મોદીના નિવેદન પર તપાસનો આદેશ, જ્યારે ચૂંટણીપંચ અને મોદી આવ્યા સામસામે

મોદી Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના નિવેદનને લઈને ફરી વખત વિવાદમાં છે. તેમણે ઔરંગાબાદ ખાતે એક રેલીમાં પ્રથમ વખત મત આપનારા યુવાનોને વિનંતી કરતા કહ્યું કે બાલાકોટ ઍરસ્ટ્રાઇક અને પુલવામા હુમલામાં જીવ ગુમાવનારા સૈનિકોને મત અર્પણ કરજો.

મોદીએ પ્રથમ વખત મત આપનારા યુવાનોને કહ્યું, "જ્યારે તમને પ્રથમ પગાર મળે છે તો તેને તમારી પાસે નથી રાખતા અને માતા અથવા બહેનને આપી દો છો."

"આવી જ રીતે શું તમે તમારો મત બાલાકોટ સ્ટ્રાઇક, પુલવામા હુમલાના પીડિત, પાકાં ઘરો, પીવાનું પાણી અને દરેક ગરીબને સ્વાસ્થ્ય સારવાર મળે તે માટે આપી શકો છો?"

મોદીના આ નિવેદન બાદ વિપક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી હતી કે ભાજપ પુલવામા હુમલો અને બાલાકોટ ઍરસ્ટ્રાઇકના નામે મત માગી રહ્યો છે.

ચૂંટણીપંચે મોદીના આ નિવેદન અંગે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી કમિશનર પાસે તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે.


'મિશન શક્તિ'ના પરીક્ષણ મુદ્દે રાષ્ટ્રજોગ સંબોધન

Image copyright Reuters

અગાઉ જ્યારે ભારતે 'મિશન શક્તિ' મિશન હેઠળ અંતરિક્ષમાં ઍન્ટિ-મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 'મિશન શક્તિ'ની સફળતાની જાહેરાત કરી હતી.

વિપક્ષનો આરોપ છે કે વિજ્ઞાનીઓના બદલે મોદીએ ખુદ આ જાહેરાત કરીને આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે, જોકે ભાજપે આ આરોપને નકાર્યો છે.

ચૂંટણી પંચ દ્વારા આ આરોપો ઉપર તપાસના આદેશ આપી દેવાયા છે.

મોદીના રાષ્ટ્રજોગ સંબોધન ઉપરાંત તેમના જીવન ઉપર બનેલી ફિલ્મ અને વેબ સિરીઝ પણ ચૂંટણી પૂર્વે રજૂ થનાર છે, જેના અંગે વિવાદ ઊભો થયો છે.

ગત લોકસભા ચૂંટણીથી અત્યારસુધીમાં કમ સે કમ પાંચ વખત વડા પ્રધાન મોદી અને ચૂંટણી પંચ વચ્ચે ચકમક ઝરી ચૂકી છે.


ગુજરાતમાં સેલ્ફી મુદ્દે ગજગ્રાહ

Image copyright Getty Images
ફોટો લાઈન મોદીએ રાષ્ટ્રજોગ

લોકસભા ચૂંટણી દરમિયાન એપ્રિલ-2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ ખાતે એક શાળામાં બનેલા મતદાન કેન્દ્રમાં વોટિંગ કરવા ગયા હતા.

ત્યારબાદ તેમણે ભાજપના ચૂંટણી ચિહ્ન કમળ સાથે 'સેલ્ફી' લીધી હતી.

એ સમયે મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર હોવાને કારણે મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું.

લોકપ્રતિનિધિ ધારાની જોગવાઈ પ્રમાણે, મતદાન કેન્દ્રથી 100 મીટરની પરિધિમાં ચૂંટણી પ્રચાર ન થઈ શકે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લોક પ્રતિનિધિ ધારા તથા ભારતીય દંડ સંહિતાની અલગઅલગ કલમો હેઠળ કેસ દાખલ કર્યો હતો.

તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું હતું કે મોદીએ જે સ્થળે સેલ્ફી લીધી તે બગીચો મતદાન મથકથી 100 મીટર કરતાં વધુ દૂર આવેલો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આપેલી ક્લિન ચીટને નીચલી અદાલત અને બાદમાં ગુજરાત હાઈકોર્ટે પણ ગ્રાહ્ય રાખી હતી.

આ વિશે વધુ વાંચો

મોદીની બાયૉપિક

વડા પ્રધાન મોદીના જીવન ઉપર આધારિત ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' ઉપર પણ વિવાદ થયો છે, ફિલ્મમાં વિવેક ઑબેરોય મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે.

આ ફિલ્મનું નિર્માણ તેમના પિતા સુરેશ ઑબેરોયે કર્યું છે અને બૉક્સર મેરી કોમના જીવન ઉપર આધારિત 'બાયૉપિક'નું દિગ્દર્શન કરનાર ઓમંગ કુમાર તેના ડાયરેક્ટર છે.

ચૂંટણીપંચે ફિલ્મના પ્રોડકશન હાઉસ તથા મ્યુઝિક કંપનીને 'સુઓ મોટો' નોટિસ કાઢી છે.

દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીના રણબીર સિંહના કહેવા પ્રમાણે, "જો કોઈ સરૉગેટ જાહેરાત આપે તો તે આદર્શ આચારસંહિતાનો ભંગ છે. કોઈએ આ પ્રકારનો ભંગ છે."

"જે કોઈએ આવું કામ કર્યું હોય તેને ખુલાસો કરવાની તક આપવામાં આવે છે."

મોદીની બાયૉપિક પાંચમી એપ્રિલે રિલીઝ થશે અને ફિલ્મના નિર્માતાઓને 30મી માર્ચ સુધીમાં જવાબ આપવા માટે જણાવવામાં આવ્યું છે.

પૂર્વ દિલ્હીના ચૂંટણી અધિકારી કે. મહેશના કહેવા પ્રમાણે, ચૂંટણી સમયે રાજકીય ફિલ્મ રજૂ કરવા સંદર્ભે માર્ગદર્શિકા ઘડવા અંગે ચૂંટણીપંચ વિચારણા કરી રહ્યું છે.

આ સિવાય મુંબઈ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેની ઉપર 29મી માર્ચના સુનાવણી હાથ ધરવામાં આવશે.


ગુજરાતનો મૅનિફેસ્ટો

Image copyright Getty Images
ફોટો લાઈન 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપનો મૅનિફેસ્ટો જાહેર કરી રહેલા તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી

ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે તારીખ 8મી ડિસેમ્બરના દિવસે ભાજપ દ્વારા સંકલ્પપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જ્યારે બીજા દિવસે એટલે કે તારીખ 9મી ડિસેમ્બરે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

જેના અંગે કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સવાલ ઉઠાવ્યા હતા.

ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે, ચૂંટણીના 48 કલાક અગાઉ 'સાયલન્સ પીરિયડ' દરમિયાન કોઈપણ પક્ષ ચૂંટણી ઢંઢેરો બહાર પાડી નહીં શકે.

કેટલાક નિરીક્ષકો આ માર્ગદર્શિકાને ગુજરાતની ચૂંટણી સાથે જોડીને જુએ છે.

અમદાવાદમાં રોડ-શૉ

એપ્રિલ-2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે ફરી એક વખત રાણીપ પહોંચ્યા હતા.

ત્યારબાદ તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેણે રૉડ-શોનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેની સામે કૉંગ્રેસે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.

જવાબમાં ભાજપ દ્વારા ચૂંટણીના 48 કલાક પૂર્વે ટીવી ચેનલ્સ ઉપર કૉંગ્રેસના તત્કાલીન ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઇન્ટરવ્યૂના પ્રસારણ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.


વારાણસીમાં રોડ-શૉ

આ પહેલાં પણ મોદીનો એક રોડ-શૉ વિવાદનું કેન્દ્ર બન્યો હતો. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન મોદી ઉત્તર પ્રદેશમાં વારાણસીની બેઠક ઉપરથી ઉમેદવાર હતા.

ત્યારે મોદીને 'ગંગા પૂજન' તથા 'ચોક્કસ સ્થળે રેલી'ની મંજૂરી આપવામાં આવી ન હતી. મોદીએ એક જાહેર રેલીમાં ચૂંટણી પંચની ઉપર 'સીધા આરોપ' મૂક્યા હતા અને તેમની ઉપર દબાણ હેઠળ કામ કરવાનો આરોપ મૂક્યો હતો.

ચૂંટણી પંચે તેના જવાબમાં પત્રકાર પરિષદ ભરવી પડી હતી. પંચે કહ્યું હતું કે સુરક્ષાના કારણોસર તેમને મંજૂરી આપવામાં આવી ન હતી.

ભાજપે આ વખતે પણ નરેન્દ્ર મોદીને વારાણસીની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા છે.

જેના જવાબમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે 'સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મોદીની સુરક્ષાને કારણે રેલી ન યોજવાની મંજૂરી આપી ન હતી. સુરક્ષાની બાબતમાં ચૂંટણીપંચ સ્થાનિક ચૂંટણી અધિકારીના અહેવાલને ગ્રાહ્ય રાખે છે.'

સમગ્ર વિવાદ અંગે ટિપ્પણી કરતા તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર વી. એસ. સંપતે કહ્યું હતું, "ચૂંટણી પંચ ઉપર ટિપ્પણી કરતી વખતે ભાજપે વધુ પાકટતા દાખવવી જોઈએ."


ટ્વીટ મુદ્દે તકરાર

આદર્શ આચારસંહિતા લાગુ થયા બાદ બે અલગ-અલગ ઘટનાક્રમમાં મોદીએ લગભગ 50 જેટલા ટ્વીટ્સ દ્વારા 130થી વધુ ખેલજગત અને બોલિવૂડની સેલિબ્રિટિઝને ટૅગ કરી હતી.

મોદીએ તેમના ટ્વીટ્સમાં મતદાન માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી, પરંતુ કેટલાકના મતે આ રીતે મોદીએ યુવા મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકીય લેખક આકાશ બેનર્જીના કહેવા પ્રમાણે, "આ એક જબરદસ્ત વ્યૂહરચના છે."

"મોદીએ લોકોને ટૅગ કર્યા, જેથી કરીને પ્રતિક્રિયા આપવી પડે. તમે એમની ઉપરના દબાણની કલ્પના કરી શકો છો?"

"જ્યારે દેશના વડા પ્રધાન તમને ટૅગ કરીને ડેમૉક્રેસી વિશે ટ્વીટ કરે. હવે, તમે આ ટ્વીટની પ્રતિક્રિયા ન આપો, તો કેટલું ખરાબ લાગે?"

"હવે તમે ટ્વીટની ઉપર જવાબ આપો કે રીટ્વીટ કરો એટલે કેટલી મોટી શ્રૃંખલા બને, તેની કલ્પના કરો. લાખો લોકો સુધી પહોંચી શકો."

અન્ય વિવાદો અને ગજગ્રાહ

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતે દુશ્મન દેશના શત્રુનો સેટેલાઇટ તોડી પાડવાની ક્ષમતા હાંસલ કરી
  • આચારસંહિતા લાગુ થયાં બાદ પણ રેલવે દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળી ટિકિટ્સ અને ઍર ઇંડિયા દ્વારા બૉર્ડિંગ્સ પાસનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હતું. ચૂંટણીપંચે આ બાબતની ગંભીર નોંધ લીધી છે અને રેલવે વિભાગ તથા નાગરિક ઉડ્ડયન વિભાગને નોટિસો કાઢવામાં આવી છે અને ત્રણ દિવસની અંદર જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.
  • માર્ચ-2017માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી દરમિયાન મોદીએ તેમના મતવિસ્તાર વારાણસીમાં રોડ-શૉ યોજ્યો હતો. આ રીતે તેમણે આચારંસહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ કૉંગ્રેસે દાખલ કરાવી હતી.

મોદી, બોલીવૂડ અને સરકાર

Image copyright Getty Images
ફોટો લાઈન ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના જીવન ઉપર આધારિત

એપ્રિલ મહિનામાં નરેન્દ્ર મોદીના જીવન ઉપર આધારિત વેબ સિરીઝ 'મોદી' રિલીઝ થશે, જેના 10 ઍપિસોડ હશે.

જેનું દિગ્દર્શન ફિલ્મ 'ઓહ માય ગોડ'ના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ કર્યું છે.

આ સિવાય ગુજરાતી ફિલ્મ 'હું નરેન્દ્ર મોદી બનવા માગું છું' એ ચૂંટણી જાહેર થઈ, તેના બે દિવસ પહેલાં જ રિલીઝ થઈ હતી.

આ પહેલાં યૂપીએ (યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ)ના પ્રથમ કાર્યકાળ દરમિયાન તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘના મીડિયા સલાહકાર સંજય બારૂના પુસ્તક ઉપર આધારિત ફિલ્મ 'ધ ઍક્સિડન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'માં અનુપમ ખેરે ડૉ. સિંઘની ભૂમિકા ભજવી હતી.

Livemint વેબસાઇટ ઉપર ફિલ્મના રિવ્યૂમાં 'સીધો રાજકીય હાથ' હોવાનું નોંધ્યું હતું.

તેમણે ઉમેર્યું કે 'ડૉ. સિંઘ ઉપરની ફિલ્મ દેખીતી રીતે ગાંધી પરિવાર ઉપર હુમલો કરવાનું માધ્યમ છે.'

આ સિવાય 'ઉરી - ધ ર્સજિકલ સ્ટ્રાઇક' એ વર્ષ 2016માં ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કરેલી કથિત આતંકવાદીઓના લૉન્ચપૅડની ઉપર કરેલી કાર્યવાહીની વાત હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને પગલે ફિલ્મનો ડાયલૉગ 'How is the josh?' ચૂંટણી રેલીઓમાં છવાયો હતો.

વિપક્ષે કરી ફરિયાદ

માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટીએ ચૂંટણીપંચને આપવામાં આવેલી અરજીમાં મોદી દ્વારા કથિત રીતે આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ દાખલ કરાવી હતી.

સમાજવાદી પક્ષના સુપ્રીમો અખિલેશ યાદવે ટ્વીટ કર્યું :

'નરેન્દ્ર મોદીએ મફતમાં એક કલાકનો ટીવી ટાઇમ મેળવી લીધો અને બેરોજગારી, મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓ ઉપરથી ધ્યાન હટવ્યું.' યાદવે DRDO અને ISROને શુભકાનાઓ આપી હતી.

બહુજન સમાજ પક્ષના સુપ્રીમો માયાવતીએ ટ્વિટર ઉપર લખ્યું:

'આ સિદ્ધિ બદલ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ, પરંતુ તેની આડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીલક્ષી લાભ લેવા માટે જે રાજનીતિ કરી, તે નિંદનીય છે. ચૂંટણીપંચે આ બાબતને ધ્યાને લેવી જોઈએ.'

DRDO (ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન)એ સંરક્ષણક્ષેત્રે સંશોધન કરતી ભારતની સર્વોચ્ચ સંસ્થા છે, જ્યારે ઈસરો (ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ અવકાશક્ષેત્રે દેશની સર્વોચ્ચ સંસ્થા છે.


આદર્શ આચારસંહિતાનો ભંગ થયો?

Image copyright Getty Images
ફોટો લાઈન 2004માં લોકસભાનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતી વખતે તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર ટી. એસ. કૃષ્ણમૂર્તી

2004ની લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી ટી. એસ. કૃષ્ણમૂર્તી સાથે બીબીસી તામિલે વાત કરી હતી. તેમના કહેવા પ્રમાણે :

"આ પ્રકારની જાહેરાતથી આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે કે નહીં, તે અંગે કોઈ ચોક્કસ જોગવાઈ નથી."

"મોદીએ દેશના વડા પ્રધાનની રુએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે, એટલે આચારસંહિતાનો ભંગ કર્યો હોય તેમ જણાતું નથી, છતાંય આ અંગે ચૂંટણીપંચે અંતિમ નિર્ણય લેવાનો છે."

કૃષ્ણમૂર્તિ વર્ષ 2000થી ચૂંટણી પંચમાં હતા, બાદમાં તેઓ દેશના 13મા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા.

રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:

"નરેન્દ્ર મોદી ટૅકનિકલ છટકબારીનો લાભ લઈને છૂટી જાય છે અને કદાચ આ વખતે પણ છૂટી જશે, પરંતુ 'નૈતિક' રીતે તે અયોગ્ય છે."

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચૂંટણીપંચે 'મિશન શક્તિ' સંદર્ભે મોદીના ભાષણ અંગે 'આંતરિક પરામર્શ' કર્યો હતો.

પંચ દ્વારા આ મામલે અધિકારીઓની કમિટીને તત્કાળ તપાસ કરવા નિર્દેશ આપ્યા છે.

સરકાર માટે MCC

Image copyright Getty Images
ફોટો લાઈન મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા

આદર્શ આચારસંહિતા પ્રમાણે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર મતદારોને 'આકર્ષિત' કે 'પ્રભાવિત' કરી શકે તેવી 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' જાહેરાત ન કરી શકે.

આ સિવાય લોકહિતની કોઈ યોજનાનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કે ઉદ્ઘાટન ન કરી શકે.

વિપક્ષનું કહેવું છે કે મોદીએ વડા પ્રધાનની રૂએ જાહેરાત કરીને અપ્રત્યક્ષ રીતે ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સરકારી પદાધિકારીઓની જાહેરખબરો અને તેની યોજનાઓની પ્રચાર સામગ્રી જાહેરમાંથી હટાવી દેવામાં આવે છે.

સત્તામાં રહેલો પક્ષ સરકારી સંસાધનોનો ઉપયોગ પક્ષના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન ન કરી શકે. 'સરકારી અને પ્રચારના કામ' એકસાથે ન કરી શકે.

જો સરકાર દ્વારા પ્રજાના પૈસે જાહેરાત આપવામાં આવે તો તેને આદર્શ આચારસંહિતાના ભંગ સમાન ગણવામાં આવે છે.

ત્યારબાદ તમામ સરકારી સંસાધનો (જાહેર મેદાન, હેલિપૅડ, સરકારી પ્રસાર માધ્યમો ઉપર પ્રચાર સમય) વગેરે ઉપર તમામ માન્યતા પ્રાપ્ત પક્ષોનો અધિકાર સમાનપણે રહે છે.

તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થઈ જાય, ત્યારસુધી ઈવીએમ (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ને સીસીટીવી, કેન્દ્રીય સુરક્ષાબળ અને બહુસ્તરીય સુરક્ષાની વચ્ચે સીલબંધ રૂમમાં સુરક્ષિત રીતે સાચવી રાખવામાં આવે છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્દેશ પ્રમાણે, અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય, તે પછી જ ઍક્ઝિટ પોલ્સ બહાર પાડી શકાય છે.

અંતિમ તબક્કાના બેથી ત્રણ દિવસની અંદર મતગણતરી હાથ ધરવામાં આવે છે.


ઉમેદવાર માટે આદર્શ આચારસંહિતા

Image copyright Getty Images

ચૂંટણી કાર્યક્રમની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા એટલે કે Model Code of Conduct અમલમાં આવી જાય છે.

ઉમેદવાર જ્ઞાતિ-જાતિ કે કોમની લાગણીઓને ઉશ્કેરે તેવી ભાષા ન વાપરી શકે અને તેના આધારે મતદાતાને આકર્ષવાનો પ્રયાસ ન કરી શકે.

મંદિર, મસ્જિદ કે ચર્ચ જેવાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે ન કરી શકે.

મતદાતાને મત આપવા માટે 'પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ' રીતે 'નાણાકીય કે અન્ય કોઈ રીતે' મત આપવા માટે લાલચ ન આપી શકે.

મતદાન સમાપ્ત થાય તેના 48 કલાક પૂર્વે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જાય છે, આ ગાળા દરમિયાન ઉમેદવાર 'ડોર-ટુ-ડોર' પ્રચાર કરી શકે છે, પરંતુ સામૂહિક પ્રસાર-પ્રસારના માધ્યમો ઉપર જાહેરાત ન આપી શકે.

ફેસબુક, ટ્વિટર અને વૉટ્સઍપ જેવા સોશિયલ નેટવર્કિંગ પ્લૅટફૉર્મ્સને કારણે તેની અસરકારકતા ઘટી ગઈ છે.

જોકે, ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, આ પ્લૅટફૉર્મ્સે તેમને લેખિતમાં ખાતરી આપી છે કે તેઓ ચૂંટણીપંચ સાથે મળીને કામ કરશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ