ભીતર બિલોરી કાચ લઈ જીવનાર સાચુકલા ચિત્રકાર એટલે હકુ શાહ

હકુ શાહ Image copyright PARTHIV SHAH
ફોટો લાઈન હકુ શાહ

બેઠી કાઠી, એકવડું શરીર, પગની ઘૂંટી સુધી સહજ ઊંચો લેંઘો, કાંઠલા વિનાનો ઝબ્બો. પહેરવેશ ખાદીનો અને સરળ-સહજ ચહેરા ઉપર ઝીણી સ્વપ્નિલ આંખો.

આ સ્વપ્નિલ આંખોથી જોવાયેલી, ભીતરથી અનુભવાયેલી, ભારતની માટીની સુગંધની વાતો જ્યારે તેઓ માંડે ત્યારે એ સાંભળતા આપણે વિસરાતી-ભૂંસાતી ગ્રામ્ય સંસ્કૃતિમાં ક્યારે પહોંચી જઈએ એનું ભાન પણ ન રહે.

જેના સથવારે ભારતની આધુનિક કળાનો તંતુ પકડી શકાય એવા સર્જનો આપનાર, ગાંધીયુગના સાદગી સભર કળાકાર હકુ શાહ 21 માર્ચ, 2019 ધૂળેટીને દિવસે અમદાવાદ ખાતેના એમના નિવાસસ્થાને જીવનયાત્રા સંકેલી અદૃશ્ય એવા અલૌકિક પ્રવાસે નીકળી ગયા.

85 વર્ષની વયે જીવન અને કળાની લીલા સંકેલી લેનારા હકુ શાહ પોતાની પાછળ શ્રીમતી વેલુ બહેન, મોટા પુત્ર પાર્થિવ અને પુત્રવધૂ વિદ્યા, નાના પુત્ર સેતુ અને પુત્રવધૂ રુતા, અન્ય પરિવારજનો, કળાના ચાહકો અને મિત્રોને છોડી ગયા છે પરંતુ તેમનું કળાકર્મ હંમેશાં આપણી સાથે રહેવાનું છે.


વાલોડથી વડોદરાનો મારગ

Image copyright Archer Art Gallery
ફોટો લાઈન હકુ શાહ

દક્ષિણ ગુજરાતનું વાલોડ ગામ નાનું છે પરંતુ અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું રહેતું. આઝાદીના ઘડવૈયાઓની અવર-જવર રહે તે વેડછી ગામ વાલોડની બાજુમાં જ આવેલું છે. ગામનું વાતાવરણ ગાંધીવિચાર અને કર્મની સુગંધથી તરબતર રહેતું.

આ વાતાવરણમાં આગવી કોઠાસૂઝથી દેશભકિતના મિજાજમાં 'આઝાદીના ગરબા' લખનાર અને એને હલકભેર ગાનાર-ગવડાવનારાં વંદનાબહેન અને 'બાદશા' ઉપનામી પિતા વજુભાઈનાં પાંચ સંતાનો પૈકીનો એક દીકરો એટલે આપણા હકુ શાહ.

પિતા વજુભાઈએ રેલવેની નોકરીને તિલાંજલિ આપેલી અને પ્રકૃતિપ્રેમમાં અલગારી જીવન જીવતા.

26મી માર્ચ, 1934ના દિવસે ગ્રામ્ય પરિવેશમાં એમનો જન્મ થયેલો.

પરિવારે નામ આપેલું હર્ષદ કે હરકાન્ત. પરંતુ તેઓ કહેતા મને હકુ બહુ ગમે છે એટલે હકુ કહેશો તો ચાલશે.

'હકુ શાહ' બનતા અગાઉ કિશોર હર્ષદ વાલોડની દીવાલો પર પ્રેરણાત્મક સૂત્રો લખતાં, મનગમતા ચિત્રો દોરતા, ભાઈબંધો સાથે ગામની શેરીઓ સાફ કરતા, અંધારી રાતોમાં ફાનસને અજવાળે ભલાભોળા આદિવાસીઓને અક્ષરજ્ઞાન પણ આપતા.

'શિશુ' નામની પત્રિકામાં કવિતાઓ છપાતી અને તેમ કરતા ગાંધીનો ચરખો-તકલી કિશોર હ્રદયના ઊંડાણે પહોંચ્યા હતા. આ હકીકત એમનાં ચિત્રોમાં નીતરતી અને એ રીતે એ તેઓ એમના ચિત્રશિક્ષક ચિંતામણી દેસાઈના એક પ્રિય વિદ્યાર્થી બન્યા હતા.

અંગ્રેજીના શિક્ષક શ્રી કિશોરભાઈને પણ તેઓ ખૂબ જ પ્રિય હતા.

એકતરફ ચિંતામણી દેસાઈ એમને ચિત્ર તરફ દોરે અને બીજી તરફ કિશોરભાઈ એમને અંગ્રેજીના પ્રાધ્યાપક બનવા તરફ દોરે.

આ મીઠી કશ્મકશમાં બેઉ શિક્ષકો વચ્ચે નાનકડા હર્ષદને કારણ વગર તણાવ રહ્યા કરતો.

તમે આ વાંચ્યું કે નહીં?


આર્થિક ભીંસ પડે તો કૅન્વાસની બેઉ બાજુએ ચિત્રો દોરતાં

Image copyright Archer Art Gallery
ફોટો લાઈન હકુ શાહ, એમ. એફ. હુસૈન અને અનિલ રેલિયા

મેટ્રિકની પરીક્ષા બાદ વેકેશનમાં કંઈક કામની શોધ હતી અને એ વખતે જ નરહરિભાઈ પરીખને મહાદેવભાઈ ડાયરીનું કામ ઉકેલવામાં મદદરૂપ થાય એવી વ્યકિતની જરૂર હતી.

તેમને કામ મળ્યું અને વળતરમાં થોડા પૈસા મળતા પગમાં જોર આવ્યું. ત્યારબાદ મુંબઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળતા મળી.

આખરે હર્ષદે વડોદરાની ફાઇન આટર્સ કૉલેજની વાટ પકડી. અહીં તેઓ એમની કળા અભ્યાસની રુચિ, અતિશય મહેનત અને પ્રયત્નપૂર્વક અભ્યાસને કારણે કલાગુરુઓ પ્રો. બેન્દ્રે, પ્રો. મણિ સાહેબ અને પ્રો. શંખો ચૌધરીના પ્રિય બની ગયા.

કળાના વિદ્યાર્થી હર્ષદનું આર્થિક પાસું નબળું પરંતુ કદી તેની ફરિયાદ કે દુ:ખ નહીં. ક્યારેક ચિત્રસામગ્રીના અભાવે કૅન્વાસની બેઉ બાજુએ ચિત્રો દોરી આર્થિક ભીંસને હળવી કરી લેતા.

સ્વંયપાઠી બની શરીર પણ સાચવી જાણતા અને કામ કરતાં-કરતાં આનંદ મેળવી જાણતા.

Image copyright Archer Art Gallery
ફોટો લાઈન હકુ શાહ, એમ. એફ. હુસૈન (વચ્ચે) અને અનિલ રેલિયા

ફૅકલ્ટીમાં ચાર વર્ષ કળા અભ્યાસ બાદ બી. એફ. એ. પસાર કરતા એક તરફ આનંદમાં વધારો તો થયો પરંતુ આગળ એમ. એફ. એ.નો અભ્યાસ કરવા 'પૈસાની ખોટ'નો વસવસો ભીતર ઊતરી આવ્યો. અને આ સમયે વેડછી આશ્રમના કળાશિક્ષકનું પદ હર્ષદની મદદે ઊભું રહ્યું.

ચિત્રશિક્ષક હર્ષદ ખર્ચ પૂરતા થોડા પૈસા ભેગા કરી એમ. એફ. એ.નો અભ્યાસ પૂર્ણ કરવાની ધૂન સાથે ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સના દરવાજે પહોંચી ગયા.

અને એક વિશેષ કળાનું કાગળિયું એમના હાથમાં આવ્યું. પ્રો. મણિસાહેબના માનીતા આ વિદ્યાર્થીને મુંબઈના વિવર્સ સર્વિસ સેન્ટરમાં કામ મળ્યું ને આર્થિક સંકડામણો દૂર થવા લાગી પરંતુ ભીતર સળવળતા ચિત્રસર્જનના કીડાને મોકળાશ મળવી હજી બાકી હતી.

મુંબઈમાં પગ સ્થિર થયા ન થયા ત્યાં તો કલકત્તાના વિવર્સ સર્વિસ સેન્ટરમાં બદલી થઈ. અહીં રહેવા માટે એક જ રૂમ. વળી, રૂમ પાર્ટનરને સિગારેટ પ્રિય. આખા રૂમમાં ધુમાડો જ ધુમાડો. ચિત્રો બન્યાં પછીની જાળવણી, સાચવણીની ચિંતા સતાવવા લાગી.

હર્ષદમાંથી હકુ શાહ બનવાની વાત

Image copyright Archer Art Gallery

આ દરમિયાન હિમાણી ખન્ના નામના એક નવીસવી આર્ટ ગૅલેરીના સંચાલક એમને મળી ગયા. તેમણે ચિત્રો પ્રદર્શિત કર્યાં. ક્યારેક પૉસ્ટકાર્ડ સાઇઝનાં ચિત્રો છાપી એક માગ ઊભી કરી. માગ વધી અને ધીમે ધીમે કળાના ડિગ્રીધારી હર્ષદમાંથી ચિત્રકાર 'હકુ શાહ' તરીકે કળાજગતમાં જાણીતા થવાનો આરંભ થયો.

પરંતુ કલકત્તામાં બહુ રહેવા ન મળ્યું. ભાગ્ય એમને મુંબઈ લઈ આવ્યું. અહીં તેમની આર્થિક સંકડામણ દૂર થઈ. ચિત્રસર્જનમાંથી આત્મવિશ્વાસ મળ્યો.

ભીતર ખુશી બેવડાઈ અને આ કમાતા-ધમાતા યુવાન સાથે પોતાની દીકરીનું લગ્ન કરવા મધ્ય પ્રદેશનો એમની જ જ્ઞાતિનો પરિવાર રાજી થયો. આમ હકુ શાહ અને વીરબાળાનું લગ્ન થયું.

હકુ શાહ લગ્ન બાદ વીરબાળાને વેલુ કહેતા. લગ્નજીવનથી હકુ શાહના જીવનપ્રવાહમાં એક બદલાવ આવ્યો. વેલુબહેન પણ ઘરસંસારની સાથે હકુ શાહના ચિત્રસર્જનને એક નૈતિક ટેકો પૂરો પાડ્યો.

આ સમયે એનઆઈડી અમદાવાદ તેમની રાહ જોતું હતું. નવી-નવી શરૂ થયેલી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇને હકુ શાહને જોડાવા માટે આમંત્રણ આપ્યું ને તેઓ મુંબઈને કાયમ માટે અલવિદા કહી અમદાવાદ આવી ગયા.


ગ્રામ્ય-કળા સંશોધનનું એક વૃક્ષ

Image copyright Archer Art Gallery

તાજા છોડ જેવા ચિત્રશિક્ષક હકુ શાહની ગામડાની તળપદી કલાસૃષ્ટિ અને વિચારદૃષ્ટિ તેમજ ચિત્રસર્જનને એનઆઈડીમાં પૂર્ણ મોકળાશ મળી અને હકુભાઈ મ્હોરી ઊઠ્યા.

જમીનની સુગંધ, તળપદી જ્ઞાતિઓ, એમનો પહેરવેશ, રાચરચીલું, રહેણીકરણી એમ બધે જ પથરાયેલા કળાતત્વોનો પરિચય કેળવવા દેશ આખામાં તે ફરી વળ્યા.

એમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર-ગુજરાતના પોરબંદર નજીકનું ગામ રાતડી, કચ્છના ભૂંગા, મધુબની ચિત્રકળા, અમદાવાદની માતાની પછેડી, દક્ષિણ ગુજરાતના અયતારના માટીના ઘોડા, ગ્રામ્ય દેવના વિવિધ આકારો-માન્યતાઓને પોતીકી કળાપારખું નજરથી એકઠાં કરતાં-કરતાં ગ્રામ્ય-કળા સંશોધનનું એક વૃક્ષ બની ગયા હકુ શાહ.

હકુભાઈના આ સંશોધનો દેશ-વિદેશના નામાંકિત ડિઝાઇનર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. તેમને ભારતની સાચુકલી ગ્રામ્ય કળાનો પરિચય મળ્યો અને આ દરમિયાન જ અનેક પ્રશંસકો માટે એકના એક જ એવા સુપ્રસિદ્ધ ડિઝાઇનર ચાર્લ્સ ઇમ્સ સાથે વિશિષ્ટ મૈત્રી બંધાઈ જે એમનાં જીવનની ખૂબ મૂલ્યવાન સિદ્ધી હતી.

આ સિદ્ધીને પગલે તેમને દુનિયાભરની કળાસંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓને કલાશિક્ષણ આપવા માટે આમંત્રણો મળવા લાગ્યા અને એક દિવસ ભારે દિલે એનઆઈડીને અલવિદા કહી તેઓ વિદેશ પહોંચ્યા.


બિલોરી કાચની નજર

Image copyright Archer Art Gallery

અહીં તેમણે પાઠ્યપુસ્તકોની ઘરેડમાં કેદ થઈ ગયેલા વિદ્યાર્થીઓને મુક્ત કર્યા અને તેમને વિદ્યાર્થીઓને એમના મૂળની ઓળખ કરાવી.

વિદ્યાર્થીઓ જાતે જ પોતાનો વિકાસ કરે એવો માર્ગ એમણે ચીધ્યો. આને લીધે શિક્ષણ વર્તુળમાં 'નવીન શિક્ષણ માર્ગદર્શક' તરીકેની હકુભાઈની ઓળખ અંકિત થઈ.

કળાશિક્ષણમાં હકુભાઈની નાવિન્યપૂર્ણ શિક્ષણપ્રથાની સાથે-સાથે એમની એક બીજી વાતની પણ અહીં નોંધ લેવા જેવી છે. તેઓ કહેતા આપણી ધરતીનું લોકજીવન, લોકકળાને નીરખવા માટે આપણી ભીતર એક બિલોરી કાચ હોવો જોઈએ. જેનાથી આપણા લોકવારસાની ઝીણી-ઝીણી વિગતો બિલોરી કાચ દ્વારા વિશાળ સ્વરૂપે જોઈને માણી-સાચવી શકાય.


આમ સચવાઈ ગ્રામ્યકળા

Image copyright Archer Art Gallery
ફોટો લાઈન હકુ શાહ અને અનિલ રેલિયા

એમની આ બિલોરી નજરને લીધે આજે આપણા અનેકવિધ ગ્રામ્યકળા તત્ત્વો સચવાયાં છે એવું હું વિનાસંકોચે કહું છું.

આના ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠનું આદિવાસી સંગ્રહાલય અને લોકકલા સંસ્થાન, ઉદયપુર-રાજસ્થાનનું શિલ્પ ગ્રામ, દિલ્હીનું ક્રાફ્ટ મ્યૂઝિયમ, આમસ્ટરડૅમનું village vasna મ્યુઝિયમ, લંડનનું મ્યુઝિયમ ઑફ મૅનકાઇન્ડ તેમજ ડૉ. સ્ટેલા કર્મારિચના આમંત્રણથી 'Unknown India' નામક અમેરિકાનું ફરતું પ્રદર્શન એવી અનેક બાબતો છે.

આ સઘળું અને એ સિવાય પણ ઘણું એમની બિલોરી કાચની નજરની દેણગી છે એવું હું માનું છું.

લોકકલા વિષયક ફિલ્મો, રેડિયો, ટીવી વાર્તાલાપ, સર્જનાત્મક વર્કશોપ દ્વારા પણ એક અલગ અંદાજમાં હકુ શાહનો પરિચય મળે છે.

આટલું વાંચીને તમને કદાચ મનમાં એમ પણ થયું હોય કે લે આવો કલાકારને અમને ખબર ય નથી? કોઈ મોટાં ઇનામ-અકરામો નહીં હોય...

આનો જવાબ આમ હોઈ શકે : રોકરફેલર ફેલો-અમેરિકા, નહેરૂ ફેલોશિપ દિલ્હી, સિવિક ઍવોર્ડ અમદાવાદ, રૅગેન્ટસ પ્રોફેસર કૅલિફોર્નિયા વિશ્વવિદ્યાલય, કલાસન્માન-ગુજરાત લલિત કળા અકાદમી, GAGAN ABANI પુરસ્કાર શાંતિ નિકેતન અને ભારત સરકાર તરફથી પદ્મશ્રી જેવા અનેક સન્માનો હકુ ભાઈને મળેલાં.


પરંપરા અને આધુનિકતા

Image copyright Archer Art Gallery

છેલ્લે જેને કારણે ચિત્રકારો એમને વિશેષ ઓળખે એવા એમના ચિત્રસર્જનની વાત ઊંડાણમાં નહીં જતાં એટલું ચોક્કસ કહીશ કે પરંપરાની સાથે આધુનિક પ્રયોગો પણ એમણે કર્યા.

જેમ કે, વિખ્યાત સૂફી ગાયિકા શુભા મુદગલ સાથે મળીને 'હમન હૈ ઇશ્ક' નામનું પ્રદર્શન એમણે યોજ્યું. જેમાં કબીર, પલટુદાસ, સુરદાસ જેવા મધ્યયુગીન કવિઓની રચનાઓ સદેહે આકાર પામી.

'માનુષ' શ્રેણી વિશ્વભરના જાણીતા કવિઓની શબ્દરચનાઓમાંથી ચિત્રસર્જન રૂપે જાણીતી છે.

તેઓ કળાના તમામ માધ્યમોને ખુલ્લા દિલે આવકારતા. હું અને મારા પત્ની ચિત્રા જ્યારે પણ એણને મળવા જતાં ત્યારે તેઓ કહેતા 'મારું કોઈ પણ નવું ચિંત્ર ગમે અને જોઈતું હોય તો લઈ જવું.' એથી જ તો, ચિત્રા પોતાનું આર્થિક પાસુ સાચવી અવારનવાર ચિત્રો લાવતા અને અન્ય કોઈને પણ લેવા માટે પ્રેરિત કરતાં.

હકુભાઈ ખૂબ ખુશ થતા અને કહેતા, "આપણી જમીનનો માણસ, ગાય, વાંસળી, ફૂલો, આકાશ, ઊભેલી-બેસેલી સ્ત્રીઓ, લાલ-પીળા-વાદળી ચમકતા વિવિધ રંગો, ગાંધી ચરખો, પાંજરું-પંખી એ મારી પ્રેરણા ચિત્રસર્જન જગત છે.'


...અને એકલું પડી ગયું પ્રાણ ચિત્ર

Image copyright Archer Art Gallery

આ સાંભળીને એક દિવસ અમે એમના એક ચિત્ર સામે આંગળી ચીંધીને પૂછ્યું આ ચિત્ર અમને આપોને. ત્યારે જવાબમાં એમણે હાસ્ય સાથે કહ્યું આ મારો 'પ્રાણ' છે. મારો 'પ્રાણ' મારામાં છે ત્યાં સુધી આ 'પ્રાણરૂપી ચિત્ર'ને હું અલગ નહીં કરું.

અત્યારે આ લખતા ચિત્રાને પૂછું છું કે 'એક પ્રાણ અવકાશમાં ઓગળી ગયો ત્યારે હકુભાઈ વિના એ પ્રાણ ચિત્રનું એકાકીપણું કેવું હશે? '

'ચાલ જોવા જઈએ, એક સાચુકલા ચિત્રકારનું પ્રાણ ચિત્ર!'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો