'જે બાળવિવાહ અટકાવશે એવા ઉમેદવારને જ હું મત આપીશ'

સઇદાબી

હું અત્યારે 19 વર્ષની છું. આ વર્ષે હું પહેલી વખત મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. મેં મારી આસપાસની સમસ્યાઓ જોઈ છે.

હું હવે મારા મતના ઉપયોગથી તે મુદ્દે કશુંક કરી શકીશ. હું ઇચ્છું કે મારો મત બાળવિવાહ અટકાવવામાં મદદરૂપ થઈ શકે.

19 વર્ષની સઇદાબી માને છે કે તેમનો મત આપવાનો અધિકાર એ તેમનું સૌથી શક્તિશાળી હથિયાર છે.

બીબીસી ન્યૂઝ દ્વારા પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરતી મહિલાઓને પૂછવામાં આવ્યું કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કઈ રીતે કરશે.

બીબીસી ટીમ સઇદાબીને મળવા અને તેઓ પોતાના મતથી કયા મુદ્દા સામે લડવા માગે છે તે જાણવા ગંતુર પહોંચી.

અમને એ જાણવાની ઉત્સુકતા હતી કે સઇદાબીને બાળવિવાહ વિરુદ્ધ કેમ લડવું છે. અમે તેમની રોજિંદી પ્રવૃત્તિઓ વચ્ચે તેમની સાથે એક દિવસ વિતાવ્યો.

તેમણે અમારી સાથે તેમના વિચારો વ્યક્ત કર્યા, "અમે એક સાંકડા ઘરમાં રહેતાં હતાં. એક ઘરમાં અમે 5 સભ્યો હતાં. પાંચ વર્ષ પહેલાં મારા પિતાને પૅરાલિસિસનો ઍટેક આવ્યો. ત્યારથી મારા મોટાં બહેન નાના-નાના કામ કરીને ઘર ચલાવે છે."

"મારાં બહેનનાં લગ્ન પછી મારાં માતા સાથે હવે મારી નાની બહેન જાય છે. કારણ કે, મને અભ્યાસમાં રસ છે અને મને મફતમાં પ્રવેશ મળી ગયો છે."

સઇદાબી સ્મિત સાથે કહે છે, "હું એકમાત્ર છું કે જેણે ભણવાનું ચાલું રાખ્યું છે. મારા બધાં જ ભાઈ-બહેનો ભણી શકે તેવી અમારી સ્થિતિ નથી. એવા પણ દિવસો હોય છે, જ્યારે અમને માંડ એક ટંકનું જમાવનું મળે છે."

અમારી વાતચીત દરમિયાન સઇદાબીએ અમને કહ્યું કે તે સરસ ચિત્રો બનાવે છે. તેણે પાડોશમાં આવેલી એક મસ્જિદનું ચિત્ર દોરવાની શરૂઆત કરી. જેમાં તેણે સુક્ષ્મ બાબતોનું પણ ધ્યાન રાખ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

સઇદાબી કહે છે કે તે એવા ઉમેદવારને મત આપશે જે બાળવિવાહ અટકાવવા માટે વચનબદ્ધ હોય અને નક્કર પગલાં લઈ શકે.

"અમારા વિસ્તારમાં બાળવિવાહ સામાન્ય બાબત છે. જોકે, આ માત્ર મુસ્લિમ સમાજની જ વાત નથી. અમારા ગામમા ગરીબ પરિવારમાં જન્મેલી દરેક છોકરીનું આ જ નસીબ હોય છે."

"મારું ઘર જ તેનું એક ઉદાહરણ છે. મારા માસી અને મારી મોટી બહેનનાં લગ્ન બાળપણમાં જ થયાં હતાં."

"મારી બહેનનાં લગ્ન થયાં ત્યારે તેની ઉંમર 14 વર્ષની હતી. તેને આગળ ભણવા ન દેવાઈ. તેણે એક પછી એક ત્રણ બાળકોને જન્મ આપ્યો. બધાં જ બાળકોના જન્મ સીઝેરીઅનથી થયા હતા."

"હવે તેની સ્થિતિ એવી છે કે તે હાલી-ચાલી પણ શકતી નથી. તેનું શરીર સહેજ પણ શ્રમ ખમી શકે તેવું નથી. કલ્પના પણ નથી કરી શકતી કે અમને જમાડવા માટે તે કેવાં અને કેટલાં કામ કરતી અને આજે એ હલી પણ શકતી નથી, એની સ્થિતિ જોઈને મને દુઃખ થાય છે."

મારાં માસી સાથે પણ આવું જ થયેલું. તેમની યાતનાની વાત પણ દુખદાયી છે. યુવાન વયે ત્રીજી ડિલિવરી વખતે કેટલીક મુશ્કેલી આવતાં તેમનું અવસાન થયું.

અમે જ્યારે સઇદાબી સાથે વાત કરી રહ્યાં હતાં, ત્યારે અમે કેટલીક યુવાન છોકરીઓને નાનાં બાળકો તોડીને પડદા પાછળથી ડોકિયું કરતાં જોઈ.

માત્ર તેમનાં માસી અને બહેન જ નહીં પણ સઇદાબી કહે છે કે તેમણે તેમના મિત્રો સહિત અનેક યુવાન છોકરીઓને આ જ સ્થિતિમાં જોઈ છે.

"હું અને મારા મિત્રો આ અંગે ચર્ચા કરીએ છીએ. દર વખતે એક જ નિષ્કર્ષ પર આવીએ છીએ કે અમારી આ સ્થિતી અને બાળવિવાહનું કારણ અમારી ગરીબી જ છે."

"અણારાં માતા-પિતા અમને પરણાવી દે છે કારણ કે તેઓ અમારાં શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી. જો અમે ઉચ્ચશિક્ષણ મેળવીશું તો અમને યોગ્ય છોકરા મળવા મુશ્કેલ થશે."

"આ જ મૂળભૂત કારણ છે કે અમારાં માતા-પિતા અમારો અભ્યાસ અડધે અટકાવીને અમને પરણાવી દે છે."

સઇદાબી 12માં ધોરણમાં ભણે છે. જેવી તેમની પરીક્ષા પૂરી થાય તેવા તેમને પરણાવી દેવામાં આવશે. "મારે આગળ ભણવું છે અને કાયદાની ડિગ્રી મેળવવામાં મને રસ છે."

"મારે વકીલ બનવું છે જેથી હું બાળવિવાહના કાયદાને કડક કરવાની દીશામાં કામ કરી શકું. મારા માતાને મારાં સપનાં વિશે ખબર છે."

"એ મને ભેટી પડી અને મારી માફી માગતા રડી પડી, કે એણે મારાં લગ્ન કરવાં પડે છે. તેમણે મને સમજાવ્યું કે તેમને મારા શિક્ષણનો ખર્ચ પોસાય તેમ નથી."

અમને કંઈક સ્પર્ષી ગયું. તેમની સાથે વાત કરતી વખતે અમે તેમના ઘર પાસેના એક તળાવના કિનારે હતાં.

તેણે ત્રણ કાગળની હોડી તરતી બતાવી અને કહ્યું, "એ ત્રણ હોડી મારા સ્નાતકના અભ્યાસના ત્રણ વર્ષ દર્શાવે છે. કારણ કે, ત્રણે હોડી તરી રહી છે. મને કોઈ રીતે આશા છે કે મારો અભ્યાસ પણ આ રીતે તરી જશે."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો