World Theatre Day : ‘સમણાં જુઓ પછી એને અધૂરાં રાખો, કારણ કે એ જો પૂરાં થશે તો...’

સી સી મહેતા Image copyright Theatre Media Center Archives

ગુજરાતના જાણીતા નાટ્યલેખક અને તેમના વિદ્યાર્થી હસમુખ બારાડીએ ચંદ્રવદન ચીમનલાલ મહેતા વિશેનો ખાસ અંક (નાટક અંક 14/એપ્રિલ-જૂન 2001) બહાર પાડેલો. તેના સંપાદકીયમાં તેમણે આવું ટાંકેલુઃ

"સી.સી. માટે ઘણા શબ્દો વપરાયા. જેમ કે અતડા, દુરાગ્રહી, મમતી, સ્વકેન્દ્રી, ક્રોધી. પરંતુ એ હતા આપણા ગુજરાતના પોતીકા નાટ્યકાર, બ્રોડકાસ્ટર, કવિ, નાટ્યવિદ્ અને તે ઉપરાંત કેટલું બધું.

'પ્રેમના મોતી જેવા સેન્ટિમેન્ટલ અને ફૂલ જેવા કોમળ પત્ની અન્યને પ્રેમ કરતાં હોય તો તેમને છૂટાછેડા આપી સામેથી પત્ની પ્રેમીને સોંપે એવા ઉદાર દિલ, અને પ્રેમના તત્ત્વને સમજે એવા. "

"ગુજરાતની નવી રંગભૂમિના પ્રણેતા, દેશભરમાં નાટ્ય અભ્યાસક્ર્મનો એકડો ઘૂંટનારા વિશ્વપ્રવાસી."

સી.સી. સાહેબને હું મારા પપ્પા હસમુખ બારાડી સાથે મળી હતી. તેમણે મને તીક્ષ્ણ નજરે અને તીખી આંખે જોઈ મારા પપ્પા હસમુખભાઈને કહ્યું, 'હેં અલા, તેં તારી છોકરીને પણ તારે રવાડે ચડાવી છે? ખબર છે ને કે નાટકમાંથી રોટલો નથી મળવાનો?'

હું આ સાંભળીને જરા તો મૂંઝાઈ પણ તરત જ સમજાયું કે એમની આંખમાં તો સંતોષ જ હતો. અવાજ જરા તીણો કરીને જરૂર કહી નાખે. તેઓ સુરતના હતા અને આખાબોલા હતા.

વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીની પરંપરા 1961થી શરૂ થયેલી. આ વાત સી.સી. સાહેબે ગુજરાતમાં પ્રચલિત કરીને સૌ નાટ્યપ્રેમીઓને 27 માર્ચને વિશ્વ રંગભૂમિ દિન તરીકે ઊજવવા પ્રેર્યા.

જ્યારે આપણે 27 માર્ચ, 2019ને ઊજવીએ ત્યારે સી.સી.ને શ્રદ્ધાંજલિરૂપે આજની યુવા રંગકર્મી પેઢીને તેમના પ્રખ્યાત 'સી.સી.પણા'થી વાકેફ ના કરીએ એ કેમ ચાલે?

તમે આ વાંચ્યું કે નહીં?

સુરતમાં જન્મ

Image copyright Getty Images

તેમનો જન્મ સુરતની દેસાઈ પોળ (સોની ફળિયા)માં થયો હતો.

'સી.સી. કહેતા... ચં.ચી. કહેતા... ચંદામામા કહેતા... ચંદ્રવદન ચીમનલાલ મહેતા જેમણે એકલા હાથે 1922માં નવી રંગભૂમિની સ્થાપના કરી.

નાટકો લખી ભજવ્યાં, ભજવાવડાવ્યાં. 1949માં વડોદરામાં યુનિવર્સિટી કક્ષાએ નાટ્યશિક્ષણ શરૂ કરાવડાવ્યું.

એમણે શ્રાવ્યપ્રણાલીને ગરિમા બક્ષી અને સમકાલીન બ્રોડકાસ્ટરો (ઉદઘોષકો)ની ગૅલેક્સી રચી હતી, જેમાં બાદરાયણ, નંદકુમાર પાઠક, ગિજુભાઈ વ્યાસ, વસુબેન જેવા ચમકતા તરલાઓનો સમાવેશ થાય છે. વિશ્વપ્રવાસ ખેડીને એમણે ભારતીય નાટકનો દેશવિદેશમાં ડંકો વગડાવ્યો.

ઈલાકાવ્યોના પદ્યસર્જક ચં.ચી. ગઠરિયા ક્ષેણીથી એવા જ ગદ્યસર્જક તરીકે પણ સ્વીકારાયા. 'ફ્રેન્ચ લેખક અનાટોલ ફ્રાંચના નાટકનું રૂપાંતર ચં.ચી.એ "મૂંગી સ્ત્રી"ના નામે કર્યું અને અનેક નટનટીઓને સથવારે ગુજરાતનાં શહેરોમાં ભજવ્યું. આને કારણે ધીમે ધીમે યુવાનો અને સ્ત્રીઓ નાટકમાં કામ કરવા હિંમતભેર આવતાં થયાં.

આ બધાની સાથે એમણે કલાસમાજ અને કલામંડળની સ્થાપના કરી.

અખો, આગગાડી, રમકડાંની દુકાન, પ્રેમનું મોતી, સંતાકૂકડી, વરવહુ, ધારાસભા, ત્રિયારાજ, આનલદે, ઇલ્વલ, ધરાગુર્જરી, શિખરણી, પાંજરાપોળ વગેરે ઉપરાંત પૌરાણિક નાટક સીતા જેવાં ખ્યાતનામ નાટકો પછી એમણે ગુજરાતના પોતીકા થિયેટર માટેની લાગણી બુલંદ કરી.

હસમુખ બારાડીએ એક લેખમાં લખ્યું હતું કે 'સી.સી. એક તરફ ભર્યું ભર્યું જીવન તો બીજી તરફ એક મૂંઝવનારો ખાલિપો મહેસૂસ કરતા હતા. લગ્નજીવન ખંડિત થયું. પત્નીને પુન:લગ્ન માટે વ્યવસ્થા કરી આપી. તેમ છતાં જીવનના અન્ય ક્ષેત્રોમાં એમને ભરપૂર રસ હતો. પાકશાસ્ત્રના જાણકાર હતા, ખાવાપીવાના શોખીન હતા, આરોગ્ય અને આયુર્વેદ અંગેના અભ્યાસી હતા.

સાદગીભર્યું જીવન

Image copyright Getty Images

જીવનમાં સાદાઈ અપનાવેલી. ખોટો દંભ રાખતા નહીં. બૌદ્ધિક, મૌલિક, સંવેદનશીલ વિચારક હોવા છતાં જ્યોતિષમાં ખૂબ માનતા. એનો અભ્યાસ પણ કરતા. શૅરબજારના ધંધામાં ખૂબ કમાયા, ખોટ પણ ગઈ, પૈસા પણ ખૂબ બગાડ્યા, બરબાદ થયા પણ ફરી ઊભા પણ થયા.

સ્વભાવે રિસાળ, સ્વમાની, તીખા અને સત્યવક્તા હતા. મળવા જનારને ટૂંકાટચ પત્રથી, અગાઉથી માહિતગાર કરે. પત્ર લખીને કોઈને મળવા બોલાવે ત્યારે જાસાચિઠ્ઠી લખતાં હોય તેમ લખેઃ મળો, ચર્ચગેટ સ્ટેશને, 8મી એપ્રિલ, સાંજે 6 વાગે ધાડિયાળ નીચે- સી.સી.

આવા અલગારી ચંદ્રવદન પોતાને નાચીજ સમજતા, પણ મૂર્ધન્ય કવિ ઉમાશંકરે એક કવિતામાં "ચંદ્રવદન એક ચીજ અલકમલકની, ગુજરાતે ના જડવી સહેલ" કહ્યું છે. ખરેખર ચંદ્રવદન એક દુર્લભ ચીજ હતા.

અંતે, ગુણવંત શાહ કહે છે તેમ 'પશ્ચિમમાં માણસની કબર પર મૃત્યુલેખ (એપીટાફ) લખવાનો રિવાજ છે. ચં.ચી.નો દેહ તો હવે ભસ્મીભૂત અને શૂન્યભૂત થયો પરંતુ જો મૃત્યુલેખ લખવાનું પ્રાપ્ત થાય તો એના શબ્દો આવા હોઈ શકે- "હિયર લાઈઝ સી.સી., હૂ વોઝ લિવિંગ ઇન એવરી ફાઇબર ઍન્ડ હૂ પ્લેઇડ હિઝ ઇનિંગ્સ વેલ."

હસમુખભાઈએ સી.સી. વિશે અભ્યાસ કરી તારણ કાઢતા આમ લખ્યું:

"સમણાં જુઓ પછી એને અધૂરાં રાખો, કારણ કે એ જો જીવતેજીવંત પૂરાં થશે તો તમને મજા જ નહીં આવે. એ જ રીતે જાતને હતાશ ન થવા દો, પણ એટલું જરૂર કરો કે એવાં સમણાં બીજાઓની આંખમાં ઉગાડો. સામેવાળાને ખબર ન હોય તો એનાં સમણાં રંગી પણ આપો, કારણ કે સમણાંઓથી મોટો કોઈ વારસો નથી."

(થિયેટર મીડિયા સેન્ટર- બુડ્રેટી ટ્રસ્ટના સામયિક નાટકમાં પ્રકાશિત હસમુખ બારાડી અને વાસુબહેનના લેખમાંથી સંપાદિત.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો