નીતિન ગડકરીએ કહ્યું 'ભાજપે ક્યારેય કોઈને એન્ટિનેશનલ નથી કહ્યાં અને કહેશે પણ નહીં'

નીતિન ગડકરી Image copyright Sharad badhe

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની ગણતરી ભાજપના ટોચના નેતાઓમાં થાય છે. ઉપરાંત તેઓ રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘની નજીક ગણાય છે.

ભારતમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની જવાબદારી નિભાવતા ગડકરી લોકસભા ચૂંટણી 2019માં નાગપુરની બેઠકના ઉમેદવાર છે.

તેઓ ભાજપના સૌથી નાની વયના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. બીબીસી મરાઠીના સંવાદદાતા મયુરેશ કોન્નુરે નીતિન ગડકરી સાથે વિવિધ રાજકીય અને પક્ષ સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત કરી.

આ ઇંટરવ્યૂ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે ભારતે અંતરિક્ષમાં ઍન્ટિ-સૅટેલાઇટ મિસાઇલ લૉંચ કરનારા દેશોમાં સામેલ થઈ ગયો છે.

અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આ ક્ષમતા હાસલ કરનારો ચોથો દેશ બની ગયો છે.

આ જાહેરાત સંદર્ભે ગડકરીને પૂછવામાં આવ્યું કે ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારની જાહેરાત અને સંબોધન કરવું વડા પ્રધાન મોદીને ફાયદો કરાવી શકશે?

તેના જવાબમાં કેન્દ્રિય મંત્રીએ કહ્યું, "સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ દેશના સંદર્ભમાં એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. આ કોઈ પૂર્વનિર્ધારિત વાત નહોતી."

"ભારતીય વૈજ્ઞનિકોના અથાક પરિશ્રમના કારણે આ સફળતા મળી છે. ત્યારે તેને કોઈ રાજકીય દૃષ્ટિકોણ આપવો યોગ્ય નથી. વડા પ્રધાને માત્ર તેમને અભિનંદન આપ્યા છે."

તમે આ વાંચ્યું કે નહીં?

તો પછી દેશ સુરક્ષિત હાથમાં છે એવું કહેવાનો શું અર્થ છે?

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "દેશની સુરક્ષા અને વૈજ્ઞાનિક ઉપલબ્ધિઓને કોઈ પણ સ્થિતિમાં રાજકારણ સાથે ન જોડવી જોઈએ."

પરંતુ પુલવામા હુમલા પછી જે એરસ્ટ્રાઇક થઈ તેને ભારત સરકારે પોતાની ઉપલબ્ધિ કેમ ગણાવી? એવું કેમ લાગે છે કે ભાજપ તેનો રાજકીય ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહ્યો છે?

આ સવાલ પર નીતિન ગડકરી આ સવાલ પર થોડા નારાજ થયા.

તેમણે કહ્યું, " ફાયદો થયો કે ન થયો એવા સવાલો મીડિયામાંથી જ આવે છે. મીડિયા જ રાજકારણ કરે છે અને જો કોઈ એનો જવાબ આપે તો મીડિયા તેને ખોટી રીતે બતાવશે."

ગડકરીએ કહ્યું, "મને લાગે છે કે દેશની સુરક્ષા સાથે જોડાયેલાં આ પ્રશ્ન સાથે ફાયદો શબ્દ ન જોડવો જોઈએ."

"જ્યારે ઇન્દિરા ગાંધી બાંગ્લાદેશ સામે યુદ્ધ જીત્યા ત્યારે તો કોઈએ સવાલ ન પૂછ્યાં. બલ્કે તેમની સાથે ઊભાં રહ્યા હતા. દેશની સુરક્ષા સર્વોપરિ છે."

ગડકરીએ એવું જરૂર કહ્યું કે, દેશના જ કેટલાક નેતા છે જે પાકિસ્તાનના ટીવી અને રેડિયો ચૅનલની જેમ વાત કરે છે. તેમણે આમ કરવાનું બંધ કરવું જોઈએ.

Image copyright Getty Images

શું નરેન્દ્ર મોદી પીએમ નહીં તો ગડકરી દાવેદાર?

પાર્ટમાં ગડકરીનું કદ એવું છે કે તેઓ વડા પ્રધાન પદ માટેના દાવેદાર હોવાની અટકળો અનેકવાર લગાવવામાં લાગે છે. પરંતુ શું તેઓ પોતે આવું માને છે?

એ પણ ઉલ્લેખનીય છે કે અગાઉ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ગડકરી એવું નિવેદન આપ્યું હતું કે ટોચની નેતાગીરીએ જીત અને હાર બંનેનો સહજ સ્વીકાર કરવો કરવો જોઈએ.

આ નિવેદન બાદ તેમની વડા પ્રધાન તરીકેની ઉમેદવારીની અટકળો વધુ તેજ થઈ હતી. જોકે, ગડકરી પોતે આ વાતનું ખંડન કરે છે.

નીતિન ગડકરીએ કહ્યું, "મને સમજાતું નથી આવી વાતો આવે છે ક્યાંથી? વડા પ્રધાનપદ માટે હું મત બહુ પહેલાં જ આપી ચૂક્યો છું."

"હું પાર્ટીનો એક નિષ્ઠાવાન કાર્યકર્તા-સૈનિક છું. મને આ પ્રકારની કોઈ જ મહેચ્છા નથી. મેં એવું જરૂર કહ્યું છે કે પાર્ટી 300થી વધુ સીટ લઈને ફરી સરકાર બનાવશે અને મોદીજી વડા પ્રધાન બનશે."

ગડકરીનો દાવો છે કે ભાજપને 300થી વધારે બેઠકો મળશે અને ફરી ભાજપ ફરી સરકાર બનાવશે. પરંતુ રફાલ, મૉબ લિન્ચિંગ, નોટબંધી અને સરકાર પર લાગતા આક્ષેપો અંગે તેઓ શું માને છે.

આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આક્ષેપ માત્ર આક્ષેપ હોય છે. સરકારે મૉબ લિન્ચિંગની ઘટનાને હંમેશા ખોટી કહી છે.

ખેડૂતોની આત્મહત્યા અંગે ગડકરીએ કહ્યું, "ખેડૂતોનાં મૃત્યુ વર્ષોથી થતાં રહ્યા છે. 60 વર્ષ સુધી સતામાં રહેલી કૉંગ્રેસે પણ આ મુદ્દે ક્યારેય ધ્યાન આપ્યું નથી."

"અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ સમસ્યા પર નિયંત્રણ મેળવી શકીએ. પરંતુ પાંચ વર્ષના સમયગાળામાં બધું જ ન થઈ શકે."

Image copyright Getty Images

ગડકરી માને છે ખેડૂતોના મૃત્યુ એ એવો પ્રશ્ન નથી જે ભાજપના કાર્યકાળમાં ઊભો થયો હોય. આ છેલ્લા 60 વર્ષોનું પરિણામ છે.

પરંતુ આ સરકાર પર એવો પણ આક્ષેપ છે કે લોકશાહી હોવા છતાં હાલની સરકાર કોઈને પૂછવાનો અધિકાર આપતી નથી.

કોઈ સવાલ ઉઠાવે તો તેને રાષ્ટ્રવિરોધી જાહેર કરી દેવામાં આવે છે. આ સવાલના જવાબમાં ગડકરીએ કહ્યું, "અમારા પક્ષે આજ સુધી કોઈને ક્યારેય એન્ટિનેશનલ કહ્યાં નથી અને કહેશે પણ નહીં."

આ સંદર્ભે નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી કે સોશિયલ મીડિયા પર ભાજપના નામથી જે લોકો ખોટો પ્રચાર કે નિવેદનો કરી રહ્યા છે તે પક્ષના જ લોકો છે એવું માનવું ખોટું છે.

Image copyright Getty Images

તેમણે કહ્યું, "ટીવી પર કોઈને પણ ભગવા કપડાં પહેરીને બેસાડી દેવાથી તે ભાજપનો નથી બની જતો."

"ભાજપ દુનિયાનો સૌથી મોટો રાજનૈતિક પક્ષ છે. કોઈ પણ માણસ તેનું નામ લખે કે કે તેના નામે કંઈ કરે તો તેના માટે પક્ષને જવાબદાર ગણવો યોગ્ય નથી."

નીતિન ગડકરીનો દાવો છે કે આવનારી લોકસભા ચૂંટણીઓમાં ભાજપ 300થી વધુ બેઠકો જીતશે પરંતુ તેમનો આ દાવો કેટલો સાચો સાબિત થાય છે એ તો 23મે એ જ ખબર પડશે.

પરંતુ એક વાત તેમણે સ્પષ્ટ કહી કે જો ભાજપ બહુમતથી જીતે તો વડા પ્રધાન તો નરેન્દ્ર મોદી જ રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો