ગુજરાત: ચૂંટણીપ્રચારમાં ધમકી, ગાળો અને અપશબ્દો, રમેશ કટારાના વીડિયો પર બબાલ

રમેશ કટારા Image copyright Daxesh Shah
ફોટો લાઈન રમેશ કટારા

લોકસભા ચૂંટણી 2019નો પ્રચાર ચરમસીમાએ છે તો નેતાઓનાં ભાષણો અને નિવેદનોમાં ધમકીઓ, અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓનો વરસાદ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં ' હરામજાદા' જેવા અપશબ્દો અને 'ગધેડાની 56 ઇંચની છાતી' પર ટિપ્પણીઓ સાંભળવામાં આવી રહી છે.

તાજેતરમાં ગુજરાતના ફતેહપુરાના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયો ચર્ચામાં છે. જેમાં તેઓ કહે છે, ''ઈવીએમમાં ભાભોર અને કમળનાં ચિહ્નવાળાં બટન દબાવશો. આ વખતે મોદીસાહેબે (મતદાનકેન્દ્રમાં) કૅમેરા મૂક્યા છે. ત્યાં બેઠા-બેઠા તેમને ખબર પડી જશે કે કોણે ભાજપને વોટ આપ્યો, કોણે કૉંગ્રેસને.''

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ દાહોદની એક ચૂંટણીસભામાં તેઓ કહેતા દેખાય છે, ''જો તમારા મતદાનકેન્દ્રમાં મત ઓછા હશે તો તમને ઓછું કામ આપવામાં આવશે. મોદીસાહેબને ત્યાં બેઠાબેઠા ખબર પડશે કે તમે કશુંક ખોટું કર્યું છે.''

તમે આ વાંચ્યું કે નહીં?

તેઓ ગામવાસીઓને કહી રહ્યા છે, ''તમારા ફોટો ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રૅશનકાર્ડ પર પણ છે.''

કટારાને આ મામલે ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી છે.

કટારાએ બીબીસીને કહ્યું કે કૉંગ્રેસ તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહી છે. તેઓ લોકોને મતદાન વિશે જાણકારી આપી રહ્યા હતા.

તેમણે કહ્યું, ''કયા બૂથમાં કેટલા મત કઈ પાર્ટીને મળ્યા છે એની સૂચિ આવે જ છે. અને સંવેદનશીલ મતદાનકેન્દ્રોમાં ઝઘડા થાય છે એટલે મેં એમ કહ્યું કે કૅમેરા મૂક્યા હોય તો આ વખતે નહીં થાય.''

તેમણે કહ્યું, ''હું લોકોને સમજાવી રહ્યો હતો કે વીવીપેટ મશીનમાં તેઓ જાણી શકે છે કે તેમનો મત સાચો ગયો કે ખોટો ગયો છે અને ખરાઈ કરી શકે છે.''

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે લોકોને કહ્યું હતું ''ઓછા મત આપવા પર કામ નહીં થાય', તો એ મુદ્દે રમેશ કટારાએ કહ્યું, ''આને ધમકી ન કહેવાય, અમુક મતદાનકેન્દ્રો પર કૅમેરા હોય છે.


ગુજરાતની બહાર પણ આ સૂચિ લાંબી

Image copyright BJP GUJARAT/TWITTER

ઉત્તર પ્રદેશથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીનું મુસ્લિમ મતદારો અંગેનું વિવાદિત નિવેદન અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનની ભાજપ ઉમેદવાર જયા પ્રદા પરની અભદ્ર ટિપ્પણી મામલે ચૂંટણીપંચે કાર્યવાહી કરી છે.

ત્યારે પ્રશ્ન એ છે કે લોકતાંત્રિક ચૂંટણીમાં નેતાઓ આ પ્રકારનાં નિવેદનો કેમ આપે છે?

સામાજિક કાર્યકર મનીષી જાની કહે છે કે 2019ની ચૂંટણીમાં નવી વાત જોવા મળી છે કે નેતાઓ ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. જેમ મતદારો મજૂર હોય અને તેઓ માલિક હોય. લોકતંત્રમાં આ કયા સ્તરે ચૂંટણીપ્રચાર જઈ રહ્યો છે.


'હરામજાદા, ગધેડા, સાંઢ'

Image copyright FACEBOOK/ ARJUN MODHWADIA

રાજકીય પક્ષો એકબીજા પર આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાના આરોપ કરી રહ્યા છે.

સુરત કૉંગ્રેસ તરફથી કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ 4 એપ્રિલે એક જાહેરસભામાં કૉંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને 'હરામજાદા' કહ્યા હતા અને સુરતમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.

બીજી તરફ ભાજપે ફરિયાદ કરી હતી કે અર્જુન મોઢવાડિયાએ બનાસકાંઠાના ડીસામાં યોજાયેલી ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અશોભનીય, બિનસંસદીય નિવેદન ઉચ્ચારીને કહ્યું હતું કે '56ની છાતી તો ગધેડાની હોય.'

પીટીઆઈ પ્રમાણે મોઢવાડિયાએ કહ્યું, "એક સ્વસ્થ વ્યક્તિની છાતી 36 ઇંચની હોય છે, બૉડી-બિલ્ડરની છાતી 42 ઇંચની હોય, ગધેડાની છાતી 56 ઇંચની હોય અને 100 ઇંચની છાતી સાંઢની હોય છે."

ઉર્વીશ કોઠારી માને છે કે જાહેરજીવનમાં વર્તમાન સમયમાં ભાષાકીય વિવેક ઓળંગવો એ સામાન્ય થઈ ગયું છે. પહેલાં નેતાઓ આવાં નિવેદનો કરે કે ભાષાને લઈને કોઈ છૂટ લે તો આંખે વળગી આવતું. પરંતુ હવે મોટા નેતાઓ માટે પણ આ વાત સામાન્ય થઈ ગઈ છે.

સામાજિક કાર્યકર મનીષી જાની કહે છે કે આ ભાજપ અને કૉંગ્રેસ બન્નેની નિષ્ફળતા છે, કારણ કે તેઓ સાચા મુદ્દાઓ પર વાત કરતા નથી. ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા છે, કચ્છ સિવાય અન્ય વિસ્તારોમાં દુષ્કાળ છે, પાણીની સ્થિતિ વિકટ છે પણ ચૂંટણીપ્રચારમાં આના પર વાત ક્યાં થઈ રહી છે.


આરોપ-પ્રત્યારોપ

Image copyright Getty Images

ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે હારના ડરથી કૉંગ્રેસ પાર્ટી માનસિક સંતુલન ખોઈ ચૂકી છે. આવા શબ્દો અયોગ્ય, આઘાતજનક અને નિરુપયોગી છે.

તો કૉંગ્રેસ નેતા મનીષ દોશી કહે છે, "હું પ્રામાણિક પ્રમાણે માનું છું કે જાહેરજીવનમાં રહેનાર વ્યક્તિએ પ્રચાર હોય કે અન્ય બાબત હોય ભાષાનો સંયમિતપણે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ એ વાત પણ સત્ય છે કે ભાજપના લોકો વારંવાર સંસ્કારની ઠેકેદારી કરે અથવા સંસ્કૃતિની વાતો કરે, પણ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માટે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરે છે."

અર્જુન મોઢવાડિયાના નિવેદન અંગે ચોખવટ કરતા મનીષ દોશી કહે છે, "ભાજપના નેતાઓ જે પ્રકારની ભાષાનો પ્રયોગ સતત કરે છે એની પ્રતિક્રિયા હોઈ શકે છે."

ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રશાંત વાળાએ કહ્યું છે, "કૉંગ્રેસ નેતાઓની ભાષા અશોભનીય, બિનસંસદીય છે. નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે અને તેમના માટે આ પ્રકારની ભાષા વાપરવી કૉંગ્રેસની માનસિકતા છે."

તેઓ કહે છે, "આ પહેલાં મણિશંકર ઐયર, સોનિયા ગાંધી, દિગ્વિજય સિંહ આ પ્રકારના હલકી કક્ષાના શબ્દોનો ઉપયોગ કરી ચૂક્યાં છે."


'ભાષાકીય ગરિમા ઓળંગવું સાધારણ વાત'

Image copyright AFP

આ પ્રકારનો ચૂંટણીપ્રચાર શું સૂચવે છે?

વરિષ્ઠ પત્રકાર ઉર્વીશ કોઠારી કહે છે કે અસલ મુદ્દા ન હોય ત્યારે નેતાઓ આ પ્રકારની ભાષા વાપરે છે. નેતાઓ જાણે છે કે આ પ્રકારની ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ પરંતુ તેઓ જુએ છે કે મોટા નેતાઓ પણ આ રીતે ભાષાગરિમા ઓળંગી રહ્યા છે.

ત્યારે મનીષી જાની કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 'મિયાં મુશર્રફ'વાળાં નિવેદનો આપ્યાં હતાં અને તેઓ વડા પ્રધાનપદ સુધી પહોંચ્યા એટલે રાજકીય નેતાઓ સામે આ ઉદાહરણ છે.

ઉર્વીશ કોઠારી કહે છે કે વિચારવાનું એ છે કે નેતાઓ વોટ માટે આવો પ્રચાર કરે છે, કારણ કે તેઓ સમજતા હશે કે આ પ્રકારની ભાષા લોકો ચલાવી લે છે. જો મતદારો કડક સંદેશ આપે કે આ સ્વીકાર્ય નથી તો નેતાઓને થોભવું પડે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો