લોકસભા ચૂંટણી 2019 : યોગી આદિત્યનાથે કહ્યું, 'કૉંગ્રેસ નથી ઇચ્છતી કે ગરીબી હટે'

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતની મુલાકાતે છે અને તેમણે અમદાવાદ ખાતે સભા સંબોધી. તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં વડા પ્રધાન મોદીના વખાણ કરતા કહ્યું હતું કે મોદીના કાર્યકાળમાં કાશી વિશ્વફલક પર અંકિત થયું છે.

અમિત શાહ વિશે વાત કરતા યોગીએ કહ્યું, "અમિત શાહે એક સામાન્ય કાર્યકર્તાથી સંઘર્ષ કરીને રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્થાન પ્રાપ્ત કર્યું એ ગર્વની વાત છે."

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા યોગીએ કહ્યું, "રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું અને ગરીબો માટેની યોજના અંગે પણ સાંભળ્યું પરંતુ હું સવાલ કરું છું કે કૉંગ્રેસના આટલાં વર્ષોના રાજમાં ગરીબી કેમ ના હટી?"

"કૉંગ્રેસ ગરીબી હટે એવું ઇચ્છતી જ નહોતી."

યોગીએ આગળ કહ્યું, "ઉજ્જવલા યોજના, ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે."

"એટલા માટે જ નારો આપવામાં આવ્યો છે કે મોદી હૈ તો મુમકિન હૈ."

સરદાર પટેલ અંગે વાત કરતા કહ્યું કે કૉંગ્રેસ નહોતી ઇચ્છતી કે સરદાર પટેલને સન્માન મળે કારણ કે જો સરદારને સન્માન મળશે તો કૉંગ્રેસના નેતાઓના નામ ભૂંસાઈ જશે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટિ અંગે વાત કરતા યોગીએ કહ્યું કે નર્મદા કિનારે સરદાર પટેલની પ્રતિમા બનાવી દુનિયા સમક્ષ સરદારનાં કાર્યોને રજૂ કર્યાં.

યોગીએ કહ્યું કે કૉંગ્રેસ મહાન લોકોને સન્માન નથી આપી શકતી અને ગરીબી નથી હટાવી શકતી.

2014 પહેલાં આતંકવાદ હતો, ચીનનો ત્રાસ હતો, પાકિસ્તાન ભારતીય સૈનિકોનાં ગળા કાપીને લઈ જતા હતા ત્યારે કૉંગ્રેસ એવું કહેતી કે જોઈશું, કરીશું, પરંતુ કંઈ નહોતી કરતી.

પૂર્વનાં રાજ્યોમાં પ્રતિ વર્ષ સેંકડો આતંકી ઘટનાઓ બનતી હતી. પરંતુ કૉંગ્રેસના લોકો તે અલગાવવાદીઓની વાતો માનતા હતા.

2016માં આ અલગાવવાદીઓ વિરુદ્ધ પ્રથમ સર્જિકલ સ્ટ્રાઇક થઈ આ આતંકીઓનો ખાતમો કર્યો.

યોગીએ એવું પણ કહ્યું કે તેમણે આતંકવાદીઓ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો