અમિત શાહને ગાંધીનગર બેઠક જીતવા માટે નરેન્દ્ર મોદીની જરૂર નથી?

  • મહેઝબીન સૈયદ
  • બીબીસી ગુજરાતી
નરેન્દ્ર મોદી અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીનગર લોકસભા બેઠક ગુજરાતની સૌથી મહત્ત્વપૂર્ણ અને વીઆઈપી બેઠકોમાંથી એક છે. એ ન માત્ર રાજ્યની રાજધાની પણ ભારતીય જનતા પક્ષનો ગઢ પણ છે, જેના પર છેલ્લાં 30 વર્ષથી ભાજપનો કબજો છે.

અહીંથી છ વખત ચૂંટણી જીતનારા અને પાર્ટીના સંસ્થાપક સભ્ય રહી ચૂકેલા લાલકૃષ્ણ અડવાણીને બદલે ભાજપે આ વખતે પોતાના અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે.

17મી લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં ભાજપ દ્વારા કરાઈ રહેલા પ્રચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી બે વખત ગુજરાત આવી ચૂક્યા છે. જોકે, આ બેમાંથી એક પણ વખત તેમણે ગાંધીનગરની મુલાકાત લીધી નથી.

અમિત શાહે જ્યારે ગાંધીનગરથી પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે પણ તેમની સાથે રાજનાથ સિંહ, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે જેવા નેતાઓ હાજર રહ્યા હતા. પણ નરેન્દ્ર મોદીની ગેરહાજરી વર્તાઈ હતી.

અમિત શાહના રોડ શોમાં પણ નરેન્દ્ર મોદીની કોઈ ભૂમિકા જોવા ન મળી. તેવામાં સવાલ થાય છે કે જ્યારે સમગ્ર દેશમાં ભાજપ નરેન્દ્ર મોદીને ચહેરો બનાવી ચૂંટણીપ્રચાર કરી રહ્યો છે, ત્યારે ગુજરાતની રાજધાનીમાં તેમની ગેરહાજરી કેમ વર્તાઈ રહી છે?

તમે આ વાંચ્યું કે નહીં?

અમિત શાહને નરેન્દ્ર મોદીના પ્રચારની જરૂર નથી?

ઇમેજ સ્રોત, Getty Images

આ મામલે જ્યારે બીબીસી ગુજરાતીએ વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે "ગાંધીનગરની બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક છે કે જ્યાં કોઈ પ્રચાર ન કરે તો પણ તેમને જીત મળી શકે છે."

"આ સિવાય અમિત શાહ પોતે એટલા કદાવર નેતા છે કે તેમણે કોઈ પાસે પ્રચાર કરાવવાની જરૂર જ નથી."

આ જ વાત સાથે રાજકીય વિશ્લેષક અજય ઉમટ પણ સહમતી ધરાવે છે. તેમનું પણ માનવું છે કે ગાંધીનગર બેઠક ભાજપની સૌથી સુરક્ષિત બેઠક છે.

ઇમેજ સ્રોત, Getty Images

તેઓ કહે છે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી તે જ બેઠકો પર ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે જે ભાજપ માટે પડકાર સમાન છે. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરત, નવસારી, વડોદરા જેવી બેઠકો ભાજપના ગઢ સમાન છે જ્યાં વડા પ્રધાને પ્રચાર કરવાની જરૂર નથી."

"અહીં 5 લાખથી વધારે લીડ કેવી રીતે મેળવી શકાય એના પર અમિત શાહ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે."

તેઓ ઉમેરે છે, "1990 બાદથી સરખેજ વિધાનસભા હોય કે નારણપુરા વિધાનસભા, ગાંધીનગરથી લાલકૃષ્ણ અડવાણી હોય કે અટલ બિહારી વાજપેયી, દરેક પરિસ્થિતિમાં ચૂંટણીપ્રભારી અમિત શાહ જ રહ્યા છે. એટલે આ તેમને જાણીતો મતવિસ્તાર છે અને તેમને ચિંતા કરવાની જરૂર નથી."

આ મુદ્દે જ વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "જે બેઠક ભાજપ માટે સુરક્ષિત હોય ત્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ચૂંટણીપ્રચાર ન કરાવાય અને જ્યાં કૉંગ્રેસ તરફથી સીધો પડકાર મળી રહ્યો હોય ત્યાં ચૂંટણીપ્રચાર કરાવાય તો એનો ફાયદો થાય એ સીધું ગણિત છે."

"તેનાથી જે બેઠકો અસુરક્ષિત છે તેને તો ફાયદો થશે જ, પણ સાથે સાથે આજુબાજુની બેઠકો પર પણ સારી એવી અસર થશે."

અમિત શાહની શું વ્યૂહરચના હશે?

ઇમેજ સ્રોત, Getty Images

લાલકૃષ્ણ અડવાણી જ્યારે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડતા હતા ત્યારે તેમને મોટા અંતરથી જીત મળતી હતી.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો 16મી લોકસભાની ચૂંટણીમાં લાલકૃષ્ણ અડવાણીએ 4.83 લાખ મતના સૌથી વધારે અંતરથી જીત મેળવી હતી. જ્યારે 2009ની લોકસભા ચૂંટણીમાં તેમને ખૂબ ઓછા અંતર એટલે કે 1.21 લાખ મતથી જીત મળી હતી.

તેવામાં હવે અમિત શાહ સામે પડકાર છે આ માર્જિનને જાળવી રાખવી અથવા તો તેના કરતાં પણ વધારે મત મેળવવા. પરંતુ કઈ રીતે?

જગદીશ આચાર્ય પોતાની વાત આગળ વધારતા જણાવે છે, "ગાંધીનગર અને અમદાવાદ એવા જિલ્લા છે કે જ્યાં હિંદુવાદ અને હિંદુત્વનું મોજું સૌથી વધારે પ્રબળ છે અને આ લાગણી જાણ્યે અજાણ્યે સતત કામ કરી રહી છે. તેનો ઉપયોગ અમિત શાહ કરી શકે છે."

તો અજય ઉમટ ઉમેરે છે કે "અમિત શાહે અત્યાર સુધી ઘણા રોડ શો કરીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો છે. તેમાં તેમણે સરખેજ, વેજલપુર જેવા મતવિસ્તારોથી માંડીને કડી, કલોલ સુધી આવરી લીધા હતા."

"આ સિવાય અમિત શાહે મોડી રાત સુધી ગ્રૂપ મિટિંગ કરીને તમામ સમુદાયો સાથે સંપર્ક કરી રિવ્યૂ લેવાના પ્રયાસ કર્યા છે."

ગાંધીનગર બેઠક વિશે

ઇમેજ સ્રોત, Getty Images

વર્ષ 2008નાં સીમાંકન બાદ ગાંધીનગર લોકસભા બેઠક 82% શહેરી અને 18% ગ્રામીણ બની ગઈ છે.

ગાંધીનગર મતવિસ્તારમાં ઉત્તર ગાંધીનગર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી બેઠકોનો સમાવેશ થાય છે.

ઉત્તર ગાંધીનગર સિવાય બધી જ બેઠકો પર ભાજપનો દબદબો છે.

અમિત શાહે પોતાની કારકિર્દીની શરુઆત પણ આ જ મતવિસ્તારથી કરી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો વસવાટ વધારે છે. અહીં શિડ્યુલ્ડ કાસ્ટ સાથે સંબંધ ધરાવતા મતદાતાઓની સંખ્યા 11-13% છે. જ્યારે પાટાદીર મતદારોની સંખ્યા 13% છે.

ગાંધીનગર મતવિસ્તારમાં ઠાકોરની વસતિ આશરે 11% છે.

લોકસભાની બેઠકમાં સમાવિષ્ટ વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં 40% મુસ્લિમ વસતિ છે. અહીં લગભગ 3 લાખ મુસ્લિમો રહે છે.

ગાંધીનગર લોકસભા બેઠકની અંતર્ગતની વેજલપુર અને ઘાટલોડિયા વિધાનસભાના ક્ષેત્રો સૌથી વધુ વસતિ ધરાવે છે. વેજલપુરમાં આશરે 3 લાખ મતદારો છે જ્યારે ઘાટલોડિયામાં 3.52 લાખ મતદારો છે.

ભાજપને સૌથી વધારે લીડ આપનારા મતવિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images

2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો બે મતવિસ્તાર કલોલ અને ઉત્તર ગાંધીનગર સિવાય દરેક વિસ્તાર ઘાટલોડિયા, વેજલપુર, સાણંદ, નારણપુરા અને સાબરમતીમાં ભાજપને લીડ મળી હતી.

તેવામાં હવે એ જોવાનું રહેશે કે અમિત શાહ આ મતવિસ્તારમાં કેટલો વોટશૅર વધારી શકશે.

અજય ઉમટ આ મામલે કહે છે, "વેજલપુર, સાબરમતી, ઘાટલોડિયા જેવા તમામ મતવિસ્તાર એવા છે કે જે ભાજપને ઓછામાં ઓછી સવા લાખથી દોઢ લાખ સુધીની લીડ આપે છે."

"આ તમામ મત વિસ્તારમાં ભાજપનું સંગઠન, બૂથ મૅનેજમૅન્ટ વગેરે ખૂબ ચોક્કસ હોય છે. આ બધું ધ્યાનમાં રાખીને એ કહી શકાય છે કે અમિત શાહ લાલકૃષ્ણ અડવાણી કરતાં પણ વધારે લીડ મેળવી શકશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો