IPL-2019: જયપુરની મૅચમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગ્યા! - ફૅક્ટ ચેક

ક્રિકેટ મેચમાં ચૌકીદાર ચોર હૈ Image copyright SM VIRAL POST

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ'માં કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે સોમવારે રમાયેલી IPLની મૅચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરાઈ રહ્યો છે કે મૅચ દરમિયાન સ્ટેડિયમમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગ્યા.

2019ની IPL ટૂર્નામેન્ટની આ ચોથી મૅચ હતી. આ મૅચનો 24 સેકેન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં કિંગ્સ ઇલેવન પંજાબના બૅટ્સમૅન નિકોલન પૂરન ક્રીઝ પર જોવા મળી રહ્યા છે અને રાજસ્થાન રૉયલ્સના બૉલર જયદેવ ઉનડકટ રન અપ માટે પરત ફરી રહ્યા છે.

આ દરમિયાન વીડિયોમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગવાનો અવાજ સંભળાઈ રહ્યો છે. વાઇરલ વીડિયોમાં આ પાંચ વખત સાંભળવા મળે છે.

Image copyright TWITTER

વડા પ્રધાન મોદી પોતાને દેશના ચોકીદાર ગણાવે છે અને તેઓ કહી ચૂક્યા છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે.

જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રફાલ મુદ્દાને લઇને થોડા મહિના પહેલાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટાંકીને કહ્યું હતું કે 'ચોકીદાર ચોર હૈ'.

હાલ વૉટ્સઍપ અને શૅરચેટ સહિત ફેસબુક અને ટ્વિટર પર IPL મૅચનો આ વીડિયો અઢળક લોકો શૅર કરી ચૂક્યા છે.

Image copyright TWITTER
ફોટો લાઈન ઘણાં લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયોને બોગસ હોવાની વાત પણ લખી છે

પોતાને રાજસ્થાનના ગણાવતા લલિત દેવાસી નામના ટ્વિટર યૂઝરે લખ્યું, "સમયમાં આવેલા પરિવર્તનને જુઓ. જે આઈપીએલ 2014માં 'મોદી મોદી'ના નારા સાંભળવા મળતા, તે જ આઈપીએલમાં 2019માં 'ચોકીદાર ચોર હૈ'ના નારા લાગી રહ્યા છે. સમયનું પૈડું ચાલતું રહે છે."

ફેસબુક પર આ જ દાવા સાથે આશરે 6 ભાષાઓના અલગઅલગ ગ્રૂપ્સમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.

પરંતુ આ કહાણી હજુ અધૂરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સ્ટેડિયમમાં માત્ર એક જ નારો?

જયપુરમાં સાંજે 8 કલાકે આ મૅચ શરૂ થઈ હતી. સ્ટેડિયમમાં સામાન્ય ભીડ હતી.

ટીમ 'કિંગ્સ ઇલેવન પંજાબ'ને પહેલાં બૅટિંગ કરવાની તક મળી.

મૅચની પહેલી ઇનિંગની 14મી ઓવરમાં સ્પીકરથી જાહેરાત થઈ કે 'જીતેગા ભઈ જીતેગા!'.

તેના જવાબમાં દર્શકો વચ્ચેથી અવાજ સાંભળવા મળ્યો 'રાજસ્થાન જીતેગા'.

15મી અને 17મી ઓવરમાં પણ મેચ સાથે જોડાયેલા આ નારા સાંભળવા મળ્યા.

રાજસ્થાન રૉયલ્સના બૉલર જયદેવ ઉનડકટે જ્યારે 18મા ઓવરનો પહેલો બૉલ ફેંક્યો તો સ્ટેડિયમના નોર્થ સ્ટેન્ડમાં 'મોદી મોદી'ના નારાનો અવાજ સાંભળવા મળ્યો.

Image copyright SM VIRAL POST

સ્ટેડિયમના વૅસ્ટ સ્ટેન્ડમાં બેસીને આ મૅચ જોઈ રહેલા 23 વર્ષીય બીટેક વિદ્યાર્થી જયંત ચૌબેએ જણાવ્યું, "સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા દરમિયાન ઘણી તપાસ થઈ. કોઈ પૉલિટીકલ સામગ્રી અંદર લઈ જવાની પરવાનગી ન હતી. મૅચની શરુઆતમાં મ્યુઝીક પણ ખૂબ જોરથી વાગી રહ્યું હતું. પરંતુ 18મી ઓવરમાં નારા સ્પષ્ટ સાંભળવા મળ્યા."

18મી ઓવરના બીજા બૉલ પર પંજાબની ટીમના બેટ્સમેન નિકોલસ પૂરને જયદેવના બૉલ પર ચોગ્ગો માર્યો તો નારા બદલાયેલા સાંભળવા મળ્યા.

ભીડ વચ્ચેથી જોરથી અવાજ આવ્યો- 'ચોકીદાર ચોર હૈ'. આ નારાને પાંચ વખત બોલવામાં આવ્યો.

હૉટ સ્ટારની ઔપચારિક વેબસાઇટ પર તેને સાંભળી શકાય છે.

સ્ટેડિયમમાં 'ચોકીદાર ચોર હૈ'ના નારા 'મોદી મોદી'ના નારાના જવાબમાં લગાવવામાં આવ્યા હતા. એવું નથી કે સ્ટેડિયમમાં માત્ર એક જ નારો ગુંજ્યો હતો.

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં મોકલો તથા તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ