશ છોડીને જવા માટે મદદ કરી હતી અને તેઓ જ તેમને પરત લાવી રહ્યા છે. તેઓ ચૂંટણી પહેલાં તેમને પરત લાવી રહ્યા છે. ચૂંટણી પછી પરત મોકલી દેશે."

તો આ દરમિયાન ઍન્ફૉર્સ ડિરેક્ટોરેટ પીએમએલએ કોર્ટ સમક્ષ નીરવ મોદીના 173 પૅઇન્ટિંગ્સ અને 11 ગાડીઓની હરાજી કરવાની મંજૂરી પણ મેળવી લીધી છે.


કોણ છે આ ગુજરાતી નીરવ મોદી?

Image copyright Getty Images

અંગ્રેજી વેબસાઇટ લાઇવમિન્ટ.કૉમના અહેવાલ અનુસાર નીરવ મોદીનો જન્મ હીરાના વેપારીઓ, ફૂલોના અત્તર અને ગુજરાતી શાયરી માટે જાણીતા પાલનપુરમાં એક જૈન પરિવારમાં થયો હતો.

તેમના દાદા ઉત્તર ભારતમાં 1930-40ના સમયગાળા દરમિયાન હીરાનો વેપાર કરતા હતા. ત્યારબાદ તેઓ સિંગાપુર જતા રહ્યા હતા.

બેલ્જિયમના એન્ટવર્પમાં તેમના પિતા દીપક મોદીએ આ વ્યવસાયની સ્થાપ્યો હતો. નીરવ મોદીનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેમનો ઉછેર બેલ્જિયમમાં થયો છે.

એમ કહેવાય છે કે યુવા ઉંમરથી જ તેમની રુચિ આર્ટ અને ડિઝાઇનમાં હતી અને તે યૂરોપના અલગ અલગ મ્યૂઝિયમ્સની મુલાકાતો લેતા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતમાં વસી જવા અને ડાયમંડ ટ્રેડિંગ બિઝનેસની ટ્રેનિંગ લીધા બાદ 1999માં તેમણે ફાયરસ્ટારનો પાયો નાખ્યો હતો.

આ કંપનીને પ્રખ્યાત બનાવવા માટે તેમણે યોગ્ય હીરાની પસંદગી અને તે પ્રમાણે દાગીના ડિઝાઇન કરવા અનેક મહિનાઓ પસાર કર્યા હતા.

એ સમયે તેમને અનુભવ થયો કે જ્વેલરીને લઈને ઝનૂન અને કલા બંને તેમનામાં રહેલી છે ત્યારે તેમણે બ્રાંડ બનાવવા તરફ એક પગલું આગળ ભર્યુ હતું.

2010માં તેઓ ક્રિસ્ટી અને સદબીના કેટલોગમાં સ્થાન પામનારા પ્રથમ ભારતીય જ્વેલર બન્યા હતા.

2013માં તેમને ફોર્બ્સ લિસ્ટ ઓફ ઇન્ડિયન બિલિયનર્સમાં સ્થાન મળ્યું અને ત્યારથી તેમણે આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ