લોકસભા ચૂંટણીમાં કેવી રીતે કરશો મતદાન, જાણો સરળ સ્ટેપ્સમાં?

લોકસભા ચૂંટણીમાં અનેક નવા મતદારો મતદાન કરવા માટે જશે. દેશભરમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે.

જેમાં તમામ મતદાન મથક પર ઈવીએમ દ્વારા મતદાન થશે. જોકે, પ્રથમ વખત મતદાન કરવા જતા લોકો માટે મતદાન કેવી રીતે કરવું તે કદાચ મૂંઝવણનો પ્રશ્ન બની શકે છે.

આ વીડિયોમાં મતદાનની સમગ્ર પ્રક્રિયાને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મતદાનનો પ્રયોગ કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા રંગીન ફોટો આઈડી કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે.

જેના વિકલ્પરૂપે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના કર્મચારી તરીકેનું ઓળખપત્ર, બૅન્ક કે પોસ્ટઑફિસની ફોટોગ્રાફવાળી પાસબુક, પાનકાર્ડ, આધારકાર્ડ, ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલાં સ્માર્ટકાર્ડ, મનરેગા જોબકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં હેલ્થ ઇન્સ્યૉરન્સ સ્માર્ટકાર્ડ, તથા તસવીર સાથેના પેન્શન કાગળની મદદથી વોટિંગ કરી શકાશે.

2019ની લોકસભા ચૂંટણીનું મતદાન કુલ સાત તબક્કામાં થવાનું છે. જેમાં ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થશે.

ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠક છે, જેમાં 20 બેઠકો બિનઅનામત છે, ચાર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ તથા બે બેઠકો શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત રાખવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી રહે.

નવસારી, અમરેલી, પોરબંદર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ ઇસ્ટ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ખેડા, પંચમહાલ, ભરૂચ, સુરત અને નવસારી બિનઅનામત બેઠક છે.

જ્યારે દાહોદ, બારડોલી, વલસાડ અને છોટાઉદેપુર બેઠકો શિડ્યુલ્ડ ટ્રાઇબ (ST) માટે અનામત રાખવામાં આવી છે.

અમદાવાદ વેસ્ટ અને કચ્છ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC) માટે અનામત રાખવામાં આવી છે.

ગુજરાતમાં 51709 મતદાન મથકો ઉપર 4.47 કરોડ મતદાતા મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો