અમિત શાહનાં પત્નીની આવક પાંચ વર્ષમાં 16 ગણી અને ખુદની સંપત્તિ 7 વર્ષમાં 300 ટકા વધી

અમિત શાહ Image copyright EPA

ભાજપના અધ્યક્ષ અમિત શાહે દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ સાત વર્ષમાં તેમની સંપત્તિમાં 300 ટકાનો, જ્યારે તેમના પત્ની સોનલબહેનની આવકમાં પાંચ વર્ષ દરમિયાન 16 ગણો વધારો થયો છે.

કૉંગ્રેસનો આરોપ છે કે શાહે તેમની સંપત્તિ 'ઓછી આંકી'ને દર્શાવી છે.

શાહે શનિવારે ગાંધીનગરની બેઠક ઉપરથી આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરી, જેમાં તેમણે કુલ રૂ. 38 કરોડ 85 લાખની સંપત્તિ જાહેર કરી હતી.

લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરનારે ફૉર્મ-26 ભરવાનું રહે છે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ પ્રમાણે, ઉમેદવારે તમામ વિગતો ભરવાની રહે છે અને જો તેમાં ખોટી વિગતો આપવામાં આવે તો ગેરલાયક ઠરી શકે છે.


'300 ટકા' વૃદ્ધિનો વિવાદ

Image copyright AFfidavit
ફોટો લાઈન અમિત શાહે ઉમેદવારીપત્ર સાથે જમા કરાવેલી ઍફિડેવિટમાંથી

તેનાં પાંચ વર્ષ અગાઉ ડિસેમ્બર-2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વેળાએ શાહ અને તેમનાં પત્નીએ કુલ રૂ. એક કરોડ 90 લાખની જંગમ તથા રૂ. છ કરોડ 63 લાખની સ્થાવર મિલ્કતો દર્શાવી હતી.

આમ ડિસેમ્બર-2012 દરમિયાન શાહની કુલ સંપત્તિ આઠ કરોડ 53 લાખની સંપત્તિ જાહેર કરી હતી.

માત્ર પાંચ વર્ષના ગાળામાં શાહની સંપત્તિમાં '300 ટકાનો ઉછાળો' જણાતા વિપક્ષે તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

વિવાદ વકરતા ભાજપ દ્વારા નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે માતા કુસુમ બહેનના નિધન બાદ તેમની રૂ. 18 કરોડ 85 લાખની સંપત્તિ 2013માં કોર્ટના નિર્દેશથી શાહને મળી હતી, જેથી તેમની કુલ સંપત્તિમાં રૂ. 29 કરોડ 84 લાખની થઈ હતી.

ઉમેદવારી કરતી વેળાએ બજાર કિંમતમાં વધારો થતાં આ સંપત્તિ રૂ. 34 કરોડ 31 લાખ ઉપર પહોંચી ગઈ હતી.

2017માં રાજ્યસભાની ઉમેદવારી વખતે શાહે (પત્નીની સંપત્તિ સાથે) રૂ. 19 કરોડ એક લાખની જંગમ તથા રૂ. 15 કરોડ 30 લાખની સ્થાવર મિલકતો જાહેર કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

પત્નીની આવક 16 ગણી વધી

Image copyright Getty Images
ફોટો લાઈન પુત્ર જય તથા પુત્રવધુ રૂચિતા સાથે શાહ

નાણાંકીય વર્ષ વર્ષ 2013-14 દરમિયાન શાહની પત્નીની આવક રૂ. 14 લાખ 55 હજાર 637 હતી, જે નાણાંકીય વર્ષ 2017-'18 દરમિયાન વધીને બે કરોડ 30 લાખ 82 હજાર 360 ઉપર પહોંચી ગઈ હતી.

આમ ગત પાંચ વર્ષ દરમિયાન સોનલબહેનની વાર્ષિક આવકમાં લગભગ 16 ગણી વૃદ્ધિ થઈ હતી.

શાહે આઈટી રિટર્નમાં નાણાકીય વર્ષ 2017-18 માટે કુલ રૂ. 53,90,970ની આવક દર્શાવી હતી.

વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ભાજપની સરકાર બની હતી, જ્યારે શાહ ભાજપના અધ્યક્ષ બન્યા હતા.


'શાહે ખોટી માહિતી આપી'

Image copyright Getty Images

કૉંગ્રેસના પ્રવક્તા મનિષ તિવારીના કહેવા પ્રમાણે, "શાહે તેમની માલિકીના અંદાજિત 317 વર્ગ મીટરના પ્લોટની કિંમત રૂ. 25 લાખ દર્શાવી છે, જે વાસ્તવમાં 66 લાખ 55 હજાર 530 થાય છે."

"ઍફિડેવિટમાં શાહે તેમની સંપત્તિની કિંમત 'ઓછી' દર્શાવી છે, જે લોક પ્રતિનિધિત્વ ધારાનો 'ગંભીર ભંગ' છે."

"ચૂંટણીપંચે આ 'ખોટી રજૂઆત'ની નોંધ લેવી જોઈએ અને તેમની સામે કાર્યવાહીના આદેશ આપવા જોઈએ."

"કારણ કે, ઉમેદવારી કરનાર બીજું કોઈ નહીં, પરંતુ રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ છે."

આ સંદર્ભે ભાજપની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેમની પ્રતિક્રિયા મળી શકી નથી, મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.


શાહની સંપત્તિનું વિવરણ

Image copyright Getty Images
ફોટો લાઈન 2010માં સાબરમતી જેલમાંથી છૂટ્યા બાદ શાહ સાથે પુત્ર જય (જમણી બાજુએ ચશ્મામાં )

શાહે જાહેર કરેલી જંગમ સંપત્તિની વિગતો પ્રમાણે, તેમની પાસે 770 ગ્રામ સોનાના દાગીના, સાત કૅરેટ હીરાના દાગીના અને 25 કિલોગ્રામ ચાંદી છે, જે તેમને વરાસામાં મળ્યા છે. જ્યારે 160 ગ્રામ સોનાના દાગીના ખુદે ખરીદ્યા છે.

શાહનાં પત્ની સોનલબહેન પાસે એક કિલો 620 ગ્રામ સોનું છે અને 63 કૅરેટ હીરાના દાગીના છે.

21 મહિના દરમિયાન દંપતીએ ખુદ માટે કોઈ નવાં હીરા-ઝવેરાત નથી ખરીદ્યાં.

જુલાઈ-2017માં શાહે (પત્ની સહિત) કુલ રૂ.19 કરોડ એક લાખની જંગમ સંપત્તિ જાહેર કરી હતી, જે માર્ચ-2019માં ગાંધીનગર લોકસભા ચૂંટણીની જાહેરાત પૂર્વે લગભગ રૂ.23 કરોડ 55 લાખની સંપત્તિ જાહેર કરી હતી.

આમ ગત 21 મહિના દરમિયાન શાહની સંપત્તિમાં 24 ટકાનો વધારો થયો હતો.

જમીન અને મકાન

Image copyright twitter/@AmitShah

શાહ દંપતીએ વડનગર તાલુકાના કરબટીયા ગામ ખાતે 10.48 એકર જમીનમાં 40-40 ટકા ભાગ હોવાનું જાહેર કર્યું છે.

જ્યારે દસક્રોઈ તાલુકાના લીલાપુર ગામ ખાતે (1.4 એકર) ખેતીલાયક જમીન શાહ પોતાના નામે ધરાવે છે. જેમની કુલ કિંમત બે કરોડ છ લાખ અંદાજવામાં આવી છે.

શાહ ગાંધીનગરના સૅક્ટર-1માં (3511 ચોરસ ફૂટ) અમદાવાદના શીલજ ખાતે (59,891 ચોરસફૂટ)ના બિન-ખેતીલાયક પ્લૉટ ધરાવે છે, જેની કુલ બજારકિંમત રૂ. છ કરોડ 26 લાખ જણાવવામાં આવી છે.

વર્ષ-2017માં શાહ દંપતીની સ્થાવર મિલકતોની કુલ કિંમત રૂ. 15 કરોડ 30 લાખ જેટલી દર્શાવી હતી. 2019ની ઍફિડેવિટમાં પણ સંપત્તિની કિંમત યથાવત્ દર્શાવવામાં આવી છે, તેમાં ન તો વધારો થયો છે કે ન તો ઘટાડો.

શાહ તેમના વતન માણસા ખાતે 8,536 ચોરસ ફૂટનું, અમદાવાદના થલતેજ ખાતે 3,848 ચોરસ ફૂટનું રહેણાંક મકાન ધરાવે છે.

શાહે તેમની ઉપર રૂ. 15 લાખ 77 હજારની તથા તેમનાં પત્નીએ રૂ. 31 લાખ 92 હજારની નાણાકીય જવાબદારી હોવાનું જણાવ્યું છે.

ઍફિડેવિટની અન્ય વિગતો

Image copyright Getty Images

શાહે ખુદની કે તેમનાં પત્ની પાસે કોઈ વાહન ન હોવાનું જાહેર કર્યું છે. આ સિવાય કોઈ શાહ દંપતી ઉપર આશ્રિત નથી.

ઍફિડેવિટમાં શાહે આપેલી વિગતો પ્રમાણે, તેમની સામે કુલ ચાર કેસ પડતર છે, પરંતુ તેમાંથી એકમાં પણ તેમને ગુનેગાર ઠેરવવામાં નથી આવ્યા.

શાહે ગુજરાત યુનિવર્સિટીની ગુજરાત કૉલેજમાંથી બીએસ.સી.ના બીજા વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે.

2017ની જેમ જ વર્ષ 2019માં પણ શાહે પોતાનું ઉમેદવારીપત્રક ગુજરાતી ભાષામાં ભર્યું હતું.


શું છે ફૉર્મ-26?

Image copyright Getty Images
ફોટો લાઈન સુપ્રીમના આદેશ બાદ ચૂંટણી પંચ વધુ કડક બન્યું

કંડક્ટ ઑફ રુલ્સ-1961ની જોગવાઈઓ પ્રમાણે, ઉમેદવારે ફૉર્મ-26ને ફર્સ્ટ ક્લાસ મૅજિસ્ટ્રેટ, પબ્લિક નોટરી કે હાઈકોર્ટ દ્વારા નીમવામાં આવેલા કમિશનર ઑફ ઑથ સમક્ષ સોગંધનામા ઉપર જાહેર કરવાનું હોય છે.

સપ્ટેમ્બર-2013માં સુપ્રીમ કોર્ટે ઠેરવ્યું હતું કે ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળ અંગે માહિતી મેળવવીએ નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. જો કોઈ ઉમેદવાર તેના સોગંદનામામાં કોઈ ખાનું ખાલી મૂકે કે વિગત ન આપે તો ચૂંટણી પંચ તેને ગેરલાયક ઠેરવી શકે છે.

ઉમેદવાર 'ટીકમાર્ક' કે માત્ર 'ડેશમાર્ક' પણ ન કરી શકે. ઉમેદવારે 'કંઈ નહીં', 'જાણ નહીં' કે 'લાગુ નહીં' એમ સ્પષ્ટપણે જણાવવાનું રહે છે. જો ઉમદેવારથી કોઈ વિગત છૂટી ગઈ હોય તો રિટર્નિંગ ઑફિસર ખૂટતી વિગતો આપવા માટે ઉમેદવારને જણાવી શકે છે.

ઉમેદવારીના 24 કલાકની અંદર ઍફિડેવિટને ચૂંટણી પંચની વેબસાઇટ ઉપર અપલૉડ કરવાની રહે છે, જો ઉમેદવાર તેનું ફૉર્મ પાછું ખેંચે તો પણ તેનું સોગંદનામું વેબસાઇટ ઉપર રાખવાનું રહે છે.

રિટર્નિંગ ઑફિસરની કચેરીમાં જ્યાં નાગરિકોની અવરજવર હોય ત્યાં પણ ઉમેદવારની ઍફિડેવિટને નોટિસ બૉર્ડ ઉપર મૂકવાની રહે છે.

ચૂંટણીપંચે તેની વેબસાઇટ ઉપર તા. 25મી માર્ચે ફૉર્મ-26નું ફૉર્મેટ અપડેટ કર્યું હતું.


ફૉર્મની સાથે

Image copyright AFfidavit
ફોટો લાઈન અમિત શાહે ઉમેદવારીપત્ર સાથે જમા કરાવેલી ઍફિડેવિટમાંથી

ઉમેદવારીપત્રકની સાથે જનરલ કૅટેગરીના ઉમેદવારે રૂ. 25 હજાર તથા શિડ્યુલ્ડ કાસ્ટ કે શિડ્યુલ્ડ ટ્રાઇબના ઉમેદવારે રૂ. 12,500ની રકમ સિક્યૉરિટી ડિપૉઝિટ તરીકે આપવાની રહે છે.

જો ઉમેદવાર કુલ મતદાનના છઠ્ઠાભાગના મત મેળવવામાં નિષ્ફળ રહે, તો તેની ડિપૉઝિટ જપ્ત થઈ જાય છે.

એસસી કે એસટી ઉમેદવારે તેની જાતિનું પ્રમાણપત્ર સાથે બીડવાનું રહે છે.

જો ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષની ટિકિટ ઉપર ચૂંટણી લડી રહ્યો હોય તેણે 'પાર્ટ-એ' તથા 'પાર્ટ-બી' પણ ભરવાનું રહે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો