નરેન્દ્ર મોદી પોતાને 'મજૂરિયો નંબર વન' કેમ ગણાવે છે?

  • ડૉ. ધીમંત પુરોહિત
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ચાની કિટલીની સવીર

ઇમેજ સ્રોત, Getty Images

જી હા, 'ચાવાળો' અને 'ચોકીદાર' પછી મોદીએ ગુજરાતની ચૂંટણીસભામાં પોતે જ પોતાને આપેલો આ ત્રીજો ખિતાબ છે - 'મજૂરિયો નંબર વન.'

જોકે, એક ફરક છે. ચાવાળો અને ચોકીદાર મોદીની મૌલિક શોધ છે, જ્યારે મજૂરિયો શબ્દ મોદીનો નથી, એની પાછળ પચીસ વર્ષ જૂનો ઇતિહાસ છે.

1996માં શંકરસિંહ વાઘેલાએ પહેલી વાર શિસ્તબદ્ધ અને કૅડર બેઝ ગણાતા ભાજપમાં બળવો કર્યો અને ભાજપના ધારાસભ્યોને વિમાનમાં ખજુરાહો લઈ ગયા.

શંકરસિંહ બાપુના સમર્થનમાં ખજુરાહો ગયેલા ધારાસભ્યો 'ખજુરિયા' કહેવાયા અને કેશુબાપાના સમર્થનમાં રહેલા ધારાસભ્યો 'હજૂરિયા' કહેવાયા.

પણ જેમને ન બાપુ મળ્યા, ન બાપા, જેમણે વર્ષો સુધી પક્ષમાં મજૂરી કરી પણ કઈ જ ન મળ્યું, એ ભાજપી કાર્યકરો 'મજૂરિયા' કહેવાયા.

ઇમેજ સ્રોત, ani

રસપ્રદ વાત એ છે કે મોદી આજે જે પણ છે એના મૂળમાં ભાજપનો ખજુરાહોકાંડ છે, જેને કારણે મોદીએ ગુજરાત છોડીને દિલ્હી જવું પડ્યું, પછી જે થયું તે ઇતિહાસ છે.

નવાઈની વાત એ છે કે આજે નિયતિએ મોદીને દેશનું સર્વોચ્ચ સ્થાન આપ્યું છે, છતાં મોદી પોતાને 'ચાવાળો', 'ચોકીદાર' અને હવે 'મજૂરિયો' નંબર વન શા માટે માને છે?

આ એક મોટો રાજકીય સવાલ છે અને એક મનોવૈજ્ઞાનિક કોયડો પણ.

ગુજરાતના પ્રચારના બીજા દિવસે મોદી સૌરાષ્ટ્રમાં અમરેલીમાં હતા, તો સાંજે રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં જ જૂનાગઢમાં. મોદી ઉત્તર ગુજરાતમાં ત્યાંની બોલી બોલે છે, તો સૌરાષ્ટ્રમાં ત્યાંની - "ખેલ ખેલાડીઓના, ઘોડા અસવારોના".

પાર્લમેન્ટના બૅકડ્રૉપવાળા મંચ પરથી તે કૉંગ્રેસના શાસનની યાદ અપાવતા કહે છે કે 55 વરસ એક પરિવારે એવું ઢીલું ઢીલું શાસન કર્યું કે કોઈને કલ્પના જ નહોતી કે દેશમાં કોઈ મર્દ આવીને શાસન કરી શકે.

મોદી પહેલાં કૉંગ્રેસ શાસનનાં 70 વર્ષ ગણાવતા, વચ્ચે 69 વર્ષ પણ બોલ્યા, હવે બરાબર 55 વર્ષ પર આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા માટે કૉંગ્રેસને જવાબદાર ઠેરવે છે.

સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની નારાજગી ભાજપ માટે મોટી ચિંતાનો વિષય છે.

મોદી વચન આપે છે કે એમની સરકાર આવશે તો 12 કરોડ ખેડૂતોનાં ખાતાંમાં વાર્ષિક 72 હજાર કરોડ આપવાની યોજનામાંથી પાંચ એકરની મર્યાદા દૂર કરીને દેશના બધા જ ખેડૂતોને એનો લાભ અપાશે.

મોદી ગુજરાતી હોવાના નાતે ગુજરાતી મતદારો પાસે 26માંથી 26 બેઠકો માગે છે.

કહે છે કે 'હું હોઈશ તો તમે દિલ્હી આવશો, ત્યારે પ્રધાનમંત્રી નિવાસમાં ચા પીવા આવી શકશો.'

મોદીની વાતમાં સરદાર અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી તો આવે જ, અને એ નિમિત્તે કૉંગ્રેસ અને નહેરુ પર હુમલા પણ આવે જ.

ઇમેજ સ્રોત, anI

ઇમેજ કૅપ્શન,

મોદીનું મુખ્ય નિશાન કૉંગ્રેસ પર

એ કહે છે કે કાશ્મીરની આ હાલત મેં નથી કરી, એ તો મને વારસામાં મળ્યું છે.

મેં તો કાશ્મીરના અઢી જિલ્લા પૂરતા આતંકવાદીઓને ઘેરી લીધા છે.

પોતાને સમર્થન કરનાર ઇમરાન ખાનને પણ મોદી નામ લીધા વગર અડફેટે લેતા કહે છેઃ

આ તો મોદી છે, એણે ઍરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનને રડતું કરી નાખ્યું. એક ફોન પર વાત કરવા આજીજી કરતું કરી નાખ્યું.

ફરી કૉંગ્રેસના ચૂંટણીઢંઢેરાનો ઉલ્લેખ કરીને મોદી એક કાંકરે ચાર પંખી તાકે છે- કૉંગ્રેસ, આતંકવાદ, સુરક્ષા અને હિંદુત્વ.

ઇમેજ સ્રોત, ani

એ કહે છે કે કૉંગ્રેસે એના મૅનિફેસ્ટોમાં કહ્યું છે કે એમની સરકાર આવશે તો કાશ્મીરમાંથી સેના હઠાવાશે.

જો કાશ્મીરમાંથી સેના હઠાવાશે તો ન અમરનાથ યાત્રા થઈ શકશે કે ન વૈષ્ણોદેવી યાત્રા.

મોદીના મતે, સેના પર પથ્થરમારો કરતા 'ટાબરિયાં' રાષ્ટ્રદ્રોહી છે, એમને એ કાયદા હેઠળ જ પકડવા પડે. કૉંગ્રેસ તો એ કાયદો જ કાઢી નાખવા માગે છે.

ગુજરાતમાં આ વખતે 26માંથી 26 બેઠકો મેળવવી ભાજપ માટે ખાંડાનો ખેલ છે.

એક અંદાજ મુજબ, જો સ્થાનિક મુદ્દા અસર કરે તો ભાજપને છથી આઠ બેઠકોનું નુકસાન જાય એમ છે અને જો રાષ્ટ્રીય મુદ્દા અને મોદીનો મુદ્દો ચાલે તો આ નુકસાન બે-એક બેઠકો પૂરતું સીમિત રહી શકે.

મોદીના રાષ્ટ્રવાદના રાગ પાછળનું એક મહત્ત્વનું કારણ આ પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો