હિંદુ યુવતીઓના પાકિસ્તાનમાં ધર્માંતરણ અંગે સુષમાએ રિપોર્ટ માગ્યો, પાક.એ આપી પ્રતિક્રિયા

ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના સૂચના મંત્રી ચૌધરી ફવાદ હુસૈન Image copyright GETTY IMAGES/FB @FAWAD HUSSAIN
ફોટો લાઈન ભારતનાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના સૂચના મંત્રી ચૌધરી ફવાદ હુસૈન

પાકિસ્તાનમાં બે સગીર હિંદુ યુવતીઓનું કથિત રીતે અપહરણ કરીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના વિરોધમાં હિંદુ સમુદાયએ ગુરુવારે ધરણાં પ્રદર્શન કર્યાં હતાં.

આ ઘટના પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લાના દહારકી તાલુકામાં હોળીના દિવસે જ બની છે.

અનુસૂચિત જાતિના હિંદુ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે બે સગીર બહેનોનું હોળીના દિવસે જ કોહબર અને મલિક જનજાતિના લોકોએ અપહરણ કરી લીધું હતું.

જોકે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બે કિશોરીઓ ઇસ્લામ અપનાવવાનો દાવો કરતા કહી રહી છે કે અમે અમારી ઇચ્છાથી ઇસ્લામ અપનાવ્યો છે.

આ સમગ્ર મામલામાં ભારતમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કેડ્ય કાટજુએ ટ્વીટ કરીને આ અપહરણ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે પોતાના ટ્વીટમાં આ ઘટનાને શર્મનાક જણાવતા પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પૂછ્યું છે કે શું આ તમારું નવું પાકિસ્તાન છે?

કાટજુને પાકિસ્તાનના સૂચનામંત્રી ચૌધરી ફવાદ હુસૈને જવાબ આપ્યો કે અમે પાકિસ્તાનને મોદીનું ભારત નહીં બનવા દઈએ. જ્યાં અલ્પસંખ્યકોના અધિકારની વાત મજાક બની ગઈ છે.

તેમણે લખ્યું કે માનવાધિકાર મંત્રાલયે આ મામલે સંજ્ઞાન લીધું છે અને તપાસના આદેશ આપ્યા છે.

સૂચનામંત્રીએ લખ્યું, "માનવાધિકાર મંત્રાલયએ આ મામલે સંજ્ઞાન લીધું છે અને તપાસ માટે કહ્યું છે. બાકી હું તમને એ આશ્વાસન આપું છું કે અમે તેને મોદીનું ભારત નહીં બનવા દઈએ, જ્યાં અલ્પસંખ્યકોના અધિકારની વાત મજાક બની ગઈ છે."

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે મીડિયામાં ખબર?

Image copyright EPA
ફોટો લાઈન પાકિસ્તાનના સૂચના મંત્રી ચૌધરી ફવાદ હુસૈન

પાકિસ્તાનના અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન પ્રમાણે હિંદુ નેતા શિવ મુખી મેઘવારે કહ્યું, "આવી તેમની ઇચ્છા ન હતી. વાસ્તવમાં યુવતીઓનું અપહરણ થયું છે અને તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે."

ભારતના અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને પાકિસ્તાનના હિંદુ સેવા વેલફર ટ્રસ્ટના અધ્યક્ષ સંજેશ ધનજાએ કરાચીથી ફોન પર જણાવ્યું કે બે બહેનો રીના અને રવીનાનું અપહરણ કરીને બાદમાં લગ્ન કરી તેમનું બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવવામાં આવ્યું છે.

માનવાધિકાર કાર્યકર્તા જિબરાન નાસિરે ટ્વિટર પર આ મુદ્દે બંને બહેનોના પિતાનો એક વીડિયો શૅર કર્યો છે. સાથે જ તેમણે લખ્યું છે કે એ બહેનો હતી એક રીના 14 વર્ષની અને બીજી રવીના 15 વર્ષની.

આ વીડિયોમાં એક વૃદ્ધ ખુદને થપ્પડ મારતા એવી માગ કરે છે કે કાં તો મારી દીકરીઓને સુરક્ષિત પરત લાવી દો અથવા મને ગોળી મારી દો.

નાસિર લખે છે, "આ થપ્પડ વૃદ્ધ પોતાના મોઢા પર નહીં સમાજના મોઢા પર મારી રહ્યા છે."


શું છે સમગ્ર મામલો?

આ મામલે પાકિસ્તાનના કાયાદની કલમ 365 બી(અપહરણ, બળજબરીથી લગ્ન માટે મહિલાનું અપહરણ), 395(ધાડ, લૂંટફાટ માટે સજા), 452 (ઇજા પહોંચાડવી, મારપીટ, ગેરકાયદે દબાવવાના ઉદેશથી ઘરમાં અનઅધિકૃત પ્રવેશ) અંતર્ગત કિશોરીઓના ભાઈ સલમાન દાસના નિવેદન પર દહારકી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પાકિસ્તાની અખબાર ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને આ મામલે એફઆઈઆરમાં કહેવામાં આવેલી વાતને વિસ્તારપૂર્વક કહી છે.

એફઆઈઆર પ્રમાણે કેટલાક દિવસ પહેલાં તેમની બરકત મલિક અને હજૂર અલી કોબહર સાથે બોલાચાલી થઈ હતી. બંને તેમના ઘરની આગળ ઊભા હતા. જ્યારે તેમને જવાનું કહ્યું તો બંને ગુસ્સે થઈ ગયા.

દાસ દાવો કરે છે કે તેઓ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે હતા ત્યારે પિસ્તોલ સાથે છ લોકો તેમના ઘરમાં ઘૂસી આવ્યા.

એમાંથી ત્રણ લોકોને દાસે ઓળખી લીધા. જે સફદર અલી, બરકત મલિક અને અહમદ શાહ હતા. બાકી ત્રણને તેઓ ઓળખતા ન હતા.

ફરિયાદમાં તેમણે લખાવ્યું કે આ છ લોકોએ તેમના પરિવારને બંદૂકના નાળચે બંધક બનાવી લીધો.

સફદર અલી તેમની બંને બહેનોને પકડીને ઢસેડતા બહાર લઈ ગયા.

આ વચ્ચે અહમદ શાહ અને તેમના સાથે આવેલા ત્રણ અજાણ્યા શખ્શોએ ઘરેણા શોધવા અમારા ઘરની અલમારીઓને ફંફોસી.

રિપોર્ટ પ્રમાણે આરોપીઓએ ચાર તોલા સોનું અને 75 હજાર રોકડા રૂપિયા પણ લૂંટી લીધા.

જ્યારે આ બધું ચાલી રહ્યું હતું, આ દરમિયાન પરિવારે શોર મચાવ્યો જેથી પાડોશમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ રમેશ મેઘવાર તુરંત મદદે આવ્યા.

જ્યારે તેઓ ઘર પહોંચ્યા તો તેમણે આરોપીઓ અને તેમના ત્રણ સાથીઓને ઓળખી લીધા.

જોકે, આરોપીઓએ તેમને પાછળ ના આવવા માટે ચેતવણી આપી અને કહ્યું કે જો તેમની પાછળ ગયા તો જાનથી મારી નાખવાની ધમકી આપી.

દાસના જણાવ્યા પ્રમાણે, અલી, બરકત અલી અને અહમદ શાહ પોતાની સફેદ ટોયોટા કોરોલા કારમાં તેમની બંને બહેનોનું અપહરણ કરીને લઈ ગયા. જ્યારે ત્રણ અજાણ્યા લોકો પોતાની બાઇક પર ગયા.

બળજબરીથી ધર્મ પરિવર્તન બિલનું શું થયું?

Image copyright FB @NAND KUMAR GOKLANI
ફોટો લાઈન નંદ કુમાર ગોખલાની

આ ઘટના બાદ પાકિસ્તાનના મુસ્લિમ લીગ-એફના પ્રાંતીય વિધાનસભાના સદસ્ય નંદકુમાર ગોખલાણીએ, જેઓ બળજબરીથી ધર્મ પરિવર્તન સામે એક બિલ લઈને આવ્યા હતા, સરકારને આગ્રહ કર્યો કે બિલને મંજૂરી આપી જલદી કાયદાનું સ્વરૂપ આપે.

તેમણે કહ્યું, "અમે સરકાર પાસે માગ કરીએ છીએ કે મારા બિલને વધારે સમય બગાડ્યા વિના પાસ કરાવો."

2016માં સિંધ વિધાનસભામાં ખાસ કરીને બિનમુસલમાન પરિવારોનાં બાળકોને બળજબરી મુસલમાન બનાવવાની અનેક ફરિયાદો બાદ, બળજબરી ધર્મ પરિવર્તન વિરુદ્ધ એક બિલ પાસ કર્યું હતું.

જોકે, આ બિલના વિરોધમાં અનેક ધાર્મિક દળો રસ્તા પર ઊતરી આવ્યાં અને તેના વિરુદ્ધ આંદોલનની ઘોષણા કરી દેવામાં આવી.

જ્યારે જમાત-એ-ઇસ્લામીના અધ્યક્ષ સિરાજુલ હકે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના સહઅધ્યક્ષ આસિફ અલી ઝરદારીને બોલાવ્યા તો આ બિલ પાસ થવા પર તેને ઐતિહાસિક ઉપલબ્ધિ ગણાવતા મિઠાઈ વહેંચનારી સત્તારૂઢ પીપીપીએ નેતૃત્વ સામે વધતા દબાણને કારણે ઘૂંટણ ટેકવી દીધા.

આ મુલાકાતના થોડા સમય બાદ, પીપીપીના નેતૃત્વવાળી સરકારે સંશોધન લાવવાની ઘોષણા કરી અને ત્યારે રાજ્યપાલ જસ્ટિસ(નિવૃત) સઇદુઝમાન સિદ્દીકીને એ સંદેશ મોકલી દીધો કે આ બિલને તેઓ મંજૂર ના કરે.

ત્યારથી આ બિલ વિધાનસભામાં ધૂળ ખાઈ રહ્યું છે.

ગોખલાણી કહે છે, "આ રીતે અપહરણથી વધારે પડતા મામલામાં હિંદુ યુવતીઓ ખાસ કરીને સગીરાઓનાં બ્રેઇન વૉશ કરવામાં આવે છે."


પોલીસનું શું કહેવું છે?

Image copyright FB@SYED KALEEM IMAM
ફોટો લાઈન સિંધ પોલીસ ચીફ આઈજીપી કલીમ ઇમામ

આ વચ્ચે ઘોટકીના એસએસપીએ સિંધ પોલીસ ચીફ આઈજીપી કલીમ ઇમામને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે.

તેમણે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે બંને સગીરાઓએ પોતાનો રેકૉર્ડેડ વીડિયો નિવેદનમાં કહ્યું છે કે ના તો તેમનું કોઈએ અપહરણ કર્યું છે કે ના તો તેમને કોઈએ બંધક બનાવી છે.

એસએસપીએ આ બંને બહેનોના વીડિયો પ્રમાણે બતાવ્યું કે બંનેએ પોતાની મરજી મુજબ ઇસ્લામ કબૂલ કર્યો છે.

જ્યારે બીજી તરફ, ડીએસપી ઇઝહાર લાહોરી કહે છે કે તેમણે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી છે અને પોલીસ અન્ય આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે.

તેમણે સમુદાયના લોકોને આશ્વાસન આપ્યું છે કે તેઓ 24 કલાકની અંદર યુવતીઓને પરત લઈ આવશે.


શું કહે છે માનવાધિકાર કાર્યકર્તા

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર ડૉનમાં એક સ્થાનિક માનવ અધિકાર કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે, "પાકિસ્તાનના સિંધના ઉમરકોટ જિલ્લામાં બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તનની લગભગ 25 ઘટનાઓ દર મહિને બને છે."

"આ વિસ્તાર ખૂબ પછાત છે અને અહીં રહેનારા લોકો અલ્પસંખ્યક અનુસૂચિત જાતિના છે, બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરવાની તેમની ફરિયાદો પર પોલીસ કાર્યવાહી કરતી નથી."

"આ બાબત અહીં રહેતા અન્ય લોકો જાણે છે. જોકે, તેઓ જ બબાલ કરી મૂકે છે અને પોલીસમાં જ ફરિયાદો ઓછી થાય છે."

તેઓ કહે છે, "આ જ કારણ છે કે ખૂબ ઓછી સંખ્યામાં ધર્મ પરિવર્તનના સમાચાર મીડિયામાં આવે છે."

"અમારી સંસ્થાએ 2015-16 દરમિયાન આ પ્રકારના ન્યૂઝ રિપોર્ટ એકત્ર કર્યા તો જાણવા મળ્યું કે 13 હિંદુ મહિલાઓમાં સમારો અને કુનરી તાલુકામાં ઇસ્લામ અપનાવ્યો હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ