'મદમસ્ત હાથી' જેવી ભારતની ચૂંટણીમાં શું છે ખાસ?

  • સૌતિક બિશ્વાસ
  • બીબીસી સંવાદદાતા
મોદી

ઇમેજ સ્રોત, AFP

બે દિવસ પછી એટલે કે 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે જેમાં ગુજરાત સહિત 14 રાજ્યોની 115 લોકસભા બેઠકો માટે લોકો મત આપશે.

નવી લોકસભા એટલે કે, સંસદના નીચલા ગૃહ માટે મતદાનની પ્રક્રિયા 11 એપ્રિલે શરૂ થઈ હતી જે 19 મે સુઘી અલગ-અલગ તબક્કામાં ચાલશે.

23મેના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે.

ભારતમાં આ વખતે 90 કરોડ મતદાતા છે જેને કારણે આ ચૂંટણીને સૌથી મોટી માનવામાં આવી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીનો સામનો મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ અને કેટલાક સ્થાનિક પક્ષો સાથે છે.

ચૂંટણીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ભારતના સૌથી વધુ વસતી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના બે શક્તિશાળી પ્રતિદ્વંદી પક્ષોએ ભાજપ વિરુદ્ધ ગઠબંધન કર્યુ છે.

લોકસભાની 543 બેઠકો પર મતદાન થાય છે અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને ઓછામાં ઓછા 272 સાંસદોની જરૂર હોય છે.

ત્યારે એવી કઈ બાબતો છે જે ભારતની આ ચૂંટણીને ખાસ બનાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

1. ભારતીય ચૂંટણીઓમાં બધું જ 'વિશાળ' હોય છે

ઇમેજ સ્રોત, AFP

ભારતની સામાન્ય ચૂંટણીઓ સાથે સંકળાયેલી દરેક વાત બહુ મોટી હોય છે.

'ઇકૉનૉમિસ્ટ' મૅગેઝિને એક વખત તેની તુલના એક 'મદમસ્ત હાથી' સાથે કરી હતી જે એક લાંબી દુર્ગમ યાત્રા પર ચાલ્યો જાય છે.

આ વખતે 18 વર્ષ અને તેથી વધુ ઉંમર ધરવતા 90 કરોડ લોકો મતદાનમથક પર પોતાના અધિકારનો ઉપયોગ કરશે.

મતદાતાઓની આ સંખ્યા યૂરોપ અને ઑસ્ટ્રેલિયાની કુલ વસતી કરતાં પણ વધારે છે.

ભારતના લોકો ઉત્સાહી મતદાતાઓ છે. 2014ની ચૂંટણીમાં 66 ટકા લોકોએ મતદાન કર્યું હતું આ આંકડો 1951ની પ્રથમ ચૂંટણીની સરખામણીએ 45 ટકા વધારે છે.

2014માં 464 પક્ષોના 8250થી વધુ ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો હતો. પ્રથમ ચૂંટણીની સરખામણીએ આ સંખ્યા સાત ગણી હતી.

2. લાંબો સમય

11 એપ્રિલે પહેલા ચરણનું અને 18 એપ્રિલના રોજ બીજા ચરણનું મતદાન થયું હતું.

તારીખ 23 એપ્રિલ, 29 એપ્રિલ, 6 મે, 12 મે અને 19મેએ આગળના ચરણનું મતદાન થશે.

ઘણાં રાજ્યોમાં એક કરતાં વધુ ચરણમાં મતદાન થશે.

1951-52માં ભારતમાં થયેલી પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂરી થતા ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો.

1962થી લઈને 1989ના વર્ષમાં 4થી 10 દિવસમાં ચૂંટણી પૂરી કરવામાં આવી હતી.

1980માં યોજાયેલી ચૂંટણી માત્ર ચાર દિવસમાં પૂરી થઈ હતી જે સૌથી ટૂંકા ગાળામાં પૂરી થયેલી ચૂંટણીનો રેકર્ડ ધરાવે છે.

ભારતમાં ચૂંટણી પ્રક્રિયા ઘણી લાંબી હોય છે કારણ કે મતદાનમથકની સુરક્ષાની પણ વ્યવસ્થા કરવી પડે છે.

ઘણી વખત સ્થાનિક પોલીસ કોઈ રાજકીય પક્ષ તરફ ઢળેલી હોય છે, તેથી કેન્દ્રિય સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવે છે.

3. બહુ ખર્ચ થાય છે

ઇમેજ સ્રોત, AFP

ભારતના 'સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ'નું અનુમાન છે કે પાર્ટીઓ અને તેમના ઉમેદવારે વર્ષ 2014ની ચૂંટણીઓમાં 5 બિલિયન ડૉલર એટલે કે લગભગ 345 અબજ રૂપિયા ખર્ચ્યા હતા.

અમેરિકાની થિંક ટૅંક 'કાર્નેજ એંડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસ'ના સાઉથ એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર અને સીનિયર ફેલો મિલન શ્રીવાસ્તવ કહે છે, "એ કહેવું અતિશ્યોક્તિ નહીં હોય કે આ વર્ષે આ ખર્ચ બેવડો થઈ જશે."

ભારતમાં રાજકીય દળોને ભલે પોતાની આવક જાહેર કરવાની હોય છતાં તેમના ફંડિંગ મામલે પારદર્શિતા હોતી નથી.

ગયા વર્ષે વડા પ્રધાન મોદીની સરકારે ઇલેક્ટોરલ બૉન્ડ બહાર પાડ્યા હતા. તેના દ્વારા ઉદ્યોગ અને કારોબારી તેમજ સામાન્ય લોકો પોતાની ઓળખ આપ્યા વિના દાન આપી શકે છે.

દાતાઓએ બૉન્ડ દ્વારા 150 મિલિયન ડૉલર એટલે કે લગભગ 10 અબજ 35 કરોડ રૂપિયાનું દાન આપ્યુ અને રિપોર્ટ્સ અનુસાર તેમાંથી મોટા ભાગની રકમ ભાજપને મળી છે.

4. મહિલોના હાથમાં સત્તાની ચાવી?

ભારતમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં મત આપે છે. આ સંખ્યા એટલી વધુ છે કે પહેલી સામાન્ય ચૂંટણી હશે જેમાં મહિલાઓ પુરુષોની સરખામણીએ વધુ મતદાન કરશે.

2014માં જ્યારે મહિલા મતદારોની સંખ્યા 65.3 ટકા અને પુરુષ મતદોની સંખ્યા 67.1 ટકા હતી ત્યારે મહિલા અને પુરુષ મતદાતાઓ વચ્ચેનું અંતર ઘટી ગયું હતું.

રાજકીય પક્ષો મહિલાઓનું મહત્ત્વ સમજ્યા છે અને તેમને વધુ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે જેમ કે શિક્ષણ માટે લૉન, મફત ગૅસ સિલિન્ડર અને છોકરીઓને સાઇકલ.

5. બધુ જ મોદી પર કેન્દ્રિત

ઇમેજ સ્રોત, Getty Images

2014માં મોદીએ ભાજપ અને તેમના સમર્થકોને ઐતિહાસિક જીત અપાવી.

ભાજપ જે 428 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો, તેમાંથી 282 બેઠકો જીત્યો હતો.

1984 બાદ પ્રથમ વખત આવી તક મળી હતી કે કોઈ પક્ષે એકલા જ પૂર્ણ બહુમતી મેળવી હોય.

આ મોટી જીતનો શ્રેય ભ્રષ્ટાચાર મુક્ત 'અચ્છે દિન' લાવવાનો વાયદો કરનાર નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો. તેમનામાં પોતાને મહેનતુ અને નિર્ણાયક નેતા તરીકે સાબિત કરવાની ક્ષમતા હતી.

તેઓ પોતાના વાયદાઓ પૂરા કરવામાં સારું પ્રદર્શન ન કરવા છતાં પોતાના પક્ષ માટે મત ખેંચનારો ચહેરો છે.

તેમને પાર્ટીમાં અનુશાસિત મશીનરીનું સમર્થન પણ છે, જેમને તેમના વિશ્વાસપાત્ર અને શક્તિશાળી સહયોગી અમિત શાહ ચલાવે છે.

વિશ્લેષકો માને છે કે આ સામાન્ય ચૂંટણી એક રીતે નરેન્દ્ર મોદી માટે જનમતસંગ્રહ છે.

વિપક્ષનું અભિયાન વડા પ્રધાન પર નિશાન તાકવામાં કેન્દ્રિત હશે. તેઓ ધ્રુવીકરણ કરનારા એવા નેતા છે, જેમના ચાહકો અને ટીકાકારો બંને છે.

હાલમાં એવું માનવામાં છે કે સંસદીય ચૂંટણીમાં પણ રાષ્ટ્રપતિ ચૂંટણી જેવો મુકાબલો છે. મત ગણતરી પછી જ ખબર પડશે મોદી લાંબું ટકે તેવી બ્રાન્ડ બની શક્યા કે નહીં.

6. ભારતની જૂની પાર્ટીને ફરી સત્તા પર આવવાની આશા

ઇમેજ સ્રોત, AFP

શું 133 વર્ષ જૂની કૉંગ્રેસ પાર્ટી પતનમાંથી બહાર આવી શકશે?

2014માં પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તેમની બેઠકોની સંખ્યા 2009ની ચૂંટણીની 206 બેઠકોની સરખામણીમાં 44 જ હતી. તેમને 20 ટકાથી પણ ઓછા લોકોએ મતો આપ્યા હતા.

આગામી ચાર વર્ષ સુધી પાર્ટી રાજ્યોની ચૂંટણી સતત હારતી રહી અને પક્ષની સ્થિતી વણસતી જ રહી.

વર્ષ 2018ની મધ્યમાં પહોંચતા કૉંગ્રેસ અને તેમના સહયોગી દળો માત્ર ત્રણ રાજ્યોમાં સરકાર ચલાવી રહ્યાં હતાં જ્યારે ભાજપની સરકાર 20 રાજ્યોમાં હતી.

કૉંગ્રેસ સતત ગગડી રહી હતી, નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી ગણાતા રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર જોક્સ અને હસીનું પાત્ર બની ગયા હતા.

પરંતુ ડિસેમ્બરમાં જાણે પક્ષમાં નવા પ્રાણ પુરાતા હોય તેવું લાગ્યું.

પહેલાંથી વધુ આત્મવિશ્વાસ અને ઊર્જાસભર રાહુલ ગાંધીની કૉંગ્રેસે ઉત્તર ભારતનાં ત્રણ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળતા મેળવી.

ત્રણમાંથી બે રાજ્યોમાં ભાજપ ઘણાં વર્ષથી સત્તા પર હતું તેથી સરકાર વિરોધી લહેરને તેનું કારણ ગણાવામાં આવે છે.

પરંતુ રાહુલ ગાંધી અને તેમના પક્ષના કાર્યકર્તાઓ પાસેથી તેનું શ્રેય ન છીનવી શકાય.

સ્પષ્ટ છે કે કૉંગ્રેસની અંદર ફરી જૂનો જાદુ આવી ગયો છે. રાહુલ ગાંધીએ પોતાને નરેન્દ્ર મોદી સામે એક ખૂલા વિચારો વાળા અને સર્વ સમાવિષ્ટ નેતા તરીકે રજૂ કર્યા છે.

પછી એક આશ્ચર્યજનક રીતે પ્રિયંકા ગાંધીને અધિકૃત રીતે પાર્ટીમાં સક્રીય કરીને પાર્ટીમાં નવો જીવ ફૂંક્યો.

આ રીતે કૉંગ્રેસના ફરી ઊભા થવાથી વિપક્ષમાં ઉત્સાહ આવી ગયો છે. તેથી 2019ની હરિફાઈ પહેલાંનાં અનુમાનો કરતાં વધુ અઘરી થઈ ગઈ છે.

7. અર્થવ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images

મોદીના શાસનમાં એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પોતાની ગતિ ગુમાવતી જણાય છે.

ખેતીનું પ્રમાણ અને ઉત્પાદનની કિંમત ઘટવાથી ખેતીથી થતી આવક સ્થગિત થઈ ગઈ છે. તેનાથી ખેડૂતો દેવાદાર બની ગયા અને તેમની નારાજગી વધતી ગઈ.

2016માં લેવામાં આવેલો નોટબંધીનો વિવાદાસ્પદ નિર્ણય જટિલ તો હતો જ સાથે તેનો યોગ્ય અમલ પણ થયો નહીં.

લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જીએસટી નુકસાનકારક સાબિત થયો જેમાં અનેક લોકોએ રોજગારી ગુમાવી.

નિકાસ ઘટી ગઈ, બેરોગજગારી વધી ગઈ અને મોદી સરકાર પર નોકરીઓના ડેટા છૂપાવવાનો પણ આરોપ છે.

એવું જ નહીં, ભારતમાં ઘણી સરકારી બૅન્કોની સ્થિતી કરજદારોએ લૉન ન ચૂકવવાને કારણે ડૂબવાના આરે આવી ગઈ, છતાં મોંઘવારી નિયંત્રણમાં છે.

સરકારના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે. આ નાણાકીય વર્ષમાં જીડીપીની ગતિ 6.8 ટકા રહેવાની શક્યતા છે.

પરંતુ એ વાતમાં પણ તથ્ય છે કે લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે ભારતે જીડીપીનો દર 7 ટકાથી વધુ રાખીને આગળ વધવુ પડશે.

મોદીએ કહ્યું કે અર્થવ્યવસ્થામાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ ચૂંટણી નક્કી કરશે કે તેના માટે જનતા સરકારને વધુ સમય આપવા તૈયાર છે કે નહીં.

8. જનતાને રીઝવવાની હોડ

ઇમેજ સ્રોત, EPA

અર્થશાસ્ત્રી રાથિન રૉય કહે છે કે ભારત 'વિકાસ પર ધ્યાન આપનારા દેશમાંથી વળતર આપનારો દેશ' બનવા તરફ આગળ વધી રહ્યો છે, જ્યાં સરકાર પોતાની વ્યવસ્થાની ખામીઓ છૂપાવવા માટે જનતાનાં ખિસ્સા રોકડથી ભરી રહી છે.

તેનું પરિણામ છે પૉપ્યુલિઝમ એટલે કે જનતાને રીઝવવાની હોડ.

મોદી સરકારે ખેડૂતો માટે 'ડાયરેક્ટ કૅશ ટ્રાન્સ્ફર' અને દેવા માફીની જાહેરાત કરી. કહેવાતી ઊંચી જાતિઓ અને અન્ય ધર્મ માટે અનામતનું પણ વચન આપ્યું.

સામે રાહુલ ગાંધીએ એવી યોજનાનું વચન આપ્યું છે કે જેના અંતર્ગત સરકાર બને તો તેઓ ગરીબોની લઘુતમ આવક નક્કી કરશે.

અન્ય લોકો મતદારોને ટીવી અને લૅપટોપ જેવાં વચનો આપે છે. જોકે, એ વાતની કોઈ ખાતરી નથી કે આવાં પ્રલોભનો આપવાથી મત મળશે જ.

9. રાષ્ટ્રવાદ બાજી પલટી શકે છે

ઇમેજ સ્રોત, AFP

ટીકાકારો કહે છે કે મોદીના રાષ્ટ્રવાદના પ્રદર્શન અને પાર્ટીની બહુમતીની રાજનીતિના કારણે ભારત ઊંડા વિભાજનવાળો અશાંત દેશ બની ગયો છે.

જોકે, તેમના સમર્થકોનું કહેવું છે કે મોદીએ પોતાના આધારને વધુ મજબૂત કર્યો છે અને તેમાં ઊર્જા ભરી છે.

તેમનું કહેવું છે કે રાજકીય હિંદુત્વના મુદ્દે શરમ અનુભવવાની કોઈ જરૂર નથી કારણ કે ભારત 'એક રીતે હિંદુઓનું રાષ્ટ્ર તો છે.'

કમનસીબે રાષ્ટ્રવાદના અતિ પ્રચારે કટ્ટરપંથી તથા દક્ષિણપંથી જૂથોને ગાયની તસ્કરી કરવાની શંકાના આધારે મુસ્લિમોનાં લિંચિંગ માટે પ્રોત્સાહન આપ્યું છે.

હિંદુઓ ગાયને પવિત્ર માને છે. પશુવધ અટકાવતા કાયદાના કડક અમલના કારણે ગાય પણ ધ્રુવીકરણ કરનારું પ્રાણી બની ગઈ છે.

કટ્ટરપંથી હિંદુવાદના ટીકાકારોને દેશદ્રોહી કહેવામાં આવે છે. અસહમત થતા લોકો સામે લાલ આંખ કરવામાં આવે છે.

ઘણા લોકો કહે છે, "ભારતના 17 કરોડ મુસ્લિમો 'અદૃશ્ય' લઘુમતી બની ગયા છે. નીચલા ગૃહમાં ભાજપના એક પણ સાંસદ મુસ્લિમ નથી. 2014માં સાત મુસ્લિમ ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા અને તે દરેક હારી ગયા હતા."

10. પાકિસ્તાન પર હુમલો અને મોદીની છબી

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર થયેલા ઘાતક હુમલા પછી ફેબ્રુઆરી મહિનાના અંતમાં ભારત અને પાકિસ્તાન તરફથી એકબીજા પર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.

તેનાથી કહેવાતી રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ.

મોદીએ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે પાકિસ્તાનમાં રહેલા ઉગ્રવાદી જૂથોએ ભારત પર એક હુમલો કર્યો અથવા કરાવ્યો, તો ભારત તેના પ્રતિસાદમાં કાર્યવાહી કરવાથી પાછળ હટશે નહીં.

એ સ્પષ્ટ થઈ ગયું હતું કે મોદી રાષ્ટ્રિય સુરક્ષાને પોતાનો ચૂંટણી પ્રચારનો મુદ્દો બનાવશે.

જોકે, તે કામ કરશે કે નહીં તે અંગે હાલ કંઈ કહી શકાય નહીં. વિપક્ષ આ મુદ્દે હજુ કોઈ ઉપાય લઈને આવ્યો નથી.

શું રાષ્ટ્રવાદના ઊભરામાં એટલી તાકાત છે કે તે બાકીના મુદ્દાઓને ગૌણ સાબિત કરી શકે અને મોદી માટે મત ખેંચી શકે?

11. મેદાન-એ-જંગ નક્કી કરશે ચૂંટણીનું પરિણામ

ઇમેજ સ્રોત, AFP

ઉત્તર ભારતના રાજ્ય ઉત્તર પ્રદેશનો ભારતના રાજકારણ પર ઊંડો પ્રભાવ છે.

દર છમાંથી એક ભારતીય ત્યાં રહે છે અને આ રાજ્યમાંથી 80 સાંસદો ચૂંટાય છે. તે સામાજિક રીતે ભારતનું સૌથી વધુ વિભાજીત રાજ્ય પણ છે.

2014માં ભાજપે અહીં 80માંથી 71 બેઠકો પર જીત મેળવી હતી.

છેલ્લી ચૂંટણીમાં મોદી લહેર અને તેમના પક્ષ દ્વારા બનાવવામાં આવેલા ઇન્દ્રધનુષી ગઠબંધને સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી જેવા શક્તિશાળી પક્ષોના હરાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી.

બસપા પ્રમુખ માયાવતીએ પોતાના વિરોધી પક્ષ સપાના અખિલેશ યાદવ સાથે હાથ મિલાવ્યો છે જે આંશિક રૂપે સમાજવાદી છે.

બનંને અપેક્ષા છે કે તેઓ 50 બેઠકો જીતીને ભાજપને દિલ્હીના સત્તા પર આવતા રોકશે.

આ તક જોઈને બનાવવામાં આવેલું ગઠબંધન છે, જેમાં કડવી દુશ્મની મીઠાશભરી દોસ્તીમાં બદલાઈ ગઈ છે.

પરંતુ આ ગઠબંધન યૂપીમાં ભાજપને ઝટકો આપી શકે છે. ભાજપની આશાઓ હવે મોદી પર રહેલી છે કે તેઓ કઈ રીતે આ ગઠબંધનની અસરને દૂર કરશે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો