જેટ ઍરવેઝની અંતિમ ફ્લાઈટ આજે રાતે ઊડશે, અનેક લોકોની નોકરી પર સંકટ

જેટ ઍરવેઝ

ઇમેજ સ્રોત, Getty Images

આર્થિક સંકટનો સામનો કરી રહેલી ઍરલાઇન કંપની જેટ ઍરવેઝની છેલ્લી ફ્લાઇટ બુધવારે રાત્રે ઊડશે.

લેણદારોએ બુધવારે જેટ એરવેઝને 400 કરોડ રૂપિયાની 'જીવાદોરી' આપવાનો ઇનકાર કરી દીધો.

જેને પગલે જાન્યુઆરી મહિનાથી મદદની રાહ જોઈ રહી જેટ ઍરવેઝ માટે હવે વિમાનોને થોભાવી દેવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નથી.

જેટ ઍરવેઝના જણાવ્યા અનુસાર લેણદારોના સમૂહે ઍરલાઈન્સને અંતરિમ ફાળો આપવામાં અસમર્થતા દર્શાવી છે.

જેને પગલે જેટ ઍરવેઝે જણાવ્યું કે મહત્ત્વપૂર્ણ સેવાઓ માટે નાણાં ન હોવાને કારણે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય અભિયાનો તાત્કાલિક રૂપે બંધ કરવામાં આવે છે.

સાબરકાંઠામાં નરેન્દ્ર મોદી : મહામિલાવટ અને વંશવાદથી ગુજરાતને બચાવવું પડશે

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદી ચૂંટણીપ્રચાર માટે આજે ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પહોંચ્યા હતા.

અહીં સભામાં મોદીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ગુજરાતને ખેદાન-મેદાન કરવા તેમણે બને તેટલું કર્યું.

મોદીએ હિંમતનગરના લોકોને સંબોધતા કહ્યું, "દિલ્હી જઈને તમારી છાતી ફૂલે એવું કામ કર્યું છે. આજે આખું ગુજરાત મારી પડખે ઊભું છે તે મારી તાકાત છે."

લોકોને સવાલ કરતા મોદીએ કહ્યું કે ગુજરાતને અન્યાય કર્યો હોય તેમને ફરીથી નવી તક આપવી જોઈએ?

મોદીએ એવું પણ કહ્યું કે ભારતને દુનિયાનાં પ્રથમ ત્રણ રાષ્ટ્રોમાં પહોંચાડવાનું લક્ષ્ય છે.

તેમણે વધુમાં કહ્યું, "ગત વર્ષે કૉંગ્રેસ જેટલી બેઠકો પરથી લડતી તેટલી બેઠકો પરથી આજે નથી લડી રહી અને તેઓ સરકાર બનાવવા નીકળી પડ્યા છે."

આ ચૂંટણી નક્કી કરશે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા દેશમાં રાજ કરશે કે રાજદ્રોહની વાતો કરનારા.

મોદીએ એવું પણ કહ્યું કે કૉંગ્રેસને બોલવાનું ભાન નથી. કૉંગ્રેસ સપૂતોનાં શૌર્ય અને વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિનો વિરોધ કરે છે.

પુલવામા હુમલા અંગે વાત કરતા મોદીએ કહ્યું કે ઍરસ્ટ્રાઇક કરીને બધું જ સાફ કરી નાખ્યું.

મોદીએ કહ્યું, "કૉંગ્રેસ સૈનિકોની સુરક્ષાને દાવ પર લગાવવા માગે છે. બીજી તરફ આ ચોકીદાર આતંકવાદ અને નક્સલવાદ સામે સેનાને છૂટ આપે છે."

"મહામિલાવટ અને વંશવાદ ફરી પરત ના આવે તેનાથી ગુજરાતને બચાવવું પડશે."

પાણી મુદ્દે વાત કરતા મોદી બોલ્યા, "પાણી માટે અલગ મંત્રાલય બનાવવામાં આવશે. અમારી સરકારે કચ્છથી કાઠિયાવાડ સુધી પાણી લઈ ગઈ છે."

મોદીએ ભાષણના અંતમાં કહ્યું, "કૉંગ્રેસે 10 વર્ષમાં 25 લાખ ઘર બનાવ્યાં હતાં અને અમે પાંચ વર્ષમાં 1.5 કરોડ ઘર બનાવ્યાં."

અગાઉ નરેન્દ્ર મોદીએ જૂનાગઢમાં પણ સભા સંબોધી હતી.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં

ઇમેજ સ્રોત, Ani

માલેગાંવ બ્લાસ્ટ કેસ થકી વિવાદમાં આવેલાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયાં છે. તેઓ ચૂંટણી પણ લડવાનાં છે. ભાજપમાં જોડાવાની જાહેરાત સાથે તેમણે કહ્યું કે હું ભાજપમાં જોડાઈ છું. હું ચૂંટણી પણ લડીશ અને જીતીશ પણ ખરી.

સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર મધ્ય પ્રદેશના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલાં છે.

2008માં થયેલા માલેગાંવ બૉમ્બ વિસ્ફોટમાં તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું.

ભાજપમાં જોડાયાં અગાઉ તેઓ એવું કહી ચૂક્યા છે કે તેઓ જો તક મળશે તો કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે ચૂંટણી લડશે. જોકે, આવી તેઓ ભોપાલથી લડશે એવી કોઈ જાહેરાત ભાજપ તરફથી હજી સુધી થઈ નથી.

ગુજરાતમાં વરસાદી તોફાનમાં મૃત્યુ પામનાર લોકોને 2 લાખની સહાય

મંગળવારે ગુજરાતના કેટલાક પ્રાંતોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે આ વરસાદી તોફાનમાં નવ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે, સાથે-સાથે 14 જેટલાં પશુઓનાં પણ મૃત્યુ થયાં છે અને પાકને પણ નુકસાન થયું છે.

વડા પ્રધાને મૃતકો માટે 2 લાખ અને ઈજાગ્રસ્તો માટે 50 હજારની સહાયની જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડ્યો હતો.

ગાંધીનગરથી કાર્યરત સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, મોરબી, સાબરકાંઠા અને મહેસાણામાં નવ લોકો મૃત્યુ પામ્યાં છે.

હવામાનમાં પલટો આવતાં રાજ્યભરમાં તાપમાનમાં ઘટાળો નોંધાયો હતો.

હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.

ડીએમકે નેતા કનિમોઝીના ઘર પર ITનો છાપો, કંઈ ન મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images

તામિલનાડુમાં 'કૅશ ફોર વોટ' રૅકેટના આરોપો વચ્ચે ઇન્કમટૅક્સ વિભાગના અધિકારીઓએ મંગળવારે સાંજે ડીએમકે નેતા કનિમોઝીના ઘર પર છાપો માર્યો હતો.

'એનડીટીવી ઇંડિયા'ની વેબસાઇટ પ્રમાણે આઈટી વિભાગને માહિતી મળી હતી કે ત્યાં બહુ મોટા પ્રમાણમાં રોકડા પૈસા છુપાવી રાખ્યા છે.

કનિમોઝી ડીએમકે પ્રમુખ એમકે સ્ટાલિનનાં બહેન છે અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર પણ છે.

આઈટી સૂત્રોના હવાલાથી અહેવાલમાં નોંધ્યું છે કે છાપો માર્યા બાદ કોઈ કેસ નોંધાયો નથી અને 'ખોટી ટિપ મળી' હોવાનું પણ જણાવ્યું છે.

એમકે સ્ટાલિને આરોપ લગાવ્યો છે કે નરેન્દ્ર મોદી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે આઈટી, સીબીઆઈ, ન્યાયતંત્ર અને હવે ચૂંટણીપંચનો ઉપયોગ કરી રહ્યા છે.

મોદીએ મતદાનમથકમાં કૅમેરા મૂક્યા છે, તેઓ જુએ છે: ભાજપના MLA

ઇમેજ સ્રોત, Ani

દાહોદના ફેતહપુરાથી ભાજપના ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ પ્રમાણે ધારાસભ્યએ મતદારોને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાનમથકોમાં કૅમેરા મૂક્યા છે, તેઓ જોઈ રહ્યા છે કે કોણ ભાજપને મત આપે છે અને કોણ કૉંગ્રેસને મત આપે છે.

ધારાસભ્ય વીડિયોમાં એવું પણ કહે છે કે વડા પ્રદાને ચેતવણી આપી છે કે જે વિસ્તારો ભાજપને મત નહીં આપે એ વિસ્તારોને ઓછી ગ્રાન્ટ મળશે.

જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ધારાસભ્યને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

નીરવ મોદી મામલામાં ઈડીના સ્પેશિયલ ડિરેક્ટર વિનીત અગ્રવાલને હટાવાયા

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે નીરવ મોદીના કેસમાં તપાસ કરી રહેલા અધિકારીને રિલીવ કરનાર આઈપીએસ અધિકારી અને ઈડીના સ્પેશિયલ ડિરેક્ટર વિનીત અગ્રવાલને સરકારે પદ પરથી હટાવી દીધા છે.

ઈડી જોઇન્ટ ડિરેક્ટર સત્યબ્રત કુમાર 29 માર્ચના રોજ નીરવ મોદીના કેસમાં સુનાવણી માટે લંડનમાં હાજર હતા, એ વખતે અગ્રવાલે તેમની બદલીનો વિવાદસ્પદ ઑર્ડર આપ્યો હતો.

થોડા જ કલાકોમાં ઈડી ડિરેક્ટર સંજય મિશ્રાએ બદલીનો ઑર્ડર પરત ખેંચી લીધો હતો અને કહ્યું હતું કે જોઇન્ટ ડિરેક્ટર વિરુદ્ધ પગલાં લેવા માટે અગ્રવાલ પાસે અધિકાર નથી.

મંગળવારે અગ્રવાલને સ્પેશિયલ ડિરેક્ટર પદ પરથી દૂર કરવાનો ઑર્ડર આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો