ભારતના આ 'પાકિસ્તાન'માં નથી સડક, શાળા કે દવાખાનું

કિરાણાની દુકાન ચલાવતા નેહા Image copyright SEETU TIWARI/BBC

ન તો કોઈ નેતા આવે છે ન તો કોઈ સરકારી અધિકારી. મુખી પણ ક્યારેય નથી આવતા. બસ મીડિયાવાળા આવે છે અને ફોટો પાડીને જતા રહે છે.

ખોળામાં એક વર્ષના બાળક સાથે દુબળા પાતળા નેહા એક જ સૂરમાં બોલી રહ્યાં છે. તેઓ એમની એક નાનકડી કરિયાણાંની દુકાનમાં ઊભાં છે.

એમની દુકાનમાં અભિનેતા અમિતાભ બચ્ચનની તસવીરવાળા લાલ જુબાન ચુરણ નામની ગુલ (જૂનવાણી લોકોની એક પ્રકારની ટૂથપૅસ્ટ જેમાં નશો પણ હોય છે)થી લઈને રોજબરોજનો જરુરી નાનો-મોટો સામાન છે.

જી હા, ભારતમાં આજકાલ પાકિસ્તાનના ઉલ્લેખમાત્રથી લોકોના ભવાં તણાઈ જાય છે પરંતુ આ જ દેશમાં પાકિસ્તાન નામની એક જગ્યા પણ છે.


કયાં છે પાકિસ્તાનનું ભારત

Image copyright SEETU TIWARI/BBC

બિહારના પૂર્ણિયા જિલ્લાના મુખ્યમથકથી 30 કિલોમીટર દૂર શ્રીનગર પ્રખંડની સિંધિંયા પંચાયતમાં પાકિસ્તાન ટોલા (ટોલા એટલે નાનું ગામ) છે. 350 મતદારો ધરાવતા આ આ ગામની કુલ વસતિ 1200 છે.

આ નાનકડા ગામનું નામ નામ પાકિસ્તાન કેવી રીતે પડ્યુ એનો ચોક્કસ જવાબ કોઈ પાસે નથી.

ગામના વડીલ યદૂ ટુડુ કહે છે કે, અહીં પહેલા પાકિસ્તાની રહેતા હતા. આઝાદી પછઈ એમને સરકારે બીજે સ્થળે મોકલીને વસાવ્યા. પછી અમારા પૂર્વજો અહીં આવીને વસ્યા પરંતુ પહેલા અહીં પાકિસ્તાની રહેતા હતા એટલે બાપ-દાદાઓએ એ જ નામ રહેવા દીધું. કોઈએ નામ બદલ્યુ નહીં અને આસપાસના ગામોને પણ એની સામે કોઈ વાંધો નહોતો.

પાકિસ્તાની ટોલામાં સંથાલી આદિવાસીઓ રહે છે જેઓ હિન્દુ ધર્મનું પાલન કરે છે. અહીં ગામમાં અનેક સ્થળે તમને માટીથી લીંપેલો દોઢેક ફૂટ ઊંચો ચબૂતરા જોવા મળે છે જેના પર નાના-નાના બે શિવલિંગવાળા ઇશ્વર દેખાય છે પરંતુ એના પર કોઈ રંગ લગાવવામાં નથી આવેલો.

તૂટક હિન્દી બોલનારા આ સંથાલી પરિવારો ખેતી અને મજૂરી પર ગુજરાન ચલાવે છે. ખરેખર તો આ સમગ્ર વિસ્તાર શહેરી વસતિથી સાવ નોખો છે. પાકિસ્તાની ટોલાને બહારની વસતિ સાથે એક પુલ જોડે છે જે એક સુકાયેલી નદી પર બનેલો છે.

શ્રીનગર પ્રખંડના સ્થાનિક પત્રકાર ચિન્મયા નંદ સિંહ કહે છે કે ઓમૈલીના ગૅઝટમાં એ વાતનો ઉલ્લેખ છે કે મૂલ કોસી નદી જે હવે સુપૌલથી વહે છે તે 16મી સદીમાં અહીંથી વહેતી હતી. એ જ નદીને આજે આપણેકારી કોસી કહીએ છીએ. નદીને લીધે આ વિસ્તાર એક બિઝનેસ પૉઇન્ટ પણ હતો. ચનકા પંચાયત અને પાકિસ્તાન ટોલા વચ્ચે મોટાપાયે કાપડનો વેપાર થતો હતો. પછી નદી સુકાતી ગઈ તો લોકો એના પર ખેતી કરવા લાગ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?


સડક, શાળા કે હોસ્પિટલ કંઈ નથી અહીં

Image copyright SEETU TIWARI/BBC

પાકિસ્તાની ટોલામાં સરકારની કોઈ યોજના નથી દેખાતી. ધંધે ડ્રાઇવર એવા અનૂપ લાલ ટુડુ પાંચ ધોરણ ભણ્યા છે. 30 વર્ષીય અનૂપ કહે છે બધા ગામોમાં કંઈને કંઈ સરકારી ચિહ્નો છે પરંતુ અમારે અહીં આંગણવાડી, સ્કૂલ, કંઈ નથી કેમકે અમારા ગામનું નામ પાકિસ્તાન છે.

તેઓ સવાલ કરે છે અમારો જન્મ તો પૂર્ણિયા જિલ્લામાં થયો છે. આ ગામનું નામ પાકિસ્તાન છે તો એમાં અમારો શું વાંક છે?

મનીષા પણ અનૂપની જેમ જ નારાજ છે. 16 વર્ષીય મનીષા ભણવા માગે છે પરંતુ આ વિસ્તારમાં કોઈ શાળા નથી.

બપોરનું ભોજન બનાવી રહેલા મનીષા કહે છે, દરરોજ બે કિલોમીટર ચાલીને સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો પણ એ પછી નજીકમાં શાળા ન હોવાથી અભ્યાસ છૂટી ગયો. આ રીતે બધી છોકરીઓ ભણવાનું છોડી દે છે. અહીં દવાખાનું કે રોડ પણ નથી. કોઈ માંદુ પડે તો રસ્તામાં જ મરી જશે.

પાકિસ્તાન ગામ શ્રીનગર પ્રખંડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી 12 કિલોમીટર દૂર છે. આ દરમિયાન વચ્ચે જે ઉપઆરોગ્ય કેન્દ્ર છે તેમાં આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ નથી એમ સ્થાનિક લોકોનું કહેવું છે. આ ઉપરાંત ગામમાં સડક પણ નથી.

જોકે, અહીં સડક બનાવવા માટે સરકાર તરફથી ભંડોળ આપવામાં આવ્યું છે પરંતુ હજી સુધી સડકના કામ માટે એક કોડી પણ ખર્ચવામાં આવી નથી.

આના કારણ વિશે સિંધિયા પંચાયતના મુખી ગંગા રામ ટુડુ કહે છે કે મનરેગા હેઠળ જે જગ્યાએ સડક માટે માટી પુરાણનું કામ કરવાનું હતું એ સરકારી જમીન નથી, તે એક વ્યકિતની માલિકીની છે એના લીધે કામ અટકી ગયું છે.


ટીવી નથી એટલે લોકો પ્રેમથી રહે છે

Image copyright SEETU TIWARI/BBC

સ્થાનિક લોકો કહે છે પાકિસ્તાન ટોલાના આ નામને લઈને મીડિયામાં ચર્ચા 2006ની આસપાસ શરું થઈ હતી. ત્યારથી આ ગામમાં સ્થાનિક મીડિયાની અરજવર રહે છે. ગામમાં 30 ઘર છે પરંતુ સરેરાશ પાંચ ધોરણનો અભ્યાસ કરનારા આ સંથાલી સમાજમાં કોઈને ઘરે અખબાર નથી આવતું. ફકત સરેન્દ્ર ટુડુ નામના એક ખેડૂતને ત્યાં ટીવી બે વર્ષ પહેલા આવ્યું છે.

સુરેન્દ્ર ટુડુ કહે છે, અમે ક્યારેક સમાચાર જોઈએ છીએ. અમને ખબર પડી કે પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા નથી પરંતુ એને અમારા ગામના નામ સાથે શું લેવાદેવા?

સિંધિયા પંચાયતના પૂર્વ મુખી પ્રેમ પ્રકાશ મંડલે કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, ટીવી-અખબાર અહીં નથી આવતા એટલે લોકો પ્રેમથી રહે છે પણ જો આ જગ્યા બીજે ક્યાંક હોત તો આનું નામ બદલવા માટે આંદોલનો થાત.

તમે આ વાંચ્યું કે નહીં?


અજબ-ગજબ નામોની ભરમાર

Image copyright SEETU TIWARI/BBC

પૂર્ણિયા લોકસભા બેઠક માટે બીજા ચરણમાં મતદાન થવાનું છે પંરતુ ગામમાં એને લઈને કોઈ ઉત્સાહ નથી. ગામના તાલેશ્વર બેસરા કહે છે, શું કરવાનું? નેતા આવશે, ખુરસી પર બેસશે પછી અમને લોકોને નાના માણસો ગણીને ભૂલી જશે.

પૂર્ણિયા ભારતના સૌથી જૂના જિલ્લાઓ પૈકી એક છે. 1770માં બનેલા આ જિલ્લામાં આવા અજબ-ગજબ નામોની ભરમાર છે.

પૂર્ણિયા જિલ્લામાં શ્રીનગર, યુરોપિયન કૉલોની, શરર્ણાર્થી ટોલા, લંકા ટોલા, ડકૈતા, પટના રહિકા વગેરે જેવા નામો ધરાવતી જગ્યાઓ છે તો અરરિયા જિલ્લામાં ભાગ મહોબ્બત, કિશનગંજમાં ઇરાની બસ્તી જેવા સ્થળો પણ છે.

લેખક અને બ્લૉગર ગિરીન્દ્ર નાથ ઝા કહે છે સમગ્ર સીમાંચલમાં આપને આવા અનેક નામો મળશે પરંતુ મીડિયાની ફ્રેમમાં પાકિસ્તાન નામ સૌથી વધારે ફિટ બેસે છે એટલે મીડિયા ચૂંટણીમાં પાકિસ્તાન ટોલા જરુર જાય છે. જોકે, એ ગામની હાલત હતી એવીને એવી જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો