#GujaratniVaat : બેરોજગારી, ખેડૂતો, મહિલાઓની સુરક્ષા, વિકાસના મુદ્દા પર બીબીસીના કાર્યક્રમમાં જામી ચર્ચા

સ્ટેજ

બીબીસી ગુજરાતી દ્વારા સાંપ્રત રાજકારણ પર ચર્ચા કરવા માટે અમદાવાદમાં આજે ગુજરાતની વાત (#GujaratniVaat) કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેના પ્રથમ સત્રમાં કૉંગ્રેસના હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા ઋત્વિજ પટેલ તથા અમદાવાદનાં પૂર્વ મેયર ભાવનાબહેન દવેએ ચર્ચા કરી હતી.

ગુજરાતની વાત કાર્યક્રમના બીજા સત્રમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા, મહિલા અધિકાર કાર્યકર્તા ઝકિયા સોમણ, પૂર્વ જજ જ્યોત્સ્ના યાજ્ઞિક અને જૈન ધર્મગુરુ ગણીવર્ય રાજેન્દ્ર ચર્ચામાં સામેલ થયાં હતાં.

ત્રીજા સત્રમાં 'આ ચૂંટણી કોની?માં ભાજપના નેતા અને સાંસદ કિરીટ સોલંકી, કૉંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ રાજુ પરમાર સામેલ થયા હતા.

ચોથા સત્રમાં મંદિર, મસ્જિદ v/s રોજગારમાં રામદત્ત ત્રિપાઠી, મહમૂદ મદની, વિષ્ણુ પંડ્યા, ઇંદિરા હિરવે અને મુદિતા વિદ્રોહી સામેલ થયાં હતાં.

ચોથા સેશનમાં રામમંદિર મુદ્દે વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ કહ્યું, "ચૂંટણી સમયે આ મુદ્દો મતોના ધ્રુવીકરણ માટે ઉપયોગમાં લેવાતો રહ્યો છે."

અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવેએ કહ્યું, "મંદિર-મસ્જિદનો મુદ્દો મહત્ત્વનો નથી. આ એક વ્યક્તિગત મુદ્દો છે."

"રાજકીય પક્ષો આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણી સમયે જ કરે છે. ચૂંટણી પૂરી થાય ત્યારે આ મુદ્દો પણ ખતમ થઈ જાય છે."

વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આજે દેશને રામમંદિરની જરૂરિયાત છે. આ દેશમાં અનેક પ્રશ્નો છે. માત્ર રામમંદિર કે બાબરી મસ્જિદના જ પ્રશ્નો જ નથી.

"આ માત્ર રોજગારની વાત નથી, અમારા યુવાનો સશક્ત છે, એ મેળવી લે છે. રામમંદિર તો જોઈએ જ. બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર હિંદુઓની આસ્થાનો સવાલ છે. હિંદુ અને મુસ્લિમ બંનેને જોઈએ છે."

અયોધ્યા મુદ્દાને મુસલમાન કેવી રીતે જુએ છે એ અંગે મહમૂદ મદનીએ કહ્યું, "કોર્ટ છે નિર્ણય આપશે તે મુસલમાન સ્વીકારી લેશે."

"રામનો અનાદર કરવાની પરવાનગી મુસલમાનને નથી. અયોધ્યા મુદ્દો પરસ્પર સહમતિથી ઉકેલાય તે ઉત્તમ છે."

"દુનિયામાં બીજા નંબરે સૌથી વધુ મુસલમાન ભારતમાં છે તો આ મુદ્દો પ્રેમથી ઉકેલાવો જોઈએ."

"મંદિર હોય કે મસ્જિદ ધર્મને ક્યારેય જીવનમાંથી બાકાત રાખી શકાતો નથી. ધર્મ લોકોને ત્યાગ, પ્રેમ, શાંતિ આપે છે જે જીવન માટે જરૂરી છે."

મુદિતા વિદ્રોહીએ કહ્યું, "ઇતિહાસની વ્યાખ્યા ભૂતકાળ પર કરીએ તો આજના ભારતની કલ્પના પાંચ હજાર વર્ષ પહેલાંના ભારતની દૃષ્ટિથી ના કરી શકાય."

"હિંદુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદના મુદ્દાઓ વચ્ચે ખેડૂતોની વાત આવે ત્યારે માત્ર હિંદુઓ જ ખેડૂતો જ નથી હોતા. તમામ ધર્મના લોકો ખેડૂતો હોય છે. જેમાં છેવાડાના માનવીને જ ભોગવવું પડે છે."

ઇંદિરા હિરવેએ કહ્યું, "જ્યારે દેશમાં રોજગાર નથી, ખેતીમાં કોઈ રોકાણ થયું નથી, દલિતો માર ખાઈ રહ્યા છે, ત્યારે દેશમાં મંદિર-મસ્જિદનો મુદ્દો કેવી રીતે હોઈ શકે."

"ચારે બાજુ પ્રશ્નો છે, નિકાસ ઘટી રહી છે. સમગ્ર વિશ્વમાં સૌથી અસમાનતા ધરાવતો દેશ છે તો તે ભારત છે."

રામદત્ત ત્રિપાઠીએ કહ્યું, "બેરોજગારી એક એવી વસ્તુ છે કે તેના સરકાર આંકડા આપે કે ના આપે. આપણે પરિવારોમાં, ગલ્લી-મહોલ્લામાં જોઈ શકીએ છીએ."

"ખેતી પર નિર્ભર લોકોને ઓછા કરવાનો એક પ્લાન છે, જેના આધારે ખેતી, કુટીર ઉદ્યોગો, ડેરી ઉદ્યોગોને ખતમ કરવામાં આવી રહ્યા છે."

મહમૂદ મદનીએ કહ્યું, "જો કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય તો તે મસ્જિદ બનશે જ નહીં. તે મસ્જિદ હશે જ નહીં. એ અલ્લાહનું ઘર બની જ ના શકે. ક્યારેય ના બની શકે."

ઇંદિરા હિરવેએ કહ્યું, "શિક્ષિત અને અશિક્ષિત લોકોમાં તફાવત વધતો જાય છે એટલા માટે શિક્ષણ માટે ખર્ચ થવો જોઈએ. રોજગારીને મધ્યમાં રાખીને વિકાસની વાત થવી જોઈએ. ગરીબ અને અમીર વચ્ચે ભેદ વધતો જાય છે."

ત્રીજા સેશનમાં રાજુ પરમારે કહ્યું, "દલિતોના કેસમાં કૉંગ્રેસ હંમેશાં સક્રિય રહી છે. અમે ઉનાના સહિત અનેક કેસમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. સમગ્ર તંત્ર ખોરવાયેલું છે. જે તે લોકો સત્તામાં બેઠા છે તેઓ આના માટે જવાબદાર છે."

કિરીટ સોલંકીએ કહ્યું, "દલિતો પર અત્યાચાર મામલે જે તે સરકારે નિષ્ફળતા સ્વીકારવી જોઈએ. જેની પણ સરકાર હોય તેણે સ્વીકારવું જોઈએ. કૉંગ્રેસના સમયમાં પણ દલિતો પર અત્યાચાર થયા હતા."

"સંસદ કાયદા બનાવે, વહીવટી તંત્ર તેનું પાલન કરાવે, કોર્ટ સાચું અર્થઘટન કરે, ધર્મગુરુ તેમના પ્રવચનમાં પણ દલિતોના મામલાને સામેલ કરે. એક જનઆંદોલન બને તો લોકોની માનસિકતા બદલશે."

કિરીટ સોલંકીએ કહ્યું, "આપણે દલિતો પ્રત્યે કેવી માનસિકતા કેવી રાખીએ છીએ તે જોવું જોશે. ધર્મગુરુએ પણ જોવું પડશે."

રાજુ પરમારે કહ્યું, "દલિતોના કેસમાં કૉંગ્રેસ હંમેશાં સક્રિય રહી છે. અમે ઉનાના સહિત અનેક કેસમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. સમગ્ર તંત્ર ખોરવાયેલું છે. જે તે લોકો સત્તામાં બેઠા છે તેઓ આના માટે જવાબદાર છે."


'ગુજરાતનો વિકાસ ભાજપની મોટી સફળતા'

ભાજપની સફળતા ગણાવતા કિરીટ સોલંકીએ કહ્યું કે ગુજરાતનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી સફળતા છે. જેને અન્ય રાજ્યો પણ અનુસર્યાં હતાં.

કિરીટ સોલંકીએ કહ્યું, "એસસી-એસટીના ખાસ કરીને દલિતો સામે ભેદભાવ રાખવામાં આવે છે. આ માનસિકતા માત્ર ગુજરાતમાં નથી સમગ્ર ભારતમાં છે. જેને સમગ્ર ભારતના રૂપમાં જોવી જોઈએ."

"બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં જે જોગવાઈઓ કરી હતી. તેમણે સૌપ્રથમ આ પ્રશ્નને નિવારવાનું કામ કર્યું."

"હમણાં 2015માં મોદી સરકારમાં વિશ્વનાથ પ્રતાપસિંહના સમયમાં બનેલા કાયદાને સુધારવામાં આવ્યા. અમે તેને વધારે મજબૂત બનાવવાનું કામ કર્યું છે."

જેના જવાબમાં રાજુ પરમારે કહ્યું કે પહેલાં કાયદાને નબળો કરવાની કોશિશ કરવામાં આવી અને તેનાં પરિણામો શું આવે છે તે જોયું. જે બાદ દલિતોએ ભારત બંધ કર્યું જેથી સરકાર ઝૂકી અને પછી આ કામ કર્યું છે.

કિરીટ સોલંકીએ કહ્યું કે ભાજપે સફળતાપૂર્વક વર્ષો સુધી શાસન કર્યું કે તેમની એક પણ નિષ્ફળતા દેખાતી નથી.

તેમણે કહ્યું, "સફળતા અને નિષ્ફળતા લોકો નક્કી કરતા હોય છે. ભાજપ સતત ચૂંટાતો આવ્યો છે. ગરીબી અને બેરોજગારી, સામાજિક ન્યાય જેવા વિકરાળ પ્રશ્નોમાં અમે ક્યાંક 100 ટકા સુધી ના પહોંચી શક્યા હોઈએ."

કૉંગ્રેસના નેતા રાજુ પરમારે કહ્યું, "નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ધીમે-ધીમે તેમની બેઠકોનું પ્રમાણ ઘટતું આવ્યું છે. તેમનો ગ્રાફ સમયની સાથે સાથે નીચો જઈ રહ્યો છે."

"ભાજપે એવો ખોટો માહોલ સર્જયો કે તેમના સમયમાં જ વિકાસ થયો છે અને બીજા કોઈના શાસનમાં થયો જ નથી. તમામના સમયમાં વિકાસ થયો હોય તેની વાત થવી જોઈએ."


'રોજગાર ન મળતાં અસંતોષ'

બીજા સેશનમાં જ્યોત્સનાબેહેને કહ્યું, "દરેક તબક્કે યુવાનોમાં બે વર્ગ જોવા મળ્યા છે. એક એવો વર્ગ હોય છે કે તેમને રાજકારણ, પક્ષ કે ધર્મનો ક્રેઝ હોય. બીજો વર્ગ સાવ તટસ્થ હોય છે. સમાજમાં અમુક વસ્તુ સરખી રહી છે. જોકે, કેટલાક તબક્કાઓ એવા જોયા કે અમુક પ્રકારની પવૃતિને ખૂબ વેગ મળ્યો. જેણે સમાજને ખૂબ જ નુકસાન કર્યું.

જ્યોત્સનાબહેને કહ્યું કે સત્તા પક્ષ ન્યાયિક વ્યવસ્થાને દબાવી રહ્યો છે કે નહીં તે પત્રકાર પરિષદ કરી તે જજોને પૂછવું પડે. જોકે, તે જજોએ નીડરતા દાખવી. તેઓ પદનો ભાર રાખ્યા વિના દેશ સામે આવ્યા હતા.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ પટેલે કહ્યું, "સમાજમાં અસંતોષના કારણે આંદોલનો થયાં છે. અહીં વાત આવે છે આજીવિકાની. ઝડપથી વધતા શિક્ષણના કારણે શહેરીકરણ વધ્યું. ગામડાંમાંથી યુવાનો શહેરમાં આવ્યા અને અહીં આજીવિકા ન મળે તો અસંતોષ ઊભો થાય છે."

"આ વિકલ્પો ઊભા કરવાનું કામ સત્તામાં બેઠેલા લોકોનું છે. જો રોજગારીના વિકલ્પો ઊભા ના થાય તો અસંતોષ ઊભો થાય છે."


પાણીનો મામલો કેમ હવે ચૂંટણીનો મુદ્દો બનતો નથી?

પાણી અંગેના સવાલના જવાબમાં સુરેશ મહેતાએ કહ્યું કે જે સમસ્યાનું સમાધાન ના આવે એવા મુદ્દાને રાજકીય પક્ષો બદલી નાખે છે. બીજા પોપ્યુલિસ્ટ મુદ્દા લાવવામાં આવે છે એટલે બીજા મુદ્દા દબાઈ જાય. પાણીના મુદ્દે પણ આવું જ થયું છે.

તેમણે કહ્યું, "પાણીની સ્થિતિ આવી છે ત્યારે પાણીનાં નિગમોને ભ્રષ્ટાચારના બહાને બંધ કરી દેવાય છે. મંત્રી એવું નિવેદન કરે કે આ ભ્રષ્ટાચારને બંધ કરી શકતા નથી એટલે બંધ કરી દઈએ છીએ. કૉંગ્રેસ આ મુદ્દાઓને ઉઠાવી શકતી નથી. કૉંગ્રેસ પણ પાણી મામલે નિષ્ફળ ગઈ છે."

જ્યોત્સના યાજ્ઞિકે વાતચીત કરતા કહ્યું, "દરેક વ્યક્તિને ધર્મ પાળવાનો અધિકાર છે. ધર્મઝનૂને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ખૂન કરાવ્યું હતું."

ઝકિયા સોમને પોતાની વાત રાખતા કહ્યું, "ધર્મ એક અલગ બાબત અને તેનાં મૂલ્યો તદ્દન અલગ બાબત છે. ધર્મ માનવસભ્યતા બાદ આવ્યો."

"આપણા સમાજમાંથી એવા લોકો ઊભા થયા છે અને રાજકારણીઓ પણ એવા જે જેમણે રાજકારણમાં આવવા માટે ધર્મનો ઉપયોગ કર્યો છે."

"લિન્ચિંગ જેવી બાબતને ગૌહત્યા કે ધર્મના નામે ખપાવી દવામાં આવે છે. આપણા દેશમાં રાષ્ટ્રવાદ બંધારણીય રીતે હોવો જોઈએ."

"આજનું બંધારણ પોતાની ફરજ સ્વીકારે છે અને લોકોને અધિકાર આપે છે. સવાલ એટલો છે કે આ સમાજ પોતાની ફરજ સમજીને બીજાને અધિકાર આપી શકે છે કે કેમ."

"એ ત્યારે બને કે જ્યારે શાસન સારું હોય. જ્યારે સત્તામાં બેઠેલા લોકો સત્તા છોડવા માગતા ન હોય ત્યારે આવું થઈ શકે નહીં."

ત્રિપલ તલાક એ એક અન્યાય છે

જ્યોત્સ્નાબહેને કહ્યું, "મેં જ્યારે નરોડા પાટીયાની ટ્રાયલ ચલાવી, તે ઘણી વિપરીત પરિસ્થિઓમાં મેં આ ટ્રાયલ ચલાવી હતી. આ કેસ હાઈકોર્ટમાં ગયો ત્યારે ઘણા જજે કહ્યું કે નોટ બીફોર મી ત્યારે મેં કહ્યું હતું કે મારા જેવા ટ્રાયલ કોર્ટની શું હાલત થઈ હશે એવું મેં કહ્યું હતું."

"મને ક્યારેય પણ મારા પરિવાર, મિલકત કે મારી ચિંતા રહી નથી. મને ભગવાન પણ શ્રદ્ધા હતી."

"આ પ્રકારના કેસોમાં ધમકી આવે. હું પોટા જજ હતી ત્યારે પણ મને ધમકી મળતી હતી. એટલે જજ બન્યા એટલે નીડર બનવું પડે."

જ્યોત્સના બહેને કહ્યું, "વૈચારિક પ્રદૂષણથી ન્યાયિક પ્રક્રિયાને અસર થાય છે. ત્રિપલ તલાકના મુદ્દાઓ માટે જે પક્ષના લોકો આગળ આવે છે તે પોતાના ફાયદા માટે આવે છે."

"અનામત કે ત્રિપલ તલાકના મુદ્દે કોઈ પણ પક્ષ તેની તરફેણ કે વિરોધમાં બોલે છે તે પોતાના લાભ માટે બોલે છે."

"ત્રિપલ તલાક એ એક અન્યાય છે જ. હિંદુ મૅરેજ એક્ટ બનાવ્યો, ખ્રિસ્તીઓના કાયદામાં પણ ફેરફાર પણ કરાયો."


પ્રથમ સેશન : આજનું ગુજરાત અને રાજકારણ

Image copyright Getty Images

હાર્દિક પટેલે કહ્યું, "ભાજપના રાજમાં શિક્ષણ, સ્વાસ્થ્ય રોજગારી, ખેડૂત મુદ્દે લોકો નાખુશ છે."

"આરટીઆઈમાં પ્રવેશ માટે ઠાગાઠૈયા કરી રહી છે. શિક્ષણનો કાયદો લાગુ થવો જોઈએ તે નથી થયો. ગુજરાતી સરકારે શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ."

હાર્દિક પટેલે કહ્યું, "ગુજરાતમાં મુદ્દા જ મુદ્દા છે. સૌથી મોટો મુદ્દો રોજગારીનો છે. અમદાવાદમાં મેટ્રો બન્યા બાદ ઉદ્ધાટન કરવાની જરૂર હતી. 6 કિલોમિટરમાં બનાવીને ઉદ્ધઘાટન કરવાની શું જરૂર હતી."

"જેમની સરકાર હોય તેમની સામે જ સવાલો ઉઠાવવાના હોય. હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયો એટલે ગદ્દાર કહેવામાં આવ્યું. અમે સમાજના મુદ્દા ઉઠાવીએ છીએ. તો તમે કઈ રીતે આરોપ મૂકો છો."

ઋત્વિજ પટેલે કહ્યું, "અનામત મળી ગયા બાદ હાર્દિક પટેલ ઇચ્છતા હતા કે કેવી રીતે ફેસ સેવિંગ થઈ જાય, હું તો યુવાન તરીકે શુભેચ્છા આપું કે કોર્ટ એમને ચૂંટણી લડવા માટે મંજૂરી આપે. એક જ વખતમાં મામલો પૂરો થઈ જાય. હાર્દિક પટેલ સામે યુવા મોર્ચો જોરદાર તૈયારીથી લડશે. હાર્દિક પટેલ હારશે તે સત્ય છે.

હાર્દિક પટેલે કહ્યું, "જ્યારે આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપને થતું કે હું સમાજને ગેરમાર્ગે દોરતો હતો. આનંદીબહેને 10 ટકા અનામત આપી, મોદીએ 10 ટકા અનામત આપી, આ બેમાંથી કઈ માગણી અમારે રાખવી તે સ્પષ્ટ નથી."

"મેં એક સમાજ માટે માગ્યું હશે. પરંતુ તે દરેક સમાજને મળ્યું છે."

"જો તમારે અનામત આપવાની જ હતી તો પછી હું અનામતની માગણી કરતો હતો ત્યારે મારી પર બે રાજદ્રોહના કેસ, જેલમાં મોકલવાની કે અન્ય કેસો કરવાની ક્યાં જરૂર હતી?

"પુલવામા બાદ પાકિસ્તાન પર હુમલો કર્યો તે સારી વાત છે પરંતુ મુદ્દાની વાત ગાયબ છે."

અલ્પેશ ઠાકોરે કહ્યું, "રિવરફ્રન્ટમાં અમદાવાદીઓ ફરવા આવે છે. તેના છેડે ગરીબી છે, ઝૂંપડપટ્ટી છે. કાંકરિયા તળાવની પાસે ગરીબી છે. ગુજરાતમાં લોકો બેરોજગાર છે. એટલે ગુજરાતની વાત કરવી જોઈએ."

ઋત્વિજ પટેલે કહ્યું, "અમે નાના ઉદ્યોગો માટે પ્રતિબદ્ધ છીએ. તેના માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને કાર્યરત છે. 8 કરોડ યુવાનોને મુદ્રા બૅન્કે લોન આપી છે."


રાજકારણમાં વિરોધ

હાર્દિક પટેલ આ કાર્યક્રમની ચર્ચામાં કહ્યું કે તેમના પર સરકારે અનેક કેસો કર્યા છે એટલે આગળના મારા ભવિષ્ય વિશે હું બહું વિચારતો નથી.

તેમણે કહ્યું, "હું રાજકારણમાં હજી આવ્યો જ છું અને લોકો મારો વિરોધ કરવા લાગ્યા છે."

ઋત્વિજ પટેલે કહ્યું છે કે ગુજરાતના વિકાસમાં પાટીદાર સમાજનો સિંહફાળો રહ્યો છે. પાટીદારોને રાજનીતિમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું, "હાલમાં જ હાર્દિક પટેલનો જામનગરમાં ક્યાંક વિરોધ થયો હતો અને આવી જ રીતે ગુજરાતના તમામ શહેરોમાં અમારો પણ પાસના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.

"પાટીદાર સમાજને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ટકા અનામત આપવામાં આવી છે. સમાજને જરૂરિયાત હતી અને તે સરકારે પૂર્ણ કરી છે."

અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાજનીતિમાં જીતવું એ સફળતા નથી પરંતુ રાજનીતિમાં વિચારધારા મહત્ત્વની છે.

તેમણે કહ્યું, "ગુજરાત અને દેશ બે ભાગમાં વહેંચાયેલો છે રાજ્યમાં અનેક પ્રશ્નો છે, જેના ઉકેલ કરવા માટે મક્કમ સરકાર જોઈએ. "

"રાહુલ ગાંધીનો મારી સાથેનો ભાઈ સાથેનો એક વ્યહાર છે. તેઓ ગરીબની વાત કરે છે. તેઓ એક વાત કરે છે કે સત્તા મળે છે કે ના મળે. કાલે સત્તા આવશે તો આપણે ગરીબો વિશે વિચારવાનું છે."

રાહુલ ગાંધી અને અમિત શાહમાંથી કોણ સફળ રાજકારણી છે. એના જવાબમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે રાહુલ ગાંધી જ સફળ છે.

અલ્પેશ ઠાકોરે કહ્યું, "સામ પિત્રોડાનું નિવેદન એ વ્યક્તિગત નિવેદન છે. તેના સાથે કૉંગ્રેસને કોઈ લેવાદેવા નથી."

"અમે આંદોલનકારી છીએ, અમે લોકો માટે લડીએ છીએ. અમે સરકારની સફળ વાતોનાં વખાણ પણ કરીએ છીએ. મારે મારા સમાજના લોકોને કંઈક અપાવવું છે."

ભાવના દવેએ કહ્યું, "કૉંગ્રેસને સત્તા જોઈએ છીએ, દરેક રાજકીય પક્ષને સત્તા જોઈએ, પરંતુ કૉંગ્રેસ દેશના હિતના સવાલો ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો