લોકસભાની ચૂંટણી 2019 : ભાજપ નેતા કલરાજ મિશ્રએ કાર્યકર્તાઓને મારવાની ધમકી આપી? - ફૅક્ટ ચેક

ભાજપ નેતા કલરાજ મિશ્ર Image copyright TWITTER/HARYANA BJP

કૉંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કર્યો છે કે 'ભાજપ નેતા કલરાજ મિશ્રેએ પાર્ટી કાર્યકરોને સવાલ પૂછવા પર ગોળી મારવાની ધમકી આપી દીધી.'

ટ્વિટર પર પોતાના ઔપચારિક હૅન્ડલ પરથી સુરજેવાલાએ ટ્વીટ કર્યું, "ભાજપની હિંસક માનસિકતાનો તાજો નમૂનો. કલરાજ મિશ્રએ ફરીદાબાદ સાંસદના વિરોધમાં નારા લગાવતા લોકોને ધમકીભર્યા લહેકામાં કહ્યું - જો આ તેમનો પ્રદેશ હોત તો આ રીતે ગડબડ કરતા લોકોને મંચ પરથી ઉતારીને ગોળી મારી દેત. શું આ ભાજપનો સંદેશ છે - સવાલ પૂછો તો ગોળી ખાઓ!"

આ ટ્વીટમાં સુરજેવાલાએ ભાજપ નેતા કલરાજ મિશ્રની રેલીનો એક વીડિયો શૅર કર્યો જેને 63 હજાર વખત જોવામાં આવ્યો છે.

Image copyright Twitter

કલરાજ મિશ્ર પૂર્વ ઉત્તર પ્રદેશની દેવરિયા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે અને આગામી લોકસભા ચૂંટણી માટે હરિયાણાના ચૂંટણી પ્રભારી પણ છે.

કલરાજ મિશ્ર રવિવારના રોજ ફરીદાબાદ લોકસભા ક્ષેત્રમાં ભાજપની વિજય સંકલ્પ સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ સભામાં કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર પણ હાજર હતા.

ભાજપની આ સભાનો 22 સેકેન્ડનો વીડિયો કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યો છે.

પરંતુ સુરજેવાલાએ આ વીડિયો સાથે જે સંદેશ લખ્યો છે, તે લોકોને ઉશ્કેરી શકે તેવો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સભામાં જે થયું...

Image copyright TWITTER/@KPGBJP
ફોટો લાઈન રવિવારે વિજય સંકલ્પ સભાનું આયોજન થયું હતું

હરિયાણાના ફરીદાબાદ લોકસભા ક્ષેત્રના પૃથલા વિસ્તારમાં ભાજપની વિજય સંકલ્પ સભાનું આયોજન થયું હતું.

સ્થાનિક મીડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર પાર્ટી કાર્યકર્તાઓની આ સભામાં આશરે 30 લોકો એવા હતા જેમની અપીલ હતી કે કેન્દ્રીય મંત્રી અને ફરીદાબાદના વર્તમાન સાંસદ કૃષ્ણપાલ ગુર્જરને ફરી ફરીદાબાદથી ટિકિટ ન આપવામાં આવે.

આ ભાજપ કાર્યકર્તાઓનો આરોપ હતો કે કૃષ્ણ પાલ ગુર્જરના કારણે ફરીદાબાદ વિસ્તારમાં વિકાસકાર્યની ગતિ ધીમી પડી છે.

કૃષ્ણ પાલ ગુર્જરે આ સભામાં કોઈ ભાષણ આપ્યું ન હતું.

પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રએ કેટલાક લોકોના વિરોધને જોતાં કહ્યું કે પાર્ટીમાં અનુશાસનહીનતા માટે કોઈ સ્થાન નથી.

BJP નેતાએ શું કહ્યું?

Image copyright TWITTER/@KPGBJP

હરિયાણા ભાજપ, ફરીદાબાદ ભાજપ અને કલરાજ મિશ્રના ઔપચારિક પેજ પરથી સભાનું ફેસબુક લાઇવ કરવામાં આવ્યું હતું.

ફેસબુક લાઇવમાં કલરાજ મિશ્રના ભાષણ સાંભળીને એ સ્પષ્ટ થઈ જાય છે કે તેમણે પોતાના ભાષણમાં કાર્યકર્તાઓને ગોળી મારવાની વાત કહી નથી.

લાઇવ વીડિયોમાં જોઈ શકાય છે કે કલરાજ મિશ્રએ સ્ટેજ પરથી જ પ્રદર્શન કરી રહેલા પક્ષના કાર્યકરોને કહ્યું,

"જો અહીં કોઈ ગડબડ કરવા માગે છે તો હું પ્રાર્થના કરીશ કે તેઓ અહીંથી ઊભા થઈને જતા રહે. સભામાં આ રીતે ગડબડ કરવી અને પોતાને મોદીના વ્યક્તિ ગણાવવા, આ લોકો ખોટું બોલી રહ્યા છે."

મિશ્રએ કહ્યું, "આજે માહોલ બની રહ્યો છે સમગ્ર દેશમાં મોદી માટે. તમે તેમનું ભાષણ ખરાબ કરી રહ્યા છો. શરમ નથી આવતી. તમે દેશભક્ત છો. દેશ વિશે વિચારો. કોણ ઉમેદવાર હશે, કોણ નહીં, તેના અંગે ન વિચારો. "

Image copyright TWITTER/@KALRAJMISHRA

કલરાજ મિશ્રએ કહ્યું કે પાર્ટીની ચૂંટણી સભા મતભેદ વ્યક્ત કરવા માટે યોગ્ય સ્થળ નથી.

તેમણે કહ્યું, "અમને ખરાબ લાગ્યું છે. જો અમારો પ્રદેશ હોત તો હું નીચે ઉતરીને ત્યાં એ જ વાત કરત. આવું ન થવું જોઈએ."

લોકસભા ચૂંટણીની ઘોષણા થયા બાદ હરિયાણામાં ભારતીય જનતા પક્ષની આ પહેલી ચૂંટણી સભા હતી.

આ સભામાં પાર્ટીના વરિષ્ઠ નેતાનો દાવો છે કે ભાજપ હરિયાણામાં 10 લોકસભા બેઠક જીતશે.

'મૂરખ બનાવવાનો તાજો નમૂનો'

Image copyright SM VIRAL POST
Image copyright SM VIRAL POST

સાંસદ કૃષ્ણપાલ ગુર્જરે એ વાત પર નારાજગી વ્યક્ત કરી છે કે ઘણી મીડિયા સંસ્થાઓએ કૉંગ્રેસ પ્રવક્તાના ટ્વીટના આધારે કલરાજ મિશ્રના નિવેદનને ખોટા સંદર્ભ સાથે ચલાવ્યું

કલરાજ મિશ્રએ ટ્વીટ કર્યું કે રણદીપ સુરજેવાલાનું ટ્વીટ કૉંગ્રેસ દ્વારા જનતાને મૂરખ બનાવવાનો તાજો નમૂનો છે.

પરંતુ કૉંગ્રેસ પાર્ટીના પ્રવક્તાએ ભાજપ નેતાઓના કહેવા છતાં આ ટ્વીટને હટાવ્યું નથી.

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ