વિજય રૂપાણીને ચૂંટણીમાં પાકિસ્તાન કેમ યાદ આવે છે?

  • હરિતા કંડપાલ
  • બીબીસી ગુજરાતી
વિજય રૂપાણી

લોકસભા ચૂંટણી સમયે ભાજપ અને કૉંગ્રેસના નેતાએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે.

એવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લોકસભા ચૂંટણી સમયે પાકિસ્તાનનો ઉલ્લેખ કરીને ચર્ચામાં આવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ વિજય રૂપાણીએ મંગળવારે રાજકોટના એક કાર્યક્રમમાં કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે છે.

તેમણે કૉંગ્રેસ પર 'પાકિસ્તાનની ભાષા' બોલવાનો આરોપ લગાવ્યો.

રૂપાણીએ કૉંગ્રેસ નેતા સામ પિત્રોડાના નિવેદનના સંદર્ભમાં કહ્યું કે પુલવામામાં આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં કરવામાં આવેલી ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગવા શરમજનક છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'પાકિસ્તાનમાં દિવાળી'

આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાજકોટમાં વિજય રૂપાણીએ કહ્યું, ''રાહુલ ગાંધીના ગુરુ સામ પિત્રોડાએ બાલાકોટમાં કૅમ્પોના વિનાશના પુરાવા માગ્યા હતા. કૉંગ્રેસના નેતાઓ શા માટે આવી ભાષા બોલી રહ્યા છે?"

તેમણે કહ્યું કે કૉંગ્રેસ નેતાઓએ 2019 લોકસભા ચૂંટણીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચૂંટણીમાં ફેરવી દીધી છે.

આ પહેલાં પણ વિજય રૂપાણી લોકસભા ચૂંટણીપ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરવા બદલ સમાચારોમાં છવાયેલા રહ્યા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર વિજય રૂપાણીએ 24 માર્ચના દિવસે કહ્યું હતું કે કૉંગ્રેસ જો ભૂલેચૂકે લોકસભા ચૂંટણીમાં જીતી જાય તો પાકિસ્તાનમાં દિવાળી ઊજવાશે.

વિજય રૂપાણીએ મહેસાણામાં વિજય સંકલ્પ રેલીનું ઉદ્ઘાટન કરતા કહ્યું હતું, ''જોકે આવું નહીં થાય, પણ જ્યારે 23 મેના દિવસે લોકસભા ચૂંટણીનું પરિણામ આવશે અને કૉંગ્રેસ જીતી જાય તો પાકિસ્તાનમાં ઉજવણી થશે, કારણ કે કૉંગ્રેસ તેની સાથે સંકળાયેલી છે.''

આગળ તેમણે કહ્યું કે દેશના લોકો નક્કી કરશે કે નરેન્દ્ર મોદી 23 મેના દિવસે જીતશે. ત્યારબાદ પાકિસ્તાનમાં શોક હશે.

ભાવનાત્મક મુદ્દો-પાકિસ્તાન

માત્ર રૂપાણી જ નહીં પરંતુ નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ ચૂંટણી સમયે પાકિસ્તાન અને બાલાકોટનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય કહે છે, ''ગુજરાત જ નહીં પરંતુ ભારતનાં અન્ય રાજ્યોમાં પ્રચાર રાષ્ટ્રીય સુરક્ષા, પાકિસ્તાન, બાલાકોટ અને હિંદુવાદની આજુબાજુ ફરી રહ્યો છે."

"મૂળ મુદ્દાઓથી બચવા માટે અને લોકોને ભાવનાત્મક મુદ્દાઓમાં અટકાવી દેવાના હેતુથી આ પ્રકારના મુદ્દાઓ ઉછાળવામાં આવશે.''

તેઓ આગળ કહે છે, ''લોકસભા ચૂંટણી નહીં પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ એવો પ્રચાર કરવામાં આવ્યો હતો કે કૉંગ્રેસ જીતશે તો અહમદ પટેલ મુખ્યમંત્રી બનશે."

"આ પૉલિસી આજકાલની નથી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ એવો જ પ્રચાર કરવામાં આવ્યો હતો કે કૉંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે.''

જગદીશ આચાર્ય કહે છે, ''વિજય રૂપાણીએ અકસ્માતે કહ્યું હશે કે ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. પણ મૂળ વાત એ છે કે ગુજરાતમાં હિંદુવાદનો મુદ્દો મજબૂત બને છે."

"જોકે, સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતના બીજા ભાગોમાં હિંદુઓ અને મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ વધુ થાય છે."

તેઓ માને છે કે ભાજપે પ્રચારની આ જ સ્ટ્રેટેજી અપનાવી છે.

આપને આ પણ વાંચવું ગમશે

'ગુજરાત વધુ સંવેદનશીલ'

ઇમેજ કૅપ્શન,

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં પ્રચાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ત્યારે પત્રકાર કાના બાંટવા કહે છે, "ગુજરાતમાં જ નહીં આખા દેશમાં ચૂંટણી આવે ત્યારે પાકિસ્તાનની વાત થાય જ છે."

"ચૂંટણી ભાવનાત્મક મુદ્દાઓ પર લડાય છે એટલે જે પક્ષ આવા મુદ્દાને ખંખેરી શકે તેને લાભ થાય છે."

"આપણી પાસે પાકિસ્તાન ભાવનાત્મક મુદ્દો છે. પાકિસ્તાનનું નામ લેવાથી અને તેની નિંદા કરવાથી રાષ્ટ્રભક્તિને ધપાવવામાં આવે છે."

કાના બાંટવાએ કહ્યું કે ધાર્મિક, ભાવનાત્મક અને રાષ્ટ્રભક્તિ બાબતે ગુજરાત સંવેદનશીલ પણ છે અને ગુજરાત ભાજપનો ગઢ છે. એટલે ગુજરાતમાં આ પ્રકારની સંભાવના વધારે લાગે. આ કોઈ નવી વાત નથી.

તેઓ એમ પણ કહે છે કે આ પ્રકારનો પ્રચાર રાજકીય પક્ષો માટે વોટમાં ફેરવાય કે નહીં એ ચોક્કસ કહી ન શકાય. પણ જો આવો પ્રચાર વોટમાં ન ફેરવાતો હોય તો કોઈ પક્ષ શું કામ આવું કરે. હું માનું છું કે આ પ્રકારનાં નિવેદનો મતમાં ફેરવાય છે.

'મોદીનું પાકિસ્તાન બાણ'

ગુજરાતની વાત કરીએ તો વડા પ્રધાન બન્યા પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે પણ તેઓ એવાં એવાં નિવેદનો આપતાં જેમાં પાકિસ્તાનનો ઉલ્લેખ હોય.

2002માં મોદીએ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ પર નિશાન સાધતાં કેટલાંક નિવેદનો આપ્યાં હતાં.

મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે ચૂંટણીપ્રચારમાં પાકિસ્તાન પર ઘણા પ્રહારો કર્યા હતા. જેમ કે તેમણે 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં સરક્રીકનો મુદ્દો ઉછાળ્યો હતો.

તેમણે કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન મનમોહન સિંહ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સરક્રીક વિવાદ ઉકેલવા માટે બેઠકો કરી રહ્યા છે. એટલું જ નહીં મોદીએ મનમોહન સિંહને પાકિસ્તાનની માગ ન માનવા નિવેદન પણ કર્યું હતું.

તેમણે એક પત્ર લખીને મનમોહન સિંહ સરકારને બૅકફૂટ પર લાવવાનો પ્રયાસ કર્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

કાના બાંટવા કહે છે, ''નરેન્દ્ર મોદીએ જ ગુજરાતમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કરી જોરશોરથી ચૂંટણીપ્રચાર શરૂ કર્યો હતો.''

''2002 પછી ગુજરાતમાં પાકિસ્તાનનો મુદ્દો સંવેદનશીલ તરીકે ઉછાળવામાં આવ્યો. નરેન્દ્ર મોદી શરૂઆતની સભાઓમાં એવાં નિવેદનો કરતાં જે કદાચ વડા પ્રધાને કરવાનાં હોય.''

તેઓ આગળ કહે છે, ''ભાજપ વૈચારિક રીતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની નજીક છે અને સંઘની વિચારધારામાં પાકિસ્તાનનું અસ્તિત્વ સ્વીકાર્ય નથી.''

''ભાજપે પોતાની વિચારધારાને તેની આસપાસ જ ગૂંથી છે. ગુજરાત ભાજપનો ગઢ છે જ્યાં આ મુદ્દાઓ વધુ કામ કરે છે.''

''ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે. અહીં ખેડૂતોની સમસ્યા છે પણ એ મહારાષ્ટ્ર કે ઓડિશા જેવી ગંભીર નથી.''

''ગુજરાતમાં બેરોજગારી પણ એટલી ગંભીર સમસ્યા નથી. આથી ગુજરાત જેવા સમૃદ્ધ સમાજમાં ધાર્મિક, આધ્યાત્મિક અને ભાવનાત્મક મુદ્દાઓ પ્રભાવશાળી બને છે.''

વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રાએ બીબીસીને કહ્યું કે સ્પષ્ટપણે અસલી મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના જુમલા મૂકવામાં આવે છે. તેઓ પહેલાં પણ આ પ્રકારના મુદ્દાઓનો ચૂંટણીમાં ઉપયોગ કરી ચૂક્યા છે.

આર. કે. મિશ્રા જણાવે છે, ''ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા, બેરોજગારી જેવા મુદ્દાઓની કોઈ વાત કરતા નથી. મતદારોનું ધ્યાન હઠાવવા માટે પાકિસ્તાનનું નામ લેવું પડે છે.''

ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળા કહે છે કે ગુજરાતમાં ખેડૂતો અને બેરોજગારીની સમસ્યા નથી. આ કૉંગ્રેસની મનઘડંત વાતો છે. પણ કૉંગ્રેસ નેતાઓ જે પ્રકારનાં નિવેદનો આપે છે એનાથી પાકિસ્તાનમાં તાળીઓ પડે છે. અને એટલા માટે જ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળ ચૂંટણી લડવા ગયા છે, કારણ કે ત્યાં મુસ્લિમ મતદારોની બહુમતી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો