નીરવ મોદી પાસેથી કબજે કરાયેલા પેઇન્ટિંગ્સની મુંબઈમાં હરાજી થઈ, જાણો કેટલી છે કિંમત

નીરવ મોદી Image copyright Getty Images

પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીનાં ખૂબ જ કિંમતી પેઇન્ટિંગ્સની મંગળવારના રોજ હરાજી કરવામાં આવી. તેમાં ખૂબ જ પ્રખ્યાત કલાકાર એવા રાજા રવિવર્મા અને વી.એસ. ગાયતોંડે દ્વારા તૈયાર કરાયેલાં પેઇન્ટિંગ્સનો પણ સમાવેશ થાય છે.

કરોડપતિ હીરા કારોબારી નીરવ મોદીની ગત અઠવાડિયે લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર 13,000 કરોડ રૂપિયાનું બૅન્ક કૌભાંડ આચરવાનો આરોપ છે.

નીરવ મોદીએ ગત વર્ષે દેશ છોડી દીધો હતો અને લંડનમાં જઈને વસી ગયા હતા.

Image copyright EPA

નીરવ મોદીના લંડન ફરાર થયા બાદ આવકવેરા વિભાગે તેમની વૈભવી મિલકતને કબજે કરી લીધી હતી. તેમાં 170 પેઇન્ટિંગ્સનો પણ સમાવેશ થયો હતો, જેની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે.

આવકવેરા વિભાગ આ મિલકતને જપ્ત કરીને રકમની વસૂલાત કરવા પ્રયાસ કરી રહ્યો છે.

ગત અઠવાડિયે આર્થિક આરોપોના મામલા પર સુનાવણી કરતી સ્પેશિયલ કોર્ટે ઈડીને પેઇન્ટિંગ્સની હરાજી કરવાની પરવાનગી આપી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતીય મહાનુભવો દ્વારા બનાવાયેલાં પેઇન્ટિંગ્સ

Image copyright SAFFRONART

નીરવ મોદી દ્વારા ખરીદાયેલું આ દુર્લભ પેઇન્ટિંગ 19મી સદીના ભારતીય કલાકાર દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ ચિત્ર રાજા રવિવર્મા દ્વારા વર્ષ 1881માં બનાવવામાં આવ્યું હતું અને તેને રાષ્ટ્રીય કળાનો ખજાનો માનવામાં આવે છે. આ પેઇન્ટિંગની હરાજી 16.1 કરોડ રૂપિયામાં થઈ.

Image copyright SAFFRONART

વર્ષ 1973માં ભારતના પ્રખ્યાત કલાકાર વસુદેવ ગાયતોંડે દ્વારા બનાવવામાં આવેલી આ તસવીર હરાજીની હાઇલાઇટ છે. વાસુદેવ ગાયતોંડેનું પેઇન્ટિંગ 25.2 કરોડ રૂપિયામાં વેચાયું છે.

વર્ષ 2015માં તેમના એક પેઇન્ટિંગની કિંમત 30 કરોડ રૂપિયા હતી, જે ભારતીય કલાકાર દ્વારા તૈયાર કરાયેલી કોઈ કળાની સૌથી ઊંચી કિંમત છે.

Image copyright SAFFRONART

આ હરાજીમાં અકબર પદ્મસી દ્વારા બનાવાયેલું 'ગ્રૅ ન્યૂડ' નામનું પેઇન્ટિંગ પણ જોવા મળ્યું જે કુલ 1.72 કરોડ રૂપિયામાં વેચાયું.

Image copyright SAFFRONART

એફ.એન. સૂઝા દ્વારા વર્ષ 1974માં બનાવવામાં આવેલું પેઇન્ટિંગ 'સિટિસ્કૅપ' પણ 1.78 કરોડ રૂપિયામાં વેચાયું.

હરાજીમાં કે.કે. હેબ્બર, એસ.એલ. હલ્દાંકર વગેરેનાં પેઇન્ટિંગ્સ તેમજ ચાઇનીઝ કલાકારો દ્વારા બનેલાં પેઇન્ટિંગ્સ જોવા મળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો