કાશ્મીર : એ પરિવારની પીડા જેના પુત્રને ઉગ્રવાદીઓએ મારી નાખ્યો : ગ્રાઉન્ડ રિપોર્ટ

અબ્દુલ હામિદ મીર Image copyright MAJID JAHANGIR/BBC
ફોટો લાઈન અબ્દુલ હામિદ મીર

ભારત પ્રશાસિત કાશ્મીરમાં મીર મહોલ્લા વિસ્તારના હાજનમાં લગભગ ખંડેર થઈ ગયેલા એક મકાનની બહાર ભારે ભીડ છે.

આ મકાન મોહમ્મદ શફી મીરનું છે, જેમના 12 વર્ષના પુત્ર આતિમ અહમદ મીરને તેમના કાકા સાથે ઉગ્રવાદીઓએ એ વખતે બંધક બનાવી લીધો હતો, જ્યારે સુરક્ષાદળોએ આ મકાનને ગુરુવારે ઘેરી લીધું હતું અને ફરીથી અહીં છુપાયેલા ઉગ્રવાદીઓ સાથે મૂઠભેડ શરૂ થઈ હતી.

આસપાસના લોકો અહીં શોકમાં સરી પડેલા પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા છે.

કહેવામાં આવે છે કે ઉગ્રવાદીઓએ 12 વર્ષના કિશોરને છોડવાની તમામ અપીલો ફગાવી દીધી હતી અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી.

આતિફના પિતા પાસે જ લગાવેલા એક ટૅન્ટમાં બેઠા છે અને બિલકુલ ચૂપ છે.

ટૅન્ટ એટલા માટે લગાવવામાં આવ્યો છે કે ગુરુવારે ઉગ્રવાદીઓ અને સુરક્ષાદળો સાથે થયેલા ગોળીબારને કારણે મીરનું મકાન રહેવા લાયક રહ્યું નથી.

આતિફનાં માતા શમીના બાનો મહિલાઓથી ઘેરાયેલાં છે અને પુત્રનાં મોતના આઘાતમાં રડી રહેલાં શમીના બાનોને મહિલાઓ સાંત્વના આપવાની કોશિશ કરી રહી છે.

Image copyright MAJID JAHANGIR/BBC
ફોટો લાઈન આતિફ અહમદ મીર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો

મીર એ સમયને યાદ કરે છે જ્યારે તેમના પુત્રને ઉગ્રવાદીઓએ બંધક બનાવી લીધો હતો.

મીર કહે છે, "ગુરુવારનો દિવસ હતો, જ્યારે સુરક્ષાદળોએ તેમનું ઘર ચારે તરફથી ઘેરી લીધું હતું."

"એ વખતે કુલ મળીને અમે આઠ લોકો ઘરની અંદર હતા. પરિવારના છ લોકો કોઈ પણ રીતે ઘરની બહાર આવવામાં સફળ થયા."

"મારા પુત્ર અને ભાઈ અબ્લુદ હામિદને ઉગ્રવાદીઓએ ઘરની બહાર ના નીકળવા દીધા અને તેમને બંધક બનાવી લીધા."

"અમે તેમને ઘરની બહાર કાઢવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ ઉગ્રવાદીઓએ અમારું કંઈ સાંભળ્યું નહીં."

તમે આ વાંચ્યું કે નહીં?

"અમે માઇક દ્વારા આતંકવાદીઓને ઘણી અપીલ કરી કે મારા પુત્રને બહાર આવવા દો પરંતુ તેમણે અમારી વિનંતીને ગણકારી નહીં."

મીરે જણાવ્યું કે પોલીસ અધીક્ષક અને પોલીસ ઉપાધીક્ષકે પણ મારા પુત્રને મુક્ત કરાવવાની સંભવ હતી તે બધી જ કોશિશો કરી.

ત્યાં સુધી કે આતિફનાં માતાએ પણ ઘણી વિનંતી કરી, ગામની વક્ફ કમિટીએ પણ અપીલ કરી, પરંતુ બધું બેકાર સાબિત થયું.

Image copyright MAJID JAHANGIR/BBC
ફોટો લાઈન મૂઠભેડમાં તબાહ થયેલું મીરનું ઘર

ઉગ્રવાદીઓએ તેમના પુત્ર અને ભાઈને શા માટે બંધક બનાવ્યા હતા?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "તેમણે(ઉગ્રવાદીઓએ) વિચાર્યું હશે કે બંનેને બંધક બનાવી લેશે તો સુરક્ષાદળો તેમને મારશે નહીં."

"તેઓ સાંજ પડવાની રાહ જોઈ રહ્યા હતા અને મને લાગે છે કે તેમની કોશિશ હતી કે તેઓ મારા પુત્ર અને ભાઈને ઢાલ બનાવીને ત્યાંથી ભાગી જશે. જોકે, હું તો કહીશ કે મારો પુત્ર માર્યો ગયો."

પોલીસના જણાવ્યા પ્રમાણે અથડામણમાં માર્યા ગયેલા ઉગ્રવાદી અલી અને હબીબ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.

આતિફનાં માતાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઉગ્રવાદીઓને પોતાના પુત્રને છોડી દેવાની વિનંતી કરી રહ્યાં છે.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સેનાના જવાનોની હાજરીમાં તેઓ પોતાના પુત્રને છોડી દેવાની ઉગ્રવાદીઓને વિનંતી કરી રહ્યાં છે.

તેઓ કહે છે, "અલ્લાહના ખાતર, પયગંબર મહંમદના ખાતર, તેને છોડી દો. હું તમને વિનંતી કરું છું. હું તમને ખાવાનું આપતી હતી, અલ્લાહના ખાતર તેમને છોડી દો."

જોકે, ઘરમાં છુપાયેલા ઉગ્રવાદીઓ તરફથી કોઈ જવાબ આવતો નથી.

Image copyright MAJID JAHANGIR/BBC
ફોટો લાઈન આતિફના પિતા મોહમ્મદ શફી મીર

આતિફના કાકા, ગુલઝાર અહમદ મીર, જે ઉગ્રવાદીઓની ચુંગાલમાંથી બચી નીકળીવામાં સફળ રહ્યા હતા.

એક વીડિયો જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, તેમાં ગુલઝાર ડરતાં-ડરતાં કહી રહ્યા છે, "મેં બહારથી દરવાજો બંધ કરી દીધો અને ઘરની બહાર નીકળવામાં માંડમાંડ સફળ થયો. તેમણે અમને કહ્યું કે અમે તેમની સાથે જ રહીએ."

"તેઓ અમને કહેતા રહ્યા કે અમે તેમની સાથે જ રહીએ. તેઓ બંને(ઉગ્રવાદી) ઘાયલ હતા. હું જ્યારે ઘરમાંથી ભાગ્યો ત્યારે આતિફ ઠીક હતો."

અબ્દુલ હામિદ મીર કૅમેરા પર આવીને કંઈ બતાવવા માગતા નથી.

તેમણે મને કહ્યું, "તેઓ અમને કહેતા રહ્યા કે અમારી(ઉગ્રવાદીઓ) સાથે જ રહો."

આતિફના એક સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું, "તેમણે અમારા આતિફને કેટલી નિર્દયતાથી માર્યો છે. તેઓ જેહાદ નથી કરી રહ્યા તેઓ હેવાન હતા."

આતિફ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને પોતાના પરિવારમાં બે બહેનો બાદ સૌથી નાનો હતો.

એક દાયકામાં આ પહેલી ઘટના બની છે જ્યારે ઉગ્રવાદીઓએ કોઈ સગીરને બંધક બનાવ્યો હોય.

આતિફના અંતિમ સંસ્કાર શુક્રવારે થયા અને તેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

Image copyright MAJID JAHANGIR/BBC
ફોટો લાઈન આતિફના ઘર પાસે એકઠી થયેલી મહિલાઓ

વાઇરલ વીડિયોમાં આતિફ અને અબ્દુલના એક સંબંધી તેમને છોડી મૂકવાની અપીલ કરતા દેખાઈ રહ્યા છે.

તેઓ કહી રહ્યા છે, "તેમને જવા દો, શું આ જેહાદ છે? આ કેવા પ્રકારનો જેહાદ છે. અલ્લાહ તમને અહીં પણ અને ત્યાં પણ અપમાનિત કરશે."

બાંદીપોરામાં પોલીસ અધીક્ષક રાહુલ મલિકે શુક્રવારે મીડિયાને આ મૂઠભેડની જાણકારી આપી હતી.

તેમણે કહ્યું, "આ અચાનક થયેલી મૂઠભેડ હતી. શરૂઆતના પ્રથમ બે કલાકમાં અમે છ લોકોને બચાવ્યા."

"પછી અમને ખબર પડી કે બે લોકો હજી પણ ઘરની અંદર છે અને આતંકવાદીઓએ તેમને બંધક બનાવી લીધા છે."

"આ હાલતમાં અમે તેમને બહાર કાઢવાની કોશિશ કરી અને તેમના માટે અમે ઘણા પ્રયત્નો કર્યા."

"એક બંધક બહાર આવી ગયો. જેનાથી અમને જાણકારી મળી કે અલી(ઉગ્રવાદી)એ આતિફને બંધક બનાવી રાખ્યો છે અને તેને બહાર આવવા દેતા નથી."

"જ્યારે અમે બિલ્ડિંગને ઉડાવી, એ પહેલાં જ તેમણે કિશોરની હત્યા કરી દીધી હતી."

Image copyright MAJID JAHANGIR/BBC

પોલીસ અધીક્ષકે એ પણ જણાવ્યું, "અલી(ઉગ્રવાદી) કોઈ યુવતી સાથે લગ્ન કરવા માગતો હતો અને એ ઇચ્છતો હતો કે એ યુવતી આ મકાનમાં આવે. જોકે, પરિવારના લોકોએ યુવતીને અન્ય જગ્યાએ મોકલી દીધી હતી. "

"તેનું કહેવું હતું કે તે ત્યારે જ ઘરની બહાર આવશે, જ્યારે યુવતીને અહીં લાવવામાં આવશે."

"જ્યારે અમને આતંકવાદીઓ મીરના આ ઘરમાં છુપાયા છે તેની જાણકારી મળી, એ સમય સુધી આ વાત ચાલી રહી હતી, જે બાદ અમે આ ઘરને ઘેરી લીધું હતું."

પોલીસે દાવો કર્યો છે કે અલી અનેક નાગરિકોની હત્યામાં સામેલ હતો અને આ વિસ્તારમાં 2017થી સક્રિય હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ