ફેક કૉલ સેન્ટર દ્વારા ગુજરાતમાં બેઠાબેઠા કઈ રીતે અમેરિકનો પાસેથી હજારો ડૉલર પડાવી લેવાય છે?

કાર્ટૂન

બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર સુશીલ જ્હા, અમેરિકાના સેન્ટ લુઇસમાં રહે છે. એક ફેક કૉલ સેન્ટરમાંથી કૉલ આવ્યા બાદ તેઓ લગભગ 5000 અમેરિકન ડૉલર આપવા માટે તૈયાર થઈ ગયા હતા. કૉલ સેન્ટરનું સંચાલન કરનાર લોકોને લાગ્યું હતું કે અમેરિકાના મહેસૂલી વિભાગની બીકથી જ્હા પણ તેમની વાતોમાં આવી જશે.

આ ડિપાર્ટમેન્ટની બીક બતાવીને અનેક ફેક કૉલ સેન્ટર લોકોને છેતરી રહ્યાં છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર ક્રાઇમ સેલે આ વર્ષની શરૂઆતમાં છ ફેક કૉલ સેન્ટર પકડી પાડ્યાં છે અને અંદાજે 40 લોકોની ધરપકડ કરી છે.

આ વ્યવસાયમાં સંડોવાયેલા લોકો પોતાનું કામ સારી રીતે કરતા હોય છે.

જ્હાએ અનુભવ જણાવતા કહ્યું કે જ્યારે કૉલ આવ્યો ત્યારે મને એવું ન લાગ્યું કે આ કૉલ ફેક હશે.

તેમણે કહ્યું, "આ કૉલમાં એક રેકૉર્ડેડ મૅસેજ પણ વાગ્યો જેમાં એવું કહેવાયું કે આ કૉલ ટ્રેનિંગ માટે રેકૉર્ડ કરવામાં આવશે. પછી તે વ્યક્તિ પોતાને રૅવન્યૂ ઑફિસર ગણાવ્યો અને પોતાનાં નામ, બૅઝ નંબર અને પોસ્ટ વિશે વાત કરી."

"પોતે અમેરિકન ઍસન્ટમાં હોવાનું જણાવીને મને કહ્યું કે મારી વિરુદ્ધ સમન્સ છે."

જોકે, જ્હા આ કૉલનો શિકાર નહોતા બન્યા. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેઓ લગભગ માની ગયા હતા કે જે ફોન આવ્યો એ રૅવન્યૂ ડિપાર્ટમેન્ટમાંથી હતો અને પોતે કોઈ ગુનો કર્યો છે.

ભારત દેશમાં અમુક લોકો આ પ્રકારનો ગુનો આચરીને પૈસા કમાવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સાયબર ક્રાઇમ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. બારડે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2018થી અત્યાર સુધીમાં 11 જેટલા કેસો કરીને ઘણા લોકોની ધરપકડ કરી છે."

"થોડા દિવસ પહેલાં ભરુચમાંથી પણ એક ફેક કૉલ સેન્ટર લોકલ પોલીસે પકડી પાડ્યું હતું. માત્ર ગુજરાતમાં જ નહીં પણ નોઇડા, ગુરુગ્રામ, જયપુર, પૂણે જેવાં શહેરોમાં પણ આ પ્રકારના ગુનાઓ વારેઘડીએ બનતા હોય છે."


આ કૉલ સેન્ટરમાં કોણ કામ કરે છે?

Image copyright Kalpit S Bhachech

પોલીસ ઇન્સ્પેક્ટરે વધુમાં જણાવ્યું, "આ લોકો કોઈ ક્ષેત્રના સ્નાતક હોય તે જરૂરી નથી, પરંતુ તેઓ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા હોય છે."

"આ પ્રકારના કૉલ સેન્ટરમાં નોકરી કરતા સિનિયર લોકો જુનિયર્સને પોતાની બાજુમાં બેસાડીને કૉલ કરતા શીખવાડતા હોય છે. આ માટે કોઈ ખાસ સ્કિલની જરૂર રહેતી નથી. તેમણે જોઈજોઈને શીખવાનું જ હોય છે, કારણ કે ઑર્ગેનાઇઝરે પ્રોસેસ ગોઠવી રાખી હોય છે."

ફેક કૉલ સેન્ટરમાં નોકરી કરતા યુવાનોનો પગાર આશરે 20,000થી 60,000 રૂપિયા હોય છે.

જોકે, કોઈ ફ્રૅશરને જો અંગ્રેજી આવડતું હોય તો 15000 રૂપિયાથી શરૂઆત કરી શકે છે.

તેમણે અગાઉથી નક્કી કરેલી એક સ્ક્રિપ્ટને બોલ્યા કરવાનું હોય છે. આ લોકોને ઇન્ટરનલ રૅવન્યૂ ડિપાર્ટમેન્ટના અલગ-અલગ હોદ્દાઓ વિશે પણ માહિતી આપવામાં આવે છે.

તેઓ લોકોને કૉલ કરીને તેમને બિવડાવવાનું કામ કરતા હોય છે અને જ્યારે સામેવાળી વ્યક્તિ પૈસા આપવા તૈયાર થઈ જાય પછી ડીલને ક્લોઝ કરવા માટે કૉલ સેન્ટરના સિનિયર લોકો ફોન પર આવતા હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ચોરી કરાયેલા ડેટા પર ચાલે છે આ ગુનો

Image copyright Kalpit S Bhachech

જો ડેટા ન હોય તો આ ગુનો ન બની શકે. આ ગુના માટે પ્રથમ માર્કેટમાં ચોરાયેલો ડેટા ખરીદવાનો હોય છે, જેની વ્યવસ્થા કૉલ સેન્ટરના માલિક કરતા હોય છે.

આ ડેટામાં મુખ્યત્વે લોકોનાં નામ, ફોન-નંબર અને ઘણી વખત સરનામું પણ હોય છે. જેમની કાર ચોરી થઈ હોય કે પછી જેમણે ટૅક્સની ચોરી કરી હોય તેવા લોકોની વિગતો માર્કેટમાં મોટા પ્રમાણમાં મળતી હોય છે.

'ટૅક ડિફેન્સ' નામની એક સાયબર ઇન્વેસ્ટિગેટિંગ કંપનીના સીઈઓ સન્ની વાઘેલા બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે દરેક ફોન-નંબર અને નામ વીસ સૅન્ટથી માંડીને એક ડૉલર સુધીમાં વેચાતા હોય છે.

જેમ કે કોઈ ટૅક્સ ડિફોલ્ટરનો ફોન-નંબર જો પ્રથમ વખત કોઈના હાથમાં આવી રહ્યો હોય તો તેની કિંમત એક ડૉલર હોય છે. પરંતુ ત્યારબાદ તે નંબર જેમ જેમ અલગ-અલગ લોકો સુધી પહોંચતો જાય તેમ તેમ તેની કિંમત ઓછી થતી જાય છે.

વાઘેલા વધુમાં જણાવે છે, "માર્કેટમાંથી ડેટા મેળવવાના મુખ્યત્વે ત્રણ રસ્તા છે. પ્રથમ તો કોઈ એજન્ટ મારફતે, પછી એવા હૅકર્સ કે જે અમેરિકા અને કેનેડાની વેબસાઇટ હૅક કરીને તેમાંથી ડેટા લિક કરીને વેચતા હોય છે અને ત્રીજો કોઈ પણ ઈ-કૉમર્સ વેબસાઇટ દ્વારા."

આ ડેટા સામાન્ય રીતે પેનડ્રાઇવ, હાર્ડડિસ્ક, ક્લાઉડ સ્ટોરેજ અથવા તો ઘણી વખત હાર્ડ કોપી દ્વારા પણ મળતા હોય છે.

આ ડેટાનો દુરુપયોગ કેવી રીતે થાય છે તેના વિશ ઇન્સ્પેક્ટર બારડ કહે છે, "ઉદાહરણ તરીકે કોઈની કાર ચોરાઈ ગઈ છે અને તેણે પોલીસમાં ફરિયાદ કરી છે. પછી તેના પર આવા કોઈ કૉલ સેન્ટરથી ફોન આવે કે તેમની કારમાં ખૂનના ડાઘ મળ્યા છે, અને જો આ મેટર સેટલ કરવી હોય તો કેટલાક પૈસા આપો. લોકો કાયદાની આંટીઘૂંટીથી બચવા પૈસા ભરી દેતા હોય છે."


કૉલ સેન્ટરનો ચાઇના ન્ગલ

અમેરિકા કે કેનેડાથી ચીન થઈને ભારતમાં પૈસા આવતા હોય છે.

સૌપ્રથમ તો પીડિતને એક ગૂગલ પે કાર્ડ ખરીદવાનું કહેવામાં આવે છે. આ પીડિત તે કાર્ડનો નંબર ભારતમાં બેઠા-બેઠા કૉલરને આપી દેતો હોય છે. આ નંબર પછી કોલર ચીનમાં બેઠેલા વેન્ડરને આપે છે.

બારડ કહે છે કે આ વેન્ડર પણ આ ગુનામાં ભાગીદાર છે કે નહીં તે હજી તપાસનો વિષય છે. સૌપ્રથમ તો

આ વેન્ડર યૂએસ ડૉલરને ચાઇનાની કરન્સી આરએમબીમાં ફેરવી દે છે.

તેના માટે તેઓ ૨૦ ટકા જેટલું કમિશન લેતા હોય છે. આ ચાઇનીસ કરન્સીને પછી ભારતમાં બેઠેલી વ્યક્તિના ખાતામાં ભારતીય કરન્સીમાં હવાલા મારફતે ફેરવવામાં આવે છે.

સાયબર ક્રાઇમ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. જે. જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પૈસા ટ્રાન્સફર કરવાની આ મૉડસ ઑપરેન્ડીમાં સામેલ લોકોને હજી પકડવાના બાકી છે.

ફેક કૉલ સેન્ટરને શોધવાં મુશ્કેલ કેમ?

મોટાં ભાગનાં આવાં કૉલ સેન્ટર ફાઇનાન્સ કંપનીના ઓથા હેઠળ કામ કરતાં હોય છે.

પ્રથમ નજરે જોતાં તેનું સેટઅપ સામાન્ય કૉલ સેન્ટર જેવું લાગે છે. તેઓ રાત્રે કામ કરતા હોવાથી લોકોની નજરમાં ઓછા આવે છે.

'આ કંપનીઓ કોઈ જગ્યાએ રજિસ્ટર થઈ નથી હોતી. તેમાં કામ કરતા લોકો સારું બોલનારા, સારાં કપડાં પહેરનારાં અને મુખ્યત્વે યુવાન છોકરા-છોકરીઓ' હોય છે તેમ જાડેજા ઉમેરે છે.

ડેટા તેમજ રેડીમેડ સ્ક્રિપ્ટ એક ક્લાઉડ-બેસ્‍ડ સર્વર પર મૂકવામાં આવેલી હોય છે અને ગૂગલના ઇન્કૉગ્નિટો મોડમાં રહીને કામ કરતા હોય છે.

હાલમાં પકડાયેલા કૉલ સેન્ટરના લોકો પ્રોક્સી સર્વર મારફતે ડેટામાં મેળવેલા નંબર વગેરેને કન્ફર્મ કરતા હતા તેવું પોલીસને જાણવા મળ્યું છે.

કૉલર ડાઇરેક્ટ ઇન્વાર્ડ ડાઇલિંગ કરતાં હોય છે. જેના કારણે સામેવાળી વ્યક્તિને પોતાની મોબાઇલ સ્ક્રીન પર યુએસનો જ નંબર દેખાતો હોય છે. આ ટૅક્નૉલૉજી મારફતે એક ટેલિફોન લાઇનમાં અનેક નંબરથી કૉલ કરી શકાય છે.

આ કેસમાં પકડાયેલા લોકો પર આઇટી ઍક્ટ અને આઇપીસીની વિવિધ કલમો લગાવવામાં આવે છે.

જેમાં 384(ઍક્ટોરશન), ચીટિંગ (420), ઓળખ છુપાવવી (419) વગેરે મુખ્ય હોય છે.

જોકે, આ ગુનાના વિક્ટિમ બીજા દેશોમાં હોવાથી પોલીસને હજી સુધી કોઈ ફરિયાદી મળ્યા નથી અને તેના કારણે આવાં કૉલ સેન્ટર કેટલા લોકોના પૈસા લઈ ચૂક્યા છે તેનો આંકડો પોલીસ પાસે નથી. આથી પકડાયેલા લોકોને સહેલાઈથી જામીન મળી જાય છે.

એફબીઆઈના ભારતમાં યુએસ ઍમ્બેસી સાથે સંકળાયેલા અધિકારીઓને અમદાવાદ પોલીસે હાલમાં જ એક લિસ્ટ આપ્યું છે, જેમાં અમેરિકામાં રહેતા અને આવી છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની વિગત છે.

પોલીસ માની રહી છે કે આ વિગતો મળતાં આ કેસમાં પકડાયેલા લોકો વિરુદ્ધમાં મજબૂત કેસ બનશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ