મોરારજી દેસાઈ : એ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન જેમના પર પાકિસ્તાનને પ્રેમ હતો

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
મોરારજી દેસાઈ

જવાહરલાલ નહેરુના મંત્રી એમ.ઓ. મથાઈ એક મિત્ર સાથે કુતુબમિનાર ફરવા ગયા હતા.

મોરારજી દેસાઈ કેવા પ્રકારના માણસ છે એવો સવાલ તેમણે મથાઈને પૂછ્યો હતો.

મથાઈનો જવાબ હતો, "પેલો લોખંડનો થાંભલો જુઓ છો? તમે બસ એને ગાંધી ટોપી પહેરાવી દો એટલે તમારી સામે મોરારજી દેસાઈ હાજર... શરીર અને મગજ... બંને રીતે એકદમ સીધાસટ અને કડક."

નહેરુએ પણ મથાઈને કહ્યું હતું કે ભારતીય રાજકારણમાં સૌથી કડક બે લોકો સાથે તેમને પનારો પડેલો. એક હતા પુરુષોત્તમદાસ ટંડન અને બીજા મોરારજી દેસાઈ.

1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.

તેમના પર જમણેરી હોવાનો આક્ષેપ લાગેલો ત્યારે હસતાં હસતાં કહેલું, "હા, હું રાઇટિસ્ટ છું, કેમ કે આઈ બિલીવ ઇન ડુઇંગ થિંગ્સ રાઇટ."

રેહાન ફઝલનું વિશ્લેષણ

ઇમેજ કૅપ્શન,

બીબીસીના ઇન્ટરવ્યૂમાં પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી

ભારતના રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા રાખવી યોગ્ય માનવામાં આવતી નથી. જાહેરમાં પોતાની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરાય જ નહીં.

જોકે, મોરારજીભાઈ ક્યારેય વડા પ્રધાન બનવાની પોતાની ઇચ્છાને છુપાવીને નહોતા રાખતા.

નહેરુના નિધન પછી જાણીતા પત્રકાર કુલદીપ નૈયર મોરારજી દેસાઈને મળ્યા હતા અને તેમને લાલબહાદુર શાસ્ત્રીનો સંદેશો આપ્યો હતો કે 'જો તમે જયપ્રકાશ નારાયણ કે ઇંદિરા ગાંધીમાંથી કોઈ એકના નામ પર સહમત થઈ જાવ તો હું વડા પ્રધાન માટેની ચૂંટણી નહીં લડું.'

નૈયરે શાસ્ત્રીનો સંદેશો મોરારજીભાઈને સંભળાવ્યો તો તેમણે તરત જ કહી દીધું કે, "જયપ્રકાશ નારાયણ? તેઓ ભ્રમિત માણસ છે... અને ઇન્દિરા ગાંધી? ધેટ ચીટ ઑફ અ ગર્લ."

મોરારજીભાઈના પુત્ર કાન્તિ દેસાઈએ પણ નાયરને કહ્યું, "તમારા શાસ્ત્રીજીને કહેજો કે બેસી જાય. મોરારજી દેસાઈને તેઓ હરાવી નહીં શકે."

ઇમેજ કૅપ્શન,

કુલદીપ નૈયર સાથે રેહાન ફઝલ

કુલદીપ નૈયરે ઑફિસે આવીને યુએનઆઈ માટે પોતાનો અહેવાલ તૈયાર કરી નાખ્યો, જેનું શીર્ષક હતું- "સ્પર્ધામાં સૌ પહેલાં ઊતર્યા છે મોરારજી દેસાઈ."

આ અહેવાલની અસર એવી થયેલી કે બીજા દિવસે સંસદભવનમાં કામરાજે કુલદીપ નૈયરના કાનમાં કહેલું, "થેન્ક યૂ."

શાસ્ત્રીએ પણ નૈયરને બોલાવીને કહ્યું કે, "હવે બીજા અહેવાલો આપવાની જરૂર નથી. મુકાબલો પૂરો થઈ ગયો છે."

આવો અહેવાલ આપવા બદલ મોરારજી દેસાઈએ કુલદીપ નૈયરને ક્યારેય માફ કર્યા નહોતા.

જોકે, નૈયરે મોરારજીભાઈને સમજાવવા કોશિશ કરેલી. આ સ્થિતિ માટે તેમણે તેમના સમર્થકોને દોષ આપવો જોઈએ.

નહેરુની અંત્યેષ્ટિના દિવસથી જ સમર્થકો એવું કહેવા લાગ્યા હતા કે વડા પ્રધાનપદ હવે તે લોકોના ખિસ્સામાં છે.

મોરારજી દેસાઈએ જાહેરમાં વડા પ્રધાન બનવાની ઇચ્છા વ્યક્ત કરતાં માહોલ તેમની વિરુદ્ધ થઈ ગયો અને લાલબહાદુર શાસ્ત્રીને ભારતના નવા વડા પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા.

ઇંદિરાએ નાણામંત્રીપદેથી હટાવ્યા

ઇમેજ સ્રોત, PHOTODIVISION

શાસ્ત્રીના દેહાંત પછી પણ મોરારજીભાઈએ વડા પ્રધાન બનવા માટે કોશિશ કરેલી પણ જરૂરી ટેકો મળ્યો નહોતો.

ઇંદિરા ગાંધીએ તેમને નાયબ વડા પ્રધાનનું પદ અને નાણા મંત્રાલય આપ્યું હતું.

જોકે, ટૂંક સમયમાં તેમની વચ્ચે મતભેદો થવા લાગ્યા હતા.

ઇન્દર મલ્હોત્રાના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠક વખતે બનેલા પ્રસંગથી મતભેદોની શરૂઆત થઈ હતી.

એક મુખ્ય પ્રધાને ઇંદિરા ગાંધીને સવાલ પૂછ્યો તેમાંથી મુશ્કેલી થઈ હતી.

"ઇંદિરા ગાંધી સવાલનો જવાબ આપી રહ્યાં હતાં ત્યારે વચ્ચે મોરારજી દેસાઈએ કહ્યું કે, 'આનો જવાબ હું વધારે સારી રીતે આપી શકું છું.' પી. એન. હક્સરે બાદમાં મને જણાવેલું કે તે જ ઘડીએ ઇંદિરા ગાંધીએ નક્કી કરી નાખેલું કે મોરારજીને હવે પ્રધાનમંડળમાં રાખવા નહીં."

ત્યારબાદ અન્ય મુદ્દે પણ મતભેદો વધ્યા હતા. રાષ્ટ્રપતિપદ માટે કૉંગ્રેસના ઉમેદવારની પસંદગી, બૅન્કોનું રાષ્ટ્રીયકરણ અને પ્રીવી પર્સના મુદ્દે ઇંદિરા ગાંધી સાથે મતભેદો વધવા લાગ્યા હતા.

મતભેદો એટલા વધી પડ્યા કે ઇંદિરાએ આખરે તેમની પાસેથી નાણા ખાતું લઈ લેવાનો નિર્ણય કર્યો.

મોરારજી દેસાઈએ ઇંદિરા ગાંધીને પત્ર લખીને જણાવી દીધેલું કે તેમને હવે નાયબ વડા પ્રધાનપદે રહેવાની પણ ઇચ્છા નથી.

વડા પ્રધાન બનાવવામાં જયપ્રકાશ નારાયણની ભૂમિકા

1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા.

આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

કુલદીપ નૈયર કહે છે કે, "જનતા પાર્ટીમાં જગજીવન રામ માટે સૌથી વધારે સમર્થન હતું, પરંતુ જેપીએ પોતે મને જણાવેલું કે જગજીવન રામે સંસદમાં કટોકટી માટેનો ઠરાવ મૂક્યો હતો. તેથી તેમને વડા પ્રધાન બનાવવાનો સવાલ જ ઊભો થતો નહોતો."

સ્વમૂત્ર માટેનો પ્રયોગ

મોરારજી દેસાઈ દારૂબંધીના આગ્રહી હતા. જોકે, સ્વમૂત્રપાનના પ્રયોગો તેઓ પોતે કરતા હતા.

તે માટેનો તેમનો આગ્રહ મોટા ભાગના ભારતીયોને ગળે ઊતરે તેવો નહોતો.

1978માં ફ્રાન્સનો પ્રવાસ કર્યો ત્યારે મોરારજી દેસાઈએ ત્યાંના ભારતીય રાજદૂત આર. ડી. સાઠેના ઘરે ઉતારો કર્યો હતો.

ભારતીય ગુપ્તચર એજન્સી રૉના ભૂતપૂર્વ અધિકારી બી. રમણે પોતાના 'કાઉ બૉય્ઝ ઑફ રૉ' નામના પુસ્તકમાં લખ્યું છે કે વડા પ્રધાન દિલ્હી પરત ફર્યા બાદ પોતે સાઠે સાહેબને મળવા તેમના ઘરે ગયા હતા.

ઘરનો નોકર ડ્રિંક્સ લઈને આવ્યો ત્યારે સાઠેસાહેબની પત્નીએ તેને પૂછ્યું, "તે નવા ગ્લાસ જ વાપર્યા છે ને?"

"આટલું કહીને મારી તરફ જોયું અને કહ્યું, "ખબર નહીં મોરારજીએ પોતાનું મૂત્ર પીવા માટે કયા ગ્લાસ વાપર્યા હોય. તેથી મેં બધા જૂના ગ્લાસને ફેંકાવી દીધા છે."

મોરારજી દેસાઈ પહોંચ્યા નાઇટક્લબ

ઇમેજ સ્રોત, PHOTODIVISION

મોરારજી દેસાઈ 1968માં નાણામંત્રી હતા અને એક સંમેલનમાં ભાગ લેવા કૅનેડા ગયા હતા ત્યારે પણ આવો જ એક મજેદાર કિસ્સો બન્યો હતો.

મોરારજીભાઈને જેમની સાથે સારું બનતું હતું એવા જાણીતા અર્થશાસ્ત્રી લક્ષ્મીકાંત ઝા પણ તેમની સાથે હતા.

તે સમયે કૅનેડામાં ભારતના હાઇ કમિશનર તરીકે આઇસીએસ અધિકારી વેંકટાચાર હતા.

જ્યોર્જ વર્ગીઝે પોતાની આત્મકથા 'ફર્સ્ટ ડ્રાફ્ટ'માં લખ્યું છે, "એક દિવસ કામ વહેલું પૂરું થઈ ગયું એટલે ઝા અને વેંકટાચારે મોરારજીભાઈને નાઇટક્લબમાં આવવા માટે મનાવવા કોશિશ કરી."

દેસાઈએ પહેલાં મોં બગાડ્યું, પણ બંનેએ દલીલો કરી કે તમે જેનો વિરોધ કરો છો તે ખરેખર શું છે તે એક વાર નજરોનજર જોઈ તો લો. તમે જાતે જોશો તો વધારે સારી રીતે તેનો વિરોધ કરી શકશો.

આખરે ત્રણેય એક નાઇટક્લબમાં જઈને બેઠા કે તરત બારટૅન્ડર છોકરીએ આવીને મોરારજીભાઈને પૂછ્યું, "તમે શું પીવાનું પસંદ કરશો?"

મોરારજીભાઈએ જવાબ આપ્યો, "હું દારૂ પીતો નથી." છોકરી તેમના ખોળામાં બેસવા લાગી અને કહેવા લાગી કે "સો યૂ વૉન્ટ યોર ડેમ ટુ બી સોબર." (તમે ઇચ્છો છો કે સાથીદાર ભાનમાં રહે.)

આઘાત પામેલા મોરારજી દેસાઈએ છોકરીને દૂર હડસેલતાં કહ્યું, "મને છોકરીઓ પસંદ નથી." આવું સાંભળીને છોકરીએ કહ્યું, "તમે સજ્જન હો તેવું લાગતું નથી."

મોરારજી દેસાઈએ કશું પીધા વિના નાઇટક્લબમાંથી જતા રહેવાનું નક્કી કર્યું અને ઝા અને વેંકટાચારે પણ અનિચ્છાએ તેમની સાથે બહાર નીકળી જવું પડ્યું.

નટવરસિંહ સાથે વિખવાદ

ઇમેજ કૅપ્શન,

નટવર સિંહ સાથે રેહાન ફઝલ

વડા પ્રધાન બન્યા બાદ ભારતીય વિદેશ સેવામાં કામ કરતાં નટવરસિંહ વિશે કોઈએ તેમની કાનભંભેરણી કરી એટલે તેમની બદલી બ્રિટનથી ઝામ્બિયા કરી દીધી.

કટોકટી લાદવામાં આવી ત્યારે નટવરસિંહે પોતાના ઘરને શૅમ્પેનની પાર્ટી આપી હતી એવું કોઈએ કહ્યું હતું.

1978માં ઝામ્બિયાના વડા પ્રધાન ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા.

પરંપરા પ્રમાણે જે દેશના વડા ભારતની મુલાકાત આવે ત્યારે તે દેશમાં રહેલા ભારતીય રાજદૂત પણ તેમની સાથે ભારત આવે.

નટવરસિંહે ભારત આવવાની તૈયારીઓ કરી હતી પણ તેમને મનાઈ ફરમાવી દેવામાં આવી.

મનાઈ છતાં તેઓ ભારત આવતાં તેને આદેશનું ઉલ્લંઘન ગણી લેવામાં આવ્યું હતું.

મોરારજી દેસાઈએ બીજા દિવસે વહેલી સવારે 8 વાગ્યે પોતાના નિવાસસ્થાને નટવરસિંહને હાજર થઈ જવાનો આદેશ આપી દીધો હતો.

'તમારા જમાઈ બહુ બદમિજાજ છે'

ઇમેજ સ્રોત, MADHUKESHWAR DESAI

નટવરસિંહ યાદ કરતાં કહે છે, "વડા પ્રધાને સીધું જ પૂછ્યું કે વગર બોલાવ્યે કેમ આવ્યા? મેં જવાબ આપ્યો કે તમે જ મને મળવા બોલાવ્યા છે.

મોરારજી બોલ્યાઃ તમે ભારત આવ્યા તેની વાત કરું છું. મંજૂરી વગર તમે આવ્યા છો. આ વિશેની પરંપરાની મેં તેમને યાદ અપાવી.

"થોડી વાર ચૂપ રહ્યા પછી તેમણે કહ્યું કે પેલા ત્રાસવાદી ન્કોમાને તમે કેમ આટલું પ્રોત્સાહન આપો છો? "

"મેં જણાવ્યું કે તેઓ આતંકવાદી નથી, પણ સન્માનનીય સ્વતંત્રતા સેનાની છે."

"હું પરત જવા ઊભો થયો ત્યારે તેમણે પૂછ્યું કે કઈ જગ્યાએ ઊતર્યા છો?"

"મારાં સાસુના ઘરે."

"તમારાં પત્ની ક્યાં છે?"

"નીચે કારમાં જ છે."

"તેમને અંદર બોલાવી લો."

"સર, હું એવું નહીં કરું. હું અહીં કોઈ સામાજિક કામે આવ્યો નથી."

"તમે દલીલો કેમ કરો છો, બોલાવો એમને."

મેં બહુ આદર સાથે જણાવ્યું કે 'સરકારી કામ માટે તમે આદેશ આપી શકો છો, પરંતુ અંગત બાબતો માટે મને આદેશ આપવાનો આપને કોઈ હક નથી.'

મોરારજી દેસાઈએ મને બહુ રુક્ષ સ્વરમાં કહી દીધું, 'તમે જઈ શકો છો.'

બાદમાં તેમણે મારા સાસુને ફરિયાદ કરેલી કે તમારા જમાઈ બહુ બદમિજાજ છે.

પાકિસ્તાની લેખક ગ્રૂપ કૅપ્ટન એસ. એમ. હાલીએ 'પાકિસ્તાન ડિફેન્સ જર્નલ'માં લખ્યું હતું, "1977માં રૉના એક એજન્ટે કાહૂટા અણુમથકની બ્લૂ પ્રિન્ટ દસ હજાર ડૉલરમાં આપવાની વાત કરી હતી."

"મોરારજી દેસાઈને આ વાતની જાણ કરાઈ ત્યારે તેમણે તરત જનરલ ઝિયા ઉલ હકને ફોન કરીને જણાવી દીધું કે તમે કાહૂટામાં અણુબૉમ્બ બનાવી રહ્યા છો તે અમે જાણી ગયા છીએ."

"તેના કારણે એવું થયું કે રૉ માટે જાસૂસી કરનારો પકડાઈ ગયો અને ભારતને ટૉપ સિક્રેટ બ્લૂ પ્રિન્ટ મળી નહીં."

જનતા પાર્ટીના ટુકડા

ઇમેજ સ્રોત, WWW.SAINIKSAMACHAR.NIC.IN

ઇમેજ કૅપ્શન,

ચૌધરી ચરણ સિંહ

મોરારજી દેસાઈના કમનસીબે જનતા પાર્ટીમાં પ્રારંભથી જ તડાં પડવાં લાગ્યાં હતાં.

મોરારજીભાઈ, જગજીવન રામ અને ચરણ સિંહને પ્રથમથી જ એકબીજા સાથે ફાવતું નહોતું.

કુલદીપ નૈયર કહે છે કે ચરણસિંહને સામે ચાલીને મનાવી લેવાની સલાહ તેમણે મોરારજીભાઈને આપી હતી, પણ તેમણે એવો જવાબ આપ્યો હતો કે "હું ચરણસિંહને ચૂરણસિંહ બનાવી દઈશ."

જયપ્રકાશ નારાયણ બીમાર પડ્યા ત્યારે પણ કુલદીપ નાયરે પટના જઈને તેમની ખબર કાઢવાની સલાહ આપી હતી.

તે વખતે પણ એવો જવાબ આપેલો, "હું મહાત્મા ગાંધીને મળવા પણ ક્યારેય ગયો નહોતો, તો જેપી શું ચીજ છે."

મોશે દયાનને મોરારજી દેસાઈનું આમંત્રણ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

અટલ બિહારી વાજપેયી

મોરારજી દેસાઈ જાહેરજીવનમાં ઉચ્ચતમ ધોરણો પાળવાનો આગ્રહ રાખતા હતા પરંતુ પુત્રમોહથી તેઓ પણ મુક્ત રહી શક્યા નહોતા.

1977માં જીત પછી મોરારજી દેસાઈએ પ્રથમ પ્રેસ કૉન્ફરન્સ બોલાવી ત્યારે પોતે પણ તેમાં હાજર હતા એમ ઇન્દર મલ્હોત્રા જણાવે છે.

મોરારજીભાઈએ કહ્યું કે, "ભારત સોવિયત સંધિને હું રિવ્યૂ કરીશ અને સંધિ ભારતના હિતમાં નહીં હોય તો તેને રદ કરી દઈશ."

ભારતની મધ્ય પૂર્વ વિશેની નીતિ પર પણ ફરીથી વિચાર કરવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ત્યારબાદ મોરારજી દેસાઈ મોસ્કોની મુલાકાતે ગયા હતા. સાથે તેમના પુત્ર કાન્તિ દેસાઈ પણ હતા.

પરત ફરતી વખતે તેમનું વિમાન થોડા સમય માટે તહેરાનમાં રોકાયું હતું.

ભારત અને પાકિસ્તાનનું સર્વોચ્ચ સન્માન

ઇમેજ સ્રોત, MADHUKESHWAR DESAI

કાન્તિ દેસાઈ હિન્દુજા બંધુઓને મળવા માટે તહેરાનમાં રોકાયા હતા તે મામલે બહુ વિવાદ થયો હતો.

તેના થોડા દિવસો પછી અટલબિહારી વાજપેયીના ઘરે મોરારજી દેસાઈના મુખ્યસચિવનો ફોન આવ્યો હતો કે તમે મળવા માટે ઘરે આવજો.

વાજપેયી વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે ઇઝરાયલના વિદેશ પ્રધાન મોશે દાયાન પણ ત્યાં હાજર હતા.

વાજપેયીએ બાદમાં મોરારજી દેસાઈને કહ્યું હતું, "તેમને આમંત્રણ આપતાં પહેલાં મને વાત તો કરવી હતી."

"મુશ્કેલી એ હતી કે તેમના પુત્ર કાન્તિ દેસાઈ જ પોતે જ તેમને આમંત્રણ આપીને આવ્યા હતા."

મોરારજી દેસાઈ અંગત અને જાહેરજીવનમાં વિવાદાસ્પદ રહ્યા.

તેમ છતાં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન અને પાકિસ્તાનનું પણ સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન તેમને મળ્યાં હતાં.

તેમની ઈમાનદારી અને સંયમ ઘણા લોકો પસંદ કરતા હતા.

પણ મોટા ભાગના લોકોની નજરમાં તેઓ એક એવા રૂઢિવાદી માણસ હતા જેમના રાજકીય જીવનમાં બહુ બાંધછોડ માટેની મોકળાશ નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો