શું ઉમા ભારતીએ ટિકિટ ન મળતાં વડા પ્રધાન મોદીને 'વિનાશ પુરુષ' કહ્યા?

નરેન્દ્ર મોદી અને ઉમા ભારતી Image copyright Getty Images

ઉત્તર પ્રદેશના ઝાંસીથી ભાજપનાં સાંસદ અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં એવા દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે 'ઝાંસીથી લોકસભાની ટિકિટ ન મળતાં ઉમા ભારતીએ મોદી સરકારની પોલ ખોલવાનું શરૂ કર્યું છે.'

લગભગ બે મિનિટના આ વીડિયોમાં ઉમા ભારતી નરેન્દ્ર મોદીની ઓલોચના કરતાં સંભળાય છે.

વાઇરલ વીડિયોમાં તેઓ બોલતાં સંભળાય છે, "નરેન્દ્ર મોદી દેશમાં હિંદુત્વ અને વિકાસના એજન્ડાનું પ્રોજેક્શ કરવાના પ્રયાસો કરી રહ્યા છે."

"હું તેમને 1973થી જાણું છું અને તેમના વિશે સારી રીતે જાણું છું. મારું માનવું છે કે તેઓ વિકાસ પુરુષ નહીં પરંતુ વિનાશ પુરુષ છે."

ત્યારબાદ ઉમા ભારતીને નરેન્દ્ર મોદીની આલોચના કરતાં સાંભળી શકાય છે.

આ વીડિયોમાં દેખાય છે કે ઉમા ભારતીની પાછળ પીળા રંગનું એક બૅનર છે અને તેની આગળ રાખેલા ટેબલ પર પ્રેસના માઇક્સ છે.

ગત એક અઠવાડિયાથી આ વીડિયોને ફેસબુક પર 30 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને હજારો લોકો આ વીડિયોને શૅર પણ કરી ચૂક્યા છે.

'હરિયાણા કૉંગ્રેસ વ્યાપાર સેલ', 'પક્કે કૉંગ્રેસી' અને 'ઔવેસી ફૈન ક્લબ' નામનાં ફેસબુક પૅજ્સ પર આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે.

વિકાસ પાસવાન નામના એક ફેસબુક યુઝરે પણ આ જ દાવા સાથે આ વીડિયોને થોડા દિવસ પહેલાં પોસ્ટ કર્યો હતો.

પાસવાનની પ્રોફાઇલ પરથી 14 હજારથી વધુ લોકો આ વીડિયોને શૅર કરી ચૂક્યા છે અને 15 લાખથી વધુ વખત વીડિયો જોવાયો છે.

પરંતુ ભાજપનાં વરિષ્ઠ નેતા ઉમા ભારતીના જે વીડિયોને 'ઝાંસીની ટિકિટ' સાથે જોડીને શૅર કરવામાં આવી રહ્યો છે તેનો સંબંધ આગામી લોકસભા ચૂંટણી સાથે નથી.

જોકે, આ વીડિયો 12 વર્ષ જૂનો છે.


નારાજ ઉમા ભારતીનો સમય

Image copyright FACEBOOK SEARCH
ફોટો લાઈન ફેસબુકમાં શૅર થઈ રહેલા વીડિયોનો સ્ક્રિનશૉટ

ગત સપ્તાહે ભાજપે એવી જાહેરાત કરી હતી કે ઉમા ભારતી 2019ની લોકસભા ચૂંટણી નહીં લડે.

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ શનિવારે પ્રેસ કૉંફરન્સ કરીન આ અંગે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે પાર્ટીએ ઉમા ભારતીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ મીડિયામાં લોકો ઉમા ભારતીનો જૂનો વીડિયો શૅર કરીને એવું સમજી રહ્યા છે કે તેઓ પાર્ટીથી નારાજ છે.

પંરતુ હાલમાં શૅર થઈ રહેલો વીડિયો વર્ષ 2007નો છે. આ સમયે ઉમા ભારતી ભાજપમાં નહોતાં.

પાર્ટીની એક બેઠક દરમિયાન તેમણે લાલકૃષ્ણ અડવાણીને ભાષણમાં વચ્ચેથી ટોક્યા હતા અને નારાજ થઈને બેઠકથી ચાલ્યાં ગયાં હતાં. આ 2004ની વાત છે.

ત્યારબાદ પાર્ટીએ શિસ્તભંગના આરોપમાં ઉમા ભારતીને પાર્ટીના મહાસચિવ પદ પરથી હટાવી તેમની ભાજપમાં પ્રાથમિક સદસ્યતા રદ કરી નાખી હતી.

વર્ષ 2006માં ઉમા ભારતીએ 'ભારતીય જનશક્તિ પાર્ટી'નું ગઠન કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

રાજકોટની પ્રેસ કૉંફરન્સ

Image copyright TWITTER/UMA BHARTI

વાઇરલ વીડિયોમાં ઉમા ભારતી 'ગુજરાત મૉડલ'ની આલોચના કરતાં કહે છે, "પ્રદેશ મોદી રાજમાં વધુ દેવાદાર બન્યું છે અને મહિલાઓની સુરક્ષા સાથે સમાધાન કરાયું છે."

વીડિયોમાં તેઓ મોદી વિશે વાત કરતાં કહે છે, "નરેન્દ્ર મોદી એ ફૂગ્ગા જેવા છે જેમાં મીડિયાએ હવા ભરી છે."

ઉમા ભારતીની પ્રેસ કૉંફરન્સના એ વીડિયોનો ઉપયોગ પહેલાં પણ ઘણી ચૂંટણીઓમાં ભાજપ નેતા નરેન્દ્ર મોદી વિરુદ્ધ થઈ ચૂક્યો છે.

વર્ષ 2015માં ઉમા ભારતીએ એક ટીવી શોમાં આ વીડિયો અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "જ્યારે મેં આ વાત કહી હતી ત્યારે હું ભારતીય જનશક્તિ પાર્ટીમાં હતી. આ પ્રેસ કૉંફરન્સ રાજકોટમાં થઈ હતી."

"આ પ્રેસ કૉંફરન્સ બાદ મેં રાજકોટથી વડોદરાનો પ્રવાસ કર્યો. હું એક કલાકમાં 100 કિમીથી વધુ ફરી હતી. ત્યારે મેં કહ્યું હતું કે અહીં તો ખૂબ જ સારું કામ થયું છે."

"રાજકોટની પ્રેસ કૉંફરન્સ બાદ મેં અન્ય એક પ્રેસ કૉંફરન્સ કરીને કહ્યું હતું કે 2007ની વિધાનસભા ચૂંટણીમાં મોદી સામે ઊભા રાખેલા તમામ ઉમેદવારો અમે પરત લઈએ છીએ."

ઘણાં વર્ષો સુધી ભાજપમાંથી બહાર રહ્યાં બાદ વર્ષ 2011માં ઉમા ભારતીને ફરીથી પાર્ટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો