નીતિન પટેલ ફક્ત મહેસાણા મોરચાના સેનાપતિ કેમ બની ગયા છે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
નીતિન પટેલની તસવીર

ઇમેજ સ્રોત, Facebook/NitinPatel

ઇમેજ કૅપ્શન,

મહેસાણાની લડાઈ નીતિન પટેલ માટે નિર્ણાયક

ગુજરાતની કઈ બેઠક ઉપર રસાકસી જોવા મળશે એની યાદી જોવામાં આવે તો મહેસાણા ટોચ પર આવે.

પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર, નારાજ નીતિન પટેલ અને ભાજપની આંતરિક જૂથબંધી સહિતનાં પરિબળો આ બેઠક પરના જંગને વધુ રસપ્રદ બનાવે છે.

પાટીદાર પરીબળને ધ્યાને લેતા ભાજપ અને કૉંગ્રેસ બંનેએ પટેલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

2થી 282 બેઠક સુધીની ભાજપની સફરમાં મહેસાણાનું સ્થાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે.

1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણાની બેઠક સમાવિષ્ટ હતી.

પટેલ વિરુદ્ધ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપે મહેસાણાની બેઠક ઉપરથી શારદાબહેન પટેલને ટિકિટ આપી છે. તેમના પતિ અનિલભાઈ પટેલના મૃત્યુ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો હતો અને તેમની સાથેની જૂની તસવીર શૅર કરી હતી.

અનિલભાઈ પટેલે મહેસાણા અર્બન કો-ઑપરેટિવ બૅન્ક, ગણપત યુનિવર્સિટી, ઉમિયા માતા સંસ્થાનના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

ભાજપની આંતરિક જૂથબંધીની વચ્ચે શારદાબહેન પટેલની ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો. તેઓ પાટીદાર સમાજને લગતી અલગ-અલગ સેવાસંસ્થાઓ સાથે જોડાયેલાં છે.

ભાજપ અને કૉંગ્રેસનાં મહિલા ઉમેદવારોની યાદીમાં શારદાબહેન સૌથી વધુ મિલકત ધરાવનારાં ઉમેદવાર છે.

તેમણે રૂ. 37 કરોડ 47 લાખની સંપત્તિ જાહેર કરી છે, જ્યારે આવક રૂ. 9 લાખ 43 હજારની દર્શાવી છે.

કૉંગ્રેસે આ બેઠક ઉપરથી એ. જે. પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તેઓ '84 ગામ પાટીદાર સંસ્થા'ના સ્થાપક છે, જે પાટીદાર સમાજની પ્રભાવશાળી સંસ્થા છે. આ સિવાય તેઓ સિકોતર માતા સેવા ટ્રસ્ટ અને ગુજરાત અંબુજા બૅન્ક લિમિટેડ સાથે સંકળાયેલા છે.

અભ્યાસે મિકૅનિકલ એન્જિનિયર પટેલ નિવૃત્ત સરકારી અધિકારી છે અને તેમણે અલગ-અલગ વિભાગોમાં કામ કર્યું હતું.

વરિષ્ઠ પત્રકાર કાના બાંટવા કહે છે, "નીતિન પટેલને 'વન સીટ મિશન' ઉપર લગાડવામાં આવ્યા છે. પટેલ મહેસાણાને સારી રીતે સમજે છે, એટલે તેમને આ બેઠક જીતવાનું મિશન સોંપવામાં આવ્યું છે."

આ વિશે વધુ વાંચો

નીતિન પટેલ ફૅક્ટર

ઇમેજ સ્રોત, Facebook/NitinPatel

ઇમેજ કૅપ્શન,

મહેસાણાની લડાઈ નીતિન પટેલ માટે નિર્ણાયક

ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઇચ્છતું હતું કે આ બેઠક ઉપરથી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ચૂંટણી લડે. આ માટે ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરે તેમને મનાવવાના પ્રયાસ પણ કર્યા હતા, જોકે તેઓ તૈયાર થયા ન હતા.

વરિષ્ઠ પત્રકાર અજય નાયક કહે છે, "પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપ અને પટેલ સમાજની વચ્ચે તિરાડ પડી છે. મૂળ રાજકોટના વિજય રૂપાણીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં અને નીતિન પટેલને ઉત્તર ગુજરાતમાં નુકસાન અટકાવવાની જવાબદારી સોંપવામાં આવી છે."

"બંને નેતામાંથી જે જેટલું નુકસાન અટકાવી શકશે, એટલા પ્રમાણમાં કદ વધશે."

નાયક ઉમેરે છે કે 'આ બેઠક ઉપર સ્થાનિક કરતાં રાષ્ટ્રીય મુદ્દા વધુ ભાગ ભજવે છે.'

મહેસાણા લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠક વિસ્તાર આવે છે. આ બેઠક ઉપર 7,76,847 પુરુષ અને 7,20,043 મહિલા મતદાર છે.

આશા પટેલ પરિબળ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મહેસાણા પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર હતું

લોકસભાની ચૂંટણી સાથે ઊંઝાની વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાશે. ભાજપે આ બેઠક ઉપરથી આશા પટેલને ઉમેદવાર બનાવ્યાં છે.

તેઓ કૉંગ્રેસનાં ધારાસભ્ય હતાં અને રાજીનામું આપીને ભાજપમાં જોડાયાં હતાં.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમના આગમનને પગલે વરિષ્ઠ નેતા નારણ પટેલનું જૂથ નારાજ થયું હતું અને ઓમ માથુરને રજૂઆત કરી હતી.

પરંપરાગત રીતે ઊંઝા બેઠક ઉપરથી ભાજપને સૌથી વધુ લીડ મળતી રહી છે.

ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલાને મહેસાણાથી ઉતારીને નારાજ જૂથોને મનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

બીજી બાજુ, મહેસાણા અને પાટણના લગભગ છ લાખ દૂધઉત્પાદકો ઉપર પ્રભુત્વ ધરાવતી દૂધસાગર ડેરીએ ભાજપને મતદાન કરવા સભ્યોને આહ્વાન કર્યું છે.

પ્રતીકાત્મક મહત્ત્વ

ઇમેજ સ્રોત, Twitter/ShardabenPatel

ઇમેજ કૅપ્શન,

શારદાબહેનના પતિ અનિલ પટેલ મોદી સરકારમાં પ્રધાન હતા

1984માં ભાજપે બે બેઠક ઉપરથી શરૂઆત કરી હતી, જેમાં મહેસાણાની બેઠક ઉપરથી ડૉ. એ. કે. પટેલ વિજયી થયા હતા. વર્ષ 1984થી 1998 દરમિયાન પાંચ વખત ડૉ. પટેલ આ બેઠક ઉપરથી વિજયી થયા.

1999માં મૂળ ભાજપના આત્મારામ પટેલે કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટણી લડી અને ડૉ. પટેલને પરાજય આપ્યો. 2004માં જીવાભાઈ પટેલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને પરાજય આપ્યો હતો.

2009 અને 2014માં જયશ્રીબહેન પટેલ ભાજપની ટિકિટ ઉપર ચૂંટાયાં હતાં.

આમ 1984થી માત્ર બે વખત ભાજપનો પરાજય થયો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો