સોનિયા ગાંધી પર 'હિંદુઓમાં ભાગલા પાડવાનો આરોપ' કેટલો સાચો? - ફૅક્ટ ચેક

  • ફૅક્ટ ચેક ટીમ
  • બીબીસી ન્યૂઝ
સોનિયા ગાંધી અને હિંદુઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાન પહેલા કર્ણાટકમાં ભાજપ અને કૉંગ્રેસ પાર્ટી એક વિવાદાસ્પદ પત્રને લઈને એકબીજા સામે લડી રહી છે. જોકે, તે પત્ર ખોટો બતાવવામાં આવી રહ્યો છે.

વિસ્તારના ગૃહમંત્રી એમબી પાટિલે પોલીસને આ પત્રની લેખિત ફરિયાદ કરી છે જેના પર તેમના પોતાના જ હસ્તાક્ષર છે.

એમબી પાટિલે ટ્વીટ કર્યું છે, "આ પત્ર બોગસ છે. મારી સંસ્થાના નામ તેમજ મારા હસ્તાક્ષરનો દુરુપયોગ થયો છે. જેમણે પણ આ પત્ર છાપ્યો છે, હું તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનો છું."

કર્ણાટક સરકારમાં ફરજ બજાવવા સિવાય એમબી પાટિલ બીજાપુર લિંગાયત ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઍસોસિએશન (BLDEA)ના અધ્યક્ષ પણ છે અને આ સંસ્થાના કથિત લેટર પેડ પર છપાયેલો પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામનો પત્ર આ વિવાદનું કારણ બન્યો છે.

મંગળવારની સવાર કર્ણાટક ભાજપના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પરથી આ પત્ર ટ્વીટ કરવામાં આવ્યો હતો.

કર્ણાટક ભાજપે પોતાના ટ્વીટમાં લખ્યું, "કૉંગ્રેસનો પર્દાફાશ. સોનિયા ગાંધીનાં સીધા નિર્દેશ અંતર્ગત સમગ્ર લિંગાયત અને વીરશૈવ લિંગાયત સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ. કૉંગ્રેસ નેતા એમબી પાટિલ દ્વારા સોનિયા ગાંધી દ્વારા લખાયેલો આ પત્ર એ વાતનો ખુલાસો કરે છે કે સોનિયા ગાંધી કર્ણાટકમાં હિંદુ સમાજને કેવી રીતે વિભાજિત કરવા માગતાં હતાં."

તમે આ વાંચ્યું કે નહીં?

પત્રમાં શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Twitter/@BJP4Karnataka

ભાજપ અધ્યક્ષ અમિત શાહની મંગળવારના રોજ કર્ણાટકમાં થયેલી ચૂંટણીસભાના આશરે બે કલાક પહેલા કર્ણાટક ભાજપે આ વિવાદાસ્પદ પત્ર ટ્વીટ કર્યો હતો.

આ પત્ર પર 10 જુલાઈ 2017ની તારીખ છપાયેલી છે. પત્ર ક્રમાંક લખ્યો છે. એમબી પાટિલના હસ્તાક્ષર છે અને પત્રમાં સોનિયા ગાંધી માટે લખવામાં આવ્યું છે :

  • "અમે તમને એ વાતનો વિશ્વાસ અપાવીએ છીએ કે કૉંગ્રેસ પાર્ટી 'હિંદુઓમાં ભાગલા પાડો અને મુસ્લિમોને જોડો'ની નીતિ અપનાવીને 2018ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરશે."
  • "આ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે કૉંગ્રેસ પાર્ટી લિંગાયત અને વીરશૈવ લિંગાયત સમુદાય વચ્ચે વ્યાપ્ત મતભેદોનો ફાયદો ઉઠાવશે."

પરંતુ કર્ણાટક કૉંગ્રેસે તુરંત ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ પત્રનો જવાબ આપ્યો.

તેમણે ટ્વીટ કર્યું કે, "કર્ણાટક ભાજપ પ્રૉપેગૅન્ડા ફેલાવી રહી છે. એ માટે પાર્ટી એક જૂનો પત્ર શોધી લાવી છે કે જે પહેલા જ ખોટો સાબિત કરી દેવાયો છે."

કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ દિનેશ ગુંડૂ રાવે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે ચૂંટણીપંચ સમક્ષ કર્ણાટક ભાજપ દ્વારા કરવામાં આવેલા આ ફેક ટ્વીટની તેઓ ફરિયાદ કરી રહ્યા છે.

2018માં પત્રને 'ફેક' બતાવવામાં આવ્યો હતો

ઇન્ટરનેટ સર્ચથી ખબર પડે છે કે 12 મે 2018ના રોજ કર્ણાટકની વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આ પત્ર સાથે જોડાયેલા ઘણા સમાચાર પ્રકાશિત થયા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે છે ગત વર્ષે પોસ્ટ કાર્ડ ન્યૂઝ નામની એક વેબસાઇટે આ પત્ર છાપ્યો હતો કે જેના સંસ્થાપક મુકેશ હેગડે ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપસર જેલમાં સજા કાપી ચૂક્યા છે.

કૉંગ્રેસ નેતા એમબી પાટિલે 2018માં પણ આ પત્રને બોગસ ગણાવવામાં આવ્યો હતો જ્યારબાદ 'પોસ્ટ કાર્ડ ન્યૂઝ' વેબસાઇટે આ ફેક પત્રને હટાવી દીધો હતો.

પરંતુ ભાજપના ટ્વીટ બાદ આ પત્ર ફરી એક વખત સોશિયલ મીડિયા પર સર્કુલેટ કરવામાં આવી રહ્યો છે.

મંગળવારના રોજ જ્યારે કૉંગ્રેસે ભાજપના ટ્વીટ પર સવાલ ઉઠાવ્યા તો પાર્ટીએ લખ્યું, "જે પત્રમાં એમબી પાટિલે લિંગાયત અને વીરશૈવ લિંગાયત સમુદાયના લોકોને વિભાજિત કરવાની વાત લખી હતી, તેને કન્નનડ સમાચારપત્ર વિજયવાણીમાં છાપવામાં આવ્યો છે. તો શું કૉંગ્રેસનું કહેવું છે કે મીડિયા બોગસ સમાચાર ફેલાવી રહ્યું છે?"

કન્નડ સમાચારપત્રની ભૂમિકા

ઇમેજ સ્રોત, Twitter/@BJP4Karnataka

કન્નડ ભાષાના દૈનિક સમાચારપત્ર વિજયવાણીએ 16 એપ્રિલ 2019ના રોજ પોતાના બધા જ સંસ્કરણોમાં બીજા પેજ પર આ પત્રને છાપ્યો છે.

સમાચારપત્રએ શીર્ષક લખ્યું છે, "એમબી પાટિલે વધુ એક વિવાદ ભડકાવ્યો."

એમબી પાટિલ અને સોનિયા ગાંધીની તસવીરનો તેમાં ઉપયોગ કરાયો ન હતો.

સાથે જ અંગ્રેજીમાં લખાયેલા આ પત્રનું કન્નડ ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું અને પબ્લિશ કરાયું છે.

ઇમેજ સ્રોત, Vijayavani

કર્ણાટકના બેંગલુરુ શહેરમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરૈશીએ જણાવ્યું કે કન્નડ સમાચારપત્ર વિજયવાણી કર્ણાટકના ઘણા શહેરોમાં વંચાય છે.

ઇમરાન કુરૈશીએ જણાવ્યું કે આ વિવાદાસ્પદ પત્ર મે 2018માં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

પરંતુ આ જૂનો પત્ર કે જેને એક વર્ષ પહેલા પણ કૉંગ્રેસે ફેક ગણાવ્યો હતો, તેને વિજયવાણી સમાચારપત્રએ લોકસભા ચૂંટણી માટે 18 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પહેલા ફરી કેમ પ્રકાશિત કરવામાં આવ્યો?

સમાચારપત્રના મેનેજમેન્ટ અને એડિટરે તેનો કોઈ જવાબ અમને આપ્યો નથી. સમાચારપત્રની તરફથી જો અમને કોઈ જવાબ મળે છે તો અમે તેને આ સ્ટોરીમાં જોડીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો