લોકસભા લડવા અંગે હાર્દિક પટેલની મુશ્કેલી વધી, સુપ્રીમે તત્કાળ સુનાવણીનો ઇન્કાર કર્યો

હાર્દિક પટેલ Image copyright Getty Images

કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે પરંતુ સુપ્રીમે આ મામલે તત્કાળ સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.

હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડી શકાય તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

હાર્દિક પટેલના વકીલની દલીલ સામે જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે આ કેસમાં ચુકાદો 2018માં આવેલો છે તો અત્યારે તાત્કાલિક સુનાવણી શા માટે કરવી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે તે 4 એપ્રિલે સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલ એ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ છે.

પોતાની અરજીમાં હાર્દિકે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય અને સજાના હુકમ પર રદ કરવાની માગ કરી છે.

સૂચિબદ્ધ કરાયા બાદ હાર્દિકે પોતાની અરજી પર સુનાવણી કરવાની માગ કરી છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ હોઈ હાર્દિકે હાઈકોર્ટની અરજી પર રોક લગાવવા માગ કરી છે.

નોંધનીય છે કે વીસનગર કેસમાં દોષિત સાબિત થવાને લીધે લોકસભાની ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલને અયોગ્ય ઠેરવાયા છે.

આ પહેલાં શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની એ અરજી ફગાવી દીધી હતી, જેમાં તેમણે વર્ષ 2015માં ગુજરાતમાં થયેલાં વિરોધ પ્રદર્શન મામલે સજા રદ કરવા અપીલ કરી હતી.

હુલ્લડ ફેલાવવાના મામલે વિસનગર કોર્ટે હાર્દિક સહિત કુલ ત્રણ વ્યક્તિને વર્ષ 2018માં દોષિત ઠેરવતા બે-બે વર્ષની સજા સંભળાવી હતી.

હુલ્લડની ઘટના 23 જૂલાઈ, 2015ની હતી અને હાર્દિકના નેતૃત્વમાં પાટીદારોએ પ્રથમ વખત રેલી કરી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલના વકીલ દિવ્યેશપ્રતાપસિંહે હાર્દિક વિરુદ્ધનો કેસ રાજકારણ પ્રેરિત ગણવ્યો છે.

દિવ્યેશપ્રતાપસિંહે જણાવ્યું, "આવા જ અન્ય એક કેસમાં અગાઉ કોર્ટ દ્વારા નવજોતસિંહ સિદ્ધુને ચૂંટણી લડવા પરવાનગી અપાઈ હતી."

"એ જ રીતે હાર્દિકને પણ ચૂંટણી લડવા માટે મંજૂરી મળવી જોઈએ."

નોંધનીય છે કે રાહુલ ગાંધીની હાજરીમાં 12મી માર્ચે હાર્દિક પટેલ કૉંગ્રેસમાં જોડાયા હતા.

એ બાદ હાર્દિક જામનગરમાંથી લોકસભાની ચૂંટણી લડશે એવી અટકળો વહેતી થઈ હતી.


મારો ગુનો એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં'

Image copyright Getty Images

આ પહેલાં ગુજરાત હાઇકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલે કહ્યું હતું કે 'હું ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનું સ્વાગત કરું છું. ચૂંટણી તો આવે અને જાય છે પરંતુ ભાજપ બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યો છે. કૉંગ્રેસ પાર્ટીના 25 વર્ષના કાર્યકર્તાને ચૂંટણી લડવાથી રોકવામાં આવી રહ્યો છે.'

'ભાજપના નેતાઓ પર અનેક કેસો છે અને સજા પણ થયેલી છે પંરતુ કાયદો ફક્ત અમને જ લાગુ પડે છે.'

'અમે ડરીશું નહીં. સત્ય, અહિંસા અને ઇમાનદારીથી સામાન્ય લોકોનો અવાજ ઉઠાવતાં રહીશું. જનતાની સેવક કૉંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું.'

'પાર્ટી માટે આખા દેશમાં પ્રચાર કરીશ. મારો ગુનો ફક્ત એટલો જ છે કે હું ભાજપ સામે ઝૂક્યો નહીં. આ સત્તા સામે લડવાનું પરિણામ છે.'


શું છે વીસનગર કેસ?

Image copyright Getty Images

વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના પાટીદાર આગેવાનો વીસનગરના તત્કાલીન ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવેદનપત્ર આપવા માટે ગયા હતા.

આવેદન સમયે પાંચ હજાર લોકોનું ટોળું એકઠું થયું હતું અને ટોળું બેકાબૂ બનતા ઋષિકેશ પટેલની ઑફિસમાં તોડફોડ કરવામાં આવી હતી.

આ ઘટનામાં ટોળાંએ એક કારને પણ સળગાવી દીધી હતી અને અન્ય જગ્યાએ પણ નુકસાન કર્યું હતું. તેમજ એક પત્રકારને પણ માર મારવામાં આવ્યો હતો.

વીસનગર પોલીસે આ ઘટનામાં હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિતના 17 લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વીસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો