શેરબજારમાં આવેલી આ તેજી લોકસભાની ચૂંટણીને લીધે છે?

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

ભારતમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને પ્રથમ ચરણના મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ ચૂંટણી પર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર છે.

એટલું જ નહીં વિદેશી રોકાણકારો જેમના પૈસા ભારતમા લાગેલા તેમની નજર પણ આ ચૂંટણી પર છે.

માર્ચ મહિનામાં તો જાણે શેરબજારને પાંખ આવી ગઈ હોય તેમ લાગતું અને 1લી એપ્રિલે તો સેન્સેક્સે 39 હજારના આંકડાને પાર કરીને ઇતિહાસ રચી દીધો.

ત્યારે સવાલ એ થાય છે કે ભારતીય અર્થવ્યવસ્થામાં એવું તે શું થયું કે શેરબજારમાં ચારેતરફ ખરીદીનું વાતાવરણ બન્યું? શું તે ચૂંટણીને કારણે થયું કે પછી આગામી સરકાર સ્થિર અને આર્થિક સુધારાને આગળ ધપાવનારી હશે તેના આધારે?

માત્ર માર્ચ મહિનામાં જ બૉમ્બે સ્ટૉક ઍક્સચેન્જ સૂચકઆંક સેન્સેક્સ અને નેશનલ સ્ટૉક ઍન્સચેન્જનો નિફ્ટી 7 ટકાથી વધુ ઊછળ્યા હતા.


બજારમાં રેસ

Image copyright Getty Images

કહેવામાં આવી રહ્યું છે કે શેરબજાર અટકળો પર વધુ ચાલે છે. કહેવત પણ છે 'બાય ઑન રુમર્સ ઍન્ડ સેલ ઑન ન્યૂઝ' મતલબ કે અફવા પર ખરીદો અને સમાચાર પર વેચી દો. બજારમાં એવી અટકળો વહી રહી છે કે દરેક લોકો શેરની ખરીદી કરી રહ્યા છે?

આર્થિક મામલાના જાણકાર સુદીપ બંદ્યોપાધ્યાય કહે છે, "બજારનો ચતુર ખેલાડી એ જ છે જે રાજકીય અને આર્થિક નિર્ણયોનું તુરંત વિશ્લેષણ કરી શકે સાથે એ નિર્ણયોની દૂરગામી અસર શું હશે જાણી શકે."

"અમેરિકાની કેન્દ્રીય બૅન્ક જ્યારે પણ મહત્ત્વની જાહેરાત કરે ત્યારે તેની અસર દુનિયાભરનાં શેરબજારો પર થાય છે. પરંતુ આ જાહેરાતનો ફાયદો ઊઠાવવા માટે નિવેશકોને ફૉર્મ્યૂલા રેસર જેવી તેજી દેખાડવી પડે છે."

પરંતુ સુદીપ માને છે કે શેરબજારની લહેર વિદેશી નિવેશકોને કારણે આવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

રેકૉર્ડ ખરીદદારી

Image copyright PTI

વિદેશી રોકાણકારોએ (એફપીઆઈ)એ રેકૉર્ડ ખરીદી કરી છે. માર્ચમાં અત્યાર સુધી એફપીઆઈ 34 હજાર કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરી ચૂક્યા છે. જે ભારતીય શેરબજારના ઇતિહાસમાં કોઈ એક મહિનામાં સૌથી વધુ ખરીદીનો રેકૉર્ડ છે.

દિલ્હી સ્થિત એક સિક્યોરિટીઝ બ્રૉકરેજ ફર્મ સાથે જોડાયેલા રિસર્ચ હેડ આસિફ ઇકબાલ કહે છે કે એફપીઆઈની આ રણનીતિ ખરેખર ચોંકાવનારી છે.

વિદેશી રોકાણકારો એ શેર સિવાય ડેટ માર્કેટમાં પણ મોટી રકમ રોકી છે અને માર્ચમાં અંદાજે 13 હજાર કરોડ રૂપિયા ડેટ માર્કેટમાં લગાવ્યા છે.

મતલબ કે વિદેશી રોકાણકારોનું માર્ચ મહિલાનું કુલ રોકાણ 43 હજાર કરોડ રૂપિયાથી વધુ થાય છે.

જોકે, માર્ચ મહિનામાં ઘરેલુ સંસ્થાગત નિવેશકો મતલબ કે મ્યુચ્યુઅલ ફંડ્સે 15,654 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું હતું.

તો પછી ઘરેલુ અને વિદેશી રોકાણકારોની રણનીતિમાં તફાવત કેમ છે?

આસિફ ઇકબાલ કહે છે, "માર્ચમાં મ્યુચ્યુઅલ ફંડ્સ પર નુકસાનીનો ડર રહે છે. મોટી સંખ્યામાં લોકો મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી પૈસા કાઢી લે છે. આ સિવાય ચૂંટણી પણ ચાલી રહી છે અને બજારમાં પૈસાની જરૂરિયાત છે."

આ સિવાય વૈશ્વિક સ્તરે અમુક કારણોસર વિદેશી રોકાણકારોએ નફા ખાતર ભારત તરફ પ્રયાણ કર્યું છે.

સુદીપ બંદ્યોપાધ્યાય કહે છે, "યુરોપ અને અમેરિકામાં કારોબારી ગતિવિધિ મંદ પડી છે. એટલે સુધી કે અર્થશાસ્રીઓ તેને મંદીના સંકેત ગણી રહ્યા છે. એવામાં નફા માટે વિદેશી રોકાણકારોને ભારત યોગ્ય લાગી રહ્યું છે."

અમેરિકામાં મંદીની આશંકા

Image copyright PTI

અમેરિકાની બૉન્ડ બજારમાં રિવર્સ યિલ્ડ કર્વ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે લાંબા ગાળાના ડૅટ ઇન્સ્ટ્રૂમૅન્ટની સરખામણીએ ટૂંકાગાળાના ડૅટ ઇન્સ્ટ્રૂમૅન્ટની યિલ્ડ ઓછી થઈ જાય, ત્યારે આ પ્રકારનું વલણ જોવા મળે છે.

દરેક મંદી પૂર્વે અમેરિકામાં આ પ્રકારનું વલણ જોવા મળ્યું છે, જેને મંદીના અણસાર સમાન માનવામાં આવે છે.

જોકે, અમેરિકામાં મંદી આવે એ જરૂરી નથી. અર્થશાસ્ત્રી સુનીલ સિન્હા કહે છે, "અત્યારે મંદીની જાહેરાત કરવી ઊતાવળ ગણાશે. આપણે અમેરિકાના આ મહિનાના વિકાસદરના આંકડાની રાહ જોવી જોઈએ. સાથે જ એવું જોવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ આની સમીક્ષા કેવી રીતે કરે."

અન્ય એક ફેક્ટર છે જે ભારતીય બજારોનો માફક આવી રહ્યું છે. કાચું તેલ નિયંત્રિત છે અને જ્યારે વિદેશી રોકાણકારો વિદેશી ડૉલર લઈને આવે છે ત્યારે રૂપિયાની સ્થિતિ સુધરે છે. ડૉલરના મુકાબલે રૂપિયો મજબૂત છે અને એક ડૉલરની કિંમત લગભગ 69 રૂપિયા છે જે ગત ઑક્ટોબરમાં સાડા 74 રૂપિયા હતો.

કરન્સી નિષ્ણાત એસ. સુબ્રમણ્યમ કહે છે, "કાચા તેલની કિંમત નિયંત્રિત હોવી મોટું કારણ છે. ભારતે પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે મોટી સંખ્યામાં વિદેશી નાણું ખર્ચવું પડે છે. દેખીતું છે કે તેલ સસ્તું મળશે તો વિદેશી નાણું ઓછું ખર્ચવું પડશે."

"તેના પરથી વિદેશી ફંડનો ભારતમાં રોકાણ અને સમયસર રિઝર્વ બૅન્કની ડૉલર લિલામીની પ્રક્રિયાથી રૂપિયો મજબૂત બન્યો છે."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
કેમ બેહાલ છે મોટાભાગના મ્યુચ્યુલફંડ?

સસ્તા કરજની આશા

Image copyright PTI

આ સિવાય અન્ય એક આશાથી ભારતીય શેરબજારને પાંખ આવી ગઈ છે અને તે છે સસ્તા કરજની આશા.

આગામી મહિને બે એપ્રિલથી ભારતીય રિઝર્વ બૅન્કની નાણાકીય નીતિ સમિતિ મતલબ કે એમપીસીની બેઠક યોજાશે.

ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં રેપો રેટ (એ દર જેના પર રિઝર્વ બૅન્ક વાણિજ્યક બૅન્કોને ઉધાર આપે છે)માં કાપ મુકવાનો નિર્ણય થઈ શકે છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંતા દાસે 25 માર્ચના રોજ નાણામંત્રી અરુણ જેટલી સાથે મુલાકાત કરી હતી.

જોકે, શક્તિકાંતા દાસે આ મુલાકાતને 'સામાન્ય મુલાકાત' ગણાવી હતી.

તેમણે કહ્યું, "પરંપરા છે કે નાણાકીય નીતિની સમીક્ષા પહેલા ગવર્નર નાણામંત્રીની મુલાકાતથી કરે છે."

રિઝર્વ બૅન્કે ફેબ્રુઆરીમાં વ્યાજ દરોમાં 0.25 ટકા કાપ મુક્યો હતો અને હાલમાં એ 6.52 ટકા છે. 18 મહિનાના લાંબા સમય બાદ તેમણે ગ્રાહકો માટે ઉધાર વધુ સસ્તો કર્યો હતો.

આસિફ ઇકબાલ કહે છે, "છૂટક મોંઘવારી દર નિયંત્રણમાં છે. ફેબ્રુઆરીમાં તે 2.57 ટકા હતો અને ચાર મહિનાના ઊંચાઈ સ્તર પર હતો. હાલમાં તે આરબીઆઈના 4 ટકાના બૅન્ચમાર્કની નીચે છે."

"એવામાં રેપો રેટમાં ચતુર્થાંશ પોઇન્ટ (0.25%)ના કાપનું અનુમાન છે."

જોકે, એ વાત અલગ છે કે ઘણી બૅન્કોએ આરબીઆઈના કાપનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને નહોતો આપ્યો અને માત્ર વ્યાજદરોમાં 10 બેસિસ પોઇન્ટનો કાપ મુક્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો