ગુરુગ્રામ : 'હું મુસ્લિમ છું અને ભારત જ અમારો દેશ છે' - ગ્રાઉન્ડ રિપોર્ટ

દિલશાદ
ફોટો લાઈન મારપીટનો શિકાર બનેલા દિલશાદના માથામાં બે ટાંકા આવ્યા છે અને ડાબા હાથમાં ફૅક્ચર થયો છે

"હું આ ઘર છોડીને મારા ગામ જતો રહીશ. મારી નજર સામે મારાં નાનાં-નાનાં બાળકો મારવામાં આવી રહ્યાં હતાં અને હું જોતો રહ્યો. હું કંઈ ના કરી શક્યો. હું અહીં રહેવા નથી માગતો. આ મકાન માટે મેં લોકો પાસેથી પૈસા લીધા છે પરંતુ હું આખી જિંદગી ભયમાં રહેવા માગતો નથી."

ખાટલા પર સૂતેલા મોહમ્મદ સાજિદ આટલું કહેતા જ રડી પડે છે. નજીક બેઠેલી એક વ્યક્તિએ તેમનાં આંસુ લૂછ્યાં.

સાજિદના જમણા હાથમાં પ્લાસ્ટર અને પગમાં ગંભીર ઈજાઓ છે. તેમની હાલત આવી કઈ રીતે થઈ તેની તેમને પણ જાણ નથી.

21 માર્ચના રોજ સમગ્ર દેશ હોળીનો તહેવાર ઊજવી રહ્યો હતો. આ પ્રેમ અને ભાઈચારાનો તહેવાર છે પરંતુ ગુરુગ્રામના ભૂપસિંહનગરમાં રહેતા મોહમ્મદ સાજિદના પરિવારે આ દિવસે સમાજનો એવો ભયાનક ચહેરો જોયો જેને લઈને તેઓ હજી સુધી આઘાતમાં છે.

જોકે, પોલીસ આને સાંપ્રદાયિક ઘટના માનતી નથી.

આ ઘટનાના પીડિત અને મોહમ્મદ સાજિદના ભત્રીજા દિલશાદ મુજબ ગુરુવાર સાંજે પાંચથી સાડા પાંચ વચ્ચે નવા ગામથી 25-30 લોકો લાકડી-ડંડા અને ભાલા સાથે તેમના ઘરમાં દાખલ થયા અને સાજિદ, દિલશાદ, સમીર, શાદાબ સહિત 12 લોકોને માર મારી લોહીલુહાણ કરી દીધા.

સાજિદના દીકરા શાદાબની હાલમાં સફદરજંગ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

તેમની સાથે થયેલી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યો છે.

વીડિયોમાં દેખાય છે કે અમુક લોકો મોહમ્મદ સાજિદને ડંડાઓ વડે માર મારી રહ્યા છે. દરમિયાન એક મહિલા સાજિદને બચાવવાના પ્રયાસ કરે છે પરંતુ લોકો તેમને પણ માર મારે છે.

કેટલાંક બાળકો છતનો દરવાજો બંધ કરીને બચવાના પ્રયાસો કરે છે. બીજી તરફ એક યુવતીની બૂમો સંભળાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફોટો લાઈન ઘરની બારીનો તૂટેલો કાચ

જ્યારે 21 વર્ષની દાનિસ્તાએ આ વીડિયો બનાવ્યો ત્યારે તેમને જાણ નહોતી કે તેઓ આ વીડિયો શેર કરી શકશે કે કેમ?

દાનિસ્તા તેમના કાકાને ત્યાં હોળી માટે આવ્યાં હતાં. જે સમયે ભીડ ઘરમાં ઘૂસી ત્યારે તેઓ જમવાનું બનાવી રહ્યાં હતાં અને તેમના પાસે ભાઈ ઇરશાદનો ફોન હતો.

15 વર્ષ પહેલાં મોહમ્મદ સાજિદ પરિવાર સાથે રોજગારી માટે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાથી ગુરુગ્રામમાં આવ્યા હતા. અહીં ઘસોલા ગામમાં તેમની ગૅસ રિપેરિંગની દુકાન છે.

ગામ છોડીને તેઓ સારા ભવિષ્ય માટે અહીં આવ્યા હતા પરંતુ તેમને આ વાતનો અંદાજ પણ નહીં હોય કે શહેર તેમના ડરનું કારણ બનશે.

'અહીં કેમ રમી રહ્યો છે, પાકિસ્તાન જઈને રમ'

ફોટો લાઈન 21 વર્ષીય દાનિસ્તા પોતાના કાકાને ઘરે હોળી મનાવવા આવ્યાં હતાં. ઘટનાનો વીડિયો તેમણે જ બનાવ્યો હતો

ગુરુગ્રામ પોલીસ કમિશનર મોહમ્મદ અકીલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "આ સમગ્ર વિવાદ ક્રિકેટને લઈને શરૂ થયો હતો. વિવાદ વધતા મારપીટ થઈ હતી. એક પક્ષે વધુ મારપીટ કરી અને અમે અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે."

આ ઘટનાની તપાસ ચાલી રહી છે અને ધરપકડ થવી પણ સંભવિત છે.

ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સુભાષ બોકેને જણાવ્યું કે દિલશાદ નામની વ્યક્તિએ અજ્ઞાત લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. પુરાવા અને વીડિયોના આધારે મહેશ નામના યુવકની ધરપકડ કરી છે.

આ કેસ આઈપીસી કલમ 147 (દંગા ભડકાવવા), 148 (ગેરકાયદે સભા), 452 (અતિક્રમણ), 506 (ધમકી), 307 (હત્યાનો પ્રયાસ) અંતર્ગત નોંધવામાં આવ્યો છે.

હરિયાણા પોલીસ મહાનિદેશક મનોજ યાદવે કહ્યું, "આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. મને નથી લાગતું કે આ સાંપ્રદાયિક મામલો હોય. બે પક્ષોની આંતરિક લડાઈ છે જેને સાંપ્રદાયિક કહેવું ખોટું છે."

પોલીસના કહેવા પ્રમાણે ક્રિકેટ રમતી વખતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ અને આ મામલો મારપીટ સુધી પહોંચી ગયો. મારપીટ બંને પક્ષોએ કરી છે પણ એક પક્ષે ઘરમાં ઘૂસીને મારપીટ કરી છે. જેમની પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસની વાત સાથે પીડિત પરિવારની કહાણી મેળ ખાતી નથી.

મારપીટનો ભોગ બનેલા દિલશાદનું કહેવું છે, "ઘરમાં કુલ 17 લોકો હતા. અમે બધા ઘરની બહાર ક્રિકેટ રમી રહ્યા હતા."

"એટલામાં બાઇક સવાર બે લોકો આવ્યા અને કહેવા લાગ્યા કે મુલ્લા અહીં કેમ રમે છે, પાકિસ્તાન જઈને રમો. અમે બૉલ અને બૅટ એમને આપી દીધાં."

"એટલામાં સાજિદ કાકા આવ્યા અને પૂછ્યું કે શું થયું, એટલામાં બાઇક સવારે તેમને લાફો મારી દીધો. તેમણે પૂછ્યું, કોણ છે તું અને તારું ઘર ક્યા છે?"

"તેમણે કહ્યું કે અમે અહીં જ રહીએ છીએ. ત્યારબાદ અમે ઘરમાં જતા રહ્યા."

"થોડીવાર પછી બે બાઇક પર છ યુવકો આવ્યા. એમાંથી એકે કાકા તરફ ઇશારો કરતા કહ્યું કે આ છે અને આ કહેતા જ લોકોએ મારવાનું શરૂ કરી દીધું."

"એ લોકોએ ઘર પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો."

ફોટો લાઈન ઘટના બાદ મોહમ્મદ સાજિદનું ઘર

વાઇરલ વીડિયોમાં દેખાતા મુખ્ય પીડિત મોહમ્મદ સાજિદનું કહેવું છે, "એ લોકો લોખંડના દરવાજા પર જોરજોરથી ધક્કા મારતા હતા."

"દરવાજો ન ખૂલ્યો તો એ લોકોએ બારીની ગ્રીલ તોડી નાખી અને છત પર આવી ગયા. એ લોકોએ મારી પર એટલા દંડા વરસાવ્યા કે હું વિચારીને પણ ડરી જઉં છું."

"અમે મુસલમાન છીએ અને ભારતના રહેવાસી છીએ, પાકિસ્તાન સાથે અમારે શું સંબંધ?"

તેમણે આગળ કહ્યું, "મને એક ફોન આવ્યો અને દબાણ ઊભું કરાઈ રહ્યું છે કે હું કેસ પાછો ખેંચી લઉં અને સમાધાન કરી લઈએ."

"જો તંત્ર મારી મદદ નહીં કરે તો હું બાળકો સાથે આત્મહત્યા કરી લઈશ. હું આ જગ્યા છોડીને જતો રહીશ."

સાજિદ પોતાની વાત કહેતા-કહેતા ધ્રૂજવા લાગ્યા. બાજુના ઓરડામાંથી આવીને એક છોકરીએ એમને પાણી આપ્યું અને તેઓ શાંત થયા.

વાત કરતી વખતે મારી નજર જમીન પર પડી જ્યાં કાચના ટુકડા વિખેરાયેલા હતા.

ગુરુવારની ઘટનામાં ઘરના કાચની જેમ આ પરિવારના સભ્યો પણ જાણે તૂટી ગયા હતા.

અમે દાદરા ચઢીને ઉપર ગયા તો ત્યાં એક છોકરી રમી રહી હતી. આ છોકરીના ચહેરા પર ઈજાનું નિશાન હતું અને લોહી હજી બરાબર સુકાયું નહોતું.

છોકરીને પૂછ્યું કે આ ઈજા કેવી રીતે થઈ તો કહ્યું કે હોળીવાળા અંકલ આવ્યા હતા, એમણે બધાને માર્યા, મને પણ માર માર્યો. શું એ અંકલ ફરી આવશે?

પાંચ વર્ષની અફીફા તેના નાનાના ઘરે આવી હતી.

તેણે કહ્યું, "અંકલ લોકો ઉપર આવી ગયા, તોડફોડ કરી અને અહીં આવીને નાનાને માર માર્યો. આ નાનાનું જ લોહી છે."

"હું ત્યાં છુપાઈ ગઈ હતી. અંકલે મને અને મુન્નીને બહાર કાઢીને માર માર્યો. અંકલે અમારો ગેટ પણ તોડી નાંખ્યો."

'ગામમાં બદમાશ મુસ્લિમોને નહીં રહેવા દઈએ'

ફોટો લાઈન મારપીટનો શિકાર બનેલી પાંચ વર્ષીય અફીફા પોતાના નાનાના ઘરે હોળીનો તહેવાર મનાવવા આવી હતી

આ મામલે એક શખ્સની ધરપકડ કરાઈ છે, જેનું નામ મહેશ છે. મહેશ પાસેના જ 'નયા ગાંવ'માં રહે છે. જ્યારે અમે 'નયા ગાંવ'માં મહેશના ધરે પહોંચ્યા ત્યારે ત્યાં તેમનાં 17 વર્ષનાં બહેન શીતલ સિવાય કોઈ નહોતું. શીતલે અમારી સાથે વાત કરવાની ના પાડી દીધી.

ત્યારબાદ અમે આસપાસના સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પહેલાં એ લોકોએ વાત કરવાની ના પાડી દીધી અને પછી નામ ન આપવાની શરતે વાત કરવા તૈયાર થયા.

એક સ્થાનિક યુવકે કહ્યું, "કંઈ નથી થયું આ ગુંડા બદમાશ છે. અમારા બાળકને ફસાવી દેવાયો. મુસલમાનો રહે જ છે પણ આજ સુધી કંઈ નથી થયું. આ બદમાશ ઘૂસી ગયા છે."

"ઘરમાં ચૂલો ઠંડો છે, બધાનાં સંતાનો ભાગી રહ્યાં છે, છુપાઈ રહ્યાં છે."

"બે દિવસ પછી ગામમાં પંચાયત ભરાશે, ગામની દરેક વ્યક્તિ બોલશે કે અમે આ ગામમાં બદમાશ મુસલમાનોને રહેવા નહીં દઈએ. આ લોકો ઘરોમાં હથિયાર રાખે છે."

"જો આ ગામમાં રહેવું હોય તો અમારી માફી માગવી પડશે, જો માફી ન માગવી હોય તો ગામમાં એમનો બહિષ્કાર કરાશે અને હુક્કા-પાણી બંધ કરાશે."

એક અન્ય સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું, "સાજિદનો પરિવાર ક્રિકેટ રમતો હતો અને બે છોકરાઓ ગાડી લઈ જતા હતા અને એનાથી એમને સામાન્ય ઈજા થઈ. એ માટે એમને માર માર્યો."

"આ લડાઈ જોઈને અમારા સમાજના ઘણા વડીલો છોડાવવા માટે ગયા તો એમને પણ મુસલમાનોએ બૅટથી માર્યા. એ પછી ગામના છોકરાઓ ગુસ્સામાં એમના ઘરે પહોંચ્યા."

નયા ગાંવમાં ગુર્જરોની વસતી વધારે છે. આ ગામના લોકોનું કહેવું છે કે આ એક સામાન્ય લડાઈ છે જેમાં છોકરાઓ સામેલ હતા. પણ એમાં હિંદુ-મુસલમાનના નામે સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

જ્યારે નયા ગાંવના લોકો પીડિત પરિવાર પર આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ લગાવતા હતા ત્યારે જ એક સ્થાનિક વડીલ લખન સિંહે કહ્યું, "આ દેશમાં હિંદુઓ ગદ્દાર છે અને મુસલમાનો સાચા છે. હિંદુઓનો અવાજ દેશમાં દબાવી દેવામાં આવે છે અને મુસલમાનો જે કહે એ સાચું છે."

આ શબ્દો સાંભળ્યા બાદ સમજી શકવું મુશ્કેલ હતું કે આ મામલામાં સાંપ્રદાયિક રંગ કોણ લગાડતું હતું.

આ મામલામાં પીડિત પરિવાર, પોલીસ અને હુમલાખોર એમ તમામનો પોતાનો પક્ષ છે. પણ જે વીડિયો વાઇરલ થયો છે એનાથી ભીડ દ્વારા કરાતા હુમલાનો પ્રશ્ન ફરીથી ઊભો થયો છે અને લોકો પૂછી રહ્યા છે કે ભારતમાં આ પ્રકારના હુમલા ક્યારે અટકશે.

સાજિદના બે માળના મકાનની બારીઓના લગભગ બધા કાચ તૂટેલા છે. પહેલા માળે બે ઓરડા અને ખૂલ્લી જગ્યા છે, અહીં કાચ અને સિમેન્ટના ટુકડા વિખેરાયેલા પડ્યા છે.

મહિલાઓ એક ઓરડામાં બેઠી છે, જેઓ મીડિયાના કૅમેરા સામે એકની એક વાત કહીને જાણે હવે થાકી ગઈ છે.

મેં ગાડી તરફ પગ માંડ્યા તો પાંચ વર્ષની અફીફાએ પૂછ્યું દીદી હવે ક્યારે આવશો? મેં મનોમન વિચાર્યું કે ભગવાન ન કરે કે તારા સાથે એવું કંઈ થાય કે અમારે મીડિયાવાળાઓએ આવવું પડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ