હવે, ગુજરાતમાં ભાજપ-કૉંગ્રેસના ઝંઝાવાતી પ્રચારમાં 'અસલી ઝંઝાવાત' જોડાયો

  • ડૉ. ધીમંત પુરોહિત
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હવે વોટિંગ માત્ર પાંચ દિવસ દૂર છે અને પ્રચાર કરવાના માંડ ત્રણ દિવસ બચ્યા છે.

ત્યારે ટીવી ચેનલોની ભાષામાં કહીએ તો ભાજપ અને કૉંગ્રેસ 'એડી ચોટીનું જોર' લગાવી રહ્યાં છે.

આ ઝંઝાવાતી પ્રચારમાં કુદરતનો ઝંઝાવાત પણ જોડાયો છે.

મંગળવારે વાવાઝોડું, કમોસમી વરસાદ અને બરફના કરાને કારણે ગુજરાતમાં ખાસું નુકસાન થયું. નવ લોકોનાં મૃત્યુ થયાં.

હિંમતનગરમાં નરેન્દ્ર મોદીની સભાનો મંડપ પણ એક દિવસ પહેલાં વેરણછેરણ થઈ ગયો.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજો રાઉન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ચૂંટણીને કારણે મુખ્ય મંત્રી-પ્રધાનો પ્રચારમાં હતા અને આચારસંહિતાને કારણે અધિકારીઓ અને ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ પણ સુષુપ્ત અવસ્થામાં હતા.

ગુજરાતને હોનારત માટેની સહાય દેશના વડા પ્રધાન મોદી તરફથી પહેલાં મળી અને રાજ્યના સંવેદનશીલ મુખ્ય મંત્રી રુપાણીની સહાય બાદમાં.

ગુજરાતમાં મોદીનાં પ્રચારનો આ બીજો રાઉન્ડ છે.

ભાજપની સ્ટ્રૅટેજી મોદીની સભાઓ એ બેઠકો પર કરવાની છે, જ્યાં આ વખતે ભાજપની સ્થિતિ પ્રમાણમાં નાજુક છે.

પહેલાં રાઉન્ડમાં જૂનાગઢ, તો આ બીજા રાઉન્ડમાં બુધવારે હિંમતનગર-સાબરકાંઠા, સુરેન્દ્રનગર, વલ્લભવિદ્યાનગર-આણંદ અને ગુરુવારે અમરેલી.

હિંમતનગરની પહેલી સભામાં જ મોદીએ ચૂંટણીપ્રચારનો સૂર સૅટ કરી દીધો - 'રાષ્ટ્રવાદ વિરુદ્ધ રાષ્ટ્રદ્રોહ' અને 'ટુકડે-ટુકડે ગૅંગ વિરુદ્ધ એક ભારત શ્રેષ્ઠ ભારત.'

મોદી પોતે ઉત્તર ગુજરાતના છે, અહીંની બોલીમાં તેઓ અહીંના લોકો સાથે સહેલાઈથી જોડાઈ જાય છે અને લોકોને પણ પોતાની સાથે ઇમોશનલી કનેક્ટ કરી દે છે.

એમને માટે એ ગુજરાતની માટી, ગૌરવ, સરદાર પટેલ અને મોરારજી દેસાઈ, પોતાનાં 14 વર્ષનું શાસન અને પહેલાંની કૉંગ્રેસી સરકારો તરફથી ગુજરાતને થયેલા અન્યાયની પણ યાદ દેવડાવે છે.

મોદીએ આ ચૂંટણી પ્રચારમાં પહેલીવાર ગુજરાતનાં નકલી ઍનકાઉન્ટર કેસોમાં અમિત શાહ અને પોલીસ અધિકારીઓને થયેલી જેલ માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવી.

સાથોસાથ રાહુલ-સોનિયા ગાંધી પરિવારનું નામ લીધા વગર ચીમકી પણ આપી કે અત્યારે તેઓ જેલના દરવાજા સુધી તો લાવી દેવાયાં છે, ભાજપની સરકાર બનશે એટલે જેલની અંદર હશે.

કૉંગ્રેસ અને એના મૅનિફેસ્ટો કેન્દ્રિત

ઇમેજ સ્રોત, ANI

ઉરી અને પુલવામામાં આતંકી હુમલામાં માર્યા ગયેલા જવાનો અને સર્જિકલ સ્ટ્રાઇક-ઍર સ્ટ્રાઇકનાં નામે વોટ માગી શકાય કે નહીં એ વિવાદનો મુદ્દો છે.

આમ છતાં વડા પ્રધાને ફરી એકવાર ગુજરાતી મતદારો વચ્ચે આ વાતો ઉચ્ચારી જ નહીં, પણ આ વખતે ત્યાં સુધી કહી નાખ્યું કે 'મોદીએ ઍર સ્ટ્રાઈક કરી અને બધું સાફ કરી નાખ્યું.'

એ નોંધપાત્ર છે કે વડા પ્રધાનનું ભાષણ મોટા ભાગે કૉંગ્રેસ અને એના મૅનિફેસ્ટો કેન્દ્રિત છે.

હવે તો ઇમરાન ખાને મોદીને ખુલ્લેઆમ સમર્થન જાહેર કરી દીધું છે, છતાં, મોદીનાં ભાષણમાં પાકિસ્તાનને પણ સ્થાન છે.

મોદી કહે છે કે કૉંગ્રેસ એ ભાષા બોલે છે, જેને પાકિસ્તાની છાપાં, ટીવી અને સંસદની ચર્ચામાં સ્થાન મળે છે.

મોદીનું વર્ઝન 3.0

ઇમેજ સ્રોત, PTI

૨૦૧૯ના ચૂંટણીપ્રચારમાં આપણને જોવા મળતું મોદીનું આ વર્ઝન 3.0 છે.

જેમાં મોદી પોતે જ પોતાને એક સાવ નવો અને અનોખો ખિતાબ આપે છે - 'મજૂરિયો નંબર વન'.

2017માં ગુજરાત વિધાન સભાની ચૂંટણી પર આખા દેશની નજર હતી, તે વેળા પ્રચારમાં દેખાયું હતું મોદીનું વર્ઝન 2.0.

શરૂઆત તો ન્યૂ ઇન્ડિયાની તર્જ પર ન્યૂ ગુજરાત બનાવવાથી થઈ પણ બાદમાં ઘુડખર, જાતિવાદ અને કોમવાદ પર આખી ચૂંટણી જતી રહી.

વાત ચાલી કે મનમોહન સિંઘનાં બંગલે પાકિસ્તાની નેતાઓની બેઠક મળી અને એમાં અહમદ પટેલને ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવાની યોજના ચર્ચાઈ.

હા, પાકિસ્તાન હજુ પણ આ ચૂંટણીમાં મુદ્દો છે, જોકે, હવે તો પાકિસ્તાને જ પાટલી બદલી નાખી છે.

મોદીનું વર્ઝન 1.0 આપણને 2014નાં લોકસભા ચુંટણીપ્રચારમાં જોવા મળ્યું, જેમાં મોદીના મુખ્ય મુદ્દા હતા, ચા-વાળો, અચ્છે દિન, ગુજરાતનાં વિકાસ મૉડલનો દેશમાં અમલ, દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગારી, વિદેશથી કાળું નાણું પરત લાવવું અને દરેક દેશવાસીનાં ખાતામાં 15 લાખ જમા કરવા.

2019માં, હવે ચાવાળો ચોકીદાર બન્યો છે. બાકીનાં મુદ્દાની તો આજે કોઈ ચર્ચા જ નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો