ફેસબુક દ્વારા કૉંગ્રેસ-ભાજપ સાથે સંકળાયેલાં 700 અકાઉન્ટ હટાવાયાં

સોમવારે ફેસબુકે જાહેરાત કરી હતી કે તે કૉંગ્રેસ સાથે સંકળાયેલાં 687 પેજને પ્લૅટફૉર્મ ઉપરથી દૂર કરશે. આ ઉપરાંત ભાજપ સાથે સંકળાયેલા 15 અકાઉન્ટ પણ હટાવાયા છે.

તેમની ઉપર સોશિયલ મીડિયા પર 'સંકલિત રીતે બિનવિશ્વાસપાત્ર વ્યવહાર' કરવાનો આરોપ છે.

ફેસબુકના નિવેદનને ટાંકતા ન્યૂઝ એજન્સી રૉઇટર્સે આ મતલબનો અહેવાલ પ્રકાશિત કર્યો છે.

ફેસબુક દ્વારા બહાર પાડવામાં આવેલાં નિવેદન પ્રમાણે, "ફેસબુકે હાથ ધરેલી તપાસમાં માલૂમ પડ્યું હતું કે કેટલાંક બનાવટી એકાઉન્ટ્સ બનાવવામાં આવ્યાં હતાં."

"તેઓ ભાજપના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય નેતાઓ વિરુદ્ધની સામગ્રી અને સ્થાનિક સમાચારનો પ્રસાર કરતાં હતાં."

તમે આ વાંચ્યું કે નહીં?

ફેસબુકની સાયબરસિક્યૉરિટી પોલિસીના વડા નથાનિયલ ગ્લેચરના કહેવા પ્રમાણે, "આ લોકોએ તેમની ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમારી તપાસમાં બહાર આવ્યું હતું કે તેઓ ઇંડિયન નૅશનલ કૉંગ્રેસના આઈટી (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) સેલ સાથે સંકળાયેલા હતા."


શા માટે મહત્ત્વપૂર્ણ?

Image copyright Reuters

ફેસબુક માટે ભારત એ વિશ્વનું સૌથી મોટું બજાર છે, જ્યાં તેના 30 કરોડથી વધુ યૂઝર્સ વસે છે.

આ પહેલાં ફેસબુકના સીઈઓ (ચીફ ઍક્ઝિક્યુટિવ ઓફિસર) માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે 'ફેક ન્યૂઝ'ને અટકાવવા માટે સરકારોએ તેમની મદદ કરવી જોઈએ.

તા. 11મી એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થશે, તે પહેલાં કૉંગ્રેસ સાથે સંકળાયેલા અનેક પેજને આવી રીતે દૂર કરવા એ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે.

આપને આ પણ વાંચવું ગમશે

બીજું કે, સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી તથા તેના સમર્થકોને વધુ ટેકસૅવી માનવામાં આવે છે.

ભાજપ વિરોધીઓ તથા ભાજપના ટીકાકર્તાઓની સામે બદનક્ષીભર્યાં અભિયાન ચલાવવાંના અનેક કિસ્સામાં ભાજપ સમર્થકોની સંડોવણી બહાર આવી છે.

આવી રીતે નામ બહાર આવતા કૉંગ્રેસની જાહેરમાં બદનામી થશે, એટલું જ નહીં, નૈતિક્તા મુદ્દે ભાજપનો હાથ ઉપર રહેશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર દાવો કરે છે કે રાજકીય વિરોધીઓ દ્વારા તેમની સામે નફરતભર્યું અભિયાન ચલાવાઈ રહ્યું છે. ત્યારે ફેસબુકના નિવેદનથી તેમના દાવાને બળ મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ