એ ગામ કે જ્યાં દારૂને કારણે મહિલાઓ વિધવા બની ગઈ

બ્રામ્બે ગામ Image copyright RAVI PRAKASH/BBC

27 વર્ષનાં ચુમાની ઉરાંવ વિધવા છે. તેમના પતિ બજરંગે આત્મહત્યા કરી લીધી, કારણ કે ચુમાનીએ તેમને દારૂ પીવાની મનાઈ કરી હતી.

હવે ચુમાની પતિ બજરંગની યાદના સહારે કપરી સ્થિતિમાં જિંદગી જીવી રહી છે. તે પાંચ વર્ષની દીકરી સાથે બ્રામ્બ ગામમાં રહે છે.

આ તેમની સાસરી (પતિનું ગામ) છે. ચુમાનીએ વિચાર્યું નહોતું કે દારૂને લઈને થયેલી સામાન્ય બોલાચાલી તેની જિંદગીને બરબાદ કરી નાખશે.

હાલમાં તેમણે સૅન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ઝારખંડમાં પટાવાળાની નોકરી શરૂ કરી છે, જેથી દીકરી અને સાસુ-સસરા સાથે ગુજરાન ચલાવી શકે.

ચુમાની અને બજરંગ માત્ર આઠ વર્ષ સાથે રહ્યાં, પરંતુ હવે ચુમાનીને પતિની ખોટ જીવનભર સાલશે.

ચુમાની બ્રામ્બે ગામની એ વિધવાઓમાંની એક છે જેમના પતિનું મૃત્યુ દારૂને કારણે થયું હોય.


ચુમાની જેવી અન્ય મહિલાઓ

Image copyright RAVI PRAKASH/BBC

રાંચીથી 25 કિમી દૂર રાંચી-લોહરદગા હાઇવે પર આવેલા બ્રામ્બે ગામમાં અંદાજે 900 ઘર છે. ગામમાં અંદાજે 200 ઘર એવાં છે જેમાં વિધવાઓ છે. જેમનાં વૈધવ્યનું કારણ દારૂ છે.

અમારી મુલાકાત આ ગામનાં સોહાદ્રા તિગ્ગા, વિશુન દેવી, સુકરી ઉરાઈન, મહી ઉરાઈન, સુકરુ તિગ્ગા વગેરે સાથે થઈ.

આ મહિલાઓના પતિનાં મૃત્યુ દારૂને કારણે થયાં છે. અમુક નશાની હાલતમાં દુર્ઘટનાનો શિકાર બન્યા, તો અમુકે બીમારીના કારણે જીવ ગુમાવ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

દારૂ પીધા બાદ...

Image copyright RAVI PRAKASH/BBC
ફોટો લાઈન ચુમાની ઉરાંવ

વિશુન દેવી કહે છે, "તેઓ ખૂબ દારૂ પીને ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં પડ્યા ને મરી ગયા."

"કલાકો બાદ કોઈએ તેમને રસ્તે પડેલા જોયા ત્યારે ઘરે લવાયા. હવે હું મારી ત્રણ દીકરી અને બે દીકરાનાં ભરણપોષણ માટે મજૂરી કરું છું."

સુકરુ કહે છે કે તેમના પતિએ ખાવાપીવાનું છોડી દીધું હતું. દારૂને કારણે તેમને દવા પીવામાં પણ તકલીફ પડતી હતી. આખરે તેમનું મૃત્યુ થઈ ગયું.

બીજી તરફ મહી ઉરાઈનના પતિ સુગના ઉરાંવને ઊલટીઓ થતી હતી. તેમને હૉસ્પિટલ લઈ ગયા પણ બચી ન શક્યા.


દારૂને કારણે 200 લોકોનાં મૃત્યુ

Image copyright RAVI PRAKASH/BBC

માંડરના બીડીઓ વિષ્ણુદેવ કચ્છપે બીબીસીને જણાવ્યું કે બ્રામ્બેમાં યુવાન લોકોનાં મૃત્યુનું મુખ્ય કારણ દારૂ છે.

તેઓ કહે છે, "અમે જાગરૂકતાના ઘણા કાર્યક્રમો ચલાવ્યા છે અને લોકોને સ્વરોજગાર સાથે પણ જોડવાની યોજના બનાવી છે."

બ્રામ્બેના સરપંચ જયંત તિગ્ગા પણ આ મુદ્દે ચિંતિત છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "ગામમાં 200 લોકોથી પણ વધુનાં મૃત્યુ દારૂને કારણે થયાં છે. છતાં પણ લોકોમાં દારૂનું વ્યસન ઘટવાને બદલે વધતું જાય છે. આ ચિંતાજનક છે."

મહુડાનો દારૂ

Image copyright RAVI PRAKASH/BBC
ફોટો લાઈન જયંત તિગ્ગા

વિષ્ણુદેવ કચ્છપે જણાવ્યું, "બ્રામ્બે પંચાયત તરફથી લગભગ 200 વિધવાઓને પેન્શન આપવામાં આવે છે અને કેટલીક અરજીઓ પૅન્ડિંગ છે."

"5 હજારની વસતી ધરાવતું એ મોટું ગામ છે. ત્યાં આદિવાસીઓની વસતી વધુ છે, જેમાં પુરુષો અને મહિલાઓ પણ દારૂ પીવે છે. એટલા માટે પણ સ્થિતિ ખરાબ છે."

જયંત તિગ્ગા કહે છે, "મારા ગામના મોટા ભાગના લોકો મહુડાનો દારૂ પીવે છે. તેને બનાવવા યુરિયાનો ઉપયોગ થાય છે જે હાનિકારક છે અને તેનાથી શરીરને પણ અસર થાય છે."

"ગરીબીને કારણે લોકોને પૌષ્ટિક આહાર પણ મળતો નથી અને દારૂ શરીરને ખોખલું કરી રહ્યો છે. તેથી 40-45 વર્ષની ઉંમરના લોકોનું મૃત્યુ દારૂને કારણે થાય છે."

દારૂની લત છૂટતી કેમ નથી?

Image copyright RAVI PRAKASH/BBC

બ્રામ્બેથી થોડા કિમી દૂર માંડર સ્થિત નશામુક્તિ તથા પરામર્શકેન્દ્રનાં નિદેશક સિસ્ટર અન્ના બાર્કે જણાવે છે કે બ્રામ્બેમાં જાગરૂકતાના ઘણા કાર્યક્રમો ચલાવવામાં આવે છે.

"લોકો દારૂ છોડી દે છે પણ ફરીથી પીવાનું શરૂ પણ કરી દે છે, કારણ કે મહુવાનો દારૂ તેમની કમાણીનો હાથવગો રસ્તો છે."

"ત્યાંના આદિવાસીઓ મહુવાનો દારૂ બનાવે છે અને વેચે છે. તેનાથી તેમને ઘણી કમાણી થાય છે."

છેલ્લાં 19 વર્ષથી નશામુક્તિ માટે કામ કરતાં સિસ્ટર અન્ના બાર્કે અનુસાર, સારવારથી દારૂની લત છોડી શકાય છે પરંતુ ડર એ વાતનો હોય છે કે સારું થયા બાદ લોકો ફરીથી દારૂ પીવાનું શરૂ ન કરી દે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો