લોકસભા ચૂંટણી 2019 - કનૈયાકુમાર ભાજપના ગિરિરાજ સિંહને ફાયદો કરાવશે કે નુકસાન?

કનૈયા કુમાપ અને ગિરિરાજ સિંહ Image copyright Getty Images

સીપીઆઈના નેતા અને જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વઅધ્યક્ષ કનૈયા કુમારે બીબીસીના કાર્યક્રમ 'બોલે બિહાર' એમ કહ્યું હતું કે તેઓ કોઈ પણ હિસાબે ભાજપ વિરોધી મતોનું વિભાજન નહીં થવા દે. જોકે, સ્થિતિ હવે એવી રહી નથી.

કનૈયાકુમાર સીપીઆઈ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા)ના ઉમેદવાર તરીકે બેગુસરાઈથી 2019ની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને એમને રાષ્ટ્રીય જનતા દળના નેતૃત્વવાળા મહાગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બનાવવામાં આવ્યા નથી.

અગાઉ કહેવામાં આવતું હતું કે કનૈયાકુમાર બેગુસરાઈથી મહાગઠબંધનના સયુંક્ત ઉમેદવાર હશે.

બીજી તરફ ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ #Kanhaiya4Begusarai નામે સંખ્યાબદ્ધ ટ્ટીટ કર્યાં હતાં અને તેમના માટે મત માગ્યા હતા.

બેગુસરાઈમાં ભાજપે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને ઉતાર્યા છે. ગત વખતે તેઓ નવાદા બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા.

આ ઉપરાંત રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી (આરજેડી) પણ પોતાના ઉમેદવાર ઉતારી રહી છે. આ બેઉને ટક્કર આપવા માટે કનૈયાકુમાર પણ મેદાનમાં છે.


મોદી-ભાજપ વિરોધી મતોનું ગણિત

Image copyright Getty Images

એ સ્પષ્ટ છે કે આરજેડી એક રાજકીય પક્ષ તરીકે શરુઆતથી ભાજપ વિરોધી રહ્યો છે અને ભાજપ વિરોધી મતો તેને મળતા રહ્યા છે.

બીજી તરફ, સીપીઆઈની ઓળખ એક રાજકીય પક્ષ તરીકે ભાજપ વિરોધીની ચોક્કસ છે, પરંતુ આજે ઓળખ બિહારમાં કેટલાક ખાસ વિસ્તારો અને સમૂહોમાં જ રહી છે.

જોકે, કનૈયાકુમારની લોકપ્રિયતા એમના પક્ષ કરતાં વધારે છે.

આરજેડીની જેમ સીપીઆઈની કોઈ ચોક્કસ વોટબૅન્ક નથી. એ જોતા કનૈયાકુમારને ભાજપવિરોઘી મતો એમની પોતાની ઓળખાણ ઉપર મળશે.

આવામાં કનૈયાકુમારને જે મત મળશે તે મોદીવિરોધી જ હશે, તો શું કનૈયાકુમાર પોતાના જ દાવાની વિરુદ્ધ નથી જઈ રહ્યા?

પટનામાં પ્રભાત ખબરના સ્થાનિક સંપાદક અજય કુમાર કહે છે કે 'બેગુસરાઈમાં કનૈયાકુમાર અને આરજેડીના અલગ ઉમેદવાર હોવાને લીધે ભાજપ વિરોધી મતો જરુર વહેંચાશે અને તેનો ફાયદો ભાજપના ગિરિરાજ સિંહને મળશે.'

અજય કુમાર માને છે, "મોદીના સમર્થનવાળા મતો બદલાવાની વધારે શક્યતાઓ નથી, પરંતુ મોદીવિરોધી મતોને એકસાથે જોડી રાખવા એ ખૂબ મોટો પડકાર છે."

"મોદીવિરોધી મતો એકજૂથ નથી રહ્યા એ બેગુસરાઈમાં સ્પષ્ટ દેખાય છે."

અજય કુમાર કહે છે કે 'બેગુસરાઈમાં જો ફક્ત મહાગઠબંધનના ઉમેદવાર હોત, ચાહે તે કનૈયા હોય કે કોઈ પણ તો મોદીવિરોધી મતોના વિભાજનની શક્યતા નહિવત્ રહી હોત.'

વરિષ્ઠ પત્રકાર મણિકાંત ઠાકુર કહે છે, "કનૈયાકુમાર અને તેમનો પક્ષ ભાજપવિરોધી મતોનું વિભાજન નહીં થવા દેવાની જે વાત કરે છે તે ફક્ત કહેવાની વાત છે."

"જો તેઓ આ વાત પર ગંભીર હોત તો તેઓ ખુદ બેગુસરાઈથી ચૂંટણી ન લડ્યા હોત."

"ગત વખતે બેગુસરાઈમાં ભાજપ અને આરજેડી વચ્ચે મુકાબલો થયો હતો અને વિજેતા બનેલા ભાજપના ઉમેદવાર કરતાં આરજેડી ફક્ત 58 હજાર મત પાછળ હતી."

મણિકાંત ઠાકુર કહે છે, "ત્યારે સીપીઆઈને 1.92 લાખ મત મળ્યા હતા."

"જો કનૈયાકુમાર અને એમની પાર્ટી ભાજપ વિરોધી મતોનું વિભાજન ન ઇચ્છતી હોય તો આ 1.92 લાખ મત તેઓ મહાગઠબંધનના ઉમેદવારને ટ્રાન્સફર કરી શક્યા હોત."

"જુઓ, રાજનીતિમાં સિદ્ધાંતોની વાત કરવી અને એના પર ચાલવું તે અલગ-અલગ બાબત છે. જો કનૈયાકુમાર ભૂમિહાર સમાજના ન હોત તે તે ત્યાંથી જ લડ્યા હોત?"

"તો પછી એમણે બીજે ક્યાંયથી લડવાનો નિર્ણય કેમ ન કર્યો?"

તમે આ વાંચ્યું કે નહીં?

મારો મુકાબલો ફક્ત ભાજપ સામે

Image copyright Giriraj Singh FB

આ જ સવાલને પટનામાં રવિવારે કનૈયાકુમારને બીબીસી માટે નીરજ પ્રિયદર્શીએ પૂછ્યો હતો કે 'તમે તો કહ્યું હતું કે ભાજપવિરોધી મતોને કોઈ હિસાબે વિભાજિત નહીં થવા દઈએ પણ હવે તો મતો વિભાજિત થઈ રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે, આવું કેમ?'

આ સવાલના જવાબમાં કનૈયા કુમારે કહ્યું હતું, "ભાજપવિરોધી મતોના વિભાજનની કોઈ શક્યતા જ નથી, કારણ કે આ ગઠબંધન ચૂંટણીની જાહેરાત પછી બન્યું છે અને તેનાથી પહેલાં જનતાએ પોતાનું ગઠબંધન બનાવી લીધું હતું."

કનૈયા કુમારે કહ્યું, "જ્યાં સુધી રાજનીતિની સમજ અને સમીકરણોની વાત છે, ત્યાં સુધી હું સમજું છું કે બિહારમાં ગત બંન્ને ચૂંટણીઓ (વિધાનસભા અને લોકસભા)માં મતોનું ધ્રુવીકરણ થયું હતું."

"આ વખતે પણ મારી સમજ મુજબ એમ જ થશે."

"મહાગઠબંધનની પાર્ટી ગમે તે હોય તમામનો હેતુ ભાજપનો હરાવવાનો છે. મુઝફપુર શૅલ્ટર હોમનો મામલો હોય કે અન્ય કોઈ મુદ્દો દરેક જગ્યાએ મહાગઠબંધનના તમામ લોકો ભાજપ સામે એક સાથે ઊભા રહ્યા છે."

કનૈયાકુમાર ઉમેરે છે કે 'બેગુસરાઈમાં આરજેડીના તનવીર હસન સાથે મારો મુકાબલો જ નથી. બેગુસરાઈમાં મુકાબલો કનૈયાકુમાર વિરુદ્ધ ગિરિરાજ સિંહનો છે.'


શું તેજસ્વી કનૈયાને ભાવ નથી આપતા?

Image copyright Getty Images

રવિવારે કનૈયા કુમારની પત્રકાર પરિષદમાં એ વાત પણ નીકળી કે શું તેજસ્વી યાદવ નથી ઇચ્છતા કે કનૈયાકુમાર રાજનીતિમાં આવે?

બેગુસરાઈની બેઠક એમણે પોતાની પાર્ટી માટે કેમ લઈ લીધી? આરજેડીના તનવીર હસનના લડવાની ચર્ચા કેમ આવી?

લોકો એમ પણ કહી રહ્યા છે કે 'તેજસ્વી યાદવે કનૈયાકુમારને ખાસ મહત્ત્વ નથી આપ્યું. (હિંદી સંદર્ભ, ઘાસ નથી નાખતા)'

આનો જવાબ ખુદ કનૈયાકુમારે આપ્યો. એમણે કહ્યું, "હું કંઈ ગધેડો નથી કે કોઈ મારી આગળ ઘાસ નાખે."

"હું માણસ છું અને રોટલો ખાઉ છું અને રોટીની જ વાત કરું છું. એટલે કોઈ મારી આગળ ઘાસ નાખે કે નહીં કે મને ભાવ આપે છે કે નહીં એની હું બહુ પરવા નથી કરતો."

કનૈયાકુમારે કહ્યું, "જ્યાં સુધી વાત મારી અને તનવીરજીની છે તો હું આપને એ સ્પષ્ટ કરી દઉં છું કે તેઓ લડાઈમાં છે જ નહીં. મારી લડાઈ ફક્ત ભાજપ સામે છે, જે અમે સમજીએ છીએ."

"તેઓ કેમ આ વાત નથી સમજતા તો એ અંગે તો હું એટલું જ કહી શકું તેઓ પણ એક રાજકીય પક્ષ ચલાવે છે, તેમની પોતાની પ્રતિબદ્ધતાઓ છે અને સમીકરણો છે."

"હવે જે અમે સમજી રહ્યા છીએ તે વાત તેઓ કેમ નથી સમજી રહ્યા?"


ભૂમિહારના વલણ પર દારોમદાર

Image copyright KK FB

એક કલાક ચાલેલા વાર્તાલાપ દરમિયાન કનૈયાકુમારને એમની અને ગિરિરાજ સિંહની જાતિ (ભૂમિહાર) એક હોવા અંગે પણ પૂછવામાં આવ્યું કે 'શું તેઓ ફક્ત ભૂમિહાર છે એટલા માટે જ બેગુસરાઈની ટિકિટ આપવામાં આવી?'

કનૈયાકુમારે આનો જવાબ આપતા કહ્યું કે "આ વિશે કદી નથી વિચાર્યુ. હું આદર્શ રાજનીતિ કરવા ઇચ્છું છું અને એમાં જાતિનું કોઈ મહત્ત્વ નથી."

કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે ગિરિરાજ સિંહ અને કનૈયાકુમાર બેઉ ભૂમિહાર જાતિના છે એટલા માટે ભૂમિહાર મત પણ વિભાજિત થઈ શકે છે અને તેનું નુકસાન ગિરિરાજ સિંહને પણ થશે.

બેગુસરાઈમાં ભૂમિહાર મતો વધારે જ નથી, અસરકારક પણ છે.

બીજી તરફ એમ પણ કહેવામાં આવે છે કે ભૂમિહાર ભાજપને મત આપે છે એટલે કનૈયાકુમારને જાતિના નામે કદાચ જ મત મળે.

અલબત્ત, ભૂમિહાર સમુદાય પોતાના નેતા તરીકે કનૈયાકુમારને જુએ છે કે ગિરિરાજ સિંહને એના આધારે પણ બેઠકનો જુવાળ નક્કી થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો