#GujaratniVaat : 'જો હાર્દિક પટેલ ચૂંટણી લડશે તો ચોક્કસથી હારશે' - ઋત્વિજ પટેલ

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ

બીબીસી ગુજરાતી દ્વારા સાંપ્રત રાજકારણ પર ચર્ચા કરવા માટે અમદાવાદમાં 'ગુજરાતની વાત' (#GujaratniVaat) કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

'ગુજરાતની વાત' કાર્યક્રમમાં અલગઅલગ વિષયો પર ગુજરાતમાં રાજકારણ, રોજગારી, લોકોની સામાજિક પરિસ્થિતિ, ધર્મ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પ્રથમ સત્રમાં કૉંગ્રેસના હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને ભાજપના નેતા ઋત્વિજ પટેલ તથા અમદાવાદનાં પૂર્વ મેયર ભાવનાબહેન દવેએ ચર્ચા કરી હતી.


હાર્દિક પટેલની વાત

પ્રથમ સેશનની શરૂઆતમાં હાર્દિક પટેલે કહ્યું કે દેશના રાજકારણમાં મુદ્દાની વાતનો અભાવ જોવા મળે છે.

તેમણે સરકાર પર સવાલ કરતા કહ્યું, "સવર્ણોને અનામત આપવી જ હતી તો પછી મારા પર રાજદ્રોહનો કેસ કેમ કરવામાં આવ્યો?"

ઍરસ્ટ્રાઇક પર વાત કરતા હાર્દિક પટેલે પ્રશ્ન પૂછ્યો હતો કે સૈન્યના નામે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નામે કેમ જશ લઈ રહ્યા છે?

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનો આરોપ હાર્દિક પટેલે લગાવ્યો હતો.

પોતે કૉંગ્રેસમાં હોવા છતાં દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકારે શિક્ષણ ક્ષેત્રે કરેલું કાર્ય દરેક રાજ્યોમાં થવું જોઈએ એવી વાત પણ હાર્દિકે કરી હતી.

એટલું જ નહીં હાર્દિકે એવું પણ કહ્યું હતું, "હું કૉંગ્રેસમાં જોડાયો છું એટલે મને ગદ્દાર કહેવામાં આવી રહ્યો છે પરંતુ જો હું ભાજપના જોડાયો હોત તો મને એક યુવા નેતા તરીકે પ્રતિબિંબિત કરવામાં આવ્યો હોત."


હાર્દિક વિરુદ્ધ પ્રચાર કરીશું : ઋત્વિજ પટેલ

ઋત્વિજ પટેલે હાર્દિક અને અલ્પેશ પર નિશાન તાકતા કહ્યું કે જે રીતે સમાજનો ઉપયોગ કરીને રાજકારણ કરવામાં આવ્યું એ યોગ્ય નથી.

તેમણે એવું પણ કહ્યું કે આજે પાટીદાર સહિત ગુજરાતના યુવાનો જાગૃત થઈ ગયા છે જેને કારણે હાર્દિક પટેલને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

હાર્દિક પટેલ, કનૈયાકુમાર સાથે બેસે તો હાર્દિકનો વિરોધ કરવામાં આવશે એવી વાત પણ ઋત્વિજ પટેલે કરી હતી.

ઋત્વિજ પટેલે હાર્દિકને ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે જો હાર્દિક ચૂંટણી લડશે તો તે ચોક્ક્સ હારશે.

ઋત્વિજ પટેલે હાર્દિક પટેલને પડકાર ફેક્યો કે હાર્દિકની ચૂંટણીમાં ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય એ રીતે ભાજપનો યુવા મોરચો પ્રચાર કરશે.


ગુજરાત અને દેશ બે ભાગમાં વહેંચાયેલા છે :અલ્પેશ ઠાકોર

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાત અને ભારત, શહેર અને ગામડાં એમ બે ભાગોમાં વહેચાયેલા છે.

તેમણે કહ્યું હતું કે શહેરો આગળ વધી રહ્યાં છે પણ ગામડાંમાં વિકાસના અનેક પ્રશ્નો છે. એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મક્કમ સરકાર અને મક્કમ પ્રતિપક્ષની જરૂર છે.

રાહુલ ગાંધી અંગે વાત કરતા અલ્પેશે કહ્યું હતું, "રાહુલનું માનવું છે કે એમની સત્તા આવશે એમાં ગરીબોનો અધિકાર હશે, એમાં ગામડાંનો વિકાસ હશે, એમાં પછાત લોકોનો વિકાસ હશે."

સરકારની ટીકા કરવાના સવાલ પર વાત કરતા અલ્પેશે કહ્યું, "અમે આંદોલનકારી છીએ અને લોકો માટે લડીએ છીએ. સરકારની નિષ્ફળ નીતિની ટિકા કરીએ અને સફળતાના વખાણ પણ કરીએ છીએ."

ગુજરાતમાં છેલ્લા બે દાયકા દરમિયાન કૉંગ્રેસ નિષ્ફળ રહી છે? એ પ્રશ્નનો જવાબ આપતા અલ્પેશે જણાવ્યું,

"છેલ્લા એક વર્ષથી કૉંગ્રેસ તમામ મુદ્દાઓને ઉઠાવી રહી છે. મગફળી કૌભાંડ, બેરોજગારી હોય કે અન્ય મુદ્દાઓ હોય, મજબૂત સંખ્યાબળ સાથે કૉંગ્રેસ આગળ વધી જ છે."

અલ્પેશ ઠાકોરે ઋત્વિજ પટેલને પોતાની સામે ચૂંટણી લડવા પડકાર પણ ફેંક્યો હતો.

અલ્પેશ ઠાકોરે એવું પણ કહ્યું કે સ્થાનિક લોકોને રોજગારી નથી મળી રહી એટલે ગામડાં તૂટી રહ્યાં છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા પડી ભાંગી છે અને ગૃહઉદ્યોગો તૂટી ગયાં છે.


ગાંધીજી જેમ સાચું બોલતા શીખો- ભાવનાબહેન દવે

પૂર્વ મેયર ભાવનાબહેન દવેએ મંચ પર હાજર ત્રણેય યુવા નેતા (હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ઋત્વિજ પટેલ)ને સલાહ આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપિતા ગાંધીજીની જેમ સાચું બોલતા શીખો.

તેમણે એવું પણ કહ્યું હતું કે આંદોલન સમયે યુવાઓ એવું કહેતા હતા કે તેઓ રાજનીતિમાં નહીં જોડાય આ શબ્દો જનતાના કાનમાં ગૂંજી રહ્યા છે.

હાર્દિકને સવાલ કરતા તેમણે કહ્યું હતું, "તમે પટેલ સમાજ માટે 10 ટકા સવર્ણ અનામતની માગ કરી તો શું આ દેશ કોઈ એક જ સમાજથી બનેલો છે?"

રોજગારી મુદ્દે તેમણે કહ્યું હતું કે દેશના આયોજન પંચને જે પણ રોજગારીના આંકડા આવે છે તે માત્રને માત્ર સંગઠિત ક્ષેત્રના હોય છે.


ધર્મ અને રાજકારણ

આ સત્ર બાદ બીજું સત્ર શરૂ થયું હતું જેનો વિષય હતો રાજકારણ અને ધર્મ.

આ વિષય પર ચર્ચા કરવા માટે મહિલા અધિકાર કર્મશીલ ઝકિયા સોમણ, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતા, ન્યાયાધીશ જ્યોત્સ્ના યાજ્ઞિક અને જૈન ધર્મગુરુ ગણીવર્ય રાજેન્દ્ર વિજય મહારાજે ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં ઝકિયા સોમણે કહ્યું હતું કે ધર્મ એક બાબત છે અને ધર્મનો ઉપયોગ તદ્દન જૂદી બાબત છે. ધર્મના નામે હથિયાર ઉપાડવાની વાત કોઈ ધર્મ નથી કરતો.

તેમણે ઉમેર્યું કે લોકો સત્તામાં આવવા માટે ધર્મનો ઉપયોગ કરે છે અને પ્રિતૃસત્તાક વ્યવસ્થામાં ધર્મનો ઉપયોગ કરીને સ્ત્રીને પાછળ રાખવામાં આવે છે.

આપણો રાષ્ટ્રવાદ બંધારણ આધારિતી રાષ્ટ્રવાદ હોવો જોઈએ એવી વાત કરતાં ઝકિયાએ કહ્યું કે આજનું બંધારણ પોતાની ફરજ સ્વીકારે છે અને લોકોને અધિકાર આપે છે. સવાલ એટલો છે કે આ સમાજ પોતાની ફરજ સમજીને બીજાને અધિકાર આપી શકે છે કે કેમ?

ઝકિયાએ દેશના તમામ રાજકીય પક્ષ પિતૃસત્તાક હોવાની પણ વાત કરી.


કૉંગ્રેસ પાણી મુદ્દે નિષ્ફળ- સુરેશ મહેતા

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ જણાવ્યું કે રાજકારણમાં સમસ્યાનું સમાધાન ના આવે એવા મુદ્દાને રાજકીય પક્ષો બદલી નાખે છે. બીજા પોપ્યુલિસ્ટ મુદ્દા લાવવામાં આવે છે એટલે બીજા મુદ્દા દબાઈ જાય. પાણીના મુદ્દે પણ આવું જ થયું છે.

તેમણે પાણીનો મુદ્દો કૉંગ્રેસ ઉઠાવી શકતી નથી અને કૉંગ્રેસ પણ પાણી મામલે નિષ્ફળ ગઈ હોવાની વાત કરી.

આ દરમિયાન જ્યોત્સ્ના યાજ્ઞિકે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર હોવાની વાત કરી તો સાથે જ ધર્મઝનૂને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ખૂન કરાવ્યું હોવાની પણ વાત કરી.

ગણીવર્ય રાજેન્દ્ર મહારાજે આદિવાસીઓને ન્યાય અપાવવા માટે રાજકારણમાં પ્રવેશી રહ્યા હોવાની વાત કરી. તેમણે ભાજપ અને કૉંગ્રેસ એમ બન્ને વિકલ્પો ખૂલ્લા હોવાની વાત કરતા જણાવ્યું કે સ્થાનિક ક્ષેત્રે જ રોજગાર મળી રહે અને ખેતીનો વિકાસ થાય એવા મુદ્દાઓ પર તેઓ ચૂંટણી લડવા માગે છે.


દલિતો પર અત્યાચાર

આ સત્ર બાદ ત્રીજા સત્રમાં ભાજપના સાંસદ કિરીટ સોલંકી અને ભાજપના નેતા રાજુ પરમાર વચ્ચે હાલના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

રાજુ પરમારે કહ્યું, "દલિતોના કેસમાં કૉંગ્રેસ હંમેશાં સક્રિય રહી છે. અમે ઉનાના સહિત અનેક કેસમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. સમગ્ર તંત્ર ખોરવાયેલું છે. જે તે લોકો સત્તામાં બેઠા છે તેઓ આના માટે જવાબદાર છે."

તેના જવાબમાં કિરીટ સોલંકીએ કહ્યું, "દલિતો પર અત્યાચાર મામલે જે તે સરકારે નિષ્ફળતા સ્વીકારવી જોઈએ. જેની પણ સરકાર હોય પરંતુ કૉંગ્રેસના સમયમાં પણ દલિતોના અત્યાચાર થયા હતા."

તેમણે ઉમેર્યું કે દલિતોને ન્યાય આપવા માટેનું કામ તેમની સરકારે કર્યું. દલિતો પર અત્યાચાર મામલે જે તે સરકારે નિષ્ફળતા સ્વીકારવી જોઈએ.

જ્યારે કિરીટ સોલંકીએ કહ્યું કે ગુજરાતનો વિકાસ એ ભાજપ સરકારની સૌથી મોટી સફળતા છે. જેને અન્ય રાજ્યો પણ અનુસર્યાં હતાં.

એસ.સી.એસ.ટી અધિકાર કાયદાને મજબૂત કરવાનું કામ ભાજપે કર્યું હોવાનું કહીને તેમણે ઉમેર્યું "તેમણે દલિત-આદિવાસીઓ પ્રત્યેનું આપણું વલણ બદલવું જોઈએ."

રાજુ પરમારે જણાવ્યું કે એસ.સી.એસ.ટી સંબંધિત કાયદામાં સુધારો લાવવા ભાજપે મોડું કર્યું છે. ગુજરાતના ગામડાઓમાં આજે પણ ભેદભાવ જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે ગુજરાતમાં વિકાસ સૌએ કર્યો છે અને વિકાસ માટે કોઈ એક પક્ષ જવાબદાર નથી.

દલિતોના કેસમાં કૉંગ્રેસ હંમેશાં સક્રિય રહી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું, "અમે ઉના સહિત અનેક કેસમાં સક્રિય ભૂમિકા નિભાવી છે. સમગ્ર તંત્ર ખોરવાયેલું છે. જે તે લોકો સત્તામાં બેઠા છે તેઓ આના માટે જવાબદાર છે."

તેમણે દલિતોને લઈને આખું તંત્ર ખોરવાયેલું હોવાની વાત કરી.


મંદિર-મસ્જિદ v/s રોજગાર

ચોથા સત્રમાં મંદિર, મસ્જિદ v/s રોજગારમાં રામદત્ત ત્રિપાઠી, મહમૂદ મદની, વિષ્ણુ પંડ્યા, ઇંદિરા હિરવે અને મુદિતા વિદ્રોહી સામેલ થયાં હતાં.

ચોથા સેશનમાં રામમંદિર મુદ્દે વરિષ્ઠ પત્રકાર રામદત્ત ત્રિપાઠીએ કહ્યું, "ચૂંટણી સમયે આ મુદ્દો મતોના ધ્રુવીકરણ માટે ઉપયોગમાં લેવાતો રહ્યો છે."

અર્થશાસ્ત્રી ઇંદિરા હિરવેએ કહ્યું, "મંદિર-મસ્જિદનો મુદ્દો મહત્ત્વનો નથી. આ એક વ્યક્તિગત મુદ્દો છે."

"રાજકીય પક્ષો આ મુદ્દાનો ઉપયોગ ચૂંટણી સમયે જ કરે છે. ચૂંટણી પૂરી થાય ત્યારે આ મુદ્દો પણ ખતમ થઈ જાય છે."

વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આજે દેશને રામમંદિરની જરૂરિયાત છે. આ દેશમાં અનેક પ્રશ્નો છે. માત્ર રામમંદિર કે બાબરી મસ્જિદના જ પ્રશ્નો જ નથી.

"આ માત્ર રોજગારની વાત નથી, અમારા યુવાનો સશક્ત છે, એ મેળવી લે છે. રામમંદિર તો જોઈએ જ. બાબરી મસ્જિદની જગ્યાએ રામમંદિર હિંદુઓની આસ્થાનો સવાલ છે. હિંદુ અને મુસ્લિમ બંનેને જોઈએ છે."

અયોધ્યા મુદ્દાને મુસલમાન કેવી રીતે જુએ છે એ અંગે મહમૂદ મદનીએ કહ્યું, "કોર્ટ જે નિર્ણય આપશે તે મુસલમાન સ્વીકારી લેશે."

"રામનો અનાદર કરવાની પરવાનગી મુસલમાનને નથી. અયોધ્યા મુદ્દો પરસ્પર સહમતિથી ઉકેલાય તે ઉત્તમ છે."

"દુનિયામાં બીજા નંબરે સૌથી વધુ મુસલમાન ભારતમાં છે તો આ મુદ્દો પ્રેમથી ઉકેલાવો જોઈએ."

"મંદિર હોય કે મસ્જિદ ધર્મને ક્યારેય જીવનમાંથી બાકાત રાખી શકાતો નથી. ધર્મ લોકોને ત્યાગ, પ્રેમ, શાંતિ આપે છે જે જીવન માટે જરૂરી છે."

મુદિતા વિદ્રોહીએ કહ્યું, "ઇતિહાસની વ્યાખ્યા ભૂતકાળ પર કરીએ તો આજના ભારતની કલ્પના પાંચ હજાર વર્ષ પહેલાંના ભારતની દૃષ્ટિથી ના કરી શકાય."

"હિંદુ-મુસ્લિમ, મંદિર-મસ્જિદના મુદ્દાઓ વચ્ચે ખેડૂતોની વાત આવે ત્યારે માત્ર હિંદુઓ જ ખેડૂતો જ નથી હોતા. તમામ ધર્મના લોકો ખેડૂતો હોય છે. જેમાં છેવાડાના માનવીને જ ભોગવવું પડે છે."

ઇંદિરા હિરવેએ કહ્યું, "જ્યારે દેશમાં રોજગાર નથી, ખેતીમાં કોઈ રોકાણ થયું નથી, દલિતો માર ખાઈ રહ્યા છે, ત્યારે દેશમાં મંદિર-મસ્જિદનો મુદ્દો કેવી રીતે હોઈ શકે."

"ચારે બાજુ પ્રશ્નો છે, નિકાસ ઘટી રહી છે. સમગ્ર વિશ્વમાં સૌથી અસમાનતા ધરાવતો દેશ છે તો તે ભારત છે."

રામદત્ત ત્રિપાઠીએ કહ્યું, "બેરોજગારી એક એવી વસ્તુ છે કે તેના સરકાર આંકડા આપે કે ના આપે. આપણે પરિવારોમાં, ગલ્લી-મહોલ્લામાં જોઈ શકીએ છીએ."

"ખેતી પર નિર્ભર લોકોને ઓછા કરવાનો એક પ્લાન છે, જેના આધારે ખેતી, કુટીર ઉદ્યોગો, ડેરી ઉદ્યોગોને ખતમ કરવામાં આવી રહ્યા છે."

મહમૂદ મદનીએ કહ્યું, "જો કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય તો તે મસ્જિદ બનશે જ નહીં. તે મસ્જિદ હશે જ નહીં. એ અલ્લાહનું ઘર બની જ ના શકે. ક્યારેય ના બની શકે."

ઇંદિરા હિરવેએ કહ્યું, "શિક્ષિત અને અશિક્ષિત લોકોમાં તફાવત વધતો જાય છે એટલા માટે શિક્ષણ માટે ખર્ચ થવો જોઈએ. રોજગારીને મધ્યમાં રાખીને વિકાસની વાત થવી જોઈએ. ગરીબ અને અમીર વચ્ચે ભેદ વધતો જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો