લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આ વખતે રાજનાથ સિંહ માટે ખતરો કેમ છે?- દૃષ્ટિકોણ

અમિત શાહ, નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી Image copyright Getty Images

ભારતીય જનતા પક્ષે પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણીમાંથી રાજકીય વિદાયની સાથે અમિત શાહના આગમનની ઘોષણા કરી દીધી છે.

અડવાણીની વિદાય તો નક્કી જ મનાઈ રહી હતી. બસ તેની ઔપચારિક ઘોષણાની રાહ જોવાઈ રહી હતી. પણ અમિત શાહનું રાજકીય અખાડામાં ઊતરવું એ ભાજપના ભવિષ્યના રાજકારણ અંગે સંકેત આપે છે.

અમિત શાહની ગુજરાતની ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી ઘોષણાના માધ્યમથી પાર્ટીએ એકસાથે ઘણા બધા સંદેશ આપ્યા છે.

પહેલો સંદેશ આ ઘોષણાના રુપમાં આવ્યો છે કે લાલકૃષ્ણ અડવાણીને હવે સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. આ જૂની પેઢીની વિદાયનો સંદેશ છે.

પહેલી યાદીમાં નામ ન આવવાનો મતલબ છે કે ડૉ. મુરલી મનોહર જોશીની ટિકિટ પણ કપાઈ ગઈ છે.

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી ભગતસિંહ કોશ્યારી અને કલરાજ મિશ્રએ આગામી સમયનો સંકેત સમજી લીધો હતો અને પહેલેથી જ ચૂંટણી ન લડવાની ઘોષણા કરી નાખી હતી.

પૂર્વ મુખ્ય મંત્રી બી.સી. ખંડૂરીને સંરક્ષણ મંત્રાલયની સ્થાયી સમિતિના અધ્યક્ષ પદ પરથી હટાવીને પહેલાંથી જ પાર્ટીના હાઈ કમાન્ડે સંદેશ આપી દીધો હતો.

તેમને પોતાના દીકરાનું ભવિષ્ય પણ પાર્ટીમાં સુરક્ષિત ન લાગ્યું. એ માટે તેઓ કૉંગ્રેસમાં જતા રહ્યા.

જોકે, તેમનાં દીકરી હાલ ભાજપનાં ધારાસભ્ય છે. હિમાચલમાં શાંતાકુમાર પણ હવે આરામ કરશે તે માની લેવું જોઈએ.

તમે આ વાંચ્યું કે નહીં?

કેવી રીતે બદલાઈ પરિસ્થિતિ?

Image copyright Getty Images

જોકે, અડવાણી પોતાની આજની દશા માટે પોતે જ જવાબદાર છે. વર્ષ 2004માં વાજપેયી સરકારની હાર બાદ તેમની સામે અવસર હતો કે તેઓ આગામી પેઢી માટે સ્થાન છોડી દે.

પછી 2005માં પાકિસ્તાન યાત્રા દરમિયાન ઝીણાની મઝાર પર તેમના નિવેદન બાદ પાર્ટી અને સંઘ પરિવાર તેમને પાર્ટીમાંથી બહાર કાઢવા માગતો જ હતો.

જે પાર્ટીના તેઓ અધ્યક્ષ હતા તેના જ સંસદીય બોર્ડે તેમની વિરુદ્ધ નિંદાપાત્ર પ્રસ્તાવ પાસ કર્યો.

સંઘ સાથે તેમનો કાર્યકારી સંબંધ તે બાદ તૂટી ગયો પણ દિલ્હીમાં બેઠેલા ભાજપના નેતાઓના પરસ્પર ઝઘડાના કારણે 2009ની લોકસભા ચૂંટણીમાં તેમને પાર્ટીના વડા પ્રધાન પદ માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા અને એ સાથે જ પાર્ટીની બેઠકો પહેલાં કરતાં પણ ઓછી થઈ ગઈ.

ચૂંટણી બાદ તેમણે ઘોષણા કરી કે તેઓ ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે. પણ થોડા જ દિવસોમાં તેમણે પોતાના નિવેદનથી પલટી મારી અને નેતા પ્રતિપક્ષનું પદ છોડવા તેઓ તૈયાર ન થયા.

સંઘે દખલગીરી કરી અને તેમને હટાવીને લોકસભામાં સુષમા સ્વરાજ અને જસવંતસિંહને હટાવીને રાજ્યસભામાં અરુણ જેટલીને નેતા પ્રતિપક્ષ બનાવવામાં આવ્યા.

વર્ષ 2013માં અડવાણીએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન પદના ઉમેદવાર બનતા રોકવા માટે બધી જ તાકાત લગાવી દીધી પણ હારી ગયા.

પાર્ટી અને સંઘ પરિવાર મોદી સાથે ઊભો હતો. તો અડવાણી પાંચ વખત 2004, 2005, 2009, 2013 અને 2014માં સન્માનપૂર્વક નિવૃત્ત થવાનો અવસર ગુમાવી દીધો.

અમિત શાહના બહાને ભવિષ્યના સંકેત

Image copyright Getty Images

અડવાણી પ્રકરણથી અલગ અમિત શાહનું લોકસભા ચૂંટણી લડવું કંઈક તાત્કાલિક અને કંઈક લાંબા ગાળાના લક્ષ્યને સાધે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને છોડીને ઉત્તર પ્રદેશ જતા રહ્યા. ગત વખતે તેઓ વડોદરાથી પણ ચૂંટણી લડ્યા હતા. આ વખતે તેઓ નહીં લડે તે નક્કી હતું. અડવાણીને ટિકિટ નહીં મળે તે પણ નક્કી હતું.

તેવામાં ગુજરાતના લોકોને સંદેશ જઈ શકતો હતો કે ભાજપ અને મોદી માટે ગુજરાતનું મહત્ત્વ ઓછું થઈ ગયું છે.

ગત ચૂંટણીમાં ભાજપ ગુજરાતની બધી જ 26 બેઠકો પર વિજયી થયો હતો.

અમિત શાહનું ગાંધીનગરથી ચૂંટણી લડવું ગુજરાતના લોકોને આશ્વસ્ત કરશે કે પાર્ટીના અધ્યક્ષ ગુજરાતનું સંસદમાં પ્રતિનિધિત્વ કરશે.

વિપક્ષને જવાબ

Image copyright Getty Images

ગાંધીનગર બેઠકથી ભાજપે બીજો સંદેશ વિપક્ષના એ નેતાઓને આપ્યો છે કે જેઓ કહી રહ્યા છે કે તેમણે પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરવો છે એટલે પોતે ચૂંટણી લડી રહ્યા નથી.

ખાસ કરીને બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીને. અમિત શાહની ઉમેદવારી બાદ માયાવતીનો તર્ક ખોખલો દેખાશે.

ઉત્તર પ્રદેશમાં ગઠબંધનના બીજા પક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પર દબાણ વધી જશે.

તેમણે પહેલાં ઘોષણા કરી હતી કે તેમનાં પત્ની ડિમ્પલ યાદવ કન્નૌજથી ચૂંટણી લડશે.

આ બેઠક પરથી અખિલેશ યાદવ પોતે ચૂંટણી લડવાના હતા પણ હવે ડિમ્પલની ઉમેદવારીની જાહેરાત થઈ ગઈ છે.

અખિલેશ યાદવે 2009થી કોઈ ચૂંટણી લડી નથી. આ જ રીતે માયાવતીએ 2002 બાદ કોઈ ચૂંટણી લડી નથી.

અખિલેશ યાદવ પાસે તો રાજ્યસભામાં જવાનો વિકલ્પ છે પણ માયાવતી પાસે તો એ પણ નથી.

અમિત શાહના ચૂંટણી મેદાનમાં ઊતર્યા બાદ માયાવતી અને અખિલેશ યાદવ માટે આ મુદ્દા પર જવાબ આપવો અઘરો બની જશે.

અમિત શાહનું ચૂંટણી લડવું ભાજપના એક વરિષ્ઠ નેતાનું ચૂંટણીના મેદાનમાં ઊતરવું માત્ર નથી. આ ચૂંટણીથી ભાજપમાં પદાનુક્રમ નક્કી થઈ રહ્યો છે.

મોદીની સાથે જે નેતાઓની ઉંમર 60 વર્ષ કરતાં વધારે છે તેમની માટે સંદેશ છે કે પદાનુક્રમમાં હવે અમિત શાહ ઔપચારિક રૂપે નંબર બે પર હોઈ શકે છે.

Image copyright Getty Images

અમિત શાહ લોકસભામાં એક સાધારણ સભ્યની જેમ લડવાના નથી. લોકસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર ફરી બની તો પ્રબળ શક્યતા છે કે અમિત શાહ દેશના ગૃહમંત્રી અને કૅબિનેટમાં નંબર બે પર હશે.

વર્તમાન ગૃહમંત્રી રાજનાથસિંહ માટે તે મોટો ઝટકો હશે. સંજોગની વાત એ છે કે પાર્ટી અધ્યક્ષ પદ પણ અમિત શાહને રાજનાથસિંહને હટાવ્યા બાદ જ મળ્યું હતું.

છેલ્લાં પાંચ વર્ષના રાજકીય ઘટનાક્રમ પર નજર નાખવામાં આવે તો મોદી-શાહની જોડીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ત્રિપુરા, અસમ, હિમાચલ, અરુણાચલ પ્રદેશ અને હવે ગોવામાં પચાસ વર્ષ કે તેના કરતાં ઓછી ઉંમરના નેતાઓને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવતે સંઘ સહકાર્યવાહક રહીને સંઘમાં પેઢી પરિવર્તનનું કામ કર્યું હતું અને તે જ સમયે ભાજપના નેતાઓને પણ આમ કરવાની સલાહ આપી હતી.

ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં વધુ એક નામ ન હોવું ચોંકાવે છે. તે છે અસમના મંત્રી હેમંત બિસ્વા શર્માનું.

કહેવામાં આવી રહ્યું હતું કે પાર્ટીએ તેમને છૂટ આપી છે કે દેશની ગમે તે બેઠક પરથી તેઓ ચૂંટણી લડી શકે છે.

છેલ્લા પાંચ વર્ષમાં પૂર્વોત્તરમાં ભાજપના વિસ્તારમાં તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેઓ અમિત શાહ અને વડા પ્રધાનના પ્રિય પાત્ર છે.

યાદી આવ્યા બાદ અમિત શાહે ટ્વીટ કર્યું કે પાર્ટીએ અનુરોધ કર્યો છે કે તેઓ ચૂંટણી લડવાના બદલે પૂર્વોત્તરમાં જે કામ કરી રહ્યા છે તેમાં વધારે સમય આપે.

કુલ મળીને લોકસભા ઉમેદવારોની પહેલી યાદી પર મોદી-શાહની છાપ સાથે જ એક વાત સ્પષ્ટ જોવા મળે છે કે સૌથી વધારે ભાર એ વાત પર છે કે ઉમેદવાર જીતવા વાળા હોય.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ