CSK v/s RCB: ધોની વિરુદ્ધ કોહલીના જંગ સાથે IPL-12ની શરૂઆત

મહેન્દ્ર સિંહ ધોની Image copyright Getty Images

દુનિયાની સૌથી લોકપ્રિય ગણાતી ક્રિકેટ લીગ IPL એટલે કે ઇંડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન શનિવારથી શરૂ થઈ રહી છે.

આ સિઝનની પહેલી મૅચ ગત વર્ષની ચેમ્પિયન ચેન્નઈ સુપરકિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે.

મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ વર્ષ 2010, 2011 અને ગત વર્ષ 2018માં એટલે કે 3 વખત ચૅમ્પિયન રહી છે.

એટલું જ નહીં, ચેન્નઈ સુપર કિંગ્સ ચાર વખત ઉપવિજેતા પણ રહી છે. વર્ષ 2008, 2012, 2013 અને 2015માં આમ થયું હતું. એટલે કે આ એકમાત્ર ટીમ એવી છે કે જેણે સૌથી વધારે સાત વખત આઈપીએલની ફાઇનલ મૅચ રમી છે.

આટલી સફળતા પ્રાપ્ત કરવા છતાં ટીમે સૌથી વધારે બદનામીનો સામનો પણ કરવો પડ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

BCCI, IPL અને વિવાદ

Image copyright Getty Images

દુનિયાના સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડની પોતાની ટુર્નામેન્ટ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ વર્ષ 2016 અને 2017માં કથિત રૂપે સ્પૉટ ફિક્સિંગમાં પોતાના માલિકોનાં સામેલ હોવાના કારણે પ્રતિબંધિત પણ રહી.

રાજસ્થાન રૉયલ્સને પણ આ બે વર્ષોમાં પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

IPLમાં પૈસાની ચમક-દમક એટલી છે કે તેની મારથી BCCI પણ બચી ન શક્યું.

એક સમયે IPLની શરુઆત કરવાવાળા લલિત મોદી આજે પણ દેશની બહાર લંડનમાં રહે છે.

તેમના પર મની લૉન્ડ્રીંગ જેવા ગંભીર આરોપ છે. આ સિવાય BCCIએ તેમના પર આજીવન પ્રતિબંધ પણ લગાવ્યો છે.

Image copyright Getty Images

એટલું જ નહીં, BCCIને આજે તેના પદાધિકારી નહીં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એક સુધાર સમિતિ ચલાવી રહી છે.

એક સમયે BCCI પર એન. શ્રીનિવાસનનો અધ્યક્ષ તરીકે દબદબો હતો. તેમને પણ IPLના વિવાદોએ જ BCCIની બહાર કરી દેવામાં આવ્યા છે. પરંતુ આ બધી ભૂતકાળની વાતો છે.


પૂર્વ સિઝનની ચૅમ્પિયન CSK

Image copyright Getty Images

ચેન્નઈ સુપરકિંગ્સ જ્યારે શનિવારના રોજ પોતાના ઘરના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતના કૅપ્ટન વિરાટ કોહલીની કૅપ્ટનશીપ હેઠળ રમાનારી રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ વિરુદ્ધ મેદાનમાં ઊતરશે તો ગત વર્ષની યાદો તાજી થઈ જશે.

મહેન્દ્રસિંહ ધોનીએ લગભગ પોતાના જ બળ પર ગત વર્ષે ચેન્નઈને ચૅમ્પિયન બનાવીને તમામ ક્રિકેટ પંડિતોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

તેમણે બે વર્ષ સુધી પ્રતિબંધનો સામનો કરવાવાળી ટીમના દરેક સભ્યમાં એટલો જોશ ભરી દીધો કે તમામ વિરોધી ટીમો ત્રાહિમામ્ પોકારી ઊઠી છે.

ગત ફાઇનલ તો ચેન્નઈ સુપરકિંગ્સના શેન વૉટ્સને એક તરફી જ બનાવી દીધી હતી.

ફાઇનલમાં તેમની સામે સનરાઇઝર્સ હૈદરાબાદ હતી.

ફાઇનલમાં જીત માટે 178 રનનું લક્ષ્ય ચેન્નઈના શેન વૉટ્સનના અણનમ 117 રનોની મદદથી 18.3 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું હતું.

Image copyright Getty Images

ચેન્નઈની ટીમમાં આ વખતે પણ કૅપ્ટન ધોની સિવાય આઈપીએલના સૌથી સફળ બૅટ્સમૅનમાંથી એક સુરેશ રૈના, ફૉક ડુપ્લેસી, અંબાતી રાયડુ, મુરલી વિજય અને સૅમ બિલિંગ જેવા બૅટ્સમૅન છે.

આ સિવાય કેદાર જાધવ, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા અને શેન વૉટ્સન જેવા ઑલ-રાઉન્ડર છે.

હરભજન સિંહમાં ભલે પહેલાં જેવી ધાર નથી, પરંતુ તેમનો અનુભવ કોઈથી ઓછો નથી. ઈમરાન તાહિર પણ ગમે ત્યારે વિકેટ ઝડપવાની ક્ષમતા ધરાવે છે.

બીજી તરફ વિરાટ કોહલીની કૅપ્ટનશીપમાં રમવા જઈ રહેલી રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરૂ ગત વર્ષે પ્લેઑફમાં પણ એટલે કે અંતિમ ચારમાં પણ પોતાનું સ્થાન બનાવી શકી ન હતી.

આ વખતે બેંગલુરુના કૅપ્ટન વિરાટ કોહલી સિવાય ટીમમાં એ. બી. ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, નાથન કલ્ટર નાઇલ અને શિમરોન હૅટમાયરનો સમાવેશ થયો છે અને જીત મેળવવા બધો ભાર તેમના પર હશે.

બૉલિંગમાં અનુભવી સ્પીડ બૉલર ઉમેશ યાદવ, ટિમ સાઉદી, સ્પિનર યુઝ્વેન્દર ચહલ અને પવન નેગી પર સૌની નજર રહેશે.

આ લોકો પર નજર રહેશે

Image copyright Getty Images

આઈપીએલ શરૂ થાય તે પહેલાં ચેન્નઈને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેના સ્પીડ બૉલર દક્ષિણ આફ્રિકાના લુઇંગી એનગિડી માંસપેશીઓમાં તકલીફના કારણે ટુર્નામેન્ટની બહાર નીકળી ગયા.

ગત વર્ષે ચેન્નઈ સુપરકિંગ્સના અંબાતી રાયડુએ 16 મેચમાં એક સદી, ત્રણ અર્ધસદી સહિત 602 રન બનાવ્યા હતા અને તેઓ સર્વાધિક બનાવનારા ખેલાડીઓમાં ચોથા સ્થાન પર હતા.

તેમના સિવાય શેન વૉટ્સને 15 મૅચમાં બે સદી અને બે અર્ધસદીની મદદથી પાંચમાં સ્થાન પર રહેતા 555 રન બનાવ્યા હતા.

બૉલિંગમાં ગત વર્ષે બેંગલુરુના સ્પીડ બૉલર ઉમેશ યાદવે ચોથા સ્થાન પર રહીને 14 મૅચમાં 20 વિકેટ ઝડપી હતી.

આ વખતે IPL સંપૂર્ણપણે ભારતમાં જ રમાશે

Image copyright Ipl

પહેલાં અટકળો હતી કે કદાચ આગામી લોકસભા ચૂંટણીના કારણે આઈપીએલનો બીજો તબક્કો વિદેશમાં આયોજિત થઈ શકે છે.

પરંતુ બીસીસીઆઈએ નૉકઆઉટ મૅચ સિવાય આખો કાર્યક્રમ ઘોષિત કરી દીધો છે.

આઈપીએલ 23 માર્ચથી શરૂ થશે અને 12 મે સુધી રમવામાં આવશે. આ વખતે આઈપીએલ એ માટે પણ ચર્ચામાં રહેશે કેમ કે ત્યારબાદ વિશ્વકપ ટુર્નામેન્ટ યોજાશે.

વિશ્વ કપની ક્રિકેટ ટુર્નામેન્ટ 30 મેથી 14 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં યોજાશે.

એ વાત સ્પષ્ટ છે કે ભારતના કૅપ્ટન વિરાટ કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી ઇચ્છે છે કે બધા ખેલાડી પોતાને બચાવીને રમે અને પોતાની ફિટનેસ તેમજ ફૉર્મ પર વધારે ધ્યાન આપે.

જોકે, આ એક મોટો પડકાર છે. કોઈ પણ ફ્રેન્ચાઇઝી એ નહીં ઇચ્છે કે ચૅમ્પિયન બનવામાં તેમના ખેલાડી સાવધાની નહીં વર્તે.

આ વચ્ચે કિંગ્સ ઇલેવન પંજાબના કૉચ માઇક હેસને કહ્યું છે કે ભારતના સ્પીડ બૉલર એલ રાહુલ અને મોહમ્મદ શમીને મૅચની વચ્ચે પર્યાપ્ત આરામ પણ આપવામાં આવશે.

જે થશે એ તો આગળ જોવાઈ જશે. પ્રાથમિક સમયગાળા દરમિયાન હાર જીતની કોઈ અસર જોવા મળશે નહીં, પરંતુ દરેક ટીમ જીત સાથે શરુઆત કરવા ઇચ્છશે.

આ આઈપીએલની સાથે જ બૉલ સાથે છેડછાડ કરવાના મામલે નિલંબનનો સામનો કરી રહેલા ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન અને પૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરશે.

Image copyright Getty Images

સ્ટીવ સ્મિથ રાજસ્થાન રૉયલ્સ અને ડેવિડ વૉર્નર સનરાઇઝ હૈદરાબાદ માટે રમશે.

IPLમાં તેમનું પ્રદર્શન ઑસ્ટ્રેલિયન ટીમ માટે વિશ્વકપમાં રમવાનો દાવો પણ મજબૂત કરશે.

અને હા, આ વખતે આઈપીએલમાં દિલ્હી ડૅરડેવિલ્સ દિલ્હી કૅપિટલ્સના નામે રમતી દેખાશે.

હવે જોવાનું એ રહેશે કે આ વર્ષે આઈપીએલ વિશ્વકપ પહેલાં ખેલાડીઓના જોશ, ફિટનેસ અને પ્રદર્શન પર કેટલી ખરી ઊતરે છે.

હાલ તો શનિવારના રોજ ચેન્નઈ સુપરકિગ્સ અને રૉયલ ચૅલેન્જર્સની મેચ જોવાની છે.

આમ તો આઈપીએલમાં બન્ને ટીમ 23 વખત સામસામે આવી છે જેમાંથી 15 વખત ચેન્નઈની જીત થઈ છે. સાત વખત બેંગલુરુને જીત મળી છે.

ગત વર્ષે તો બે મૅચમાં ચેન્નઈએ બેંગલુરુને હાર આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો