ઈવીએમ 'હૅક' કરનારા એ હરિપ્રસાદ જેમને ચૂંટણીપંચ મળવા માગતું નથી

  • બી. સતીશ
  • બીબીસી તેલુગુ સંવાદદાતા
હરિપ્રસાદ

ઇમેજ સ્રોત, INDIAEVM.ORG

વેમુરુ હરિપ્રસાદ આંધ્ર પ્રદેશ સરકારમાં ટૅકનિકલ સલાહકાર છે. એ સિવાય તેઓ નેટ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર પણ છે.

વર્ષ 2010માં હરિપ્રસાદ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમના પર કથિત રીતે ઈવીએમ સાથે છેડછાડ કરવાનો અને ઈવીએમ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો. હવે તેઓ તેલુગુ દેશમ પાર્ટી સાથે જોડાયા છે.

તેલુગુ દેશમ પાર્ટીએ ભારતીય ચૂંટણીપંચને પ્રસ્તાવિત ટીમનાં નામો સોંપ્યાં છે જેમાં હરિપ્રસાદનું પણ નામ છે, જોકે તેમની હાજરી અંગે ચૂંટણીપંચે વાંધો ઉઠાવ્યો છે.

હરિપ્રસાદ કહે છે, "કોઈ પણ ઇલેક્ટ્રૉનિક ઉપકરણ સાથે છેડછાડ કરી શકાય છે. એની માટે એક રસીદ હોવી જોઈએ. જેનાથી ખરાઈ કરી શકાય કે તેનો દુરુપયોગ નથી થયો."

હરિપ્રસાદ 2009થી ઈવીએમના મુદ્દે સક્રીય છે. તેઓ ઇલેક્શન વૉચના સંયોજક વી. વી. રાવને ટેકનિકલ સહાય પણ કરી ચૂક્યા છે. રાવે ઈવીએમ અંગે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા છે.

ચૂંટણીપંચે સપ્ટેમ્બર 2009માં ઈવીએમ હૅક કરવા માટે તેમને બોલાવ્યા હતા, પણ ચૂંટણીપંચે હરિપ્રસાદ અને તેમની ટીમને તેમનું કામ પૂરું થાય એ પહેલાં જ અટકાવી દીધા.

ત્યારબાદ ચૂંટણીપંચે કહ્યું કે હરિપ્રસાદની ટીમ ઈવીએમ હૅક ન કરી શકી.

ઇમેજ સ્રોત, Getty Images

હરિપ્રસાદનું કહેવું હતું કે આયોગે તેમને તેમનું કામ પૂરું કરવા નહોતું દીધું. તેમણે સમગ્ર ઘટનાક્રમનો વીડિયો જાહેર કરવાની માગ પણ કરી હતી.

વી. વી. રાવ કહે છે, "અમારા કામમાં વિઘ્ન ઊભું કરવા ભારતીય ચૂંટણીપંચ એવી પાયાવિહોણી દલીલ લઈને આવ્યું હતું કે ઈવીએમ ખોલવાથી ઈસીઆઈએલના પેટંટનું ઉલ્લંઘન થશે."

વર્ષ 2010માં મહારાષ્ટ્રથી ઈવીએમ ચોરી કરવાના આરોપમાં હરિપ્રસાદની ધરપકડ કરાઈ હતી. 29 એપ્રિલ, 2010ના રોજ ઈવીએમને કઈ રીતે હૅક કરી શકાય એ અંગે હરિપ્રસાદ એક તેલુગુ ચેનલ પર લાઈવ સમજાવી રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

જે ઈવીએમ પર હરિપ્રસાદ આ ડેમૉ રજૂ રહ્યા હતા એનો મહારાષ્ટ્રની ચૂંટણીમાં ઉપયોગ કરાયો હતો.

12 મે, 2010ના રોજ મહારાષ્ટ્રના ચૂંટણીપંચે આ અંગે રાજ્યની પોલીસને ફરિયાદ કરી હતી અને હરિપ્રસાદની ધરપકડ કરાઈ હતી.

આ સમગ્ર ઘટનાક્રમને યાદ કરતા રાવ કહે છે, "2009માં ઈવીએમ સંલગ્ન 50 પ્રશ્નો સાથે ચૂંટણીપંચનો સંપર્ક કર્યો હતો. તેમના તરફથી કોઈ જવાબ ન મળતા અમે સુપ્રીમના દરવાજા ખખડાવ્યા હતા."

"ઈવીએમ અંગેની પ્રથમ અરજી દરમિયાન હરિપ્રસાદે અમને ટૅકનિકલ મદદ કરી."

"કેટલાક અન્ય વિદેશી તજજ્ઞોએ હરિપ્રસાદ સાથે કામ કર્યું છે. એક તેલુગુ ચૅનલ પર ઈવીએમ કેવી રીતે હૅક કરી શકાય, એ અંગે તેઓ લાઇવ સમજાવી રહ્યા હતા."

ઇમેજ સ્રોત, Getty Images

રાવે કહ્યું, "આ ઈવીએમ મહારાષ્ટ્રની એક વ્યક્તિની મદદથી પ્રાપ્ત થયું હતું. બાદમાં આ જ મામલે હરિપ્રસાદની ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેઓ તેલુગુ દેશમ પાર્ટીની નજીક આવ્યા."

વર્ષ 2010માં આ મુદ્દે સૅન ફ્રાંસિસ્કોની સંસ્થા ઇલેક્ટ્રૉનિક ફ્રંટિયર ફાઉન્ડેશને હરિપ્રસાદને 'પાયોનિયર પુરસ્કાર'થી સન્માનિત કર્યા હતા.

મિશિગન વિશ્વવિદ્યાલયના ત્રણ પ્રતિનિધિઓ, હરિપ્રસાદ સહિત નેટ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડના ચાર પ્રતિનિધિઓ અને નેધરલૅન્ડના એક પ્રતિનિધિને આ પુરસ્કાર આપવામાં આવ્યો.

2010માં તેમણે અમેરિકામાં આયોજિત કૉમ્પ્યુટિંગ મશીનરી સંમેલનના 17માં ઍસોસિએશનમાં 'ભારતના ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનોનું સુરક્ષા વિશ્લેષણ' વિષય પર એક પેપર પ્રકાશિત કર્યું હતું.

હરિપ્રસાદે તેમના લિંક્ડઇન એકાઉન્ટ પર ઈવીએમ મુદ્દે પોતાનો બચાવ કર્યો હતો.

તેમણે લખ્યું, "મેં સુરક્ષાના કારણોસર ઈવીએમનું પહેલું સ્વતંત્ર ઑડિટ કર્યું છે. એ માટે મને જેલમાં મોકલાયો. મારા વિરુદ્ધ તપાસ કરવામાં આવી. જે લોકો મારી સાથે છે, તેઓને બચાવી શકાય એ માટે મેં એકલાએ બધુ સહન કરી લીધું."

તેમણે એવું પણ લખ્યું કે ઈવીએમ મુદ્દે એક વર્ષ સુધી ચૂંટણીપંચ સામે રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો.

હાલમાં હરિપ્રાસદ આંધ્ર પ્રદેશની સરકારમાં વિવિધ ટૅકનિકલ પહેલ પર કામ કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, FACEBOOK/HARI PRASAD VEMURU

ઇમેજ કૅપ્શન,

વેમુરુ હરિપ્રસાદ

તેઓ આંધ્ર પ્રદેશ ઈ-ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હતા અને આંધ્ર પ્રદેશની રિયલ-ટાઇમ ગવર્નન્સ કમિટીના ટેકનિકલ સલાહકાર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.

હવે તેઓ એપી ફાઇબર ગ્રિડ પરિયોજનાના પ્રભારી છે અને ફાઇબર ગ્રિડ સાથે આંધ્ર પ્રદેશમાં કનેક્ટિવિટીના કામની દેખરેખ કરે છે.

વિધાનસભામાં વાઈ. એસ. જગન મોહન રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે આંધ્ર પ્રદેશ સરકારે હરિપ્રસાદને 333 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અપાવ્યો.

જોકે, ચંદ્રબાબુ નાયડુએ આ આરોપોનું ખંડન કર્યું હતું.

તાજેતરમાં જ્યારે તેલુગુ દેશમ પાર્ટી પર મતદારોના ડેટાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો ત્યારે હરિપ્રસાદે ટેલિવિઝન સ્ટુડિયોમાં આયોજિત ચર્ચામાં સરકારનો બચાવ કર્યો હતો.

તેમના ભાઈ વેમુરુ રવિકુમાર તેલુગુ દેશમ પાર્ટીના એનઆરઆઈ મામલાના પ્રભારી છે.

તેઓ નેટ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડ ઉપરાંત સીથપલ્લી ગૅસ પાવર પ્રાઇવેટ લિમિટેડ, ફ્યૂચર સ્પેસ ઇંડિયા પ્રાઇવેટ લિમિટેડ, મૅક્સિમાઇઝર ટેકનૉલૉજી સૉલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટેકનૉલૉજી ટ્રાન્સ્પેરન્સી ફાઉન્ડેશનના નિદેશક મંડળના ભાગ પણ રહી ચૂક્યા છે.

તાજેતરમાં હરિપ્રસાદે ચૂંટણીપંચ પર પ્રશ્ન ઉઠાવતા ટ્વીટ કર્યું, "ચૂંટણીપંચના નિયમો પ્રમાણે વીવીપેટની ચિઠ્ઠી પારદર્શક ખાનામાં 7 સેકંડ સુધી દેખાવી જોઈએ. હકીકતમાં આ ચિઠ્ઠી માત્ર 3 સેકંડ સુધી જ દેખાય છે."

આ ટ્વીટ સાથે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો