બાપુ બોલે તો... ગાંધીજી જનરલ ડાયર કરતાં પણ 'સૌથી ભયંકર અત્યાચારી' કોને ગણતા હતા?

લંડનમાં મહાત્મા ગાંધી Image copyright Getty Images

એપ્રિલ 13ના રોજ જલિયાંવાલા બાગ હત્યાકાંડને સો વર્ષ પૂરાં થયાં. અંગ્રેજી રાજમાં 1857ના સંગ્રામ પછીના સૌથી ભયંકર બનાવ તરીકે જલિયાંવાલા હત્યાકાંડ લોકસ્મૃતિમાં અંકાઈ ગયો છે.

તેના સૂત્રધાર જનરલ ડાયર નિર્વિવાદપણે સૌથી ખૂંખાર વિલનનું સ્થાન ભોગવે છે. પરંતુ ગાંધીજીનાં લખાણોમાં વાંચતાં જરા જુદા દૃષ્ટિકોણથી તે સમયનું આખું દૃશ્ય જોવા મળે છે.

તેમણે એકથી વધુ વાર એવો મત પ્રગટ કર્યો છે કે પંજાબના બીજા અત્યાચારોની સરખામણીમાં જલિયાંવાલા બાગના હત્યાકાંડની 'કંઈ વિસાત નહોતી' (આત્મકથા, નવમી આવૃત્તિ, ઓગસ્ટ, 1952, પૃ.464, 'નવજીવન અને યંગ ઇન્ડિયા') અને જનરલ ડાયર કરતાં વધુ ખતરનાક અફસરો પણ હતા, જેમને નજરઅંદાજ કરવામાં આવ્યા હતા. આખરે, શો મતલબ હતો ગાંધીજીનાં આવાં વિધાનનો?

તમે આ વાંચ્યું કે નહીં?

સત્યાગ્રહ, માર્શલ લૉ અને પંજાબ

Image copyright Getty Images

કાળા કાયદા તરીકે ઓળખાયેલા રૉલેટ કાયદામાં સરકારને મળેલી આપખુદ સત્તા સામે લોકોનો રોષ ભડકી ઉઠ્યો.

ગાંધીજીએ રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહનું એલાન કર્યું, પરંતુ લોકો સત્યાગ્રહની તાલીમ ધરાવતા ન હતા. એટલે લડત તેમના કાબૂની બહાર નીકળીને હિંસક બની.

ગાંધીજીએ તેને પોતાની 'હિમાલય જેવડી ભૂલ' ગણાવી. પંજાબમાં હિંસાખોરીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. સરકારી સંસ્થાઓ ને સંપત્તિ પર હુમલા કરવામાં આવતા અને તેમને આગ ચાંપવામાં આવતી હતી.

કેટલાક સરકારી અફસરો પર અને એક અંગ્રેજ શિક્ષિકા મિસ શેરવૂડ પર લોકોનાં ઉશ્કેરાયેલાં ટોળાંએ હુમલો કર્યો.

આ માહોલમાં પંજાબના લૅફ્ટનન્ટ ગવર્નર માઇકલ ઓ'ડ્વાયરને અને બીજા કેટલાક સત્તાધીશોને 1857ના વિદ્રોહની ગંધ આવી.

તેમને લાગ્યું કે આ હિંસા અંગ્રેજ સત્તા ઉખાડી નાખવાની દિશામાં આગળ વધી રહી છે. એવું કશું ન હતું. પરંતુ એવી શંકા પડ્યા પછી અંગ્રેજ અફસરોએ પંજાબમાં જુદા જુદા ઠેકાણે રહેલાં અંગ્રેજ પરિવારોને સલામત સ્થાનોએ ખસેડ્યાં અને સ્થાનિકો સામે ભારે ક્રૂરતાથી કામ લીધું.

હિંસક બનેલા લોકો હિંસાની ખો ભૂલી જાય અને તેમની પર અભૂતપૂર્વ ધાક બેસી જાય, એ માટે બ્રિગેડિયર જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં ભરાયેલી નિર્દોષોની સભા પર અંધાધુંધ ગોળીબાર કર્યો.

તેમનો ગુનો? બસ, તેમણે સભા નહીં ભરવાના ડાયરના આદેશનું ઉલ્લંઘન કર્યું હતું. કેટલાક ઇતિહાસકારો માને છે કે સભામાં આવેલાં ઘણાં લોકોને, સ્ત્રીઓ-બાળકો-વૃદ્ધોને આવા કોઈ આદેશ વિશે ખબર ન હતી.

Image copyright Getty Images

ધારો કે ખબર હોય ને આદેશનો ભંગ કરીને તે સભામાં આવે, તો પણ આ રીતે લોકોને મારી નાખવાના ઇરાદે કરાયેલો ગોળીબાર કોઈ પ્રકારે વાજબી ઠેરવી ન શકાય—લશ્કરી શિસ્ત મુજબ પણ નહીં.

પણ ડાયર ધાક બેસાડવા ઇચ્છતો હતો. એટલે તેણે સીધો લોકો પર ગોળીબાર કરાવ્યો અને ગોળીઓ ખૂટવા આવી ત્યારે ઘાયલોની પરવા કર્યા વિના ચાલતી પકડી.

બે દિવસ પછી પંજાબમાં બાકાયદા માર્શલ લૉ (લશ્કરી કાયદો) કરવામાં આવ્યો, જે લગભગ બે મહિના સુધી (જૂન 11, 1919 સુધી) અમલમાં રહ્યો.

એ દરમિયાન અંગ્રેજ અફસરોએ અને કેટલાક દેશી અફસરોએ પણ ભાન ભૂલીને અત્યાચારો કર્યા.

શિક્ષિકા મિસ શેરવૂડ પર હુમલો થયો હતો એ જગ્યાએથી પસાર થતા લોકોને ચાર પગે ચાલવાની ફરજ પાડવામાં આવતી અને જે વિરોધની કોશિશ કરે તેમને તત્કાળ ફટકા લગાવવામાં આવતા હતા.

જાહેરમાં ફટકા મારવાથી માંડીને કશી અદાલતી કાર્યવાહી વિના, કહેવાતી લશ્કરી અદાલતમાં કામ ચલાવીને લોકોને સજા ફટકારવાનું અને તેમની સંપત્તિ જપ્ત કરવાનું સામાન્ય થઈ પડ્યું.

બે મહિનાના આ સમયગાળામાં પંજાબના લોકોને પરાધીનતાની લાગણી તળે કચડી નાખવામાં આવ્યા.

લોકોમાં એ હદે ધાક બેસી ગઈ કે જૂનના અંતમાં પંડિત મદનમોહન માલવિયા, મોતીલાલ નહેરુ અને સ્વામી શ્રદ્ધાનંદ જેવા નેતાઓ પંજાબમાં થયેલા અત્યાચારોની કડીબદ્ધ વિગતો મેળવવા પહોંચ્યા ત્યારે લોકો તેમની સાથે વાત કરતાં ડરતા હતા. (ગાંધીજીને પંજાબમાં પ્રવેશવા પર મનાઇહુકમ હતો અને એક વાર તેમને ટ્રેનમાંથી અટકાવીને પાછા રવાના કરી દેવાયા હતા.)

જલિયાંવાલા બાગ, ડાયર અને ગાંધીજી

Image copyright Getty Images

પંજાબમાં લશ્કરી કાયદો અને સૅન્સરશીપને કારણે જલિયાંવાલા બાગ હત્યાકાંડના સમાચાર બહારની દુનિયા સુધી મહિનાઓ પછી પહોંચ્યા.

સાથોસાથ બીજા ભયાનક અત્યાચારો અને લોકોને તેમની ગુલામીનો અહેસાસ કરાવતી સજાઓની વાત પણ બહાર પહોંચી.

એ સંદર્ભે ગાંધીજીએ લખ્યું હતું કે 'બેશક ગોળીબાર ભયંકર હતો, નિર્દોષોની જાનહાની શોચનીય હતી, પરંતુ ત્યાર પછી જે રિબામણી, માનહાનિ અને નામર્દ બનાવવાનું નાટક ભજવાયું તે તો એથીય ધારે ખરાબ, વધારે ગણતરીપૂર્વકનું, કિન્નાકોરીભર્યું અને આત્માને હણનારું હતું.

અને આ કૃત્યો કરનારાં પાત્રો જલિયાંવાલા બાગના હત્યારા જનરલ ડાયર કરતાં પણ વિશેષ નિંદાને પાત્ર છે.

જનરલ ડાયરે તો થોડાં શરીરોનો નાશ કર્યો હતો, જ્યારે આ લોકોએ તો એક રાષ્ટ્રના આત્માને હણી નાખવાનો પ્રયાસ કર્યો.' (ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ 18, પૃ.72)

કોણ હતા એ બીજા લોકો? તેમનો ઉલ્લેખ ગાંધીજીએ ઉપરના લેખમાં તો કર્યો, ઉપરાંત બીજે પણ તેમનાં નામ લખ્યાં અને વાઇસરૉયને લખેલા પત્રમાં પણ તેમનો ખાસ ઉલ્લેખ કર્યો.

Image copyright Getty Images

વાઇસરૉયને તેમણે લખ્યું હતું, 'પાંચ અંગ્રેજોનાં ખૂન, મિસ શેરવૂડ ઉપરનો હુમલો તથા લૂંટફાટ અત્યંત શોચનીય અને અનુચિત હતાં, પણ તેની સામે જનરલ ડાયર, કર્નલ ફ્રૅન્ક જૉન્સન, કર્નલ ઓ'બ્રાયન, મિ. બોસ્વર્થ સ્મિથ, રાય શ્રીરામ સુદ, મિ. મલિક ખાન અને બીજા અફસરોએ જે પગલાં લીધાં, તે લોકોના અપરાધને મુકાબલે બધા પ્રકારની હદ બહારનાં અને ક્રૂરતા તથા રાક્ષસીપણામાં આજના જમાનામાં જેનો ક્યાંય જોટો ન જડે એવાં અમાનવીય હતાં.' (ગાંધીજીનો અક્ષરદેહ ખંડ-18, પૃ. 98, વાઇસરૉયને પત્ર)

ગાંધીજીએ ડાયર સિવાયના બીજા અપરાધી અફસરોનાં નામ ગણાવીને એક લેખમાં લખ્યું હતું, 'પંજાબના લોકોનું પહેલું કર્તવ્ય આ લોકોને નોકરીમાંથી રુખસદ અપાવવાનું છે. હજુ પણ તેમને નોકરીમાં ચાલુ રહેવા દેવામાં આવ્યા છે. તેમનો ગુનો જનરલ ડાયરના ગુના જેટલો જ પુરવાર થયેલો છે. જનરલ ડાયરને દોષિત માની લેવામાં આવે તેથી આપણે સંતોષ માનીને બેસી રહીશું અને પંજાબના વહીવટની સાફસૂફી કરવાની ફરજ પ્રત્યે બેદરકાર રહીશું, તો આપણે આપણા કર્તવ્યમાં નિષ્ફળ ગયેલા ગણાઈશું.' (ગાંધીજીનો અક્ષરદેહ, ખંડ 18, પૃ.72)

ત્યાર પહેલાં 'યંગ ઇન્ડિયા'ના એક લેખમાં તેમણે લખ્યું હતું, "જનરલ ડાયર તો ખરાબ છે જ, પરંતુ મિસ્ટર સ્મિથને હું એના કરતાં અનેક ગણો વધારે ખરાબ માનું છું અને એના અપરાધો જલિયાંવાલા બાગની કતલ કરતાં અનેક ગણા ગંભીર છે એમ સમજું છું."

"જનરલ ડાયર નિખાલસપણે એમ માનતા હતા કે ગોળી ચલાવીને લોકોને ભયભીત કરવા એ લશ્કરના સિપાઈને શોભે એવું કામ હતું, પરંતુ મિ. સ્મિથે તો જાણીબૂજીને ક્રૂરતા દાખવી હતી અને બીભત્સ તથા નીચલી કક્ષાનું વર્તન કર્યું હતું."

"જનરલ ડાયરની માફક પોતાનાં કરતૂકો કબૂલ કરવાની એનામાં હિંમત નથી અને જ્યારે એને પડકારવામાં આવે છે ત્યારે તે આમતેમ અમળાઈને છટકવાની કોશિશ કરે છે.' (ગાંધીજીનો અક્ષરદેહ ખંડ-17, પૃ.491, પંજાબીઓનું કર્તવ્ય)

વિશ્લેષણ

Image copyright Getty Images

સામુહિક આઘાત આપતી ઘટના તરીકે જલિયાંવાલા બાગ હત્યાકાંડનું ચોક્કસ વિશેષ મહત્ત્વ છે, પરંતુ સ્વરાજની અહિંસક લડતમાં જીવના બલિદાન કરતાં સ્વમાનની હત્યા તેમને વધારે આકરી લાગી.

આખું પંજાબ જાણે લશ્કરી કાયદા તરીકે કચડાઈ ગયું, પણ લગભગ બે મહિના સુધી લાગલગાટ ચાલેલાં એ અપમાનો, સજાઓ અને સરકારી રાહે થયેલા ગુનાઓની વાત કરવાને બદલે, જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અને તેનો સૂત્રધાર જનરલ ડાયર કેન્દ્રસ્થાને આવી ગયા, ત્યારે ગાંધીજીએ રાષ્ટ્રિય લડતના દૃષ્ટિબિંદુથી હત્યાકાંડને વ્યાપક બનાવોના સંદર્ભે મૂકી આપ્યો અને તેને ભયાનક ગણાવવા છતાં, બીજી ઘટનાઓ અને બીજા ગુનેગારો ભૂલાઈ ન જાય તે માટે સતત કોશિશ કરી.

વક્રતાની વાત એ છે કે બંદૂકની ભાષા અને બેરહમ દમન માટે ખુદ ગાંધીજીએ 'ડાયરિઝમ' (ડાયરશાહી) જેવો શબ્દપ્રયોગ પ્રચલિત કર્યો અને ડાયર સિવાયના અફસરોને ભૂલી જવાની પ્રજાકીય માનસિકતાને ટેકો આપવામાં કંઈક અંશે નિમિત્ત બન્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ